Renuka Baldaniya

Romance Fantasy

4.2  

Renuka Baldaniya

Romance Fantasy

ક્ષિતિજ - ભાગ ૧

ક્ષિતિજ - ભાગ ૧

12 mins
208


“મેરી જિંદગી તેરે નામ હી હોગી, યે ઈરાદા નહીં, મેરા વાદા હૈ;

ચલો સાથ મિલકર ધીરે ધીરે સે ક્ષિતિજકી ઔર કદમ બઢાતે હૈ.”

          સાંજના સમયે અમદાવાદની સડકો પર સડસડાટ દોડી રહેલી કારમાં એક હેન્ડસમ ઉતાવળે ક્યાંક પહોંચવા માટે સમય સાથે ભાગી રહ્યો હતો.....દસેક મિનિટની સડસડાટ ડ્રાઈવિંગ પછી કાર એક બંગલા જેવા મકાનના ગેટ પાસે આવીને ઊભી રહી...જલ્દી...જલ્દી.. ઘરની અંદર જઈને બૂમ પાડી રહ્યો. "ઉત્તરા...ઉત્તરા....ચાલ જલ્દી આજે તો મોડું ના જ કરતી....આજે લાસ્ટ ડે છે, એન્ડ આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ મિ..." આકાશે હોલમાં સોફા પર બેસતા જ બૂમ પાડી. "હાં,જો પાંચ મિનિટ મમ્મી સાથે બેસ હું તૈયાર થઈ રહી છું...અકુ" ઉત્તરાએ રૂમમાં તૈયાર થતાં થતાં જવાબ આપ્યો. આકાશ થોડી વાર ઉત્તરાની મમ્મી નિર્મળા બેન સાથે વાત કરવા માંડ્યો, એમાંને એમાં અડધી કલાક જતી રહી...પણ ઉત્તરા હજૂ તૈયાર ના થઈ ! "અરે યાર, આજે આટલું મોડું કેમ કરે છે ? ?..તને ખબર તો છે, કે હું તારી રાહ નથી જોઈ શકતો." આકાશ નિર્મળાબેન સામે હસતા હસતાં બોલ્યો. "અરે બેટા, ઉત્તરા...આ જોને આકાશ ક્યારનો રાહ જુએ છે અને તું હજૂ તૈયાર થવામાં વાર લગાડે છે. "નિર્મળાબેનએ પણ આકાશનો સાથ આપતા કહ્યું.

         "આવું જ છું, બસ પાંચ મિનિટ વેઈટ...આટલી તો વાર લાગે જ ને તૈયાર થતાં, અને મમ્મી તમે પણ શું હંમેશા આકાશની જ તરફેણ કરતા રહો છો...આમાં જ એ બગડતો જાય છે."ઉત્તરા હજૂ પણ રૂમમાંથી જ જવાબ આપી રહી હતી. "આને તું પાંચ મિનિટ કહે છે !  ઓ મેડમ અડધી કલાકથી તારી મમ્મી સાથે વાતો કરું છું, અહીંયા બેસીને, અને તને લાગે છે, કે તારે પાંચ જ મિનિટ થઈ એમ ને..."આટલું બોલતા તો આકાશ છેક ઉત્તરાના રૂમ સુધી પહોંચી ગયો ! "આકાશ, રિલેક્ષ..આમ પણ પાર્ટી પ્લોટ ક્યાં ભાગી જાય છે, મને નિરાંતે તૈયાર થવા દેતો હોય તો."આકાશ ને પોતાના રૂમમાં આવતો જોઈ ને તેણી બોલી. "ઓહ..આટલી સુંદર તો દેખાય છે તું, આમાં ક્યાં તારે સહેજ પણ તૈયાર થવાની જરૂર છે ? "આકાશ ઉત્તરા સામે આંખ મિચકારતા બોલ્યો. "જા ને હવે..ખોટે ખોટા મસ્કા માર્યા કરે છે, "ઉતરા ખુશ થઈ ગઈ પણ એણે આકાશને દેખાવા ના દીધું.

           "હા..હા... ચલ હવે, એક કલાક તો મેકઅપ કરતા લાગે જ ને... ! હવે જલ્દી કર મોડું થાય છે, ત્યાં મારી ગર્લફ્રેન્ડ્સ વેઈટ કરતી હશે.."આકાશ ઉત્તરાનો હાથ પકડી રૂમની બહાર લઈ જતા બોલ્યો. "હા, ત્યાં તો જાણે આખી કોલેજની છોકરીઓ તારી જ રાહ જોતી ગેટ પાસે જ ઊભી હશે ને..."ઉત્તરા આકાશની છેલ્લી મેકઅપ વાળી કૉમેન્ટથી ચિડાઈને મોં મચકોડતા બોલી. આકાશ માત્ર હસીને ફટાફટ કાર તરફ આગળ ચાલ્યો. ઉત્તરા પણ જલ્દી ગાડીમાં ગોઠવાઈ ગઈ. આકાશે ગાડી પાર્ટી પ્લોટ તરફ આગળ ભગાવી...અહીં દરવાજે ઉભેલા નિર્મળા બેન આકાશને પોતાના ભાવિ જમાઈ બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા, અને બીજી બાજુ આકાશનાં ઘરનું વાતાવરણ અલગ જ હતું. "ક્યાં ગયા છે બધા. કોઈ અહીંયા હાજર પણ છે કે નહિ.."રાધિકા દવે... આકાશના મમ્મા..ઘરના ગેટ પર જ ગાડીમાંથી ઉતરતા સામે કોઈને આવેલા ન જોતા ગરમ થઈ ગયા. સામેથી એક નોકર દોડતો આવ્યો. "માફ કરશો મેડમ, પણ નાના સાહેબે અમને જાણ નહોતી કરી કે, તમે આવી રહ્યા છો."નોકર દિલગીરી સાથે બોલ્યો.

           "ક્યાં છે તમારા નાના સાહેબ ? "રાધિકાજી સીધા જ ઘરની અંદર ગયા.

"આકાશ..આકાશ.."રાધિકાજીએ ઘરમાં આકાશને ન જોતાં તરત જ બૂમાબૂમ કરી મૂકી ! "અરે, રાધિકાજી..આવી ગયા તમે ?" મિસ્ટર મોહન દવે....આકાશ ના ડેડી. ફોન સાઈડમાં મૂકીને ઊભાં થઈ રાધિકાજી તરફ વળ્યાં..."હા, હું આવી ગઈ...પણ આ તમારો નવાબી રાજકુમાર ક્યાં છે ? "રાધિકાજીએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું. "એ..એ તો પાર્ટીમાં ગયો છે એની ફ્રેન્ડ જોડે..."મિે.મોહને હળવેકથી જવાબ આપ્યો.

"જોયું, હું ઘરે ના હોવ એટલે સાહેબ નીકળી જ પડે અને કોની સાથે ગયો છે ? બધા જ નકામાં મિત્રો ભેગા કર્યા છે એણે.."રાધિકાજી ધુઆંપુંઆ થઈ ગયાં ! "રાધિકાજી આપનો લાડકો નવાબી રાજકુમાર ઉત્તરા સાથે કોલેજની પાર્ટીમાં ગયો છે. "મિ.મોહન ફરી પોતાની પોઝિશન લેતા નિરાંતે બોલ્યા..જાણે હમણાં રાધિકાજી શાંત થઈ જવાના હોય તેમ..... "ઉત્તરા.... ! ઓકે, ધેન ગુડ, ભલે ગયા બંને." રાધિકાજી પણ સોફા પર બેસી ગયા અને જાણે કૈંક સંતોષની લાગણી અનુભવી રહ્યા હતા.

         આકાશ એ રાધિકાજી અને મિ.મોહનનો એકમાત્ર લાડકો દીકરો.....મિ.મોહન ને મન આકાશ હંમેશા નાનો અને લાડકો જ રહ્યો અને રાધિકાજી માટે હંમેશા એક જવાબદાર અને સંપૂર્ણ વ્યક્તિ, કારણ કે, એ નહતાં ઈચ્છતા કે એમનું એકમાત્ર સંતાન જમાના સાથે લાડકોડમાં બગડી જાય, જ્યારે મિ.મોહનનું માનવું હતું કે જિંદગી એક વાર મળી હોય તો સરખી રીતે જીવી લેવાય...બાકી જવાબદારીઓ તો હંમેશા સાથે રહેવાની જ !! "હેય, આકાશ.... યુ આર સો લેટ" હજૂ તો આકાશ અને ઉત્તરા ગાડીમાંથી બહાર નીકળ્યા, ત્યાં જ એક સુંદર છોકરી આકાશ પાસે આવીને ઊભી રહી. "યેસ, આઈ નો. "આકાશ મુસ્કુરાતા ઉત્તરા સામે જોઈને બોલ્યો. મોં મચકોડતી ઉત્તરા ઝડપથી અંદર જતી રહી. આકાશ તરત જ તેણી પાછળ ગયો તેને મનાવવા ! રાજકુમારને જાણ હતી જ, કે ઉત્તરા રીસાવાની છે, એટલે એ મનાવવાની પૂર્વ તૈયારી સાથે જ આવ્યો હતો. એણે અંદર જઈને પાર્ટીની ભીડમાં ઉત્તરાને શોધી અને તેણીને સાઈડમાં લઈ ગયો. ઉત્તરા પણ મનોમન જાણતી જ હતી, કે હમણાં આકાશ મને મનાવશે જ.... ! એટલે જ તો એ વારે વારે અને વાતે વાતે રીસાતી હતી.

          "અરે, મારી બેસ્ટીને શું થયું ? "આકાશે ઉત્તરાનું ફૂલેલું મોં બંને હાથ વચ્ચે લેતા કહ્યું. "નથી બોલવું જા તારા સાથે."ઉત્તરા મોં ફેરવતા બોલી. "જો તો, આ ચોકલેટ્સ કોની પડી ગઈ છે ? "આકાશે ચોકલેટનું બોક્સ આગળ કરતા કહ્યું. "વાઉ...મારી ફેવરીટ કિટકેટ... ! તું શું હમેશા તારી ગાડી ચોકલેટના બોક્સથી ભરેલી જ રાખે છે મારા માટે ? "ઉત્તરા ખુશીથી ઉછળતી બોક્સ હાથમાં લઈ ને બોલી. "હા,તારા માટે તો રાખવી જ પડે ને !....નહિ તો તમે છોકરીઓ પાછી ક્યાં ચોક્લેટ્સ વિના માનો છો.... ! "આકાશ ટીખળ કરતા બોલ્યો. "તમે બંને એકલા અહીંયા શું કરો છો ? આ આપડી છેલ્લી પાર્ટી છે. જોઈન કરો હવે."એક ગ્રુપમાંથી પસાર થતી વખતે કોઈક બોલ્યું. "યેસ" અને બંને પાર્ટી એન્જોય કરવા લાગ્યા. પાર્ટી મોડી રાત સુધી ચાલી...બધા છેલ્લી વાર પોતાના કોલેજ ફ્રેન્ડસ સાથે એન્જોય કરી રહ્યા હતા, તો કોઈક છેલ્લી વાર પોતાની ચાહતને મળી રહ્યા હતા. બધા આ રાત અને પાર્ટીને ખૂબ જ યાદગાર બનાવવા માગતાં હતાં...બની શકે કોઈ ભૂલ પણ થાય, પરંતુ એની કોઈ ને પરવા નહોતી આજે.

           મળસ્કે લગભગ ચારેક વાગ્યે પાર્ટીમાંથી ઉત્તરા અને આકાશ ઘરે પહોંચ્યા. ઉત્તરાને એના ઘરે મૂકી અને આકાશ પોતાના ઘરે પહોંચ્યો...રાધિકાજીને જાણ ના થાય એ રીતે ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. આકાશને સવારે ઉઠવામાં મોડું થતાં રાધિકાજી હોલમાં જ આકાશની રાહ જોઈ રહ્યા હતા. મિ.મોહન પણ એ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે બંને માં દીકરાનો પ્રેમ એકબીજાની આમનેસામને આવશે. રાધિકાજી જરા વાર ઊભાં થઈને બહારની તરફ જોઈ રહ્યા, એટલામાં આકાશ પાછળથી આવ્યો અને રાધિકાજીને ભેટી પડ્યો. "મમ્મી... ! તમે આવી ગયા. ?" "હા, હું કાલે જ આવી ગઈ. "રાધિકાજી આકાશને અલગ કરતા બોલ્યા. "સોરી મમ્મા, મારે કાલે કોલેજ ફ્રેન્ડસ સાથે લાસ્ટ પાર્ટી હતી. અને ઉત્તરાને લઈને જવાનું હતું, એટલે હું વે'લા જ નીકળી ગયો હતો, અને તમે આવવાના છો એ હું થોડો ભૂલું !  "આકાશ બંને હાથથી પોતાના બંને કાન પકડીને રાધિકાજી સામે સ્માઈલ આપી બોલ્યો. "ઈટ્સ ઓકે, પણ હવેથી યાદ રાખજે કે, મારે ગમે ત્યાં જવાનું હોય હંમેશા તારે જ મને લેવા કે મૂકવાં આવવું પડશે. "રાધિકાજી આકાશ સામે હાથ લંબાવતા બોલ્યા. "ડન, પ્રોમિસ...હું જ હંમેશા તમને લેવા કે મૂકવાં આવીશ. "આકાશે રાધિકાજીના હાથ પર પોતાનો હાથ મૂકતા સ્મિત સાથે કહ્યું.

         "સારું, ચાલ હવે નાસ્તો કરી લે પછી એક અગત્યની વાત કરવી છે. "રાધિકાજી રસોડા તરફ વળતા આદેશના ભાવથી બોલ્યા. "જી."આકાશ માત્ર આટલું બોલીને મિ.મોહન તરફ ગયો. "પાપા, શું આદેશ હશે માતાશ્રીનો ? મને તો વિચાર પણ નથી આવતો કેમ કે, હજુ કોલેજ પૂરી થઈ એટલે હું વેકેશનના મૂડમાં છું...એમાં એ કંઈક વર્ક તો નહિ આપે ને ? "આકાશ અસમંજસમાં હતો, એને નાસ્તો પણ ભાવ્યો નહિ, એટલે ફટાફટ હોલમાં આવીને રાધિકાજીની સામે બેસી ગયો અને રાધિકાજીને વાત જણાવવા કહ્યું. "આકાશ, તારે વેકેશનનો કોઈ પ્લાન છે કે ? "રાધિકાજી એ વાત નો દોર હાથમાં લેતા પૂછ્યું. "હાં...ના...એમ તો કોઈ પ્લાન નથી, તમે જણાવોને કોઈ વર્ક છે કે મારા માટે ? "આકાશે પોતાનો કોઈ પ્લાન હોઈ તો પણ નથી જ ચાલવાનો એ જાણતો હોવાથી જ ના કહી !! "તો...મે અને તારા ડેડીએ નક્કી કર્યું છે, કે તારે દાદા દાદી પાસે જવાનું છે. "રાધિકાજીએ મિ.મોહન સામે જોઈને આકાશને કહ્યું. "બટ મમ્મા, મને ત્યાં ગામડે નહીં ફાવે..."આકાશે મદદની આશાથી એના પપ્પા સામે જોતા કહ્યું. "ના, જવું તો પડશે જ ને બેટા.... ! આમ પણ દાદા દાદી ઘણા ટાઈમથી તારી રાહ જુએ છે. "મિ.મોહને પણ આ વખતે મદદથી હાથ ઊંચા કરી દીધા !! "ઓહ...ઓકે જઈશ. "આકાશે નિરાશ વદને હા કહી અને રૂમમાં ચાલ્યો ગયો.

         એ સાંજ સુધી રૂમમાં જ રહ્યો, સાંજે જ્યારે ઉત્તરા એને મળવા આવી, ત્યારે તે તેણી સાથે બગીચામાં બેઠો. "અકુ...બધા જ ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે..."ઉત્તરાએ ખૂબ જ એક્સાઈટેડ થઈ ને કહ્યું ! "હમ્મ..."આકાશે ભાવવિહીન ચહેરે જવાબ આપ્યો. "હેય, શું થયું...તું આમ ઉદાસ કેમ છો ?... યુ નો આપણે સાથે જઈશું, કેટલી મજા આવશે બધા સાથે. "ઉત્તરાએ આકાશને હચમચાવી ને કહ્યું. "ના યાર, મારે નથી આવવાનું." કેમ ? ઉત્તરા ચોંકી ગઈ... ! કેમ કે, ક્યારેય કોઈ જગ્યાએ જવાની આકાશે ના નહોતી કહી. "મારે ગામડે જવાનું છે...દાદા દાદી પાસે" "ઓહ, મને એમ હતું કે આપણે સાથે જઈશું તો મજા આવશે..."ઉત્તરા પણ નિરાશ થઈ ગઈ. "હા, પણ તું જઈ આવ, મારે તો જવાનું જ છે એ નક્કી છે." "ઓહકે...ચાલ હું જાવ હવે, મોડું થઈ ગયું છે. "ઉત્તરા ચાલી ગઈ...કેમ કે, એ વધુ અપસેટ થઈ ગઈ હતી.

          આકાશ પણ બીજા જ દિવસે ગામડે જવાનું હોવાથી એના બીજા મિત્રોને મળવા ગયો. ઘરે આવીને જોયું તો રાધિકાજીએ એના સામાનનું પેકિંગ પણ કરાવી રાખ્યું હતું, એટલે આકાશ તરત જ સૂઈ ગયો, પરંતું એને ઊંઘ નહોતી આવી રહી ! એ વિચારી રહ્યો હતો, કે એ ત્યાં કેવી રીતે દિવસો પસાર કરશે. અહીંયા તો ઉત્તરા અને બાકી બધા સાથે આખા વેકેશનનો પ્લાન કરેલ હતો, પણ રાધિકાજીના આદેશ સામે એનું કઈ ના ચાલે અને કદાચ મિ.મોહન આગળ જીદ કરે તો પ્લાન બદલે પણ ખરો... ! પણ, આ વખતે તો એમણે પણ કહ્યું હતું, કે જવું પડશે. આખી રાત પડખાં ફેરવ્યા પછી વહેલી સવારે આકાશ ઉભો થઈ અને તૈયાર થવા લાગ્યો, એવામાં રાધિકાજી પણ તૈયાર થઈને આવી ગયા. "આકાશ..હું તને બસ સ્ટેશન સુધી મૂકવા આવું છું." "બસ સ્ટેશન... ! મારે બસમાં જવાનું છે ? ? "આકાશને રાધિકાજીની દરેક વાત પર નવાઈ જ લાગી રહી હતી, અને લાગે જ ને કારણ કે, મોંમાં સોનાની ચમચી લઈને જન્મેલા આકાશે ક્યારેય બસમાં મુસાફરી નહોતી કરી ! "હા,દરેક વસ્તુનો અનુભવ જીવનમાં આગળ વધવામાં કામ લાગે."રાધિકાજી ગાડી તરફ આગળ વધ્યા.

          આકાશ આગળ કંઈપણ બોલ્યા વગર ગાડીમાં બેસી ગયો. અડધી કલાક માં તો બસ સ્ટેશન પર પણ પહોંચી ગયા. આકાશ રાધિકાજીના આશીર્વાદ લઈને બસ માં બેસી ગયો, એને ઓકવર્ડ તો લાગ્યું, પણ રાધિકાજી સામે કાંઈ બોલ્યો નહિ. લગભગ ત્રણ સાડા ત્રણ કલાકની મુસાફરી પછી આકાશ એના ગામના સ્ટેશનમાં પહોંચ્યો...એ બસમાંથી નીચે ઉતર્યો, સામે એના દાદા દાદી બંને એને લેવા માટે આવેલા અને એ તરત જઈને બંનેને મળ્યો. "આવ..આવ... દીકરા, પહોંચી ગયો એમ ને." આકાશના દાદાજીએ આકાશને ગળે લગાડતા કહ્યું. "હા, દાદુ....પણ તમે ત્યાં આવ્યા હોત તો વધુ મજા આવત."આકાશે પોતાની ઈચ્છા જણાવી. "અરે, મારો વહાલો દીકરો...અકુ તારે અહીંયા આવવું નહોતું કે શું ?  આકાશના દાદીએ આકાશનો હાથ પકડી પોતાની તરફ લેતા કહ્યું. "ના, એમ નહિ દાદી..પણ તમને ખ્યાલ છે ને, કે હું ગામડે વધુ સમય ના રહી શકું."આકાશે નાના બાળક જેવું મોં બનાવતા કહ્યું. "અરે મારો વ્હાલો દીકરો...આ વખતે તને ગમશે હોં." દાદીએ આકાશના ગાલને વ્હાલથી ચૂંમતા કહ્યું. "હવે ઘરે જવાનું છે, કે પછી દાદી દીકરો અહીંયા જ વાતો કરતા રહેશો  ?" દાદાજીએ આકાશનો સામાન ગાડીમાં મૂકાવતા કહ્યું.

         "હા,ચાલો જઈએ હવે."આકાશ ના દાદીએ એનો હાથ પકડીને ચાલતા કહ્યું..."ઓકે દાદા." આકાશ પણ દાદી સાથે ગાડીમાં બેસી ગયો. આકાશના દાદા દાદી જયેશભાઈ અને ઈન્દુબેન જે ગામમાં રહેતા હતા, એ ગામનું વર્ણન કરીએ તો ખરેખર ખૂબ જ સુંદર અને રળિયામણું, કુદરતના ખોળે બેઠેલું ગામ. ગામમાં જીવન જરૂરિયાતને લાગતી બધી જ સુવિધાઓ હાજર હતી...ગામ એક તળાવ અને નદી કિનારે વસેલું હતું. ગામની બહારના રસ્તાની આજુબાજુ લીલાંછમ ખેતરો લહેરાતા હતા. મોટાભાગના લોકોનું ગુજરાન ખેતી પર જ ચાલતું હતું...આમ તો શહેરમાં ઘણું સુવિધાયુક્ત જીવન ચાલી રહ્યું હતું, પણ જયેશભાઈ અને ઈન્દુબેનને ત્યાં ફાવતું નહોતું અને આકાશને ગામડે ફાવતું નહોતું એટલે બહુ ઓછી વાર એમને સાથે રહેવાનો મોકો મળતો. પરંતુ આ વખતે તો રાધિકાજી જ ઈચ્છતા હતા કે, આકાશ થોડો સમય ગામડે રહે તો એને ત્યાંના જીવન વિશે સમજ પડે અને થોડો પ્રકૃતિને ઓળખે...બાકી શહેરોમાં ક્યાં પ્રકૃતિની ઝલક પણ જોવા મળે !

         આકાશ બસ ચૂપચાપ દાદા દાદીની વાતો સાંભળે અને ઘરની અગાસી પર પોતાનું પ્રિય ગિટાર લઈને વગાડ્યા કરે, એને ઉત્તરા અને બીજા મિત્રોની ખૂબ જ યાદ આવતી હતી. રોજ સાથે ફરવા વાળા મિત્રોથી આમ માત્ર ફોન પર વાત કરી ને સમય કાઢવો પડશે એ વાત આકાશને પચતી નહોતી, પણ હવે એ ધીમે ધીમે મન લગાવવાની કોશિશ કરી રહ્યો હતો...કહો ને કે દિવસો જ ગણી રહ્યો હતો, ક્યારે રાધિકાજીનો પાછા આવવાનો ફોન આવે અને ક્યારે એ ફરી પોતાના સિટીમાં જતો રહે. આમ તો આકાશ કોઈનાથી ડરતો નહિ, પણ રાધિકાજીની રિસ્પેક્ટ કરતો હોવાથી અને પોતે એને ખૂબ જ પ્રેમ કરતો હોવાથી એની દરેક વાત માનતો અને દરેક આદેશનું શબ્દશઃ પાલન કરતો, એ જાણતો હતો કે એની માતાના દરેક કઠોર નિર્ણય પાછળ પોતાનું હિત જ છૂપાયેલું છે. આજે સવારથી જ વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. ઘરના બગીચામાં દાદીમાએ ઉગાડેલા ફૂલછોડ મહેકી રહ્યા હતાં. પતંગિયાઓ અને ફુદડાઓ એકબીજા સાથે જાણે પકડાપકડી રમી રહ્યા હતા. ઝાડ પર બેઠેલા પક્ષીઓ મધુર સંગીત રેલાવી રહ્યા હતા. સૂર્યમુખીના વર્ણ જેવો આછેરો પ્રકાશ આકાશના રૂમને અજવાળી રહ્યો હતો. આકાશ પ્રકાશ પડતાં જાગ્યો અને બારી પાસે આવી ને ઊભો, બહારનું રમ્ય વાતાવરણ જોઈને એને બહાર લટાર મારવા જવાનું મન થયું...એ તરત જ ફ્રેશ થઈને નીચે બગીચામાં પહોંચી ગયો.

           "ત્યાં કોણ છે ? જરા આ સામાન લેવામાં મદદ કરશો ?" ઘરના મુખ્ય દરવાજા આગળ ઉભેલી રિક્ષામાંથી ઉતરતી એક ખૂબ જ સુશીલ અને સુંદર યુવતી બગીચામાં ઉભેલા આકાશ તરફ અવાજ કરતા બોલી. "જી, બિલકુલ."આકાશ ટૂંકાક્ષરી જવાબ આપી આગળ વધ્યો. આકાશ કંઈ પણ વધારે બોલ્યા વગર જ તેની પાસે જઈ અને એનો સામાન ઉઠાવવામાં મદદ કરવા લાગ્યો. રિક્ષા જતી રહી અને યુવતી પોતાની બેગ સાથે અંદર તરફ ચાલવા લાગી. આકાશનું પોતાનું ઘર હતું અને આ યુવતીને ઓળખતો પણ ના હોવા છતાં એ ચૂપચાપ એની પાછળ બાકીનો સામાન લઈને ચાલવા લાગ્યો. આજે જાણે સવારથી જ કુદરત પોતાની કારીગરીના ઉત્તમ નમૂનાઓ આકાશની સામે વારે વારે ધરી અને સાબિત કરવા માગતો હોય કે, સુંદરતા તો ગામડાઓમાં જ વધી રહી છે અને એમાં ખોવાઈ જવું ખૂબ જ આસાન છે, એવી રીતે દરેક ચીજ અને દૃશ્યની જેમ જ આકાશ આ હમણાં જ પધારેલી યુવતીમાં ખોવાઈ ગયો હતો !                                                             

          પેલી યુવતી મુખ્ય રૂમમાં સામાન મૂકીને સીધી જ દાદીના રૂમ તરફ વળી, જઈને તરત જ દાદીને ગળે બાઝી પડી અને દાદી પણ વ્હાલથી ઝૂમી ઉઠ્યા. આકાશ બસ મૂંગા મોંએ બધું જોઈ રહ્યો. હજુ પણ પેલી યુવતીના લાંબા કાળા વાળમાં વાળેલો ચોટલો જાણે આકાશને પોતાના તરફ ભ્રમિત કરીને ખેંચી રાખતો હતો. "તું આવવાની હતી અને મને જાણ પણ ના કરી ?" દાદી ઠપકાભરી નજરે એ યુવતી સામે જોઈને બોલ્યા. "અરે દાદી ફોઈ, જો હું તમને કહીને આવું તો તમને સરપ્રાઈઝ કઈ રીતે મળે ?" યુવતી મીઠું મલકાતા બોલી. "વાહ, પણ તે કહી રાખ્યું હોત તો તને લેવા માટે ગાડી મોકલી આપત."દાદીએ પેલી યુવતીને પોતાની બાજુમાં બેસાડતાં કહ્યું. આકાશ માત્ર બહારથી ઊભો ઊભો એમનો વાર્તાલાપ અને પેલી યુવતીનો મીઠો કોયલ જેવો અવાજ સાંભળી રહ્યો. "હા,પણ હવે તો હું આવી ગઈ ને" "હા બેટા."

"હવે હું આખો મહિનો અહીંયા જ રોકાવાની છું. તમારી અને દાદા ફુઆની સાથે." "મને ખૂબ જ ગમ્યું બેટા....આમ પણ હમણાં આકાશ અહીંયા આવ્યો છે, તો એને પણ એકલા એકલા ગમતું નથી." આકાશ આ સાંભળીને જાણે ખુશીથી ઉછળી જ પડ્યો. એક તો આ યુવતી એને પહેલી જ નજરે મોહક લાગી રહી હતી અને એમાં પણ એ અહીંયા એમની સાથે જ રોકાવાની હતી...આકાશને લાગી રહ્યું હતું કે હવે ગામડે રોકાવામાં પણ મજા આવશે, આમ પણ આકાશ થોડા રંગીન સ્વભાવનો હતો એટલે એને કોઈ યુવતીની કંપની મળે એ વાતથી તો ખુશ થવાનો જ !

        "હમ્મ...ચાલો ને ફોઈ મને ભૂખ લાગી છે, કંઈક બનાવીએ." એ યુવતીને આકાશ કોણ છે ? એ જાણવામાં જાણે જરાય રસ જ ના હોય એમ દાદીને લઈને રસોડા તરફ ચાલવા લાગી. આકાશ તો જોઈ જ રહ્યો, એને એમ હતું કે કદાચ એ હમણાં દાદીને પૂછે કે આકાશ કોણ ? અને બંનેનો પરિચય થશે, પણ તેણીએ તો કોઈ દરકાર જ ના કરી ! જમ્યા પછી એ યુવતી સીધી ઉપરના માળે રૂમ તરફ ચાલી ગઈ. આકાશ પણ કંટાળીને ક્યારનો રૂમમાં ચાલ્યો ગયો હતો. "હાશ...માંડ શાંતિ મળી ગામડે પહોંચીને.... !" યુવતી જાણે નિરાંતના શ્વાસ લેતી બોલી. "અરે,શું વાત છે....આ તો મારા રૂમમાં આવી લાગે. "આકાશ બાલ્કનીમાં ઊભો હતો એટલે પેલી યુવતીના ધ્યાનમાં નહિ આવ્યો હોય…પણ આકાશને તો મજા આવી, કે હમણાં કંઈક વાતચીત થશે. "ઓહ, આ બાલ્કનીનો દરવાજો કેમ ખુલ્લો છે ?." એ યુવતી દરવાજા તરફ ચાલી.

આકાશ બધું જોઈ રહ્યો હતો. એણે કોઈ હલચલ ના કરી.

                     "આહ...શું સુગંધ છે, આ ફૂલવાડીની….! "યુવતી બાલ્કનીમાંથી દેખાતા બગીચાની શોભા અને સુગંધ પોતાની અંદર મહેસૂસ કરી રહી હોય એમ બોલી. તેણીનું ધ્યાન આકાશ તરફ ગયું. આકાશ એક નજરે એને જોઈ રહ્યો હતો. પેલી યુવતી તરત જ ચિડાઈ ગઈ. આકાશની નજીક જઈને એની આંખો સામે ચપટી વગાડી...."ઓય, અહીંયા શું કરે છે. ? અને આ રૂમમાં કોને પૂછીને આવ્યો ?" તીણી આંખોએ જોતા તેણી બોલી. "એક્સક્યુઝ મી, આ મારો રૂમ છે..અને હું પહેલેથી જ અહીંયા હતો. મારા રૂમમાં તું મને પૂછ્યા વગર આવી છો." આકાશે તેણીના બંને ખંભે હાથ રાખી એની આખોમાં જોતા બોલ્યો. "તું છે કોણ ?" યુવતીએ આકાશના બંને હાથ ઝટકા સાથે હટાવતા કહ્યું. "આકાશ"....આકાશે ચહેરા પર મોટી સ્માઈલ લાવતાં કહ્યું. જાણે કે પેલી યુવતી હમણાં હાથ મિલાવીને પોતાનો પરિચય આપશે, પણ એવું કશું થયું નહિ. તેણી ગુસ્સાથી દરવાજો ભટકાવી રૂમની બહાર ચાલી ગઈ. તેણીને આમ ગુસ્સામાં રૂમની બહાર આવતી જોઈ દાદીએ એને બોલાવી.

             "શું થયું બેટા ? ?" તેણી એ કંઈ જવાબ ના આપ્યો એટલે દાદી ઉપરના માળે ગયા અને ફરી તેણીના નામની બૂમ લગાવતા આકાશના રૂમ આગળથી પસાર થયા. "પૃથા....."......"પૃથા...આહ...કેટલું આહ્લાદક નામ છે ! "આકાશને જાણે નામથી જ પ્રેમ થઈ ગયો હોય એમ બોલ્યો. એ પણ દાદીની સાથે સાથે પૃથાની પાસે ગયો અને તેણે પણ તેણીના નામની બૂમ મારી..."પૃથા...."                                                   

  ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Renuka Baldaniya

Similar gujarati story from Romance