Ravi Virparia

Thriller Others

4.2  

Ravi Virparia

Thriller Others

ક્રોસિંગ ગર્લ 1

ક્રોસિંગ ગર્લ 1

6 mins
385


કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતાં આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતાં હોય તો તમે એના પ્રેમમાં છો એમ માનવું.

29 ફેબ્રુઆરી, 2024.

કોઈ છોકરી સાથે તમે શબ્દો કરતાં આંખો અને મૌનથી વધારે વાતો કરી શકતાં હોય તો તમે એના પ્રેમમાં છો એમ સમજવું.

કાશ, દાદાજીના આ શબ્દો બોલવા જેટલી સહજતાથી અનુભવી શકાતાં હોત !

29 ફેબ્રુઆરી, 2028.

ક્રિષ્નાની પેન અટકી પરંતુ, વિચારોની અંધાધૂધી નહીં. ચાર વર્ષમાં તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો હતો. જાણે 40 વર્ષ જીવી લીધું હોય તેમ લાગતું હતું. બધું આમ જ ચાલ્યા કરે તો ! અવિરત, અનહદ, બેફામ બનીને... તેણે અને સાગરે લાગણીની શક્યતાના કેવાં-કેવાં અડાબીડ જંગલો ખૂંદેલા, કોઈ નિયમો વગર, કોઈપણ જાતના આયોજન કે બંધન વગર. વર્તમાનને ચસચસાવીને જીવવાનું સાગરે જ શીખવેલું ને ! લાઈફની દરેક મૉમેન્ટ્સ સરપ્રાઈઝથી ભરપૂર રહેતી. જેને જીવી જાણ્યું હોય એ જ સમજી શકે આ નિજાનંદ કેવું અદ્દભુત અને નિઃશબ્દ હોય છે ..! આમ છતાં, ક્યારેક લાગતું કે હજુ ઘણું વધારે અને સારી રીતે જીવી શકાયું હોત તો ! પણ સમય કોઈની ગર્લફ્રૅન્ડ નથી હોતો કે જેને બ્લેકમૅઈલ કરી ફરીથી ઈચ્છાઓને લાગણીથી સજાવીને જીવી શકાય. ફરીથી એ ભૂતકાળના સ્મરણચક્રમાં ફરવા લાગ્યો. જાણ્યે અજાણ્યે પોતે આનો ભાગ બની ગયેલો. તેણે આવું કશું નક્કી નહોતું કરેલું. વગર કોઈ મુહુર્તે શરૂઆત થઈ ગયેલી. પછી શું કરવું ? આ બધું છોડી પાછું ફરી શકાય એમ નહોતું. બસ પછી તો દરેક ક્ષણ ચસચસાવીને જીવાતી ગઈ. યાદોના ખજાનાનો કદી ના ઉલેચાઈ શકે તેવા સમંદર બની ગયો હતો.

            *             *            *

“ કૃપા કરીને ધ્યાન આપો.”

  “...આપણી ફ્લાઈટ થોડી જ મિનિટોમાં રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લૅન્ડ થવા જઈ રહી છે. આશા રાખીએ છીએ આપની યાત્રા સુખદ રહી હશે. લોસ એન્જલસ-રાજકોટની પ્રથમ ફ્લાઈટના મુસાફર બનવા માટે ધન્યવાદ અને આભાર. મહેરબાની કરીને તમારો સીટબેલ્ટ બાંધી લેશો. એરપોર્ટ પર તમારા સ્વજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે.” ઍરહૉસ્ટેસનું ગુજરાતીમાં ઍનાઉન્સમેન્ટ ક્રિષ્નાના હૃદયને સ્પર્શી ગયું.

            ક્રિષ્નાએ ખોળામાં પડેલી ડાયરી ખોલીને જોયું. છેલ્લું એક જ પેઈજ ખાલી હતું. ચાર વર્ષની સફરનો અંત આવનારા થોડા કલાકોમાં લખાવાનો હતો. એ એરપોર્ટના દ્રશ્યો વિશે કલ્પના કરવા લાગ્યો. તેણે વિચાર્યું કે તેને લેવા માટે કોણ આવ્યું હશે...?

“ સર, પ્લીઝ આપનો સીટબૅલ્ટ બાંધી લેશો. ફલાઈટ થોડી જ મિનિટોમાં લૅન્ડ થવા જઈ રહી છે.” ઍરહૉસ્ટેસે સ્મિત સાથે ક્રિષ્નાને વિનંતી કરી.

ક્રિષ્ના હસતો હસતો ઊભો થયો. તેને ઑવરહેડ બીનમાંથી બૅગ લઈ ડાયરી તેમાં મૂકી. અચાનક મનમાં એક પ્રશ્ન થયો. ફ્લાઈટમાં બેસતા પહેલાં પેલી ક્યુટ બાર્બીડોલ જેવી છોકરીએ આપેલી ચિઠ્ઠી પોતે વાંચવાનું કેમ ભૂલી ગયો ? શું હશે એ ચિઠ્ઠીમાં ? તેના મનમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા. ઓહ નો !.. એ શક્ય નથી...! પણ જો એવું હોય તો...? જો ખરેખર એવું હોય તો....! પ્લેન લૅન્ડ કરે એ પહેલાં ગમે તેમ કરી એ ચિઠ્ઠી વાંચવી રહી.

ક્રિષ્નાએ ઝડપથી સીટ પર બેસી બૅગ ફંફોસ્યું. કંઈ હાથ ના લાગ્યું. બધું ફરી વાર ધ્યાનથી ચેક કર્યું. કશું ના મળ્યું. ઍરહૉસ્ટેસે તેને સીટબેલ્ટ બાંધી શાંતિથી બેસી જવા વિનંતી કરી. તેને રઘવાયા બની આખું બૅગ ઊંધુંચત્તું કરી નાખ્યું પણ નિષ્ફળતા સિવાય કંઈ હાથ ન લાગ્યું. કંઈ ના સૂઝતાં એરપોર્ટ પરનો ઘટનાક્રમ શાંતિથી વિચાર્યો. ઓહ યસ... આઈ ગોટ ઈટ.... અબોઝા... અબોઝા... તાળી પાડતો તે ઊભો થયો. બધા મુસાફરો તેને અચરજથી નિહાળી રહ્યા હતાં. પૅન્ટના ડાબા ખિસ્સામાંથી કાગળનો એક ટુકડો બહાર કાઢ્યો. તે કાગળને ખોલવા ગયો એટલામાં એક હળવો આંચકો આવ્યો. કદાચ, પ્લેન લૅન્ડ થઈ રહ્યું હતું.

તેને કંઈ સમજાયું નહીં. તેને ફરીથી ચિઠ્ઠી ખોલવા પ્રયત્ન કર્યો. એરહોસ્ટેસ તેને સતત બેસી જવાની સૂચના આપી રહી હતી. એટલામાં કાનનાં પડદા ફાડી નાખે એવો તીવ્ર ઘસારાનો અવાજ આવ્યો. ચી...ચી...ચી.... ક્રિષ્નાએ કાગળને મૂઠ્ઠીમાં વાળી દીધો. આગળની સીટ પકડી માંડ પોતાનું બેલેન્સ જાળવ્યું. ધ...ધ...ધધધ... ધ.. ધ.. ધ..જેવા અવાજો સાથે પ્લેન રીતસર ધણધણી ઊઠ્યું. મુસાફરો ચીસો પાડવા લાગ્યા. ક્રિષ્ના હજુ પણ ચિઠ્ઠીના વિચારોમાં હતો. તેને વાસ્તવિકતાનું ભાન નહોતું થયું. અચાનક બધું અટકી ગયું. થોડી સેકન્ડો માટે એકદમ શાંત. બધા પેસેન્જરો એકબીજા સામે જોવા લાગ્યા. કશુંક અજુગતું બની રહ્યાનો ભય બધાના ચહેરા પર તરી આવ્યો. કોઈ કશું વિચારી શકે એ પહેલાં જ ભયાનક ધ્રુજારી સાથે પ્લેન ધ્રુજી ઊઠ્યું. કર્કશ અવાજો સાથે આંચકાની હારમાળા શરૂ થઈ. જાણે સ્પ્રિંગ ફીટ કરી હોય એટલી તીવ્રતાથી પ્લેન ઉપર-નીચે થવા લાગ્યું. બાળકો અને મહિલાઓની વેદનાભરી ચીસોથી પ્લેન ચિત્કારી ઊઠ્યું. સીટબેલ્ટ તૂટતાં લોકો હવામાં આમતેમ ફંગોળાવા લાગ્યા. ક્રિષ્નાનું માથું આગળની સીટ સાથે જોરથી અથડાયું. ઓવરહેડ બીનમાં રહેલી હેન્ડબૅગો ઉલ્કાવર્ષાની જેમ વરસવા લાગી. એક તીવ્ર આંચકા સાથે ક્રિષ્ના પ્લેનની છત સાથે અથડાયો. તેનું શરીર દર્દથી કણસી ઊઠ્યું. તે અધખુલ્લી આંખે પોતાને બચાવવાના પ્રયત્નો કરવા લાગ્યો. “ લોકોની આંખોમાં વર્તાતો મૃત્યુનો ભય, બૅગો સાથે તેમની અથડામણ, જાતને બચાવવા રીતસર મારવામાં આવતાં હવાતિયાં, સમયે જાણે બધાને અવકાશમાં તરતાં મૂકી દીધા. પૂર્વ ચેતવણી વગર બધાને મૃત્યુ સામેની લડાઈમાં પરાણે રણમેદાનમાં ઉતારી દીધા. છેલ્લી ઈચ્છા વિશે વિચારવાનો પણ સમય ના આપ્યો. માતાનાં હાથ બાળકો માટે હવામાં વલખાં મારી રહ્યાં હતાંં. પુરુષની આંખોમાં પરિવાર માટેના થીજી ગયેલાં સપનાંઓ, ફાસ્ટ ફોરવર્ડ ભાગતી સેકન્ડોમાં ક્રિષ્નાની આંખોએ કેટલીય લાગણીઓ સ્લો મોશનમાં ઝીલી લીધી.

એક જોરદાર આંચકા સાથે પ્લેનના વિન્ડો ગ્લાસ ધડાકાભેર તૂટ્યા. બહારની હવાએ મુશ્કેલી ઔર વધારી. પ્લેનમાં હવામાં તરતો ક્રિષ્ના એક હૅન્ડબૅગ સાથે અથડાયો. તેને કંઈ સૂઝે એ પહેલાં કોઈ માનવશરીરનો ધક્કો લાગતાં એક જ ઝાટકે બારીની બહાર ફંગોળાયો. જોરથી સીધો જમીન પર પટકાયો. દર્દ એટલું તીવ્ર હતું કે મોંમાંથી શબ્દ ના નીકળી શક્યા. તે ધીરે ધીરે હોશ ગુમાવી રહ્યો હતો. મુઠ્ઠીમાં કેદ ભવિષ્ય પણ કુદરત સામે લાચાર બની અધખુલ્લું થઈ ગયું.

***

રાજકોટના એરપોર્ટ પર હજારોની જનમેદની એકઠી થઈ હતી. લોકો ઢોલ-નગારાનાં તાલે ઝૂમી રહ્યાં હતાંં. એક ઉત્સવ જેવો માહોલ હતો. પોતાના આઈકૉનિક સુપરહીરોના આગમનને વધાવવા દેશ મધરાતે પણ જાગતો હતો. એરપોર્ટના ત્રણેય ટર્મિનલ અને બહારના ભાગમાં પણ જાયન્ટ સ્ક્રીન ઊભી કરવામાં આવી હતી. સ્ક્રીનમાં બિગ બ્રેકિંગ ન્યૂઝ તરીકે 'લોસ એન્જલસ – રાજકોટની ફ્લાઈટ લૅન્ડિંગ સમયે ક્રેશ થઈ' ના ન્યૂઝ ફ્લૅશ થઈ રહ્યા હતાં.

એરપોર્ટ પર ઈમરજન્સી ઍલાર્મ વાગવા લાગ્યા. ઍમ્બ્યુલન્સ, ફાયર ફાઈટરો અને પોલીસ વાનના સાયરનોથી વાતાવરણમાં ગમગિની છવાઈ ગઈ. બધું શોકમય બનવા લાગ્યું. લોકો સ્તબ્ધ બની શાંત થઈ ગયા. એરપોર્ટ પર સતત ઍનાઉન્સમેન્ટ કરી લોકોને શાંત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી હતી. સમાચાર નિહાળી રહેલા કરોડો લોકોની આંખો ભીની થઈ ગઈ. કેટલાય લોકો ચોધાર આંસુએ રડવા લાગ્યા. લોકોએ હકીકત જાણવા એરપોર્ટની અંદર જવા માટે રીતસરનું તોફાન મચાવી દીધું. કેટલાંય દિગ્મૂઢ બની ત્યાં જ બેસી રહ્યા. ચારે તરફ અફરાતફરીનો માહોલ હતો. આવી તંગદિલી વચ્ચે એક વ્યક્તિ રસ્તો કરતી, ટર્મિનલના ઍન્ટ્રી પોઈન્ટ પાસે પહોંચી. “સમીર ભાટિયા” કાર્ડ પરનું નામ વાંચી સિક્યૉરિટી ગાર્ડે તરત દરવાજો ખોલી આપ્યો.

રન-વે પર પ્લેન અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. જાણે મોતનું તાંડવ સર્જાયું હતું. બચાવકાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. અનેક ફ્લાઈટોને બીજા એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી. કેટલીય ફ્લાઈટો રદ કરી દેવામાં આવી. રન -વે સલામત ના બને ત્યાં સુધી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને હેલિકૉપ્ટરો પણ કામે લાગી ગયા હતાં.

લોકોની આંખો અને હૃદય બંને રડી રહ્યા હતાં. દેશ ભરનીંદરમાંથી જાગવા લાગ્યો. રાજમાર્ગો પર લોકોના ટોળા એકઠા થવા લાગ્યા. કેટલાય મંદિરો અને અન્ય ધર્મસ્થાનોના ગૅટ અડધી રાત્રે ખોલવા પડ્યા. માનતાઓ, દુઆઓ અને પ્રાર્થનાને કારણે આકાશમાર્ગે પણ ટ્રાફિક જામ થવા માંડ્યો. મધરાતે ન્યૂઝચૅનલના ઍન્કરો અને પત્રકારોની આંખો પણ રિપોર્ટિંગ કરતાં ભીની થઈ પડી. બધા એક જ સૂરમાં ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતાં, “હે સર્જનહાર, ક્રિષ્નાને જીવતો રાખજે.”

           "ક્રિષ્ના, તને કશું નહીં થાય. આખો દેશ તારી સાથે છે. તારે જીવવું પડશે. અમારા માટે, દેશ માટે, હે ઈશ્વર, અમે પણ જોઈએ છીએ સાચા દિલની પ્રાર્થના અને દુઆઓ આગળ તું કેટલું ટકી શકે છે.” લોકો પોતાના હીરોને બચાવવા ઈશ્વર સાથે લડી લેવાના મૂડમાં હતાંં.

ક્રિષ્ના બચી શકશે કે નહીં ?

  (ક્રમશ...)


Rate this content
Log in

Similar gujarati story from Thriller