STORYMIRROR

Rajul Shah

Inspirational

3  

Rajul Shah

Inspirational

કલ કરે સો આજ

કલ કરે સો આજ

2 mins
30K


મહારાજ યુધિષ્ઠિરે એક દિવસ દાન લેવા આવેલા યાચકને આવતી કાલે દાન આપવાનું વચન આપ્યું. આ સાંભળીને ભીમે અત્યંત આનંદમાં આવી જઇ દુદુંભિ નાદ કર્યો. જાણે હસ્તિનાપુરમાં પાંડવોના નિવાસ સ્થાને હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું. ભીમને થયેલા આ અતિ ઉમંગનું કારણ પુછયું તો ભીમે જણાવ્યું, “અમારા જ્યેષ્ઠ બાંધવ મહારાજા યુધિષ્ઠિરે આજે દાન લેવા આવેલા યાચકને આવતી કાલે દાન આપવાનું વચન આપ્યું છે અર્થાત તેમણે કાળને જીતી લીધો છે. એમને એમની આવતી કાલ પર પૂરેપુરો વિશ્વાસ છે”.

વિચક્ષણ ભીમની વાત સાંભળીને યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઇ ગઇ. જીવનનો સત્ય-મર્મ પામી ગયા જીવનમાં આવનારી બીજી ક્ષણનો કોઇ ભરોસો હોતો નથી, તો આવતી કાલ તો ખૂબ દૂરની વાત છે એની પર તો ભરોસો રાખી જ કેવી કેવી રીતે શકાય ?

એક પ્રસિધ્ધ નવલકથાકાર પોલ લાઉન્સે ખરું જ કહ્યું છે- “આપણે જાણતા નથી કે આપણું મૃત્યુ ક્યારે થશે એટલે જીંદગીને પાણીનો અખૂટ પાતળકૂવો માની બેસીએ છીએ.” પણ જીવનની આગલી ક્ષણ પણ આપણા હાથમાં નથી.

ડૉકટર નેપોલિયન હિલને મળવા એક શ્રીમંત વ્યકિત આવવાની હતી પરંતુ તે ન આવ્યા એટલે ડૉ હિલ ચાલતા થઇ ગયા. બીજા દિવસે એ શ્રીમંત માણસનો ફોન આવ્યો- “કાલે તમે મારી પાંચ મિનિટ પણ રાહ ન જોઇ ? તમને લાખોનો ફાયદો થતો હતો તે તમે ગુમાવ્યો ને ?”

ડૉ હિલે જવાબ આપ્યો, ”ભાઇ મેં ગુમાવેલા લાખો રુપિયા હું કાલે કમાઇ લઇશ પણ મારી વિતી ગયેલી પાંચ મિનિટને હું કઇ રીતે પાછો લાવવાનો હતો.

આ જે ક્ષણ છે તે આપણી છે, વર્તમાન આપણો છે. જે વિચાર-જે કાર્ય અમલમાં મુકવાનું છે તે માટેની ઉત્તમ ક્ષણ આ છે. ભવિષ્ય માટે સપના ચોક્ક્સ જોઇ શકાય પણ વિચારને અમલમાં મુકવા માટે આવતી કાલની રાહ ન જોઇ શકાય. મુઠ્ઠીમાંથી સરી જતી રેતીની જેમ હાથમાંથી સરી જતી ક્ષણ ક્યારેય પાછી મળવાની નથી. વિતી જતો સમય, વહી જતુ પાણી, પસાર થઇ જતી ઉંમર કોનાથી મુઠ્ઠીમાં બંધાઇ છે ? આનંદની પળો માણવાના સમયે આપણે ગાઇએ છીએ

“આજનો લાવો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે“

પણ કામ કરવાની વાત આવે એટલે મન વિચારે કે આ કામ તો હું કાલે કરીશ. પરિણામે આવતીકાલ ક્યારેય આવતી નથી. તક અને સમય કોઇની રાહ જોતા નથી. જન્મ કે મરણ માટે કોઇ નિશ્ચિત ચોધડીયું નથી હોતું તો કામ માટે ચોધડીયું જોવાની ક્યાં જરુર ? સમય સાથે તાલ મેળવીએ તો સમયનો આપણને સાથ છે.

સમયની પ્રત્યેક ક્ષણને જીવી જાણે એ જ જીંદગીને જાણી અને માણી જાણે. આજનો દિવસ જ શ્રેષ્ઠ છે. અત્યારની ઘડી જ ઉત્તમ છે જે છે તે આજે હમણાં જ છે માટે દરેક ક્ષણને ઉત્તમ રીતે જીવી લઇએ.

આપણી જીંદગીમાંથી દરેક પળે કંઇક ને કંઇક ઘટતું જાય છે. સમયના પાત્રમાંથી સરકી જતી એક પછી એક ક્ષણ અને હાથમાંથી તક સરતી જાય છે. માટે જ પ્રત્યેક પળને જીવી લઈએ. પ્રત્યેક સવાર આપણી સાથે એક નવો કોરોકટ દિવસ લઇને આવે છે. આ પ્રત્યેક દિવસને આપણે આજે જ શણગારવાનો છે, મનગમતા રંગો લઇને આજે જ સજાવવાનો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational