ખૂની ખાંડ
ખૂની ખાંડ
“છક...છક...છક...ચક...ચક...ચક...” રસોડામાં પ્લેટફોર્મની લગોલગ બેઠેલી મીરાના હાથે ગુવાર અને બટેકા સમાંરાઈ રાહ્ય હતાં. શાકભાજીના રસના તરસ્યા અને તીક્ષ્ણ ધાર વાળા ચપ્પુ દ્વારા કપાતા કપાતા અને બાઉલમાં પડતા પડતા ગુવાર અને બટેકા મીઠું સ્નેહાળ સ્મિત કરીને મીરા સામે જોઈ રહ્યા હતાં, પરંતુ સવારના સમયે કામની ભાગાદોડીમાં એમનું એ સ્મિત માણવાનો સમય મીરાં પાસે ન હતો. એના મનમાં બસ, જલ્દી જલ્દી કામ પતાવી લઉં, હજી ધ્રુવ માટે ટીફીન બનવાનું છે, મમ્મી માટે જ્યુસ બનાવવાનું છે, પપ્પાને નાસ્તો આપવાનો છે જેવા વિચારો તેની આસ પાસ જ વંટોળાઈ રહ્યા હતાં. વધુમાં ઘરની સફાઈ અને કપડા – વાસણ કરીને કોલેજે જોબ પર જવાનું ટેન્શન અને લેક્ચરમાં ભણાવવાના વિષયવસ્તુના વિચારો તો સાથે ખરા જ. મીરાની આવી મલ્ટીટાસ્કિંગ માનસિકતાથી ચપ્પુથી લઈને ગેસના બર્નર સુધી અને મીઠા (નમક)થી લઈને શાકભાજી અને કઠોળ સુધી બધા જ અવગત હતાં. મીરાં એ ગુવાર અને બટેકા સમારીને તેમને એક મોટા બાઉલમાં પાણીભારીને તેમાં નહાવા માટે મુક્યા. બાથટબમાં સ્નાન કરતાં કરતાં પણ એમનું ધ્યાન તો મીરાના ચહેરા પર જ હતું.
મીરાનું ધ્યાન પોતા પર નથી એ જાણીને ગુવાર અને બટેકાને સ્હેજ દુઃખ થયું, પણ મમ્મીજીની થીડીક્ષણો પહેલા “લસણના વગાર” વાળું શાક ખાવાની ફરમાઈશ યાદ આવતા એમને પુનઃ આનંદ થયું. બટેકા સાથે મિત્રતા ભરી વાતો કરતાં ગુવારના કટકા લસણસાથે મિશ્ર થવાનો પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતાં. એવામાં જ ગેસ પર કઢાઈ પર તપી ગયેલા તેલમાં પડેલા અખંડ અને સ્વાદિષ્ટ પ્રેમી રાઈ–જીરું, તેમજ ધાણા પાવડરની સાથે લસણથી ભળેલી સુવાસ બટેકા અને ગુવારના નાસિકા દ્વાર સુધી પહોચી. “આહાહાહાહા....શું સુવાસ છે...આજે આ લસણવાળા મસાલામાં ભળીને અમારો સ્વાદ જાણે સાતે આકાશ પાર કરી જશે” જેવા વિચારો ગુવાર અને બટેકાનાં મનમાં ફરી વળ્યા. મીરાં એ લસણ ભળી ગયેલું જોઇને પોતાના સુંવાળા પણ ઉતાવળા હાથે બટેકા અને ગુવારના કટકા પાણીવાળા બાઉલમાંથી કાઢીને કઢાઈમાં મુક્યા.
“છીશ.......” કઢાઈમાં પડતાની સાથે જ ગુવાર અને બટેકા સ્વ અસ્તિત્ત્વમાંથી પાણીને વરાળ સ્વરૂપે ઉડાવી દીધો, જેમ ભરતને ભેટતી વખતે રામને પોતાના ઉપવસ્ત્રનું અવરોધ પણ સ્વીકાર્ય ન હતું, અને તેને ત્યાગી દીધેલો, તેમજ આજે લસણમાં ભળી જવાની કામના વાળા ગુવાર અને બટેકા એ પણ પોતામાં રહેલા જળ તત્ત્વનો ત્યાગ કર્યો. લસણવાળા મસાલામાં ભળતાની સાથેજ ગુવાર અને બટેકાનો આનંદ આકાશ આંબી ગયું અને લસણ પણ આજે ગુવાર અને બટેકાનો સંગ પામીને ખુશ ખુશાલ બની ગયું. મીરાં ચમચા વડે તેમને ભેળવવા લાગી અને એ ત્રણેય એકબીજામાં ભળીને જાણે નાચવા લાગ્યા, ઝૂમવા લાગ્યા.
વાતાવરણમાં ચારેય બાજુ લસણ તેમજ ગુવાર – બટેકાનાં મિશ્રણથી જન્મેલી સુગંધ પ્રસરવા લાગી, વાતાવરણ જાણે લસણમય બની ગયું. ગુવાર અને બટેકાને આમ ખુશ ખુશાલ અને આનંદિત જોઇને લસણને પણ પોતાની લવણાશ પર અભિમાન થઇ આવ્યું. મીરાંએ સ્વાદ માટે અન્ય મસાલા ભેળવવાનું શરુ કર્યું પરંતુ આ ત્રણેય મિત્રોને તો જાણે એકમેકને મળ્યા પછી દુનિયાનું ભાન જ ન રહ્યું હોય તેમ આનંદ અને ઉત્સાહથી ઉત્સવ મનાવવા લાગ્યા.
“આહહ.......” અચાનક લસણે એક તીખો અને દર્દનાક ઉંહકાર કર્યો, ગુવાર અને બટેકાનું ધ્યાન તરત જ તેના પર ગયું. એમને પોતાની આંખો પર અને મીરાની આંગળીઓ પર વિશ્વાસ ન આવ્યો, મીરાંએ અન્ય મસાલાની સાથે લસણમાટે શત્રુ સમી, ઝેર સમી ખાંડ શાક માથે ભમ્ભરાવી હતી, લસણમાંથી ધીરે ધીરે લાવાણાશ જાણે ઓઝલ થવા લાગી હતી. કઢાઈમાં તપી રહેલા ગુવાર અને બટેકાની વચ્ચે લસણ પોતાની લવણાશ વિના અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો. તેની આવી પીડા ભરેલી હાલત પર દુઃખ અનુભવતા ગુવાર અને બટેકાએ ઉપર મીરાં સામે જોયું, આટલા સમયથી કામની વ્યસ્તતામાં સૂનમૂન પડેલા મીરાંના ચહેરા પર એમને ક્રૂર હાસ્ય દેખાયું. મીરાની આંગળીઓ હજી ખાંડની બરણીમાં હતી, એ લસણ પર અંતિમ વાર કરવાના હેતુથી ખાંડ ભમ્ભરાવાની તૈયારી કરી રહી હતી. એ જોઇને ગુવાર અને બટેકા તરફડી ઉઠ્યા, કઢાઈમાંથી બહાર આવીને મીરાના હાથ રોકવાના નાહક પ્રયાસો કરવા લાગ્યા, જોર જોરથી ચીખી ચીખીને મીરાને રોકવા લાગ્યા, પણ મીરાએ એક પણ ન સાંભળી, ગુવાર અને બટેકા વેદના ભરેલી, અશ્રુભરેલી આંખે મીરાં સામે જોઈ રહ્યા, એમના આશ્રુથી શાકના રસ્સામાં વધારો થવા લાગ્યો.
આ બધું જ અવગણીને મીરાં એ ગુવાર અને બટેકા પર ખાંડનો વરસાદ કર્યો. અટ્ટહાસ્ય કરતી ખાંડ જ્યારે એમના પર પડી, ત્યારે જ લસણે પોતાના અંતિમ શ્વાસ લીધા. ખાંડને બળ જબરી પૂર્વક ગુવાર અને બટેકામાં ભેળવીને મીરાં એ ટીફીન ભર્યું. લસણની આવી કારમી મૃત્યુથી દુઃખી થયેલા ગુવાર અને બટેકા એ પણ પોતાના સ્વાદનો ત્યાગ કરી દીધો, એ વારંવાર ઈશ્વરને એક જ પ્રશ્ન કરવાં લાગ્યા “શું અમારો વેર વાળવા કોઈ નહી આવે ? દરેક યુગમાં પાપીઓનો નાશ કરવાં જન્મલેનાર ઈશ્વર આજે ક્યા સંતાઈને બેઠો છે ? શું તને અમારા મિત્રની થયેલી આ કારમી હત્યાનું ભાન નથી..?” જેવા સવાલો કરતાં કરતાં રડી રહ્યા હતાં અને એમનું રુદન જોઇને ખાંડ અસુરોની જેમ વધુ ને વધુ અટ્ટહાસ્ય કરવા લાગી.
પરંતુ ઈશ્વરની માયાથી એ અજાણ હતી, પરમેશ્વરની યોજના તેની કલ્પનાથી બહાર હતી. મધ્યાહને સ્ટાફરૂમમાં ભોજનમાં ભાત જમતી વખતે દરરોજની જેમ હેતલ મેડમે ભાતમાં ગુવાર બટેકાના એ શાકની સાથે બીજા શાકો, દાળ અને કઢી પણ ભેળવી દીધા. અચાનક આવેલા એ અન્ય દ્રવ્યોમાં રહેલી લવણાશ માથે પડતા ખાંડનું બેસ્વાદ પણું નાશ પામવા લાગ્યું. હવે ચીખવાનો, યાચના કરવાનો વારો ખાંડનો હતો. પણ “કરતાં સો ભોગવતા” ના નિયમે ખાંડની યાચના પણ કોઈએ ન સાંભળી. ગુવાર અને બટેકામાં મૃતઃપ્રાય થયેલા સ્વાદમાં જાણે જીવ આવ્યો, ચમત્કાર સ્વરૂપે લસણમાં ફરીથી લવણાશ જન્મવા લાગી, લસણમાં પુનઃ પ્રાણોનું સંચાર થતા જોઇને ગુવાર અને બટેકાની આંખો હર્ષાશ્રુથી ઉભરાઈ આવી. એ ભીની પણ હસતી આંખોએ હેતલ મેડમ સામે જોઇને આભાર વ્યક્ત કરવા લાગ્યા. આંખો લુછીને લસણના પુનર્જન્મથી પુનઃ સ્વાદિષ્ટ બનેલા ગુવાર અને બટેકા એ નાશ પામેલી ખાંડની મીઠાશનો ત્યાગ કરતાં મીરાંને કહ્યું. “કરેલા કર્મનાં બદલા દેવા રે પડે.....”
