Rajul Shah

Inspirational

3  

Rajul Shah

Inspirational

ખંત

ખંત

2 mins
14.5K



ગોકળગાય…. અત્યંત ધીમી ગતિએ આગળ વધતો જીવ. ન કોઇ ઉતાવળ ન કોઇ રઘવાટ કે ન કોઇ રેસ જીતવાના અભરખા. એ તો બસ પોતાની ગતિએ જ મસ્ત રહેતો જીવ. આપણે પણ કોઇ સાવ ધીમી ગતિએ કામ કરતી વ્યક્તિને ગોકળગાય સાથે જ સરખાવીએ છીએ ને?

અહીં વાત કરવી છે આવી જ એક ધીમી ગતિના સમાચાર જેવી ગોકળગાયની. પુર બહારમાં ખીલેલી વસંતની મસ્તી ચારેકોર ફેલાયેલી હતી. આવી સરસ મઝાની મોસમમાં એક ગોકળગાયે એની મસ્તીમાં મતલબ એની ગતિએ ચેરીના ઝાડ પરનું ચઢાણ શરૂ કર્યું. ઝાડ પર બેઠેલા પક્ષીઓએ આ જોયું. પહેલા તો ગોકળગાયના આ પ્રયાસની ખાસ નોંધ ના લીધી. માન્યુ કે આમતેમ જરા-તરા ઝાડ પર ચઢીને આ ગોકળગાય પાછી વળી જશે પરંતુ થોડો સમય જતાં ફરી જોયું કે ગોકળગાયે તો નિશ્ચિત ગતિએ ઝાડ પરની પોતાની સફર ચાલુ જ રાખી હતી. આ જોઇને પક્ષીઓને નવાઇ લાગી અને ગોકળગાયના પ્રયાસ પર જરા હસવું પણ આવ્યું.

ગોકળગાયની અવિરત સફર જોઇને એક પક્ષી ઊડીને તેની પાસે આવ્યું અને કહ્યું , “તને ખબર તો છે ને કે ઝાડ પર એક પણ ફળ નથી?”

“જાણું છું”…ગોકળગાયે પોતાની ગતિને વળગી રહીને જવાબ આપ્યો.

તો શા માટે વ્યર્થ મહેનત કરે છે?”

“મને ઝાડની ટોચે પહોંચતા કેટલો સમય લાગશે એની મને જાણ છે અને હું જ્યારે ઝાડની ટોચે પહોંચીશ ત્યારે તો ફળો આવી ગયા હશે એની ય મને ખબર છે.” જરાય અટક્યા વગર કે ચલિત થયા વગર ગોકળગાયે જવાબ આપ્યો.

સીધી વાત-સૌને આગળ વધવાની તમન્ના હશે. ક્યાંક કશુંક પામવાની ખેવના હશે. એ માટે કેટલા અને કેવા પ્રયાસો કરવા પડશે એનો ય કદાચ ક્યાસ કાઢેલો હશે પણ એ સેવેલું સપનું સિદ્ધ કરવા કેટલો સમય લાગશે એનો અંદાજ હશે ખરો? અને એ સ્વપ્ન સાકાર કરવાના તમામ અવરોધો પાર કરવાની હામ હશે ખરી? “હું જ્યારે ટોચ પર પહોંચીશ ત્યારે ઝાડ પર ફળો આવી ગયા હશે.” એવો વિશ્વાસ ધરાવતી પેલી ગોકળગાયની જેમ સફર તય કર્યા પછી અવશ્ય મંઝીલ પ્રાપ્ત થશે જ એવી દ્રઢતા અને મંઝીલ પ્રાપ્ત કરવા માટે જરૂરી સમય ફાળવવાની તૈયારીની ય જરૂરી છે કારણકે સફળતાનો કોઇ શોર્ટકટ નથી હોતો. આંબો વાવ્યા પછી પણ એની પાછળ ખાતર-પાણી- માવજત અને લાં……..બા સમયની ધીરજ પણ જરૂરી છે. પેલી ગોકળગાયની જેમ મંઝીલે પહોંચવા ગમે તેટલો સમય લાગે એને પાર પાડવા મહેનત કરવાની મરજી ય હોવી જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational