જયશ્રી બની વિજય શ્રી
જયશ્રી બની વિજય શ્રી
જયશ્રી મારા જીવનમાં વિજયશ્રી બનીને આવી......જો હું એમ કહું તો ક્યાંય અતિશયોક્તિ નથી.
અરે હા...પરિચય કરાવવાનો તો રહી ગયું. જયશ્રી મારી પત્નીનું નામ છે અને ખરેખર કહું તો જયશ્રી મારા જીવનનું નામ બની ગયું છે.
મારા પપ્પાએ એને મારા માટે પસંદ કરેલી. મેં તો બસ એને લબક જબક જોઈ હતી. લગ્ન થયા અને B. A. સુધી ભણેલી જયશ્રી મારી પત્ની બનીને મારા પરિવારની વહુ બની ગઈ. સુંદર, સુશીલ થોડીક શામળી પણ લાવણ્યયુક્ત ચહેરાવાળી....આપણે એમ કહીએ કે સુંદર અને સલોણી. હું એમ નહીં કહું કે હું એના પ્રેમમાં તરબોળ હતો. હા...પણ મને એ ગમતી ત્યારે પણ અને આજે પણ. ધીમે ધીમે હુંય એના પ્રેમમાં ડૂબતો ગયો.
તમને લાગશે કે આ અચાનકથી શું થયું તો હું તમને કહું કે હું એક પ્રાથમિક શાળાનો માસ્તર અને સાથે સાથે નાનો એવો લેખક જે પોતાના શોખ માટે લખે એવો. શરૂઆતમાં હું જ્યારે કાવ્યો લખતો તો જયશ્રીને જરૂર બેસાડીને સંભળાવતો. બે જણના કવિ સંમેલનમાં એ શ્રોતા અને હું કવિ.એને બહુ ગમતી મારી કવિતાઓ. એના કહેવાથી જ મેં કવિ સમ્મેલનમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને થોડી એવી ખ્યાતિ પણ મળી. હૃદયને ખુશીથી ભરી દેતો હતો એ અનુભવ.એ મને લગાતાર પ્રોત્સાહિત કરતી હજી વધુ લખવા માટે.
એમ ધીમે ધીમે હું કવિતાઓથી લઘુ કથાઓ લખવા માંડ્યો.
શાળાની વ્યસ્તતા અને પછી લેખન,જયશ્રી માટે થોડો ઓછો સમય કાઢી શકતો પરંતુ એને કોઈ ફરિયાદ નહોતી. એ તો પોતાનામાં મસ્ત રહેવાવાળી સુશીલ વહુ અને પત્ની હતી. સુખરૂપ જીવનના દિવસો આગળ વધી રહ્યા હતા, એવામાં અમે બે માંથી ત્રણ થયા. અને મારા જીવનમાં જયશ્રીની પ્રતિકૃતિ એવી મારી દીકરીએ પ્રવેશ કર્યો. ખુબજ હેતભેર જયશ્રીએ એનું નામ મનસ્વી પાડ્યું.કેટલું સુંદર નામ વાહ....
હા તો હું શું કહેતો હતો કે, મારા લેખનથી જયશ્રી બહુ પ્રભાવિત હતી, અને એને મને એક વખત હે કહી દીધું કે લેખક સાહેબ...! કવિતાઓ અને લઘુ કથાઓ બહુ થઈ, હવે એક નવલકથા લખોને....
હું અચંબિત થઇ સાંભળતો રહ્યો કે આ શું કરી રહી છે..? નવલકથા ? ના હોય હો...મારા માટે શું શક્ય છે નવલકથા લખવી..? પછી તો જયશ્રી દરરોજ મને એક વખત યાદ અપાવે.આમ મારા મનમાં આ વાત બેસી ગઈ...કહું તો મને ગોઠી ગઈ. મેં નવલકથા લખવાની શરૂઆત કરી.ધીમે ધીમે સતત લેખનથી નવલકથા પણ લખાઈને પૂરી થઈ. આજ મારી નવલકથાનું વિમોચન છે મારા મિત્રો, મારી શાળાના શિક્ષકો, મારો પરિવાર અને વધુ મહત્વપૂર્ણ મારી જયશ્રી અમારા બધાની હાજરી વચ્ચે અમારી શાળાના પ્રિન્સિપાલ સાહેબે વિમોચન કર્યું. આજે તો એમ કહીશ કે એક લેખક તરીકે મને સ્થાપિત કરવાવાળી મારી જયશ્રી....!
અરે હા.....નવલકથાનું નામ હું તમને કહી દઉં "જયશ્રી બની વિજય શ્રી"

