જુલિયેટ
જુલિયેટ
પારંપરિક લૂક ધરાવતા બેડરૂમની સીલિંગ લાઈટ્સ ઓફ છે. એક માત્ર પ્રવેશદ્વારે ટ્યુબલાઈટ ઝળહળી રહી છે. ઓરડાના મધ્યભાગે પિત્તળના મહાકળશમાં ઉગાડાયેલાં વિવિવિધરંગી ગુલાબનાં ફૂલોની જગ્યાએ માત્ર શ્યામરંગી ગુલાબ જ દેખા દે છે. બારીઓના પડદા શ્યામ અને ફ્લોર ઉપરની કારપેટ પણ શ્યામ. પલંગની મચ્છરદાની, ગાદલાની ચાદર, રજાઈ, પિલોકવર સઘળું શ્યામ; દિવાલો પણ બ્લેક વોલપેપરથી એવી શ્યામરંગી, જાણે કે બેડરૂમ કોઈ સ્ટુડીઓનો ડાર્કરૂમ ન હોય! તો વળી તેણે પરિધાન કરેલો નાઈટગાઉન પણ શ્યામ જ છે. એક માત્ર ગૌર દેખાય છે, એનું વદન; હા, જુલિયેટનું વદન. ફુલ સ્લીવ નાઈટગાઉનની બાંયોની નીચેથી દેખાતા એના હાથના ગૌર પંજા અને પગનાં તળિયાં પણ ગૌર જ. જુલિયેટે તેના પતિ લોરેન્સ સાથેના સંબંધોનો છેદ ઉડાડીને બે બાળકો સાથે માતૃગૃહે પાછી ફર્યા પછી ઇન્ટિરિઅર ડેકોરેટર્સને બોલાવીને પોતાના બેડરૂમની આંતરિક સજ્જાને વૈરાગ્ય અને ઉદાસીના પ્રતીકસમી શ્યામલ બનાવડાવી દીધી હતી, એટલા માટે કે હવે લોરેન્સથી છૂટા પડ્યા પછી તેના જીવનમાં અન્ય રંગો માટે કોઈ સ્થાન રહ્યું ન હતું. જો કે જુલિયેટની માતા ઈલિઝાબેથ કે તેનાં સંતાનોને તેની આ હરકતનું કોઈ આશ્ચર્ય થયું ન હતું, કેમ કે તેઓ તેને ધૂની અને સ્વૈરવિહારી સમજતાં હતાં; વળી તેના આંતરિક કારણથી તેઓ અજ્ઞાત પણ હતાં.
એ રાત્રિએ જુલિયેટ ભરનિદ્રામાં હતી અને તેને લાગ્યું કે તેના મસ્તકના કેશમાં કોઈકની કોમળ આંગળીઓ ફરી રહી છે. એ આંગળીઓ હળવેકથી પક્ષીના પીછાની જેમ તેની ભ્રમરના મધ્ય ભાગ, કાનબુટ્ટીઓ અને નાસિકાના મધ્ય ભાગથી ઉપલા ઓષ્ઠ વચ્ચેની ખાંચ(Philtrum)ને સ્પર્શી રહી છે. હવે એ આંગળીઓ કેટલાક સમય સુધી તેના બિડાયેલા ઓષ્ઠને હળવેકથી સ્પર્શ્યા પછી તેની હથેળીનો પૃષ્ઠભાગ તેના ગાલો ઉપર નાજુક રીતે ફરવા માંડે છે અને તે ઝબકીને જાગી જાય છે. ઉપરાઉપરી તાલીસ્વરે તે સેન્સર નાઈટ લેમ્પને તેજોમય કરીને ભયભીત નજરે બેડરૂમમાં ચારે તરફ જોઈ વળે છે અને કોઈ ન દેખાતાં તેને ખાત્રી થઈ જાય છે કે એ સ્વપ્ન માત્ર જ હતું. વળી એને એ અહેસાસ પણ થઈ જાય છે કે સ્વપ્નિલ એ સ્પર્શ અન્ય કોઈનો નહિ, પણ લોરેન્સનો જ હતો. શય્યાસુખ પૂર્વે આવી જ આંગિક પ્રણયચેષ્ટાઓ લોરેન્સ કરતો અને જુલિયેટ પણ એ ચેષ્ટાઓની આદી થઈ ગઈ હતી. વળી બંધ આંખે એ સઘળી સંવનનક્રિયાઓને મન ભરીને તે માણતી પણ ખરી.
જાગી ગયેલી જુલિયેટ પલંગ નીચેની સુટકેસમાંથી ફોટો-આલ્બમ કાઢે છે અને શૂન્યમનસ્કભાવે અને શુષ્ક નજરે ટેબલ લેમ્પના અજવાળામાં મેરેજના અને હનીમૂનના ફોટાઓ જોવા માંડે છે. પરંતુ લોરેન્સ સાથે બેસીને આ જ આલ્બમને અનેકવાર જોવા છતાં પણ ધરપત મહેસુસ ન કરી શકતી એ જ જુલિયેટને આજે રસ પડતો નથી. બગાસું ખાતાં તેને છાતી સરસું ચાંપીને નાઈટલેમ્પને ડીમ કરી દે છે અને છેલ્લા અઠવાડિયા સિવાયના દસકાનાં મધુર દાંપત્યજીવનનાં સંસ્મરણોને વાગોળતાં વાગોળતાં તે ફરી પાછી નિદ્રાધીન થઈ જાય છે.
પરંતુ જુલિયેટનું અજ્ઞાત મન તો લોરેન્સથી વૈવાહિક સંબંધે છૂટા પડવાના છેલ્લા ઘટનાક્રમને જ ઉખેળવા માંડે છે. આજલગીનું સુમેળભર્યું અને અન્યોન્ય નિર્ભેળ પ્રેમનું સિંચન પામીને ઘટાદાર બનેલું એમનું દાંપત્યવૃક્ષ એ દિવસે અચાનક ઉન્મૂલન પામ્યું હતું અને એના માટે જવાબદાર પોતે જ હતી. એ સાંજે ખુશમિજાજ ચહેરે ઓફિસેથી ઘરે આવેલા લોરેન્સ ઉપર કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર એણે વજ્રઘાત કર્યો હતો. જુલિયેટપક્ષે સ્વસ્થતાપૂર્વક અને લોરેન્સપક્ષે આઘાત અને આશ્ચર્યમિશ્રિત ભાવે તેમની વચ્ચે આમ સંવાદ થયો હતો :
‘મારી કેટલીક શરતો તને સ્વીકાર્ય હોય, લોરેન્સ, તો આપણી આપસી સંમતિથી;, નહિ તો ફેમિલી કોર્ટના ચૂકાદા હેઠળ આપણે છૂટાં પડીએ છીએ.’
‘ઓ માય ગોડ, તું ગાંડી તો નથી થઈ ગઈ! તને ભાન છે કે તું શું બોલી રહી છે? તારો મજાક કરવાનો ભાવ હોય તો આવી ગંભીર અને આઘાતજનક મજાક થાય ખરી?’’
‘મજાક નથી, હકીકત છે; અને તું માથું પટકશે તો પણ તને કારણ તો નહિ જ જણાવું.’
‘જુલી, ફોર ધ ગૉડઝ સેક, મને પરેશાન ન કર. ઘડીભર માની લઉં કે તું ગંભીર છે, તો પણ ફેમિલી કોર્ટની રૂએ મને કારણ તો આપવું જ પડે ને!’
‘આપણો મામલો કોર્ટે જશે, તો ત્યાં કારણ આપીશ; અને એ પણ સાવ ખોટેખોટું! ડાયવોર્સની મારી માગણીને સાચી ઠેરવવા ઈશ્વરની માફી માગીને મારે તારા ઉપર ખોટા આક્ષેપો પણ કરવા પડશે! આપણાં બેઉની ભલાઈ એમાં છે કે આપણે રાજીખુશીથી છૂટાં પડીએ.’
‘જો હવે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આપણા કેબિનેટની આંતરિક સેઈફમાંની મારી રિવોલ્વરથી મને શુટ કરી દે એટલે ડાયવોર્સની જફા વગર તું મારાથી આપોઆપ છૂટી, બસ! વળી હું સ્વૈચ્છિક રીતે સુસાઈડ કરી રહ્યો છું એવી નોટ લખીશ એટલે તું આરોપમુક્ત! આનાથી વધારે તો તારા માટે હું બીજું શું કરી શકું?’ આમ કહેતાં લોરેન્સ રડી પડ્યો હતો.
‘એમ કરું કે, લોરેન્સ, હું જ મને પતાવી દઉં તો!’
‘આમ કહીને તું મને ઇમોશનલ ધમકી આપી રહી છે, ખરું ને! ઈશ્વરને ખાતર ધીમેથી બોલ, નહિ તો છોકરાં સમજશે કે આપણે ઝઘડી રહ્યાં છીએ.’
‘મેં એમને મારી મોમના ત્યાં મોકલી દીધાં છે.’
‘વાત આટલે સુધી પહોંચી ગઈ અને એ પણ મારી ગેરહાજરીમાં! તું મને ગાંડો કરી દઈશ, જુલી!’
‘હવે આડીઅવળી વાત પડતી મૂક, લોરેન્સ, અને મને જવાબ આપ કે આપણે કઈ રીતે છૂટાં પડવું છે?’
‘મારાં પેરન્ટ્સ તો આ દુનિયામાં મોજુદ નથી અને આપણાં બેઉ વચ્ચે એક માત્ર પેરન્ટ તરીકે તારાં મોમ મોજુદ છે. ચાલ, આપણે તેમના ઉપર છોડીએ કે આપણે કેવી રીતે છૂટાં પડવું? જોઈએ તો ખરાં કે તેઓ કેવો માતૃધર્મ નિભાવે છે!’ લોરેન્સ ખિન્ન વદને બોલ્યો.
‘તું ભલે મને ઇમોશનલી બ્લેક મેઈલ ન કરતો હોય, પણ એટલું તો મક્કમતાપૂર્વક કહીશ કે મારો નિર્ણય અફર છે. હું ઇચ્છું છું કે આપણે આપસી સંમતિથી છૂટાં પડીશું તો જ આ વાત આપણા બે જણ પૂરતી ખાનગી રહેશે અને ખાસ તો મારાં મોમથી પણ અજાણ રહેશે. હું બાળકો સાથે મોમ સાથે રહીશ એ સૌને બાહ્ય રીતે એમ જ દેખાશે કે મારો ભાઈ જેક કોલેજશિક્ષણ માટે ફિલાડેલ્ફીઆ ચાલ્યો ગયો હોઈ મોમને એકલવાયાપણું ન લાગે માટે હું ત્યાં રહું છું.’
‘તારું ખરેખરું કારણ એ જ હોય તો તું ત્યાં રહે અથવા એમને આપણા ભેગાં બોલાવી લઈએ, પણ આ માટે તારું ડાયવોર્સ લેવાનું લોજિક મને સમજાતું નથી.’
‘એ સમજાવીશ પણ નહિ. પરંતુ હા, આપણી આપસી સહમતિથી આપણે છૂટાં પડીએ છીએ તેમ મેં તારા ઉપરના વિશ્વાસથી માની લીધું છે; અને તેથી લે, આ કાગળ વાંચી જો, જેમાં મેં મારી શરતો લખી છે. તારે નીચે કોઈ સહી કરવી જરૂરી નથી, કેમ કે એ આપણે બેઉએ સમજવા પૂરતી છે અને આપણે સજ્જનોની જેમ તેનું પાલન કરીશું.’ આમ કહીને જુલિયેટે ભાવવિહીન શુષ્ક ચહેરે લોરેન્સ આગળ કાગળ ધરી દીધો હતો; જેમાં આમ લખેલું હતું :
(૧) આપણે આપસી સંમતિથી છૂટાં પડીએ છીએ અને આપણા ડાયવોર્સ આપણા બે જણ વચ્ચે ખાનગી જ રહેશે.
(૨) હું બંને બાળકો સાથે મોમના ત્યાં રહીશ, એ બાહ્ય દેખાવ હેઠળ કે આપણા સંબંધો નોર્મલ છે અને તું પણ વિના રોકટોક અવારનવાર અમારા ત્યાં આવતોજતો રહીશ.
(૩)ઈશ્વરસાક્ષીએ અને આપણા અંતરાત્માના અવાજે આપણે લગ્નવિચ્છેદ કર્યો હોઈ આપણે એકબીજાંને અજનબી વ્યક્તિઓ તરીકે જ મળીશું અને આપણે પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ.
(૪)કાયદેસર તારી સ્થાવર-જંગમ મિલ્કતના મારા અડધા હકદાવા હેઠળ મને મળવાપાત્ર નાણાં અથવા વન ટાઈમ એક મિલિયન ડોલર એ બેમાંથી જે ઓછું હોય તે જ તારે રોકડ સ્વરૂપે જ મને ચૂકવવાનું રહેશે.
(૫)મારા કે સંતાનોના ભરણપોષણ તરીકે કે અન્ય ખર્ચ નિમિત્તે તારે મને કશુંય આપવાનું રહેશે નહિ.
(૬)સંતાનો પુખ્તવયનાં થયેથી તેમની ઇચ્છા મુજબ ગમે ત્યાં રહી શકશે.
(૭)આપણે પુનર્લગ્ન કરીશું નહિ.
(૮) મારી ઇચ્છા થયેથી હું ગમે ત્યારે ડાયવોર્સ રદબાતલ કરીને ફરીવાર તારી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ શકીશ.
લોરેન્સે જુલિયેટને કાગળ પરત આપતાં કહ્યું હતું. ‘હું સારી રીતે જાણું છું કે તું ખુદ્દારી અને કૃતનિશ્ચયતાની એક જીવંત મિસાલ હોઈ તારા નિર્ણયને નહિ જ બદલે અને તેથી કપાતા દિલે પણ તારી ઇચ્છાને માન આપીશ, કેમ કે હું તને બેહદ ચાહું છું અને તે માટે હું ગમે તે કરવા તૈયાર છું. પરંતુ એક વાત તો નક્કી કે તું મારાથી કંઈક છુપાવે છે, જુલિયેટ!’
‘હા, એ સાચું અને સમય આવ્યે એ હું તને કહીશ પણ ખરી. મૂળ વાત કે તું નાણાંની વ્યવસ્થા કેટલા દિવસમાં કરી શકીશ?’
‘અઠવાડિયું તો થશે જ, કેમ કે તારે રોકડા જ જોઈએ છે. આમ તો તારા હક્કની રૂએ તો મારે અઢળક આપવાનું થાય, પણ તું એક મિલિયન જ માગે છે એટલે રોકડ સગવડ અંગે મારા માટે એટલી રાહત ગણાય. વળી એ પણ હાથ ઉપર ન હોઈ મારે મિત્રોને ચેક આપીને તેમની પાસેથી રોકડા મેળવવા પડશે.’
* * *
ઈલિઝાબેથ દોહિત્ર-દોહીત્રીને સ્કૂલબસમાં બેસાડવા માટે વહેલી સવારે ડ્રાઈવ-વે પાસે ઊભેલાં હતાં અને લોરેન્સની લેક્સસ કાર આવી પહોંચી. એણે કાર ધીમી પાડીને છોકરાંઓને હેલો-હાય કહીને ગરાજ આગળ પાર્ક કરી દીધી. ડોરબેલના અવાજે જુલિયેટે દરવાજો ખોલીને લોરેન્સને આવકાર્યો. ટેલિફોનિક ગોઠવણ મુજ્બ લોરેન્સ સમયસર આવી ગયો હતો.
લોરેન્સે અંદર દાખલ થતાં જ એકાંતનો લાભ લઈને જુલિયેટના હાથમાં કરન્સીનું પાકીટ પકડાવી દેતાં કહ્યું, ‘મોટી નોટો છે, પૂરા એક મિલિયન.. મોમના આવવા પહેલાં ઠેકાણે મૂકી દે.’
જુલિયેટના બ્લેક નાઈટ ગાઉન તરફ લોરેન્સનું ધ્યાન જતાં તેનાથી ટીખળ કર્યા સિવાય રહેવાયું નહિ અને કહ્યું, ‘અરે, આ શું જોઈ રહ્યો છું? શ્યામરંગી વસ્ત્રપરિધાન કરેલી ‘ક્લિયોપેટ્રા’ મુવીની ઈલિઝાબેથ ટેલરની પ્રતિકૃતિ કે પછી મારા એક ભારતીય મિત્રના કહેવા પ્રમાણેની પૂર્વીય મીરાંબાઈ? ‘ઓઢું કાળો બ્લેન્કેટ, દુઝો ડાઘ ન લાગે કોય’ (I am wrapped up in a black blanket, so that no any stain can tarnish it) એ મતલબનું કંઈક એ ગાતો હતો. મને તેણે એ પણ સમજાવ્યું હતું કે મીરાંનું કાસળ કાઢવા તેને ઝેરનો પ્યાલો મોકલવામાં આવ્યો હતો, પરંતુ આપણા કિસ્સામાં તો સાવ જુદું થાય છે. તેં તો ‘પાશ્ચાત્ય મીરાં’ બનીને જાતે જ ઘૂંટેલા ઝેરનો પ્યાલો ગટગટાવ્યો છે, કેમ ખરું કે નહિ?’
‘હવે વહેલી સવારમાં મારો મુડ ખરાબ કર્યા વગર ચૂપ બેસી રહે તો સારું! હ
વે આપણે મિત્રો છતાંય તારાથી રિસાઈ જવાના મારા અધિકારને મેં જતો કર્યો નથી!’ આમ કહીને જુલિયેટે મધુર ગુસ્સાસહ ત્વરિત બેડરૂમમાં જઈને પેકેટને કેબિનેટમાં મૂકી દીધું.
થોડીવાર પછી ઈલિઝાબેથનું આગમન થયું અને તેમણે આવતાંની સાથે જ જણાવી દીધું કે પોતે હાલ જ ગ્રોસરીનો કેટલોક સામાન ખરીદવા બહાર જાય છે. એક અઠવાડિયે ભેગાં મળેલાં એમને પ્રાયવસી મળી રહે તે આશયે એમણે બહાનું ઊભું કર્યું હતું.
જુલિયેટે લોરેન્સને બ્રેકફાસ્ટનું પૂછતાં તેણે અનીચ્છા દર્શાવી અને જુલિયેટને હાથના ઈશારાથી સામેના સોફા ઉપર બેસવાનું કહ્યું.
‘સામેના સોફે કેમ? તારી પાસે અડીને ન બેસી શકું?’
‘તારી જ તો શરત છે કે આપણે એકબીજાંને અજનબીની રીતે મળીશું અને પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ!’
‘તો પછી તું મને પજવે છે કેમ? રાત્રે ચેનથી ઊંઘવા પણ દેતો નથી!’
’હું તને પજવું છું! તને અહીં આવ્યાને અઠવાડિયું થયું. પહેલીવાર રૂબરૂ મળીએ છીએ અને આપણી વચ્ચે ફોન ઉપર રાત્રે કે ક્યારેય કોઈ વાતચીત પણ થઈ નથી. પણ હા સમજ્યો! તો હું રાત્રે જ હેરાન કરું છું, એમ ને! એ પણ સપનામાં જ, ખરું ને! ખરે જ તું હેરાન થતી હોય, તો …તો હું રોજ રાત્રે એમ જ કરીશ! ’
‘ચાલ, એ વાત રહેવા દે. હું તને પૂછું છું કે મારી ગેરહાજરીમાં તને કોઈ અગવડતા પડે છે, ખરી?’
‘તમાચો ઠોકી દીધા પછી પૂછવાનું કે ગાલ તતડે છે?’
‘મારા ગાલ ઉપર પણ તમાચો તો પડ્યો જ છે ને, ભલે ને પછી મેં જ મને જડી દીધો હોય!’
‘પોતાના હાથે પોતાના ગાલ ઉપર તમાચો તો હળવો જ પડે, સામેવાળાને તો ખેંચીને જ દેવાય ને! હું કહું છું કે આપણે એકબીજાંના તતડતા ગાલોને પંપાળીને રાહત આપવી જ હોય, તો હજુય ક્યાં મોડું થયું છે? હાલ જ ચર્ચ તરફ દોડી જઈએ, ફાધર આગળ પશ્ચાત્તાપ કરી લઈએ, ફરી જોડાઈ જઈએ અને એકબીજાંના ગાલોને પંપાળી લઈએ!’
‘એમ જ થશે, પણ એ સમય આવ્યે! મારી આખરી બે શરતો પણ એવી જ છે ને! કેમ ભૂલી જાય છે?’
‘ભૂલ્યો નથી, કેમ કે એ જ તો મારા જીવનની આશાદોરી છે ને! પણ હું પૂછું છું કે આ તે તારી કેવી અદાલત? તું કેદની સજા ફરમાવે, પણ કેટલાં વર્ષની એ ચૂકાદામાં જણાવે જ નહિ!’
‘અંદાજે વર્ષ જણાવું તો ચાલે?’
‘ના, મારે તો સજામાફી જ જોઈએ. તું નહિ સાંભળે, તો ઉપલી અદાલતમાં અપીલ કરીશ, મોમની અદાલતમાં!’
‘ઈશ્વરને ખાતર તેમ કરીશ નહિ. મોમ દુ:ખીદુ:ખી થઈ જશે!’
‘તો તારા આ પગલાથી હું સુખીસુખી થઈ ગયો એમ તું માને છે? તારા ચૂકાદાની પાયાની ખામી એ જ કે તેં મને આરોપ તો સંભળાવ્યો જ નથી!’
‘પણ તું આરોપી હોય તો જ આરોપનામું સંભળાવું ને! આરોપી તો હું જ છું અને મેં જ મને સજા ફરમાવી છે. તારા ઉપર તો મારી સજાની આડઅસર થઈ ગણાય!’
‘નિર્દોષને સજા એ વળી ક્યાંનો ન્યાય ગણાય? વળી મારા માટે એ સજાની આડસસર નહિ, પણ સીધી જ અસર કહેવાય!.’
‘તો શું તું એમ માને છે કે મને આપણા વિયોગનું કોઈ દુ:ખ નહિ થતું હોય! જાણવું છે તારે, મારું દુ:ખ? તો જા, મારો બેડરૂમ જોઈ આવ.’
‘શું દિવાલો ઉપર મારા ફોટા જડી દીધા છે કે શું?’
‘એ તો તું જ જોઈ આવ ને!’ આમ કહેતાં જુલિયેટ હૈયાફાટ રડી પડી.
ગભરાયેલો લોરેન્સ જુલિયેટના બેડરૂમ તરફ ધસી ગયો અને શ્યામરંગી ઇન્ટિરિયર જોતાં જ ફાટ્યા અવાજે બોલી ઊઠ્યો, ‘અરે પગલી, હું મરી નથી ગયો; જીવું છું, જીવતોજાગતો તારી સામે તો છું! તારી આવી માનસિક હાલત જોતાં હવે મને લાગે છે કે મારે તને હમણાં જ મારી સાથે લઈ જવી પડશે. હું તારી શરતોને ખારિજ કરું છું. તું એમ ન માનતી કે મને તારા આવા ઘાતકી પગલા પાછળના કારણની ખબર ન પડે! તારે કોઈક કારણોસર નાણાંની જરૂર હતી અને તેં તારી ખુદ્દારીએ મારી પાસે સીધી માગણી ન મૂકતાં આપણા મધુર દાંપત્યજીવનને વટાવી ખાધું. પરંતુ તું એ ભૂલી ગઈ કે દિવ્ય પ્રેમથી જોડાયેલાં પતિપત્ની એકબીજાંનાં સુખદુ:ખનાં સાથી હોય છે. આપણે લગ્ન પહેલાં ‘હું’ અને ‘તું’ હતાં અને લગ્ન પછી ‘આપણે’ બની ગયાં કહેવાઈએ. તારે ડાયવોર્સના આવા જલદ માર્ગે જવા પહેલાં મને ચકાસવો જોઈતો તો હતો! ખેર, આમ છતાંય હું તને દોષ નથી દેતો, કેમ કે તેં કોઈ ઉમદા હેતુ માટે ડાયવોર્સ અને તે થકી મળનારા નાણાંકીય લાભને રોકડો કરી લીધો લાગે છે. હવે મારે જાણવું તો પડશે જ કે તારો કયો એવો ઉમદા હેતુ છે કે જેના માટે તારે આમ ઝેરનાં પારખાં કરવાં પડ્યાં!’
જુલિયેટને લોરેન્સના સીધા વાકપ્રહાર સામે ઝૂકી જવું પડ્યું અને રડતાંકકળતાં કહેવું પડ્યું, ‘લોરેન્સ, એ ઉમદા હેતુ છે, બબ્બે જિંદગીઓ બચાવવાનો; એક, જેકની અને બીજી તેના દોસ્ત જહોન્સનની. હું આજે જ મોમ આગળ જેકને મળવા જવાનું બહાનું કરીને આ નાણાં લઈને હું ફિલાડેલ્ફિઆ જવાની હતી. હવે આપણા બેઉ વચ્ચે વાત ઊઘાડી પડી જ ગઈ છે, તો આપણે બંને સાથે જ જઈશું. મોમને આ વાતની ખબર ન પડવી જોઈએ, નહિ તો તે આંતરિક રીતે તૂટી પડશે.’
લોરેન્સ આ સાંભળીને રાડ પાડતાં બોલી પડ્યો, ‘આટલી ગંભીર વાતનો મારી સાથે પડદો! તેં મને પરાયો ગણ્યો, એમ ને! કેમ, જેક મારો પણ ભાઈ ન ગણાય? વળી એનો મિત્ર પણ પરાયો કેમ ગણાય? એ જુવાનિયાઓ એવું તે શું પરાક્રમ કરી બેઠા કે આવડી મોટી નાણાંકીય આફતમાં ઘેરાઈ ગયા? કોઈ ખંડણીખોરોએ એમને બાનમાં લીધા છે કે શું? આજકાલ આપણા દેશમાં આવા ક્રાઈમ ખૂબ જ વધી ગયા છે. ખેર, માંડીને વાત કર કે હકીકત શું છે?’
‘વાત એમ છે, લોરેન્સ, કે આપણો જેક સીધોસાદો અને નિખાલસ હોઈ સહજ રીતે જ જહોન્સનનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. તેણે વાતવાતમાં જણાવી દીધું હતું કે પોતે આર્થિક રીતે મધ્યમવર્ગનો માણસ છે. અહીં ફિલાડેલ્ફિઆ ખાતે પોતે ભણવા આવી શક્યો છે તે તેનાં બહેન અને જીજાજીની ઉદારદિલિ આર્થિક સહાયના કારણે જ તો. તેણે એ પણ જણાવ્યું હતું કે અમે સ્વમાની છીએ અને મારી બહેનને પણ જીજાજીની આવી સહાય લેવી ગમી નથી. તે માને છે કે દાંપત્યજીવનમાં અંગત સ્વાર્થ આડો આવવો જોઈએ નહિ. જહોન્સને જેકની વાત ગંભીરતાથી લેતાં તેને મદદરૂપ થવા માટેની તૈયારી બતાવી અને તેણે પોતાની યોજના સમજાવી. જહોન્સનના પિતા બિલિયોનર હોઈ તેમણે બેંકના પિતાપુત્રના સંયુક્ત લોકરમાં એક મિલિયન ડોલર રિઝર્વ હાર્ડ કેશ મૂકી રાખ્યા હતા, જે ભવિષ્યે જહોન્સનને કામમાં આવી શકે. લોકરની એક ચાવી જહોન્સન પાસે રહેતી હતી. મૂર્ખાઓએ જલ્દી નાણાં કમાઈ લેવાનો શોર્ટ કટ વિચાર્યો અને કેસિનોના રવાડે ચઢી ગયા. તેમનું ભાગ્ય ખૂલવાની આશામાં ને આશામાં એકાદ મહિનામાં તો સૂપડું સાફ! તેઓ દસેદસ લાખ ડોલર ગુમાવી ચૂક્યા. જહોન્સન ખૂબ જ સંવેદનશીલ હોઈ પિતા આગળ શરમિંદગી ન અનુભવવી પડે તે માટે તેણે જેક આગળ આત્મહત્યા કરી લેવાની ઇચ્છા જણાવી. જેકે કહ્યું કે આ આફત માટે જવાબદાર તે પોતે જ છે અને તેથી આત્મહત્યા તેણે કરી લેવી જોઈએ. જહોને કહ્યું કે ભલે તને આર્થિક સહાય માટે આમ કરવાનો મને વિચાર આવ્યો હોય, પણ તને કંઈ લાખો ડોલરની સહાયની જરૂર ન હતી. મારી પોતાની પણ લાલસા હતી કે પિતાએ મને આપેલા મિલિયન ડોલર આમ લોકરમાં વ્યર્થ પડ્યા રહે તેના કરતાં તેમાં વૃદ્ધિ કરીને હું તેમને સરપ્રાઈઝ આપું. આખરે તેમણે તાજેતરમાં જ ઊજવેલા ફ્રેન્ડશીપ ડે ઉપર એકબીજા માટે મરી ફીટવાના તેમના સંકલ્પને યાદ કરીને એ નતીજા ઉપર આવ્યા હતા કે બંને સાથે જ આત્મહત્યા કરી લેશે. પરંતુ જેકને આપણા ઉપર થોડી આશા બંધાઈ અને એક ચાન્સ લેવાના ઈરાદે તેણે મને ટેલિફોનિક બધી કેફિયત જણાવી. મેં વારાફરતી બંને સાથે વાતચીત કરીને તેમને હૈયાધારણ આપી કે હું પૂરા મિલિયન ડોલર લઈને ટૂંક સમયમાં રૂબરૂ આવું છું અને તમે લોકો કોઈ અવિચારી પગલું ભરતા નહિ. મેં એમને એમ પણ સમજાવ્યું કે તમે બેઉ તરવરતા યુવાન છો, અભ્યાસમાં તેજસ્વી છો, જીવનમાં કંઈક કરી શકવાની તમે લોકો ક્ષમતા ધરાવો છો. તમે જીવન જ ગુમાવી બેસશો તો બધું ખતમ થઈ જશે. તમારા બેઉના જીવન સામે એક મિલિયન ડોલરની કોઈ વિસાત નથી. ઈશ્વરને ખાતર મારી રાહ જુઓ અને મેં જેકને મોમની તેના પ્રત્યેની લાગણીની યાદ અપાવીને તેને સમજાવીને વારી લીધો હતો..’
* * *
જુલિયેટ અને લોરેન્સ એરપોર્ટથી સીધાં જેક અને જહોન્સનની હોસ્ટેલે પહોંચી ગયાં. એ બેઉ મિત્રો તેમને ભેટી પડીને ચોધાર આંસુએ રડી પડ્યા. લોરેન્સે જહોન્સનને પૂછ્યું, ‘બોલ, શું કરવું છે? આ નાણાં બેંકના લોકરમાં સીધાં મૂકી દેવાં છે કે તારા પિતાના હાથમાં આપી દેવાં છે?’
‘મારી-અમારી વિચારશક્તિ બહેર મારી ગઈ છે. આપ બેઉ વડીલોને ઠીક લાગે તેમ કરી શકો છો. આપ બેઉનો આભાર વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. આપે અમને જીવતદાન આપ્યું છે, તેનું ઋણ અમારાથી અદા થઈ શકશે તો નહિ; પણ અમે ઈસુને પ્રાર્થીએ છીએ કે આપને આ લોક અને પરલોકમાં સુખ, સમૃદ્ધિ, સામર્થ્ય અને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ..’
જુલિયેટ અને લોરેન્સનાં દિમાગોમાં એકસાથે સમાન વિચાર ઝબૂક્યો અને ચારેય જણાં જહોન્સનના પિતાની એપોઈન્ટમેન્ટ લઈને તેમની ઓફિસમાં પહોંચી ગયાં. મિ. જહોનની ચેમ્બરમાં સંવેદનશીલ વાતાવરણ બની રહ્યું. સઘળી કેફિયત રજૂ થઈ. મિ. જહોને જુલિયેટ અને લોરેન્સની સજ્જનતાને બિરદાવતાં કહ્યું, ‘આપે આપના સુખી દાંપત્યજીવનને હોડમાં મૂકીને આપણા બેઉ દીકરાઓની જિંદગી બચાવી છે, જે નાનીસૂની વાત નથી. જુવાનિયાઓએ ભૂલો કરી છે અને આ ઉંમરે એ થાય એ સ્વાભાવિક પણ છે. આપ આપનાં નાણાં પાછાં લઈ જાઓ, જેને આપ બેઉના પુનર્મિલનની મારા તરફની ભેટ સમજજો. જેક હવે મારો દીકરો જ છે. તેને જેટલું ભણવું હશે તે ભણવા માટેના તેના ખર્ચની જવાબદારી હું આનંદભેર સ્વીકારું છું. જહોન્સને જે કંઈ ભૂલ કરી છે તે ક્ષમ્ય છે, એટલા માટે કે તેણે લોકરમાંનાં નાણાંને મોજમજા માણવા માટે નહિ, પણ મિત્રભાવે જેકને મદદરૂપ થવા માટે લીધાં હતાં. જો કે એણે એમાંથી સીધી મદદ કરી હોત તો એ વધારે ઉચિત ગણાત. ખેર, જે થયું તે થયું. માનવજીવનમાં ઘટતી આવી ઘટનાઓ પાછળ કોણ જાણે કેટકેટલા ભેદ જળવાયેલ હોય છે. ઈશ્વર સૌનું ભલું કરે.’
પ્રસન્ન વદને અને ભાવવિભોર હૈયે એ પાંચેય જણ છૂટાં પડે છે.
(‘ઓપિનિયન’માં પ્રસિદ્ધ થયા તા.૦૩૦૩૨૦૧૬)