STORYMIRROR

Mittal Chudgar Nanavati

Inspirational

3  

Mittal Chudgar Nanavati

Inspirational

જો અત્યારે નહીં તો ક્યારે ?

જો અત્યારે નહીં તો ક્યારે ?

6 mins
273

જો અત્યારે નહીં તો ક્યારે ? જો હું નહીં તો કોણ ? 

જીવન અણધાર્યું છે એ સૌને ખબર છે. આજે છીએ અને કાલે નથી એ પણ સહુ જાણે છે. જીવનનો કોઈ ભરોસો નથી એટલા માટે આપણી જાત અને બીજાની જિંદગી પ્રત્યેનું આપણું વર્તન અને વલણ બેદરકારીભર્યું રાખવું શું એ યોગ્ય છે ? આત્મા મરતો નથી એ તો અમર છે એ જ્ઞાન આપણને છે પણ જયારે કોઈ સ્વજનનું હાલતું-ચાલતું શરીર લાશ થઈ જાય ત્યારે એ માનવામાં નથી આવતું. ત્યારે એ સ્વજનને પાછું લાવવા સિવાયનું બીજું બધું જ વ્યર્થ લાગે છે. બધી તાકાત આપણે દુઆ, પ્રાર્થના, સારવાર, અને છેવટે લાગવગમાં પણ લગાવી દઈએ છીએ કે કેમ કરી આપણી વ્હાલી વ્યક્તિ બેડ ઉપરથી ઊભી થઈ સાજી થઈ જાય.

આપણને કર્મ અને ધર્મ પ્રત્યે હંમેશા ઘણાં પ્રશ્નો ઉદ્ભવ્યા છે.સાચા-ખોટા,નૈતિક-અનૈતિક કાર્યો વચ્ચે ઘણીવાર આપણે ગૂંચવણ અનુભવીએ છીએ. ધર્મ, અધ્યાત્મ કે વિજ્ઞાન કોના ઉપર વિશ્વાસ મૂકવો ? નજરે જોયેલું સાચું માનવું કે કાને સાંભળેલું ? આપણી દ્વિધાઓને દૂર કરવા માટે ઘણીવખત આપણે પરમાત્માને વિનંતીઓ કરી હશે અને કરતા જ હોઈએ છીએ. એના જવાબો દર વખતે આપણે સમજી નથી શકતા.પણ આ વખતે તેણે મૉટેથી, સ્પષ્ટ અને ઉદાહરણ સાથે સમજાવ્યું છે, ચેતવ્યા છે, અને સજાગ થવા માટે સૂચન પણ કર્યું છે.

આજે આપણા ધર્મને લગતા બધા પ્રશ્નો, દ્વિધાઓ, મૂંઝવણોનો અંત આવી ગયો છે. આજે કર્મ અને ધર્મ બંને એક બની ગયા છે. આજે મંઝિલ પણ સ્પષ્ટ છે અને માર્ગ પણ. આજે બધાએ એકજ દિશામાં, એકજ માર્ગ, અને એકજ રીતે આગળ વધવાનું છે એ પછી કોઈપણ દેશ, પ્રાંત, ધર્મ કે જાતિનો માનુષ હોય. આજે પરમાત્માએ ખરા અર્થમાં સમજાવ્યું છે કે એના માટે બધા સમાન છે, એ કોઈમાં ભેદ નથી કરતો. આજે દરેક મનુષ્યનો પહેલો ધર્મ સાવચેતી, આત્મ-સંયમ અને એકલતા જ છે. 'સ્વબચાવ અને બીજાનો બચાવ'

કોરોના વિશ્વવ્યાપી છે. કોઈ એનાથી ઇમ્યુન નથી. આ કસોટી અને તપસ્યા બધા માટે સમાન છે. એમ માનવું કે ભારતમાં સરકાર, ડૉક્ટર કે મેડિકલ સ્ટાફ એટલો સારો નથી, સારવાર સારી નથી મળતી, વેક્સીન સારી નથી...વગેરે તો એ સાચું નથી. હાં, સારા અને નરસા બંને અનુભવો હશે પણ આ મહામારીમાં 'વ્યક્તિગત જવાબદારી જ મહત્વની છે'. પ્લીઝ બીજી વાર વાંચો 'વ્યક્તિગત જવાબદારી જ મહત્વની છે'.

જાન્યુઆરી ૨૩, ૨૦૨૦ માં ચાઇનાથી આવેલ પ્રવાસીનો પેહલો કોવિડ કેસ અહીં સિંગાપોરમાં આવ્યો. ફેબ્રુઆરીમાં મમ્મી-પપ્પા કહેતા હતા કે અહીં આવી જાવ, ભારતમાં કશું નથી ત્યારે અહીંના PM એ જાહેર કર્યું કે જે કોઈ દેશની બહાર જશે એનો કોરોનાની સારવારનો કોઈ ખર્ચ સરકાર નહિ ઉપાડે અને પાછાં આવવાનો વિઝા મળશે એની પણ કોઈ ગેરેન્ટી નહિ. જે લોકો મજબૂરીમાં ગયા છે એ હજી સુધી પાછાં આવી નથી શક્યાં. કોઈના પિતા ગુજરી ગયા, તો કોઈ પિતા બની ગયા પણ કોઈ પરિવારને મળી નથી શક્યાં. દોઢ વર્ષથી ઉપર થઇ ગયું છે છતાં માતા-પિતા છોકરાઓ, ઘણા પરિવારો અલગ જ રહી ગયા છે. સિંગાપોર અમદાવાદથી નાનું છે. મલેશિયા, ઇન્ડોનેશિયા કલાકની દૂરી પર છે છતાં લોકો પરિવારથી દૂર રહે છે, કારણ કે બોર્ડર બંધ છે. દોઢ વર્ષથી માસ્ક વગર ઘરની બહાર નીકળ્યા નથી. ૬-વર્ષ થી ઉપરના દરેક છોકરાઓ પણ સાત કલાક સ્કૂલમાં માસ્ક પહેરી બેસે છે. ૮ લોકોથી વધારે ક્યાંય જઈ ન શકાય, ઘરે પણ મળી ન શકાય. આ બધું સહેલું છે ? બિલકુલ નથી.એટલેજ છેલ્લા ૩-૪ મહિનાઓથી સિંગાપોરમાં કોઈ જ કોરોના કેસ નથી. કોઈજ કેસ નહિ હોવા છતાં માસ્ક ૨૦૨૧ પૂરું થશે ત્યાં સુધી ફરજીયાત છે. આજુબાજુનાં બધા દેશોની સરખામણીમાં સિંગાપોર કેવી રીતે કોરોનાને માત આપવામાં સફળ છે એનો એક જ જવાબ છે 'માસ્ક' અને 'કડક નિયમ પાલન'. અહીં પણ લોકોની નોકરીઓ ગઈ છે, નાનાંમોટાં ઘણા આઉટલેટ્સ બંધ થયા છે. બચત ઉપર જ જીવે છે સરકાર,કારણ કે કોઈ બાહ્ય આવક નથી. ટુરિઝમ બંધ છે એટલે હોટલો, ફરવાના સ્થળો બધું ખોટમાં છે. તકલીફ છે છતાં જિંદગીને 'માણસને' મહત્વ અપાયું છે.

Psycho-Cybernetics નામની બુકમાં એના લેખક મૅક્સવેલે એમના પ્રયોગો અને અનુભવો પરથી લખ્યું છે કે કોઈપણ આદત પડતા લગભગ ૨૧ દિવસ લાગે છે. સારી કે નરસી. જે વર્તન આપણે વારંવાર, રોજે કરીએ એ આપણી આદત બની જાય છે. ઘણીવાર વચ્ચે થીજ આદત છૂટી જાય છે કારણ કે મનુષ્યને એ કામ કરવામાં કંટાળો આવે છે, કોઈ પુરસ્કાર નથી મળતો.એટલે આ સેલ્ફ-હેલ્પ બુકમાં એવા રસ્તાઓ બતાવવામાં આવ્યા છે જે સફળતા અને કામયાબી માટેની સારી આદતોને જીવનમાં ઉતારવામાં મદદ કરે. આપણાં માટે અત્યારે સૌથી અગત્યની સફળતા એ 'કોરોના મુક્ત' થવું છે .૨૧ દિવસ રોજે માસ્ક પહેરી ન શકાય ? ૧ થી માંડી ૮ કલાક સુધી એની ટેવ પાડી ન શકાય ? હજી આખું વર્ષ પહેરવાનુંજ છે એમ જાતને સમજાવી ન શકાય ? થઇ જ શકે. તકલીફ ત્યાં છે કે બધાં નથી પહેરતા, બીજાને કેમ સમજાવવાં ? આપણી ગાડી કોઈ પાછળ થી ઠોકે તો આપણે ચૂપ રહીયે છીએ ? હું કોણ છું ખબર છે, સીધું પુછીયે છીએ ને ? લડવા પણ તૈયાર થઇ જઈએ. તો પછી આપણાં જીવનની ગાડી ને કોઈ માસ્ક વગર વાત કરી કેમ ઠોકી શકે ? આ તો જીવન માટેની લડાઈ છે. માસ્ક વગરનો કોઈપણ માણસ આપણા માટે વાઇરસ સમાન જ છે,એ આપણને ગમે ત્યારે પાડી સુવડાવી દેશે એ સમજી લેવું. 'માસ્ક નથી તો મને માન્ય નથી' બસ આજ સૂત્રથી આ પરિસ્થિતિ માંથી બચી શકાશે. આ સમય એવો છે જયારે કોઈ પરેજી ન રાખે, માસ્ક ન પહેરે, ખોટા ભેગા થાય અને તમે મૌન રાખો તો એ વિશ્વાસઘાત જ છે, ખુદ જોડે અને સમાજ જોડે પણ.

મનુષ્ય નશ્વર છે પણ આ જીવન તો અમૂલ્ય છે. દુનિયાના મોટાભાગનાં લોકો માટે આપણે અસ્તિત્વ નથી ધરાવતા પણ અમુક લોકો માટે આપણે એમની દુનિયા છીએ! એમના માટે જીવો, એમના માટે બોલો, એમના માટે થઇ કડક થાવ, આદતો બદલો, જે અસ્વીકાર્ય હોય એનો વિરોધ કરતા ખચકાવ નહિ.

કોઈનો જીવ આપણા થકી જાય કે કોઈ આપણાથી પીડાય એનાથી વધુ દુઃખ શેનું હોય ? મદદ ન કરી શકીયે તો કાંઈ નહિ નડતર તો ન થઈએ. ઘરડાઓ ને ઘરમાં નથી બેસવું, યુવાનો થી પણ નથી બેસાતું, કેમ ? 'કઈ બાર કુછ ભી નહિ કરને સે હમ બહુત કુછ કર જાતે હૈ, જો કુછ નહિ કરતા કમાલ કરતા હૈ! આ ક્યાંક સાચું છે.અત્યારે કાંઈજ કરવાનું નથી બસ બની શકે એટલું ઘરે બેસવાનું છે. એજ કમાલ કરશે, કોરોના ને નાબૂદ કરશે. આપણી આદતો, વલણ અને વર્તન બધુજ સારું કરી દેશે જો આપણે એ કરવા તૈયાર હોઈએ તો. અઘરું છે અશક્ય નથી. સંયમ અને સદાચાર એ તો આપણા ધર્મ ગ્રંથોનો સાર છે, એ પછી કોઈપણ ગ્રંથ કેમ ન હોય. ધર્મમાં પોતે જ નીતિપરાયણતા અને નૈતિકતા તેમ જ સંયમ અને સદાચાર શામેલ છે.આત્મ-નિયંત્રણ વિના આપણે ન તો ધર્મ અને ન તો મોક્ષને પામી શકીએ.

આપણો અત્યારનો ધર્મ આજ છે:

-'વ્યકતિગત જવાબદારી' 'આત્મ-નિયંત્રણ' 'સંયમ'

-'માસ્ક નથી તો મને માન્ય નથી'

-૨૧ દિવસમાં કોઈ પણ આદત બનાવી શકાય છે જે જીવનને સફળ બનાવે. આપણા માટે અત્યારે સફળતાનું બીજું નામ 'કોરોના મુક્તિ' છે.

હું અહીં સુરક્ષિત બેસીને આ લખું છું ત્યારે ઘણાંને એમ થશે તમને શું ફેર પડે ? તમારે તો સારું છે. તો હાં,કદાચ હું સુરક્ષિત છું, પણ પિંજરામાં છું. ૨-વર્ષ થી માતા-પિતા, ભાઈ-બહેન, સાસુ- સસરા કોઈને મળી નથી શકી. એક દીકરાને એના દાદી ને મળવું છે, એક દીકરીને માતા-પિતાને. જ્યાં સુધી ભારત રાબેતા મુજબ, નોર્મલ નહિ થાય ત્યાં સુધી અમે અમારા પરિવારથી દૂર રહીશું એ વિચારી અત્યંત દુઃખ થાય છે. ભારત મારા દિલમાં હરહંમેશ વસે છે. જો એ સુરક્ષિત ન હોય, મહામારી હેઠળ દબાયેલું હોય, લોકો ભયભીત હોય, તો મારુ દિલ પણ ખિન્નતા અનુભવે છે. વિષાદ અને અનુત્સાહથી અમે પણ ઘેરાય જઈએ છીએ જયારે ત્યાંના આંકડા સમાચારમાં જોઈએ છીએ. પણ આશા અમર રાખવાની છે. શ્રદ્ધા અને વિશ્વાસ છે કે બધું જલ્દી થી જલ્દી સારું થશે, બસ આપણે જવાબદાર બનીયે અને આપણું દાયિત્વ નીભવીયે,પોતાના, બીજા અને સમગ્ર સમાજ માટે.

મારો પ્રેમ અને મારી પ્રાર્થના મારા વતન અને વતનવાસીઓ સાથે સદૈવ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational