જનરેશન ગેપ
જનરેશન ગેપ
એક મોંઘી કાર વૃદ્ધાશ્રમ પાસે ઊભી રહી. કારમાંથી ત્રણ ભાઈઓ અને એક માજી ઉતર્યા. ત્યારે વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટીઓની મિટિંગ ચાલતી હતી. આર્થિક મદદ, ડોનેશન, વહીવટ વિશેની વાત માટેની ચર્ચા થતી હતી. કારમાંથી શ્રીમંત લોકોને ઉતરતા જોઈ ટ્રસ્ટીઓનાં મુખ પર સ્મિત આવ્યું કે આજે મોટું ડોનેશન મળશે. બધાએ ઊભા થઈ આવકાર આપ્યો.
"હા, બોલો હું આપની શું સેવા કરી શકું છું", મુખ્ય ટ્રસ્ટીએ ત્રણે ભાઈઓ અને માજી સામે જોઈને પૂછ્યું." માજી તો નિસ્તેજ ચહેરે, શુન્યમનસ્ક મને બેઠા હતા. ભાઈઓ વાત કેમ શરૂ કરવી એ દ્વિધ્ધામાં હતા.
"મારુ નામ મલય, આ જતન અને નાનો ભાઈ તપન છે આ અમારા માતૃશ્રી જડીબા છે. અમે જડીબાને વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યા છીએ અને તેમની રહેવાની વ્યવસ્થાનાં ખર્ચ સાથે ડોનેશન પણ આપવું છે." વાત સાંભળી મુખ્ય ટ્રસ્ટી સાથે હાજર બધાજ ટ્રસ્ટીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા કે આવું ઉમદા જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીને શા માટે વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યા હશે ?
"વાત તો બરોબર છે પણ તમે ભાઈઓ સમજુ અને શ્રીમંત હોવા છતાં જડીબાને કેમ અહીંયા મુકવા આવ્યા એ નથી સમજાતું, વિગતથી વાત કરો."
"તમારે જાણીને શું કામ છે ? અમે બધો જ ખર્ચ અને તગડું ડોનેશન આપવા તૈયાર છીએ."
"કેટલું આપશો ?" "પચીસ લાખ."
"અમારે વૃદ્ધાશ્રમ માટે ડોનેશનની જરૂરિયાત છે પણ વિગત જાણ્યા વગર એ શક્ય નથી. તો તમારે પુરી વિગત આપવી પડશે"...."ભલે એમને વાંધો નથી."
અમારા પિતાશ્રી અમારા માટે ધીકતો ધંધો મૂકી ગયા છે કોઈ વાતની કમી નથી. તમારા પિતાશ્રી એ જડીબા માટે શુંં વ્યવસ્થા કરી છે ?" "કાઈ જ નહીં બધુ જ અમારા નામે કરતા ગયા છે." "તો એનો અર્થ એ થયો કે તમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હશે કે તમે તમારા માતૃશ્રી, જડીબાને કોઈ તકલીફ નહીં પડવા દો. તમે આજે આ નિર્ણય કરી પિતૃ દ્રોહ તો કર્યોજ છે પણ માતૃ દ્રોહ કરવા પણ તૈયાર થયા છો." આ બધી વાત જડીબા નિર્લેપ ભાવે સાંભળી રહ્યા હતા કદાચ પુત્રોનાં વર્તનથી મૃત્યુ પહેલા મનથી, જીવનથી મૃત્યુ પામી ગયા હતા.
ત્રણે ભાઈઓને ટ્રસ્ટીઓએ ખૂબ સમજાવ્યા પણ માન્યા નહીં. અંતે ટ્રસ્ટી એ પૂછ્યું "તમારે સંતાનમાં શું છે ?" "અમારે બે ભાઈને એકજ પુત્ર છે અને મોટાભાઈને પુત્ર અને પુત્રી છે." "એટલે ત્રણ પુત્રો અને એક પુત્રી છે. સારું તમે વિચાર કરી જુઓ ત્યાં સુધી જડીબાને અમે અમારા મહેમાન તરીકે રાખશુંં. મારે તમારા ત્રણે પુત્રો અને પુત્રીને મળવું છે તો મોકલજો."
ચારેય બાળકો, વાત પ્રમાણે ટ્રસ્ટીને મળવા આવ્યા. ટ્રસ્ટીએ બધી જ વાત વિગતથી કરી પૂછ્યું, "યંગ જનરેશન છો એટલે આ બાબતમાં તમારો શું મત છે એ મારે જાણવું છે". "ચારેયે એકી સાથે કહ્યું અમે દાદીમાંને વૃદ્ધાશ્રમમાં મુકવાની વાત માટે વિરોધમાં હતા વિરોધ પણ કરેલો. અમારી મમ્મીઓને દાદીમા ભારરૂપ જવાબદારી અને તેઓની સ્વતંત્રતા ઉપર તરાપ લાગે છે. હકીકતમાં દાદીમા ક્યાંક અડચણ રૂપ નથી. બીજું દાદા જીવિત હતા ત્યાં સુધી બધું બરોબર ચાલતું હતું પણ દાદા એ અતિ વિશ્વાસમાં અમારા પપ્પાને બધી જ મિલકત આપતા દાદીમા ભારરૂપ થઈ ગયા અને પરિસ્થિતિ બદલાઈ ગઈ".
"હવે, તમારો શું અભિપ્રાય છે. જડીબાને અમે અહી મહેમાન તરીકે રાખ્યા છે." બાળકોએ ટ્રસ્ટી સાથે વાત કરી સલાહ સૂચન લઈ ઘરે આવ્યા. મમ્મી, પપ્પા સાથે વાત કરી કે અમે ચાર ભાંડરડા એક અલગથી ફ્લેટ રાખી ત્યાં રહેવા જવાના છીએ. સાંભળી છએ જણાં હબકી ગયા, "અરે શું કામ ? આપણું આટલુ મોટું ઘર મૂકી ફ્લેટમાં શું કામ જવું છે ?"
"પણ અમારો નિર્ણય અફર છે".
અઠવાડિયા પછી ત્રણે ભાઈઓ વૃદ્ધાશ્રમ આવ્યા. ટ્રસ્ટીએ જાણકારી આપી, જડીબા અહીં નથી તેમને તેના સગા લઈ ગયા. "અરે કોણ લઈ ગયું ? સગા દીકરાતો અમે છીએ." "સગા દીકરા તમે છો, પણ સગા દીકરાનાં સગા દીકરા લઈ ગયા." "કોણ અમારા દીકરાઓ ? "હા તમારા દીકરા અને દીકરીએ તમારી આબરૂને બચાવી લીધી".
ઘરે આવી વાત કરી. ભૂલનો અહેસાસ થતો લાગ્યો. પત્નીઓને વાત કરી હવે કાઈ સમજાય છે. કે પછી બાળકોએ જે કેડી કંડારી છે તે પ્રમાણે તેઓને આગળ વધવા દેવા છે ? કોઈ પાસે જવાબ નહોતો.
બીજે દિવસે ત્રણેય ભાઈઓ, બાળકો એ જે ફ્લેટ રાખ્યો હતો ત્યાં ગયા. બહારથી, અંદરનો દાદી અને બાળકોનો ખુશ મિજાજ અવાજ સંભળાતો હતો. બે ક્ષણ ઊભા રહી બેલ દબાવી, બારણું ખુલ્યું, સામે જડીબા બાળકો સાથે નાસ્તો કરી રહ્યા હતા. "તમારા પપ્પાઓને પણ નાસ્તો આપો તેને પણ ખબર પડે મારી પૌત્રીને પણ રસોઈ આવડે છે."
"બા, અમે બહુજ શર્મિદા છીએ. અમારી ભૂલ સ્વીકારીએ છીએ. હવે ઘરે ચાલો". "તમે તમારી પત્નીઓને પૂછીને આવ્યા છો ને ? ક્યાંક ધરમ કરતા ધાડ ન પડે." "ના, બા, અમે પણ તમને લેવા જ આવ્યા છીએ." "મને વાંધો નથી આ યંગ જનરેશનનાં વૃદ્ધાશ્રમવાળા સંમતિ આપે તો"....
બધા એ બાળકો સામે જોયું,...અમારે તમને એટલું જ કહેવું છે કે જનરેશન ગેપ, જનરેશન ગેપ કરી ને યંગ જનરેશનને વગોવવામાં આવે છે. પણ સમજણનો, માન સન્માનનો, વડીલોનો સ્વીકારનો અને પરિસ્થિતિ સાથે સમાધાનનો ગેપ બધે જ પ્રવર્તતો હોય છે જરૂર છે વડીલથી બાળક સુધીનાં અનુશાસનની અને અનુભવો સમજવાની, બોલો અમારી વાત સાચી છે ?
હા, બેટા, હા,.. તો આ દાદીમાને વૃદ્ધાશ્રમમાંથી રજા આપવામાં આવે છે એ સાથે જ રૂમ સૌના મુક્ત હાસ્યથી ગુંજી ઉઠ્યો.
