જન્મદિવસની ભેટ
જન્મદિવસની ભેટ
"બચ્યાં છે કેટલાં ? એ શબ્દ પણ ગણી લઉં છું,
છૂટો પડું છું ને ખુદની સિકલ ગણી લઉં છું ;
ક્ષણો, કલાક, દિવસ, માસ કે સૈકા,
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું"
કવિ શ્રી શોભિત દેસાઇની ઉપરોક્ત પંક્તિઓ વાંચતા જ એક નામ, એક ચહેરો, એક વિચાર, વિજળીના ચમકારાની માફક સંધ્યાના સ્મૃતિપટ પર દસ્તક દઈ ગયો. સહેજ વહાલું લાગતું એ નામ, ખૂબ જ પરિચિત લાગતો એ સોહામણો ચહેરો અને અત્યંત મોહક લાગતો એ વિચાર... આ બધાનો સરવાળો કે સાર એટલે પ્રભાત !
પ્રભાતનો વિચાર આવતા જ સંધ્યા થોડી મલકાઈ. આજે એનોઅઠ્ઠાવીસમો જન્મદિવસ હતો. અગાઉના વર્ષોમાં ઘરની ચાર દિવાલો વચ્ચે તદ્દન નિરસ, શુષ્ક અને કંટાળાજનક રીતે જન્મદિવસ પસાર કરનાર આ અપરિણીત યુવતી પોતાની ઘર અને નોકરી વાળી એકવિધ દિનચર્યામાંથી બહાર નીકળી હૃદયને તાંતણે બંધાયેલા એક સ્વજન એવાં પ્રભાત સાથેની સાંજની મુલાકાત વિશે વિચારતા અદ્ભૂત આનંદ અનુભવી રહી. મિત્રો સાથેની મુલાકાત આમ તો સહજ હોય છે પરંતુ આ વખતે મનમાં કંઈક મૂંઝવણ હતી કારણ કે આજ પહેલાં તેણે પ્રભાતને પ્રત્યક્ષ જોયો નહોતો.
'પ્રભાત' એક વર્ષ પહેલાં સંધ્યા માટે ફક્ત એક નામ માત્ર હતો. જેની 'ફેન્ડ રિકવેસ્ટ' આવતાં સહજ રીતે રિકવેસ્ટ મોકલનારની પ્રોફાઇલ ચેક કરવાની સંધ્યાની આદતને પરિણામે એનાથી પ્રભાત તરફ આકષાૅયા વિના ન રહેવાયું. સુંદર પ્રોફાઇલ ફોટો અને કવર ફોટોની સાથે અન્ય બસો - ત્રણસો ફોટાઓ !જેમાંથી પ્રભાતનાં મિલનસાર, આનંદી, ઉત્સાહિત અને પ્રેમાળ વ્યક્તિત્વની ઝલક મળી રહી. એટલું ઓછું હોય તેમ પોતાના વિશેનું વાક્ય - "બસ એટલી સમજ મને પરવરદિગાર દે ; સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે." એને ખૂબ સ્પર્શી ગયું. એની સાથે વાત કરવાની ઈચ્છા એ રોકી ન શકી. આમ, વાતોની શરૂઆત થઈ જેમાં એક પછી એક કડીઓ જોડાવા લાગી. થોડું થોડું કરતાં સંધ્યાની એકલ જીંદગીમાં પ્રભાતનાં આવવાથી નવાં નવાં રંગો ઉમેરવા લાગ્યાં.
આજે સંધ્યાના મનમાં રચાયેલી પ્રભાતની સ્નેહભરી છબી પ્રત્યક્ષ થવાની હતી. રમણીય પ્રાકૃતિક વાતાવરણમાં ખળખળ વહેતી નદી તટે, શરીરનાં રોમેરોમને સ્પર્શતા વાયરાની સાથે પેલાં પ્રિય પાત્રના સાનિધ્યમાં સંધ્યાનું આખું વિશ્વ પુલકિત થઈ ઊઠ્યું. ઈશ્વરદત્ત સંવેદનાઓની ચરમસીમાનો આહ્લાદક અનુભવ સાથે લાગણીસભર વાતોનો સુમેળ સંધાતા આજનો આ સામાન્ય દિવસ ખરાં અથૅમાં સંધ્યાનો જન્મદિવસ બની રહ્યો.
"તમે વાતો કરો તો થોડું સારું લાગે
આ દૂરનું આકાશ મને મારું લાગે."
સાથે સાથે કોઇ કિંમતી ભેટની તુલનામાં મનગમતાં મહેકતાં મોગરાનાં ફૂલોનો ગજરો ભેટ તરીકે સ્વીકારતાં સંધ્યાનું મન મોરલાંની જેમ નાચી ઉઠયું. 'ભેટ' શબ્દનો ખરો અથૅ એને આજે સમજાયો. ભેટ ધરનારની લાગણીઓ ભેટ સ્વીકારનારના હૃદયને વીંધી આરપાર નીકળી ગઈ. ચારે તરફ મધુર સંગીત રેલાઈ રહ્યું ન હોય!
"સાવરિયો રે, મારો સાવરિયો!
હું તો ખોબો માંગુંને દઈ દે દરિયો!"
આજે વર્ષો બાદ આનંદનો વરસાદ અને હષૅની હેલી સંધ્યાના અંત:કરણને અંદર સુધી ભીંજવી રહ્યા. આ એ સુખદ ક્ષણ હતી જયારે રોશનીથી ઝગમગતી એક રેસ્ટોરન્ટમાં પ્રિય પાત્ર સાથે રાત્રિ ભોજન આરોગતાં પોતે વિશ્વની સૌથી સુખી વ્યક્તિ હોવાનું એને ગવૅ લેવાનું મન થયું.
ત્યાં તો પ્રભાતનાં ફોનની રીંગ વાગી. ફોનનું ડિસ્પ્લે જોઈ, રીપ્લાય આપ્યા વિના એણે ફોન કટ કરી બાજુ પર મૂકી દીધો. થોડીવાર પછી ફરીથી રીંગ વાગી. નામ જાણીતું જ હોવું જોઇએ તો જ પ્રભાતનો ચહેરો સહેજ નિષ્તેજ થઈ ગયો હશે ? એ ફોન રિસીવ કરવા બહાર ગયો. દસ મિનિટ સુધી રાહ જોયા બાદ કોઇ ગંભીર બાબતના ભણકારા અનુભવતી સંધ્યા કૂતુહલવશ બહાર ગઈ. જ્યાં કેટલાંક શબ્દો એને કાને પડયાં. - "ડાલીંગ, તું ખોટું વિચારે છે. હજી હું ઓફિસમાં જ છું. સવારથી કામમાં વ્યસ્ત છું. થોડીવારમાં ઘરે આવું પછી જમવા જઈશું."
એ ફોન કટ કરી કંઈ કહે એ પહેલાં તો સંધ્યાએ એક સડસડાટ તમચો પ્રભાતનાં ગાલ પર ધરી મોગરાનાં ફૂલોનો ગજરો જમીન પર પછાડી ચાલતી થઈ પરંતુ એક સનાતન પ્રશ્ર્ન કવિ શ્રી જગદીશ જોષીની જેમ એના મસ્તકમાં ખૂંપી ગયો.
"ધારો કે એક સાંજ આપણે મળ્યા ને આપણે હળ્યાં,
પણ આખા આ આયખાનું શું ?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ, હવે ફરી ફરી કેમ કરી વાંચીશું?"

