Valibhai Musa

Inspirational Tragedy Romance

4  

Valibhai Musa

Inspirational Tragedy Romance

જળસમાધિ

જળસમાધિ

17 mins
14.5K


ઓતરાદી દિશામાંથી ઝડપભેર આવતો અનિલ સીમનાં ખેતરો પર છવાયેલા અનાજના છોડવાઓને હાથતાળી દેતોકને આગળને આગળ વધી રહ્યો હતો. નજરમાં ન સમાઈ શકે તેટલા વિશાળ પટ પર ધાન્ય ઊભેલું હતું. આકાશમાં વિહંગનાં ટોળેટોળાં આમથી તેમ ઊડી રહ્યાં હતાં.

ગામથી થોડેક દૂર આવેલા એક ખેતરમાં જુવારના સાંઠાઓનું ઊંચું ઊભેલું વન પવનની લહેરકીથી હાલી રહ્યું હતું. સાંઠાઓ ઉપર જારિયાં બાઝેલાં હતાં અને તેમાં મોતી જેવા દાણા ચમકતા હતા. ખેતરમાં સૂડા અને ચકલીઓનાં ટોળાં આ મોતીના દાણા ચણવા આવતાં, ત્યારે ડબલાનો અવાજ ગાજતો. પણ, આ અવાજથી ટેવાઈ ગએલાં પંખીડાં નિર્ભય રીતે પોતાની કઠણ ચાંચ જારિયાં પર ઠોકતાં હતાં. ત્યાં તો અચાનક હવામાં વિંઝાતી ગોફણમાંથી પવનવેગે માટીનો ગોળો આવતો અને ફર..ર..ર.. કરતાં પંખીડાં ઊડી જતાં.

ખેતર વચ્ચે જ ઊભા કરેલા એક માળા ઉપર વીશેક વર્ષનો એક તરુણ ચિત્રવિચિત્ર અવાજ કાઢતો ચોદિશાએ માટીનાં ઢેફાંનો પ્રહાર કરી રહ્યો હતો. ગોફણમાંથી સન..ન..ન કરતો એક ગોળો તીરની જેમ છૂટ્યો અને જુવારના ખેતરને પાર કરતોકને બાજુના જ ખેતરમાં વાંકી વળીને ઘાસ લેતી એક કન્યાથી થોડે દૂર જઈ પડ્યો. દાતરડાને હવામાં ઉછાળતી એ કન્યા ઊભી થઈને ટહુકી: ‘અલ્યા ખુશાલ, કાંઈ ભાંગ પીને માળા ઉપર બેઠો છે કે ! જરા ભાન રાખ્ય, ભાન ! કો’કની છોડીને લોહીથી રંગવી છે કે શું ?’

‘અલી રૂપા, તું ત્યાં મૂઈ છે ! ઈં તો તીં દેખા દીધી નહિ ઈંનો ગુસ્સો આ પંખીડાં ઉપર ઠાલવતો હતો.’ આમ કહેતો ખુશાલ માળા ઉપરથી નીચે કૂદી પડ્યો. દોડતો જઈને રૂપાના હાથમાંથી દાતરડું છીનવી લેતાં બોલ્યો, ‘જા, તું તારે માળા માથે સૂઈ જા. અબઘડી હું ભારો કરી દિયું છું. તું વળી ક્યાં લગી કે’ડ્યો તોડીશ ?’

થોડીવારમાં ખુશાલ ભારો બાંધી રહ્યો કે તરત જ દોડતો માળા પાસે ગયો અને બેઉ હાથે તેને જોશથી હલાવવા માંડ્યો. માળા ઉપર ચત્તી સૂતેલી અને હાથમાં તણખલું રમાડતી રૂપા નીચે ડોકિયું કરતાં ગરજી, ‘કાંઈ મદન હાલ્યો છે કે શું ? આમ આવ્ય, ઉપર આવ્ય.’

‘અરે ઉપર તો શીદ ને અવાય ! ત્યાં પેલા કૂવે પરસોભા કોસ કાઢે છે, ઈ આપણ બેઉને જોઈ જાય, તેના કરતાં તું નીચે આવ્ય ને ! આંય જારના સાંઠાઓમાં આપણને કોઈ નહિ જૂએ.’

રૂપાએ માળેથી પડતું મૂક્યું અને ખુશાલે તેને ઝાલી લીધી. પણ, જાણી જોઈને ધીમેથી તેને જમીન પર પડતી કરી અને રૂપાના મોંમાંથી ‘ઓય બાપ !’ નીકળી ગયું. ખુશાલ નીચે બેસી ગયો અને રૂપા તેના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. યૌવનથી ચળકતા કપાળ પર વિખરાએલી વાળની કાળી લટને ખુશાલ રમાડતો રહ્યો અને રૂપાના રૂપને ધરાઈ ધરાઈને પીતો રહ્યો. જેવી ખુશાલની આંગળીઓ સળવળવા માંડી અને રૂપાના દેહ સાથે અઘટિત ચેષ્ટાઓ કરવા માંડી કે તરત જ રૂપા ખુશાલની રમણઘેરી આંખોને કળી ગઈ અને હરણીની જેમ સફાળી ચમકીને દોડી જતાં બબડી, ‘જોજે, ભાન ભૂલતો ! નહિ તો તારી હારે વાત પણ નહિ કરું, સમજ્યો ?’

સાચે જ સ્ત્રી જેટલી ઊર્મિઓને વશમાં રાખી શકે છે, તેના હજારમાં ભાગ જેટલી પણ પુરુષ રાખી શકતો નથી. પ્રેમની લપસણી ભૂમી પર સ્ત્રી સમતુલા જાળવી શકે છે, પણ પુરુષ તો લપસી જ પડે છે. આમ છતાંય સ્ત્રી જેટલી ધીર અને ગંભીર હોય છે, તેટલી જ જ્યારે ઊર્મિ મર્યાદા ઓળંગી જાય ત્યારે ત્વરિત ચલિત પણ થઈ જતી હોય છે.

નિરાશ વદને ખુશાલ રૂપાને ભારો ઉપડાવવા ગયો. પછી પોતે માળા ઉપર ચઢીને માથે ભારાસોતી રૂપરૂપના અંબાર સમી રૂપાને દૂર દૂર સુધી જતી જોઈ રહ્યો. તેના દિલમાં અસંખ્ય કીડીઓ જાણે ડંખવા માંડી “અરે રે ! હું આ શું કરી રહ્યો છું ? હું કોણ અને રૂપા કોણ ? શું આ ભવે મિલન થવું શક્ય હતું ? શું હું ઝાંઝવાનાં જળ પાછળ તો નથી દોડી રહ્યો ? અરે, હ્રદય ! આ બધી સ્વપ્નસૃષ્ટિ સંકેલી લે. તારું ભાગ્ય તો ટૂંકું છે. પરસાભાની દીકરી તો કોઈક ઉજળિયાતના ત્યાં જ પણી ભરશે ! તેં કદીયે કૂળની મર્યાદાનો વિચાર કર્યો છે ખરો ? રે, જીવ ! બધી માયા ભૂલી જા.”

આમ ને આમ સાંજ ઢળી ગઈ.

***

પરસોતમ મુખીનું ઘર ગામ આખાયમાં આબરૂદાર અને પૈસેટકે સુખી ગણાતું. એમના કુટુંબમાં પોતે, પોતાની પત્ની, રૂપા અને રૂપાનો ચારપાંચ વર્ષનો ભાઈ માત્ર હતાં. ખેતરમાં સાથી તરીકે કામ કરતો ખુશાલ પણ કુટુંબના માણસ જેવો થઈ પડ્યો હતો.

ખુશાલ સાત-આઠ વર્ષનો હતો, ત્યારે તેની વિધવા મા પણ દેવલોક પામી ગઈ હતી. બસ, ત્યારથી જ મુખીએ તેને પોતાના ઘેર રાખી લીધો હતો. આજ સુધી ખુશાલને આ ઘર પારકું લાગ્યું નથી અને મુખીએ તેને પારકો ગણ્યો નથી. સગા છોકરા કરતાં પણ વધુ હેતભાવ પામેલા ખુશાલ ઉપર મુખિયાણીના પણ ચારેય હાથ હતા. ખુશાલ પણ કહ્યાગરો અને કામની ચીવટવાળો હતો. તેને જે કામ બતાવવામાં આવતું તે ખૂબ કાળજીથી કરતો. મુખીના બોલ પડે અને તેના પગ ઉપડે. કોણ પેલી કહેવત નહિ માને કે ‘કામ કર્યું તેણે તો કામણ કર્યું !’ ખુશાલ પણ તેના આ ગુણથી સહુનો માનીતો થઈ પડ્યો હતો. ખુશાલ ભલે પછાત કોમનો છોકરો હતો, પણ છતાંય શાહુકારના છોકરાને શરમાવે તેવો હતો. કોઈ અજાણ્યો માણસ તો તેને પછાત કલ્પી પણ ન શકે. ખરેખર, વિધાતાએ આવા હીરલાને ક્યાં જન્મ આપ્યો હતો ! સાચે જ વિધાતાના ભેદને કોઈ પામી ન શકે.

રૂપા અને ખુશાલ વચ્ચે માત્ર બેએક વર્ષનો તફાવત હતો. રૂપાએ તો હવે યુવાનીમાં પ્રવેશ કર્યો હતો. તેનું ભરાવદાર મોં ચરબી ચઢેલા શરીર ઉપર નમણું લાગતું હતું. તેની ચાલ પણ મદમસ્ત બનેલી હાથણી જેવી લાગતી હતી. તેનાં પયોધર છાતી ઉપરના વસ્ત્રને ફાડવા મથતાં હતાં.

ખુશાલ પણ હવે યુવાનીને ઉંબરે આવી ઊભો હતો. મૂછનો ફૂટેલો દોરો તેની યુવાનીની ચાડી ખાતો હતો. તેના ભરાવદાર સ્નાયુઓથી શરીર એટલું તો સુડોળ લાગતું હતું કે ઉજળિયાત વર્ણની કુમારિકાઓ જ્યારે પાણીની હેલ માથે મૂકીને જતી ત્યારે તેને ટીકી ટીકીને જોઈ રહેતી અને મનોમન અફસોસ કરતી કે જો ખુશાલ પોતીકી નાતનો હોત તો માબાપની ઉપરવટ જઈને પણ તેને જ વરત !

બીજી કુમારિકાઓ તો ખુશાલનું સાહચર્ય ક્યાંથી માણી શકે, પણ રૂપા તો નસીબદાર હતી ! બાળપણથી આજ સુધી રૂપા તો ખુશાલના સાન્નિધ્યમાં જ રહી હતી. પરસાભાનો વિશ્વાસ જીતેલો ખુશાલ સદાય રૂપા સાથે ખુશાલી માણતો રહ્યો, પણ આ ખુશાલી માત્ર વાર્તા-વિનોદ અને મસ્તી તોફાન પૂરતી જ હતી. હજી તેઓ ખુશાલીની પરાકાષ્ઠાએ તો નહોતાં જ પહોંચ્યાં.

***

સાવ વિચિત્ર કહી શકાય એવો એક દિવસે એક પ્રસંગ બન્યો. મુખીને થુંબડાવાળા ખેતરમાં ચેણો ઊગાડવાનો હતો. મુખિયાણી ખેતરમાં હતાં, તેથી પશાભાએ ખુશાલને કહ્યું, ‘ખુશાલ, ઘેર જઈને ચેણો ઉપાડી આવ તો વારુ ! મેં રૂપાને કોઠીમાંથી કાઢી રાખવાનું કહી રાખ્યું છે. જલદી જા અને ઊભા પગે પાછો વળજે. આજ સાંજ સુધીમાં આપણે ચેણો પુખી નાખવો છે.’

ખુશાલ ઘરમાં દાખલ થયો. તેને ઘરમાં હરવાફરવાની છૂટ હતી. પણ આ શું ? તેણે વિચિત્ર દૃશ્ય જોયું. કોઠીના કાંઠા ઉપર કેળ સ્તંભશા બે પગ હાલી રહ્યા હતા. ખુશાલ વાત કળી ગયો કે ચેણો કાઢતાં રૂપા ઊંધા માથે થઈ ગઈ હતી. વીજળીવેગે કોઠી ઉપર ચઢીને જેવું તેણે અંદર જોયું કે તરત જ તેણે મોં ફેરવી લીધું. તે બે ઘડી વિમાસણમાં પડી ગયો કે શું કરવું ! પળવાર વિચાર આવ્યો કે પડોશમાંથી કોઈક સ્ત્રીને બોલાવી લાવે, પણ તેમ કરવા જતાં રૂપાની જિંદગી હોડમાં મૂકવા જેવું થાય તેમ હતું. સામાન્યત: ચેણો એ સુવાળું ધાન્ય હોઈ રૂપાનું માથું અંદર સરક્યા જ કરે, શ્વાસ રુંધાય અને… અને…

આગળ વિચારવા પહેલાં તેણે ત્વરિત નિર્ણય લઈ લીધો. આંખો મીંચીને તેણે રૂપાના સુકોમળ પગ ઝાલી લીધા અને ખેંચીને બહાર કાઢી લીધી. કેવો જોગાનુજોગ હતો કે રૂપાનું કોઠીમાં ઊંધા માથે થઈ જવું અને ખુશાલનું ઘરમાં દાખલ થવું. ગામડાંમાં ચેણાને ગોઝારો ગણવામાં આવતો હોય છે અને તે દિવસે રૂપાનો જરૂર ભોગ લેવાઈ ગયો હોત !

રૂપા બહાર નીકળી ત્યારે તેની છાતી ધમણની જેમ ચાલતી હતી. શરીર ઉપરનાં વસ્ત્રો પરસેવાથી નીતરતાં હતાં. આંખો, નાક અને કાનમાં દાણા ભરાઈ ગયા હતા. છોભીલી પડેલી રૂપા કપડાં ખંખેરતાં રડવા જેવી બની ગઈ.

પણ ખુશાલ તો પેટ પકડીને હસી હસીને બેવડો વળી ગયો. રૂપા શરમની મારી લજામણીના છોડની જેમ લચી પડી. ખુશાલે એકદમ હાસ્યને સંકેલી લેતાં જરા ગંભીર થઈને કહ્યું, ‘રૂપા, મને માફ કરજે. મારે મર્યાદા ઓળંગવી પડી કેમકે તું જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હતી.’

ખુશાલની આ નિખાલસ વાણીએ રૂપાના મોં પર શરમના શેરડા પાડ્યા. બે હથેળી વડે પોતાનું મોં છૂપાવી દેતાં તે કપોતીની જેમ ધ્રૂજવા માંડી. છેવટે પ્રસંગની ગૂંગળામણમાંથી મુક્તિ મેળવવા ઘરના ખૂણામાં ભરાઈ બેઠી.

ખુશાલે કોઠીમાંથી બાકીનો ચેણો કાઢીને ગાંસડી માથે મૂકીને ચાલવા માંડ્યું, પણ વળી કંઈક યાદ આવતાં પાછા વળીને કહ્યું, ‘રૂપા, આ વાત અહીં ને અહીં દાટી દેજે, કોઈને કહીશ નહિ. નહિ તો વાત વંઠશે અને આપણી બેઉની ફજેતી થશે.’

રૂપાએ બાઘાની જેમ ડોકું હલાવ્યું અને વિચારને ચગડોળે ચઢી. તેને કબૂલ તો કરવું પડ્યું કે ખુશાલે માફી માગવા જેવું કંઈ હતું જ નહિ. તેણે જે કંઈ કર્યું હતું તે યોગ્ય જ હતું. છેવટે રૂપાના હૃદય ઉપર એક છાપ તો ચિરંજીવ કોતરાઈ ગઈ કે પરસાભાની રૂપા તો મરી પરવારી હતી, પણ ખુશાલે તેને પુન: સજીવન કરી હતી. પોતે લોકલાજે કદાચ ખુશાલને પોતાના દેહનો માલિક ન બનાવી શકે, છતાંય હૃદય તો તેનું થઈ ચૂક્યું હતું. પોતે છેવટે એ નિશ્ચય પર આવી કે જીવનભર ખુશાલના આ ઉપકારને પોતે નહિ જ ભૂલે !

***

એક દિવસે મુખીના ઢીંચણમાં વા આવ્યો હોવાના કારણે પોતે કોસ કાઢવા અશક્તિમાન હતા. આથી તેમણે ખુશાલને કોસ ખેંચવા વળગાડ્યો અને પોતે ક્યારા વાળવા ગયા.

ખુશાલ કોસ ઉપર કોસ કાઢ્યે જતો હતો. થોડીવારમાં રૂપા માથે ભાતસોતી આવી. રૂપાને જોતાં જ ખુશાલે બળદ થોભાવી દીધા. બળદની પીઠ ઉપર કોણી ટેકવીને ખુશાલ રૂપાના રૂપરસને પીવા માંડ્યો. રૂપા પણ પોતાના રૂપરસનું પાન કરાવતી કોઈ ચિત્રકાર સમક્ષ જેમ ઊભી રહે તેમ ઊભી રહી. આમ કેટલો સમય પસાર થયો તેની એકેયને ખબર ન રહી.

સદ્-ભાગ્યે કૂવાની આજુબાજુ ગીચ ઝાડી હતી, જેથી તેમને કોઈ દેખે તેમ ન હતું. નહિ તો બન્ને એકબીજામાં એવાં ખોવાઈ ગયાં હતાં કે આજે તેમની ચોરી પકડાઈ જાત ! પણ આ શું ? ઝાડીનાં પાંદડાં વચ્ચે બિલાડી જેવી કોની આંખો ચમકતી હતી ! હા, એ તો મુખી હતા. નીંકમાં પાણી આવતું બંધ થયેલું જોઈ તેમણે બેત્રણ બૂમો પાડેલી પણ તે સાંભળવા અહીં કોણ નવરું હતું ? છેવટે પોતે કૂવા તરફ આવ્યા અને આ પ્રણય-બેલડી આબાદ ઝડપાઈ ગઈ. બંનેને એકબીજામાં ઓતપ્રોત થયેલાં જોઈને પરસોતમ મુખી તો ડઘાઈ જ ગયા. જેવી તેમણે પીઠ ફેરવી કે તરત જ રૂપા તેમને જોઈ ગઈ. તે સાવધાન થઈ ગઈ અને ખુશાલને ઈશારાથી સમજાવી દીધું. ખુશાલ પણ ભોંઠો પડી ગયો.

થોડીવાર પછી રૂપાએ જાણે કશું જ બન્યું નથી, તેમ સાબિત કરવા કૂવા પરથી બૂમ પાડી, ‘ભ…ભાત લાવી છું. જમવા ચાલો, બાપા !’

એ જ આંબા નીચે આજસુધી કેટલાય આનંદથી ભોજન ખવાયાં હતાં, પણ આજનું ભોજનકાર્ય તો મૌન રીતે જ પત્યું. ન ખુશાલ કંઈ બોલી શક્યો કે મુખી કંઈ બોલ્યા ! રૂપા તો ભોંય ખોતરતી નીચું ઘાલીને બેસી જ રહી. ભોજનકાર્ય પૂરું થતાં પશાભા બોલ્યા, “ખુશાલ તું કોસ જોડ. રૂપા, તું ક્યારા વાળવા જા, મારે આરામ કરવો છે.

રૂપા અને ખુશાલે જુદી જુદી દિશામાં રસ્તો પકડ્યો. આંખે દેખ્યા આજના પ્રસંગ ઉપર મુખી વિચાર કરવા માંડ્યા. ગામમાં ચાલતી અફવાઓ આજે તેમને સાચી લાગવા માંડી. તેમને લાગી આવ્યું કે, ‘અરર ! ખુશાલ નિમકહરામ નીકળ્યો ! દૂધ પાઈને ઉછેરેલા સાપે મને જ ડંખ દીધો !’ તેમના રોમેરોમમાં ક્રોધરૂપી વિષ વ્યાપી ગયું. જીવનમાં પ્રથમ વાર ખુશાલ તરફ તિરસ્કાર છૂટ્યો.

થોડીવાર પછી મુખીએ ક્યારા વાળતી રૂપા ભણી ચાલવા માંડ્યું. રૂપાએ બાપાને આવતા જોયા. મુખીના એક એક ડગલે રૂપાની છાતી બેસતી જતી હતી. જેમ જેમ અમંગળની શંકા દૃઢ થવા માંડી તેમ તેમ રૂપાના હૃદયના ધબકારા વધવા માંડ્યા. પણ, ત્યાં તો તેના કાને ભયંકર ગર્જના સંભળાઈ.

‘રૂપલી, આ તેં શા ધંધા આદર્યા છે ? કમજાત ! તારા બાપનું નાક વાઢવા તૈયાર થઈ છે ? નાતમાં અને ગામમાં મારી પાઘડી ઉતરાવવી છે ?’

જીવનમાં પ્રથમવાર આજે એમણે પોતાની લાડલી દીકરીને ઊંચા અવાજે કહ્યું હતું. શબ્દે શબ્દે તેમના ગુસ્સાનો પારો વધ્યે જતો હતો. અત્યાર સુધીની ‘રૂપા બેટા’ અને ‘રૂપી’ જેવાં સંબોધનો કરવા ટેવાયેલી જીભે આજે ‘કમજાત’ શબ્દ ઉચ્ચાર્યો.

મુખીના આ શબ્દે તો રૂપાના હૃદયના બંધ ઢીલા કરી દીધા. કંપતા અવાજે ધ્રૂસ્કાં ભરતાં તેણે કહ્યું, ‘બાપા, તમારી રૂપા તો ક્યારનીય મૃત્યુ પામી હતી !’

‘હલકટ ! મને બાપના નામથી બોલાવીશ નહિ.’

‘પણ હું બે હાથ જોડીને કરગરું છું કે પ્રથમ મારી વાત સાંભળો. મારો જરાયે દોષ નથી.’

મુખી વાતનું તારણ કાઢવાના હેતુથી શાંત થયા. પછી રૂપાએ પેલી કોઠીવાળી આખીય ઘટના કહી સંભળાવી અને ઉમેર્યું કે, ‘તમારી રૂપા તો મૃત્યુ પામી હતી, પણ ખુશાલે તેને સજીવન કરી હતી ! જો ખુશાલ સમયસર ન આવ્યો હોત તો તમારી રૂપા તો ક્યારનીય રાખ બનીને ઊડી ગઈ હોત !’ આમ કહેતાં રૂપા હીબકે ચઢી.

‘તો આટલી હદ સુધી વાત ગઈ છે ! તારો કહેવાનો મતલબ એમ કે, હવે હું તારો બાપ નથી રહ્યો, તું મારી દીકરી નથી રહી અને તને જીવતદાન આપનાર એ હલકટની તું થઈ ગઈ ! નીચ તને બોલતાં પણ શરમ નથી આવતી ?’

મુખીએ ગુસ્સાના આવેશમાં આવીને રૂપાના ગાલ ઉપર લપાટોનો વરસાદ વરસાવી દીધો અને કહ્યું, ‘આના કરતાં તે જ દિવસે તું કોઠીમાં જ મૃત્યુ પામી હોત તો સારું થાત, જેથી મારે કમોતે મરવાનો વારો ન આવત ! જો આમ બનશે તેવી ખબર હોત તો જન્મતાંની સાથે જ તારું ગળું દબાવી દીધું હોત.’

‘તો આજે પણ ક્યાં વહી ગયું છે ? લો, આ પાવડો અને તમારા હાથે જ મારા માથાના ચૂરેચૂરા કરી દો. પણ, મરતાં પહેલાં જો માનવા તૈયાર હો તો એક વાત કહી દઉં.’ રૂપા ફરી હીબકે ચઢી.

‘બોલ, જલદી ભસી મર. હવે તો તારા રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખવાનો છું.’ મુખીની આંખો અંગારા ઓકવા માંડી.

રૂપાએ ચોધાર આંસુએ મક્કમતાપૂર્વક કહ્યું, ‘હું ભગવાનની સાક્ષીએ કહું છું કે મેં મારી મરજાદને લોપી નથી, મારા દેહને અભડાવ્યો નથી. છેલ્લે એક વિનંતી કે ભલે મારા ટુકડે ટુકડા કરી નાખો, પણ ખુશાલનો રજમાત્ર દોષ નથી. તમે મને ખુશાલની હત્યા ન કરવાનું અભય વચન આપો અને તમારું ધાર્યું સુખેથી પાર પાડો.’

છેલ્લું કથન પૂરું થતાં જ રૂપા તો બેભાન બનીને ધરતી પર ઢળી પડી. મુખીએ ત્યાંથી પીઠ ફેરવીને કૂવા તરફ ચાલવા માંડ્યું. ખુશાલ સાથે કશું જ બોલ્યા વિના તે ઘર ભણી ચાલી નીકળ્યા.

મુખીને ગયેલા જોઈને ખુશાલ હરણફાળે પેલા ખેતર તરફ દોડ્યો. રૂપાને સ્પર્શવાનો અધિકાર ગુમાવી બેઠેલા ખુશાલે નીંકમાં વહી રહેલા પાણીનો બેભાન રૂપાના મોં ઉપર છંટકાવ કર્યો. રૂપાએ આંખો તો ખોલી, પણ કેટલોક સમય નિશ્ચેતન પડી રહી. છેવટે રૂપા પૂર્ણ ભાનમાં આવી કે તરત જ કશું જ બોલ્યા વગર યંત્રવત્ ઘર તરફ ચાલવા માંડી. સઘળી વાતને પામી ગયેલો ખુશાલ પણ ચૂપચાપ આંબા નીચે જઈ બેઠો. વિચારોના ચગડોળે ચઢેલા ખુશાલને સાંજ ક્યારે પડી તેની ખબર સુધ્ધાં પણ ન રહી.

ઘેર ગયા પછી પશાભાએ પત્નીને શંકા ન જાય તે માટે વ્યગ્રતાને છૂપાવવાની કોશીશ કરી અને તેમાં સફળ પણ થયા. પુત્રીની ઉદાસી તો છાની ન જ રહી શકી, છતાંય તેણે તબિયત સારી નથી એમ કહીને જમવાની ના પાડી દીધી.

મુખીએ પત્નીને કહ્યું, ‘આજે હું ખેતરે વાસો જવાનો નથી, માટે તું ખુશાલને ભાતું આપી આવ.’

રૂપાને શંકા પડી કે બાપા માને એટલા માટે ખેતરમાં મોકલે છે કે જેથી તે પોતાને બચાવી શકે નહિ અને તેઓ પોતાનું ધાર્યું પાર પાડી શકે. હવે પોતાના દહાડા ભરાઈ ચૂક્યા છે એમ માનતી રૂપા, ઘડીક મનોમન ડરતી તો વળી ઘડીક ધૈર્ય ધારણ કરતી, કેટલીયે વાર સુધી સૂતી રહી અને પિતાનો પગરવ સાંભળવા માટે પોતાના કાન સચેત રાખ્યા. પણ મા ખેતરેથી પાછી ફરી ત્યાં સુધી કશું જ બન્યું નહિ.

મુખિયાણીએ આવતાંની સાથે જ જ્યારે બાપદીકરીને સૂતેલાં જોયાં, ત્યારે તે પણ કશું જ બોલ્યા વિના ચૂપચાપ સૂઈ ગઈ. રાત્રિ ઘેરી બનતી જતી હતી. મુખિયાણી અને દીકરો તો શાંત ચિત્તે ઊંઘ લઈ રહ્યાં હતાં. માત્ર મુખી, રૂપા અને ખુશાલને માટે જ ઊંઘ હરામ બની ગઈ હતી.

સાચે જ કેટલીક દુખદ બાબતો માનવીથી અજ્ઞાત હોય તો જ સારું. કોઈ દુખદ વાતનું ભાન માત્ર થતાં જ માનવીનું જીવન ઝેર બની જતું હોય છે.

***

પરસોતમ મુખી પાસાં ઘસતા રહ્યા અને મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું. થોડીવાર પછી ગુસ્સાનો ઉકળાટ શમ્યો, ત્યારે તેમને થોડા દિવસ ઉપરનો એક પ્રસંગ સાંભરી આવ્યો.

પોતે ગામના મુખી હતા. ગામના આગળ પડતા આગેવાન હોવાના કારણે આર્થિક રીતે ઘસાઈને પણ ગામના ભલા માટે કંઈક કરી છૂટતા. સ્પૃશ્યાસ્પૃશ્યના તથા નાતજાતના એ જડ વાતાવરણમાં પણ મુખી કંઈક ઉદાર સ્વભાવના હતા. તેમને મન માનવી માનવી ભાઈ સમાન હતો. એ વખતે અસ્પૃશ્યતાનિવારણ સપ્તાહ ચાલતો હતો. ગાંધીજીના મૃત્યુ પછી પણ અસ્પૃશ્યતા નિવારણ માટેની ઝૂંબેશ પૂરજોસથી ચાલતી હતી. સરકાર પણ ક્રમેક્રમે જ્ઞાતિના ભેદભાવ સદંતર ભૂલાવી દેવા અનેક યોજનાઓ ઘડતી હતી. તે પૈકીની એક યોજના પ્રમાણે ગ્રામ પંચાયત ઉપર એક પરિપત્ર આવેલો હતો. આ પરિપત્ર પ્રમાણે પંચાયતે કેટલીક શરતોનો એકરાર કરવાનો હતો. આ શરતો જેવી કે – જાહેર કૂવાઓ ઉપર હરિજનો પાણી ભરે છે કે કેમ, ગામના હજામો હરિજનોની હજામત કરે છે કે કેમ ? વગેરે… વગેરે. જો બધા પ્રશ્નોના ઉત્તર હકારમાં આપવામાં આવે તો તે પંચાયતને રૂપિયા પાંચ હજારનું ઈનામ આપવાની જાહેરાત હતી.

આ પરિપત્ર અંગે પંચાયતની સભા મળી હતી. અંદરોઅંદરની વાતચીતના કોલાહલને શાંત કરતાં પરસોતમ મુખીએ ઊભા થઈને કહ્યું હતું, “જૂઓ ભાઈ, આ રીતે ગામને જો પાંચ હજારનો ફાયદો થતો હોય તો આપણે માત્ર ફોર્મ જ ભરવાનું છે. ખરેખરો આનો અમલ થાય છે કે કેમ તે જોવાની સરકારને કાંઈ પડી નથી. વળી સરકાર કદાચ ઊંડા હાથ ઘાલીને તપાસ શરૂ કરશે તો આપણે હરિજનભાઈઓને જેમ કહીશું તેમ જવાબ આપશે. છેવટે એમનું પણ ગામ તો છે ને ! શું ગામના ભલા માટે તેઓ આટલું પણ ન કરી શકે ?"

મુખી બોલી રહ્યા કે તરત જ ખૂણામાંથી નાથો માઢિયો ઊભો થયો અને બોલ્યો, ‘અરે ! જોજો, પાંચ હજારના મોહમાં આવીને આવી ભયંકર ભૂલ કરી બેસતા ! આ વાલીડાઓનું ભલું પૂછવું ! આવો લાગ જોઈને કૂવાઓ ઉપર ચઢી જશે અને પછી જોવા જેવી થઈને રહેશે.’ બીજાઓએ નાથાલાલની વાતમાં સૂર પુરાવ્યો, પણ પરસોતમ મુખીને આ ન ગમ્યું. ગામને મળતા આવા લાભને જતો કરવા તે તૈયાર નહોતા. બધાંને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં તે બોલ્યા, ‘ભાઈ, હાલમાં કેવો સમય આવ્યો છે, તેનો તમને ખ્યાલ છે ! હવે તો સહુ સમાનતામાં માનતા થઈ ગયા છે અને આપણી ગાજરની પિપુડી કેટલો સમય વાગવાની છે ? માનો કે સરકાર બળજબરીથી આવા ભેદભાવ દૂર કરાવે તો આપણે શું કરી શકવાના છીએ ? છેવટે તો સરકારના હાથ લાંબા છે અને આપણે નમતું આપે જ છૂટકો થવાનો છે.’

પણ, બધા એકના બે ન જ થયા મુખીએ ઘણી લમણાઝીક કરી જોઈ, પણ પરિણામ શુન્ય આવ્યું. છેવટે તે કંટાળીને બોલ્યા, ‘તમે બધા ન માનો તો મારા બાપનું શું જવાનું છે ? સહુને ગમે તે ખરું, પણ હું પોતે તો આવા ભેદભાવમાં માનતો નથી.’

મુખીએ પોતાનું વાક્ય પૂરું કર્યું ન કર્યું, ત્યાં તો ગામનો ચૌદશિયો કહેવાતો એ જ નાથો ફરીથી લાગ જોઈને ઊભો થયો. આમ તો તેણે મુખીને બદનામ કરવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું. ગામ આખાયમાં રૂપા અને ખુશાલની ફજેતી પણ તેણે જ કરી હતી. આમ કરવા પાછળનું કારણ એ હતું કે નાથાએ પોતાના દીકરા માટે રૂપાના હાથનું માગું મૂક્યું હતું. આમ તો નાથો પૈસેટકે સુખી હતો, પણ તેનો દીકરો કાણો હતો. મુખી પોતાની કાચની પૂતળી જેવી દીકરી માટે આવો મુરતિયો પસંદ કરવા તૈયાર ન હતા. તેમણે નાથાની વાત નકારી કાઢી હતી અને ત્યારથી નાથો મુખીની વિરુદ્ધ પડ્યો હતો.

આજે નાથાએ મોકો ન ચૂકતાં સોગઠી મારતાં કહ્યું, ‘મુખી હાથીની જેમ બે જાતના દાંત ન રાખીએ. જો ખરેખર ભેદભાવમાં ન માનતા હો તો પરણાવી દો તમારી રૂપાને ખુશાલ સાથે ! પછી અમે માનીએ કે તમારા હોઠે છે તે હૈયામાં પણ છે.‘

આ સાંભળતાં જ મુખીના રોમેરોમમાં ક્રોધ વ્યાપી ગયો. ઈચ્છા થઈ આવી કે પોતે નાથિયાને પટકી નાખે પણ સમયને પારખીને પોતે ગમ ખાઈ ગયા. છેવટે ગુસ્સાના ઊભરાને તેમણે મુખીપદ છોડી જ ઠાલવ્યો હતો.

આજે તેમને આ પ્રસંગ યાદ આવ્યો અને મનોમન વિચાર કરવા માંડ્યા કે : ‘આમેય ગામ આખાએ માથે માછલાં ધોવામાં કશું જ બાકી રાખ્યું નથી. તો લાવને, ખુશાલ-રૂપાનાં દિલ મળેલાં જ છે તો તેમનાં લગ્ન કરાવી આપું ! આમેય મેં ક્યારે ખુશાલને પારકો ગણ્યો હતો ? મારી પાસે ઘણીય જમીન છે, અડધી તેમને આપીશ તો તેને ખેડીને સુખેથી રોટલો ખાશે. નાથિયાએ મેણું માર્યું છે તો તેને બતાવી દઉં કે પરસોતમ તેના કાણિયાને દીકરી આપે તેવો મૂર્ખ નથી ! કાણિયા કરતાં મારે બિચારો ખુશાલ શું ખોટો ! ? ગામ આખાયમાં તો શું, પણ સમગ્ર દેશમાં મારા નામનો ડંકો વાગશે ! સમજદાર લોકો વાહ વાહ બોલશે અને કહેશે કે: ધન્ય છે મુખીને, જેણે આવી હિંમત કરી !‘ અને તરત જ પોતે એક નિર્ણય પર આવી ગયા કે ભલે આખી દુનિયા એક પડખે થઈ જાય, પણ પોતે પોતાના નિશ્ચયમાંથી તલભાર પણ ચળવાના નથી.

પરસોતમ મુખીના માથા ઉપરનો ભાર હળવો તો થઈ ગયો, પણ બપોરે ખેતરમાં રૂપાને ન બોલવાનું બોલી ગયા તેનો પસ્તાવો થવા માંડ્યો અને તેનો ઓશિયાળો ચહેરો નજર સામે તરવરી ઊઠ્યો. દીકરા કરતાંય પણ વધુ હેતભાવથી રાખેલ રૂપાને કેટલું ખોટું લાગ્યું હશે ! ઈચ્છા થઈ આવી કે હાલને હાલ પોતે રૂપાને જગાડીને તેની માફી માગી લે અને એ પણ જણાવી દે કે પોતે ખુશાલ સાથે તેનું લગ્ન કરાવી આપવા તૈયાર છે. પણ, વિચાર આવ્યો કે ‘હે, જીવ ! સવાર તો પડવા દે. ખેતરમાં જઈને કોઈને કશું જ જણાવ્યા સિવાય બિલકુલ સાદાઈથી ખુશાલને રૂપાનો હાથ પકડાવી દેવો છે.’ આમ હૃદય ઉપરનો ભાર હળવો કરીને મુખી સૂઈ ગયા. તેમને જિંદગીમાં કદીયે આવી મીઠી નિંદર નહોતી આવી.

પણ…પણ.. તેમને ક્યાં ખબર હતી કે તે જ રાત્રે શું બન્યું હતું ?

રાત્રે ચંદ્રના અજવાળામાં ખુશાલ પાગલ જેવો બનીને ખેતરમાં આંટા મારી રહ્યો હતો. થોડીક વાર પછી કોણ જાણે કેમ તેણે કૂવા તરફ ચાલવા માંડ્યું. તેને કોઈ ખેંચી રહ્યું હતું કે શું ? ખુશાલ કૂવાકાંઠેથી હજુ તો થોડે દૂર છે. પણ આ શું ? ‘ધડીમ…’ જેવો કૂવામાંથી શાનો અવાજ આવ્યો ? કૂવાકાંઠેથી કોઈ વસ્તુ અંદર પડી કે શું ? ખુશાલ બેબાકળો બની ગયો. ‘ના, ના. મારો હૃદિયો કહે છે કે સો ટકા રૂપાએ જ અંદર ઝંપલાવ્યું લાગે છે !’ ચંદ્રના અજવાળામાં કાંઠે પડેલી રૂપાની મોજડીઓ જોતાં જ તેણે તેને બચાવવા ઝડપથી દોડીને કૂવામાં પડતું મૂક્યું. ખુશાલ પાણીમાં ડૂબકી લગાવીને રૂપાના દેહસોતો સપાટી ઉપર આવ્યો. ‘રૂપા’ના નામની કૂવાને ગજવી દેતી ચીસ પાડી, પણ રૂપાનો કોઈ પ્રત્યુત્તર ન સાંપડ્યો. કૂવાકાંઠાના ઝાડ પર માળામાં બેઠેલાં પંખીડાં પણ ફફડી ઊઠ્યાં. ખુશાલે રૂપાના દેહને પોતાના બાહુપાશમાં જકડી લીધો. તેના શરીરના અવયવો પણ શિથિલ થવા માંડ્યા, જાણે તેની તરવાની કળા પણ વિસરાવા માંડી. ધીમેધીમે રૂપાના દેહસોતો ખુશાલ પાણીમાં ડૂબવા માંડ્યો. એમ કરતાં કરતાં અપાર જળરાશિ તેમના દેહ ઉપર છવાઈ ગઈ. બંનેએ જળસમાધિ લીધી. પળવારમાં કશું જ ન બન્યું હોય તેમ પાણી સ્થિર થઈ ગયું.

સવાર પડી, ત્યારે આખું ગામ કૂવાકાંઠે ભેગું થઈ ગયું હતું. એક ખૂણે બેઠાબેઠા પસા મુખી ચોધાર આંસુએ રડી રહ્યા હતા. રૂપાની માએ જ્યારે ‘ઓ, મારી દીકરી રે…’ કહીને પોક મૂકી, ત્યારે તો ભલભલા કાઠા કાળજાવાળા પણ આંખો લૂછવા માંડ્યા. પોતે બહાવરી બનીને છાતી કૂટતી હતી અને બીજી સ્ત્રીઓ તેનો હાથ ઝાલી રાખીને રડતે સાદે આશ્વાસન આપતી હતી. રૂપાનો ભાઈ તેની માને બાઝી પડીને મોટા અવાજે રડી રહ્યો હતો.

છેવટે બંને લાશોને બહાર કાઢવામાં આવી, ત્યારે ખુશાલના બાહુપાશમાં રૂપાનો દેહ જકડાયેલો હતો. બંનેના દેહ જુદા પાડવા માટે ખૂબ કોશીશ કરવામાં આવી, પણ કોઈ સફળતા ન મળી. આખી રાત પસાર થતાં તેમનાં શરીર એવાં તો ઠુઠવાઈને જકડાઈ ગયાં હતાં કે બધા લોકો વિચારમાં પડી ગયા કે હવે શું કરવું ?

પણ, ત્યાં તો પેલા નાથાલાલે ફરી પોતાની હલકાઈ પ્રદર્શિત કરતાં ગર્જના કરી, ‘નાલાયકના હાથ કાપી નાખો. ભૂંડો પોતે તો મર્યો અને બિચારા પરસોતમને પણ જીવતાં જીવત મારી ગયો !’

બધાંના આશ્ચર્ય વચ્ચે પરસોતમ મુખીએ કહ્યું, ‘ના, તેમ કરશો નહિ. બિચારાંનાં દિલ કેવાં મળેલાં હતાં ! ભલા, આપણી દુનિયાએ તેમને સાથે જીવવા ન દીધાં, તો સાથે અગ્નિસંસ્કાર પણ ન પામવા દઈએ !’ છેવટે આંખનાં આંસુ લૂછતાં તેઓ ચૂકાદો આપતા હોય તેમ બોલ્યા, ‘બંનેના દેહને એક જ ચિતા પર ખડકીને બાળવામાં આવશે.’

ફરી બધાં આશ્ચર્યમુગ્ધ બની ગયાં.

જ્યારે ચિતા ભડભડ સળગતી હતી, ત્યારે પરસોતમ મુખી જડ પૂતળા જેવા ઊભા રહીને ગઈ રાતનો પોતાનો વિચાર યાદ કરતાં મનોમન પસ્તાતા હતા કે શુભ કામમાં ઢીલ ન કરી હોત તો આ પરિણામ ન આવત !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational