STORYMIRROR

Mittal Chudgar Nanavati

Inspirational

3  

Mittal Chudgar Nanavati

Inspirational

જીવનનાં મૂળભૂત પ્રશ્નો

જીવનનાં મૂળભૂત પ્રશ્નો

6 mins
197

ઘણીવાર આપણને એવા વિચાર આવે કે આપણે જે કરી રહ્યાં છીએ અને જે દિશામાં જઈ રહ્યાં છીએ શું એ સાચી છે ? શું કરીયે છીએ, શું કરવું જોઈએ અને શું કરવા ઇચ્છીએ છીએ ? આ બધા પ્રશ્નોના જવાબ એકસરખા નથી હોતા. વળી મોટેભાગે તો આપણી પાસે જવાબ જ નથી હોતા. આપણે ક્યારેય એ સમજી નથી શકતા કે આપણાં માટે શું સારું અને સાચું છે, આ એક કુદરતી કોયડો છે કે આકરી પરીક્ષા ? કામયાબી, પ્રતિષ્ઠા કે પૈસા, મેળવવા માટે આપણે સતત પ્રયાસો કરીયે છીએ,રાત-દિવસ એક કરી ઈચ્છાઓ ને પુરી કરવા માટે મથીએ છીએ.પણ જો કોઈ એવું કહે કે મેં એ ઊંચી સફળતા નું શિખર જોઈ લીધું છે અને ત્યાં એટલી મજા કે આનંદ નથી જેટલો આપણે ધારીએ છીએ તો ? ધ મોંક હુ સોલ્ડ હીઝ ફેરારી બુક નો નાયક પૈસા અને કામયાબી હાંસિલ કર્યા પછી આવુજ કૈક અનુભવે છે અને બધુંજ પામી લીધા પછી અલ્ટીમેટ હૅપીનેસ પામવાં બધુંજ ત્યજી દે છે. મેં આ બુક ૨૦૦૯ માં વાંચી ત્યારે મને એ વાત તદ્દન અસ્વીકાર્ય લાગી હતી. એ વખતે મારા કૅરિયર ની શરૂઆત હતી, મને કૈંક કરી છૂટવા ની જિજ્ઞાસા હતી અને એ કરવા માટે પ્રેરણા ની જરૂર હતી. કોલેજ પુરી કરી એ દિવસથી મારા મગજમાં કમાવાના અને સારી નોકરી મળે એ તરફના જ પ્રયત્નો હતા.એમાં છોડવાની તો વાત જ ક્યાં આવે ? ઘણાં અસફળ પ્રયત્નો અને અધૂરી ઈચ્છાઓ નો બોજ હતો મારા પર. છતાં એક દિવસે એક બારણું ખુલ્યું,મોકો મળ્યો અને હું સિંગાપોર આવી, દુનિયા ની ઉત્તમ મલ્ટિનેશનલ કંપની માં કામ કર્યા નો આનંદ લીધો. મારે માટે એ કદાચ મારી સફળતાનું શિખર જ હતું. છતાં ગયા વર્ષે મેં આ બુક ના નાયક ની જેમ બધુંજ તો નહિ પણ નોકરી સ્વેચ્છા એ છોડી. નિર્ણય લીધા પછી ઘણાં પ્રશ્નો અને શંકા ઉદ્ભવ્યા. આવા પ્રશ્નો અને શંકા દરેક ના મન માં ક્યારેક ને ક્યારેક જરૂર ઉદ્ભવે છે. હું અહીં આત્મનિરીક્ષણ થી એ પ્રશ્નો ના જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી છું.

એવું કેમ થતું હશે કે ધાર્યું પામ્યાં પછી પણ આપણને સંપૂર્ણ આનંદ નહિ મળતો હોય ? અથવા તો જે ધાર્યું છે એ થાય જ નહિ તો ? મન ગમતા પરિણામ ન આવે તો ? આપણાં માટે કયો માર્ગ શેષ્ઠ છે એ કેમ સમજવું ?

સફળતાનાં શિખરે પહોંચ્યા પછી પણ સર્વોચ્ચ આનંદ ન મળવાનું કારણ એ પામવાના પ્રયાસ માં પાછળ કશું છૂટી જવાનો આપણો અફસોસ હોય છે. પ્રયત્નો કરવામાં આપણે એટલા મશગુલ હોય રસ્તો ન જોતા બસ મંજિલ તરફ જ જોતા હોઈએ છીએ. વર્તમાન માં બની રહેલી અગણિત નાની-નાની આનંદદાયક ક્ષણો ને આપણે ચૂકી જતા હોઈએ છીએ. રસ્તા ની સુંદરતા નિહાળવા માટે આપણે સંભવત જાગ્ર્ત નથી હોતા. ઘણીવાર એ રસ્તા પર એવી અનુભૂતિઓ પણ થતી હોય છે જે જીવનના નવા રસ્તા ખોલે જેનાથી આપણે અજાણ હોઈએ.પરંતુ આપણે એ જોઈ નથી શકતા કારણ કે આપણે ભવિષ્યમાં કૈંક બનવાં અને કૈંક પામવાં માટે આતુર અને ઓબ્સેસ્ડ હોઈએ છીએ. જયારે આપણે સાંજ ને માણી ન શકીયે, બદલાતી ઋતુ ના રંગો ને પારખી ન શકીયે અને પોતાની સાથે બે ઘડી વાત ન કરી શકીયે ત્યારે સમજવું કે આપણે જીવીયે તો છીએ પણ સજાગ નથી. ઝડપ થી મોટા થતા બાળકો અને વૃદ્ધ થતા માં-બાપ માટે સમય ન ફાળવી શકવા નો અફસોસ ન અનુભવીએ કે સમય આપવાનો પ્રયાસ ન કરીયે ત્યારે એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે મંજિલ તો મળશે પણ સાથીઓ છૂટી જશે.એનો અર્થ એ નથી કે કોઈ મહત્વકાંશા જ ન રાખવી અને કશું પામવાં માટે ના પ્રયાસો જ ન કરવા. છોડી પણ ત્યારેજ શકાય છે જયારે કાંઈક પામ્યાં નો સંતોષ હોય. પ્રયત્નો વગર નું જીવન તો નીરસ છે. મહત્વ નું એ છે કે આપણે જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચે નો ભેદ સમજીયે અને પ્રાઓરિટીઝ કરતા શીખીયે. પૈસા અને ખ્યાતિ નેજ નહિ પરંતુ એવી બાબતો ને પણ પ્રાધાન્ય આપીયે જે જીવન ને રસપૂર્ણ બનાવે, પ્રેમ નો અનુભવ કરાવે અને મન પ્રફુલ્લિત બનાવે.

વળી, એવું પણ બને કે ભરપૂર પ્રયત્નો કરવા છતાં પણ નિશ્ચિત પરિણામો ન મળે. પ્રયત્નો અને પરિણામો સમીકરણ ની બે બાજુઓ જેવા છે. કરેલા પ્રયત્નો ના ધાર્યા પરિણામો મેળવવા માટે અમુક ધારણાઓ કરવી પડે છે, જો અનુમાન સાચું પડે અને એક્સ સાચો શોધાય જાય તો ધાર્યું પરિણામ આવે. પરંતુ જિંદગી ના ગણિત માં એક્સ શોધવો એટલો પણ સહેલો નથી એટલે પરિણામો પણ નિશ્ચિત નથી હોતા. ક્યારેક ધારણાઓ ખોટી પડે છે તો ક્યારેક સમીકરણ જ નથી સમજાતું. મૂંઝવણો અને શંકાઓ ઉદ્ભવવાનું કારણ એ છે કે નિશ્ચિત પરિણામો ની ગેરેન્ટી નથી. આ અસંગતતા માં પણ ક્યાંક એક સુંદરતા છુપાયેલી હોય છે. અનિશ્ચિતતા જ આપણને કુતુહલયુક્ત અને જીવંત રાખે છે. અણધાર્યા પરિણામો અને પ્રસંગો આપણને ધાર્યા કરતા વધારે આનંદ આપી જાય છે. (ઓસ્ટ્રેલિયા સિરીઝ યાદ કરીએ તો જામો પડી જાય !) દરેક ને જીવન માં એવા અનુભવો થયા હશે જયારે ધાર્યું ન થવા માટે અને ઈચ્છા પુરી ન કરવા માટે ભગવાન નો આભાર માન્યો હોય કારણ કે વર્તમાન સ્થિતિ માં આપણે સંતુષ્ટ હોઈએ છીએ. એ ન થયું જે ધાર્યું હતું પણ એ થયું જે થવા યોગ્ય હતું. ક્યારેક તો એવું બને કે જે બાબત નો આપણને અફસોસ હોય એ બાબત જ આશિર્વદરૂપ સાબિત થાય. હું સુરેન્દ્રનગર જેવા નાના ગામ માં ભણતી અને મોટી થતી હતી ત્યારે હંમેશા મને એ અફસોસ રહેતો કે આ ગામ માં કોઈ જ એક્સપોઝર નથી. જો હું મોટા સિટી માં હોત તો ઘણું જાણી અને શીખી શકી હોત. પણ આજે જયારે સિંગાપોર માં યંગસ્ટર્સ ને જોવું છું ત્યારે એમ થાય છે કે સુરક્ષિત અને અનુકૂળ પરિસ્થિતિઓ એ એમને ડિફેન્સીવ બનાવી દીધા છે. એક્સપોઝર હોવા છતાં પણ 'કમ્ફર્ટેબલ એનવારમેન્ટ' ને લીધે કૈંક જુદું કરવામાં અને સખ્ત નિર્ણયો લેવામાં ડર અનુભવે છે. નાના ગામ ના સંઘર્ષો, સુવિધાઓ ની અછત અને અસ્થિરતા આપણને મજબૂત અને સાહસી બનાવે છે. કઠોર પરિસ્થિતિઓ છેદી કૈક નવું પામવાં અને શીખતાં આપણે ડરતા નથી બલ્કિ ફલાંગ ભરવા ઉત્સુક હોઈએ છીએ .કહેવાય છે ને, દુનિયા નો કોઈ પણ ખૂણો એવો નહિ હોય જ્યાં કોઈ ભારતીય નહિ હોય! કહેવાનું તાત્પર્ય એ છે કે પરિણામ ધાર્યું ન આવે તો પણ, અને આપણું ધાર્યું ન થાય તો પણ, અનુભવોથી આપણું જીવન સમૃદ્ધ બનવાનુંજ છે. "આપણી આજ જો ગઈ કાલ કરતા ઊજળી હોય તો બસ મહેનત રંગ લાવી છે એમ સમજવું."

કોઈ એક સંશોધન કરવામાં પણ હજારો પ્રયોગો થાય છે અને રોજે કૈક નવું શોધાય છે.એના પરથી આપણે એ સમજી શકીયે કે પ્રયત્નો થકી જ પ્રગતિ છે અને એનો અવકાશ પણ વિશાળ છે. આપણે એક પરિવર્તનશીલ અને પ્રગતિશીલ વિશ્વ નો હિસ્સો છીએ અને આપણો દરેક પ્રયત્ન અગત્ય નો ભાગ ભજવે છે.

જયારે પણ એ પ્રશ્ન ઉદભવે કે શું કરવું, કયો માર્ગ ઉત્તમ છે ,ત્યારે પોતાની જાત ને એક વાત અચૂક યાદ અપાવવી: નથિંગ ઇસ પરમેનન્ટ નોટ ઇવન મી. પરિસ્થિતિ અને અનુભવ સાથે બધું બદલાતું રહે છે, બદલાવવુંજ જોઈએ. આપણે આજે એ નથી જે કાલે હતા અને ભવિષ્યમાં એ નહિ રહીયે જે આજે છીએ. જ્ઞાન અને અનુભવથી આપણે પણ રોજેજ શિખીયે છીએ એટલે નીડર બની વર્તમાન ને સોહામણા બનાવતા નિર્ણયો ને મહત્વ આપવું. પછી તો પડશે એવા દેવાશે. જે કાર્ય માટે આપણે વિચારશીલ હોઈએ એ જો લાંબા ગાળા માટે મહત્વ નું હોય તો જ એના માટે પ્રયત્નો અને ઊર્જા ખરચવી. માત્ર પ્રસંગો અને સિદ્ધિઓ માટે જ નહિ પરંતુ દરેક વીતી રહેલી ક્ષણ ને જીવવા અને માણવા માટે સજાગ રહેવું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational