J J Star

Drama Thriller

4  

J J Star

Drama Thriller

હૂંફાળો સ્પર્શ

હૂંફાળો સ્પર્શ

7 mins
202


મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો અહેસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતુ હતું. અરે..! એમ કહો કે યુવતી જ હતી એ. પણ હાલ ડરથી કાંપતી! સહેમી ગયેલી! થોડી બેચેન લાગી રહી હતી! હું એને અનિમેષ જોઈ રહ્યો એની એવી હાલતમાં પણ એ મને આકર્ષી રહી હતી! તેનો ભયભીત ચહેરો અને કપાળ પર બાજી ગયેલી પ્રસ્વેદની બુંદોમાં કપાળ વધુ ઘેરા રંગનું લાગતું હતું, આંખોમાં કઈક ઘટી ગયાની યાદ તાજી જણાતી હતી; અને એજ એના ભય અને કંપનનું કારણ હતું એવું ચોખ્ખુ દેખાઈ આવતું હતું. એના વાંકડિયા વાળમાં તે તેના જમણા હાથની આંગળી પોરવી ડાબા હાથથી પેટને ભીસીને નીચે ફસડાઈને બેસી ગઈ. એ વખતે તેના કપડાં ઉપર મારી નજર ગઈ. ઓહ…..! આખી પરિસ્થિતિ જાણે માપી લીધી હોય એમ હું સ્વગત બબડયો “ કેદમાંથી ભાગી ગયું બુલબુલ ઘાયલ પાંખો વડે હવે કેટલેક ઊડશે?”

     એને હજુ મારી હાજરીની જાણ અથવા પરવાહ ન હોય એમ એ જે અંધારિયા ખૂણાના આશરે છૂપાઈ હતી તે ખૂણાની એક દીવાલને અઢેલીને બેસી ગઈ હતી. એના શ્વાસ જોરથી ચાલતા હતા દોડવાનો શ્રમ હજુ શમ્યો ન હતો. મને લાગ્યું હવે મારો કીરદાર અહીં થી જ ચાલુ થશે એમ જાણી હું તેની નજીક ગયો મને આવતો જોઈ એ ઊભી થવા લાગી પણ ….પણ એના પગ અને પેટમાં થતા દુઃખાવા એ એને રોકી લીધી એ અડધી ઉભી થયેલી ફરી ફસડાઈ પડી હવે એ એકદમ રડમસ થઈ ગઈ અને વધુ ભયભીત પણ. હું હવે એની એકદમ નજીક હતો મેં તેના ખભે હાથ મૂકી તેને સંબોધીને કહ્યું “ ડરો નહિ હું તમને કોઈ નુકશાન નહિ પહોંચાડું તમારા કપડાં એકદમ ફાટી ગયા છે માટે આ મારું જેકેટ પહેરી લો યુવાન દેહની નગ્નતા લોકોને જલ્દી નજરે ચડશે” હું મારું વાક્ય પૂરું કરી રહ્યો ત્યાં તો એ છૂટા મો એ રડી પડી એણે પોતાના હાથ વડે એના ફાટેલા કપડાંમાંથી દેખાતા અંગો ઢાંકવાની કોશિશ કરી પોતાના નગ્ન પગ સંકોચીને એ પોતાનામાં જ ઓગળી જવા મથવા લાગી. હવે હું પણ નીચે એની લગોલગ બેસી ગયો એની હાલત ગંભીર છે એવું સ્પષ્ટ હતું માટે મેજ મારું જેકેટ તેને ઓઢાળી દીધું. જોકે એનાથી એનો અડધો દેહજ ઢંકાયો પણ એ મારી એ હરક્તથી મારાથી ડરવાનું ભૂલી શકી. એ હજુએ ધ્રૂજતી હતી મેં મારા ખિસ્સામાં પડેલા પાકિટમાંથી થોડા રૂપિયા કાઢયા ગણ્યા વગરજ તેની તરફ ધર્યા અને કહ્યું “લ્યો આ રકમથી તમે કઈક ખાવાનું ખરીદી લેજો અને તમારા ઘર તરફ જવાનું ભાડું પણ આમાંથી નીકળી જશે.” એણે નકારમાં માથું હલાવ્યું અને ત્રુટક અવાજમાં બોલી “હું…. હું … હું મારા ઘરેથી જ ભાગીને અહીં છૂપાઈ છું જે લોકો મારો પીછો કરતા હતા એ ચારેય પુરૂષો માંથી બે મારા ઘરનાજ સભ્યો છે.” “ હે..!” મારી જીભ લથળી પડી મને એ યુવતીના શબ્દોની ગંભીરતા વધુ ઘેરી લાગી, મને તેના પર દયા કહો કે અનુકંપા જે કહો તે એ સામટી ઊગી નીકળી!

  હું એને પૂછી બેઠો “કોણ હતા એ લોકો અને તમને શું સગપણમાં થાય એ?”

એ ધ્રૂજતી બોલી “એમાંથી એક મારો પિતરાઈ ભાઈ હતો, બે તેના મિત્ર હતા અને એક મારા કાકાના ઘરનો નોકર હતો. એ લોકોએ મારી સાથે….” એ ત્યાંથી અટકી ગઈ અને હું એ અધૂરી વાત સમજી ગયો . “મેં ફરી પૂછ્યું તો તમારા કાકા-કાકી કયા છે? એ લોકો ઘરે ન હતા? તમારા માતાપિતા કોઈ તમારું એવું સગુ જે તમને બચાવે એ લોકોથી એવું કોઈ ન હતું ઘરે?”

એ હજુ હાંફતી હતી અને હાંફતા સ્વરેજ બોલી મારા માતાપિતાનું એક મહિના પહેલા કાર અકસ્માત નિધન થઈ ગયું એટલે મારી જવાબદારી મારા કાકાએ ઉપાડી લીધી અને મને તેઓ તેમના ઘરે લઈ આવ્યા , આજે તેઓ શહેરની બહાર કોઈ કામે ગયેલા કાકી તો છે જ નહીં તેમનું મૃત્યુ તો ઘણા સમય પહેલા થઈ ગયું હતું, આજે ઘરે હું એકલી હતી અને મારો પિતરાઈ ભાઈ રોનક તથા ઘરનો નોકર ભોલો બંને નશો કરીને આવી ચડયાં એમની સાથે રોનકના બે મિત્રો પણ હતા બધા નશામાં ગંદી ગાળો અને અભદ્ર ટિપ્પણી કરી રહયા હતા કોઈ ફિલ્મના વલ્ગર સીનની ચર્ચાઓ પણ થતી સાંભળી મેં એ લોકોના મોઢે એટલે મેં મારા રૂમમાં જવાનું વિચાર્યું હું હોલમાંથી ઊભી થઇ જઇ રહી હતી ત્યાં રોનકે મને રોકી અને પોતાના અને તેના મિત્રો માટે કંઈક ખાવાનું બનાવી આપવા કહ્યું એટલે હું રસોડા તરફ જવા લાગી મને જોઈને નશામાં ચૂર રોનકના મિત્રોએ ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરવાનું શરૂ કર્યું એ ખરાબ શબ્દોની ઊંડી અસર એ તમામ પીધેલાઓને થઈ અને નશામાં ભણ ભૂલેલા એ ભૂખ્યા વરૂની જેમ એક પછી એક મારા ઉપર તૂટી પડ્યા છેવટે અમારો નોકર મારા નગ્ન દેહ પર ચડ્યો ત્યારે મેં હિંમત કરી તેને ધક્કો મારીને હું ઘરની બહાર દોડી આવી એ લોકો મને હજુએ નુકશાન પહોંચાડશે તમે…… તમે…… મારી મદદ કરો મને કોઈ સુરક્ષિત સ્થાને પહોંચાડી દયો” એટલું બોલતામાં એની આંખોમાંથી ફરી આંસુઓ ટપકવા લાગ્યાં. થોડીવાર માટે મને લાગ્યું નાહક આ મુસીબત ગળે વળગાડવી યોગ્ય નથી આ સમયે આ અર્ધનગ્ન છોકરીને લઈને હું ક્યાં જાવ અને રસ્તામાં કોઈ જુએ તો કેવું લાગે? મારા વિચારો તેજ બન્યા એક પછી એક શક્યતાઓ રચાવા લાગી જેનો ભય મનને અકળાવવા લાગ્યો. હું ક્ષણ એકમાં વિચારોની મેરેથોન દોડી ગયો. એ છોકરી હજુએ ડૂસકાં ભરતી ધ્રૂજતી હતી. એને ધ્રૂજતી જોઈ હું વધુ અને વધુ નરમ થઈ રહ્યો હતો, આખરે શુ કામ એ મને આટલી ખેંચતી હતી પોતાના તરફ હજુ બે ત્રણ મિનિટ પહેલાજ તો મળ્યા છીએ કોઈ જૂની ઓળખાણ કે સંબન્ધ વગર એ મને કેમ પોતાની લાગી આવી? હું વિચારે ચડી ગયો અને એ જાણે મારા મનને પારખી ગઈ હોય એમ પોતાની જગ્યાએથી ઉઠી અને ચાલવા લાગી. એને જતા જોઈને મને મીઠી ઉતાવળ ઊપડી મેં તેને હાથ પકડી ઊભી રાખી લીધી અને પોતાની તરફ ખેંચીને તેના ખભે હાથ ધરી દીધા અને એક બે મિનિટમા બંધાયેલ સંબંધના હકથી તેને ખિજાવા લાગ્યો “ હવે ક્યાં જઈશ આ હાલતમાં અને આટલી અંધારી મોડી રાત્રે? ફરી કોઈને હાથે ચડી જઈશ તો શું વલે થશે તારી એ વિચાર્યું છે?” એણે મારા અંદરની માણસાઈ ઓળખી લીધી જાણે અને એ નીચું જોઈ ઊભી રહી ગઈ. મેં એનો હાથ હાથમાં લઈ ચાલવા માંડ્યું અને એ પાછળ દોરાતી આવી. એ અંધારી ગલીથી ચારેક ગલીઓ મૂકીને મારું ઘર હતું પણ એ વખતે એને ઘર લઈ જવી કે પોલીસ સ્ટેશન એ હું નક્કી ન કરી શક્યો એટલે જે ગલીના વળાંક પાસે મારું ઘર હતું ત્યાં પહોંચીને મેં એ છોકરીનેજ પૂછ્યું “અહીં આ ગલીના છેવાડે મારુ ઘર છે અને અહીંથી ત્રણેક ગલી વટાવી ચાર રસ્તાને વટાવી આગળ વધતા રસ્તે એક પોલીસ સ્ટેશન છે જો તું તારા પિતરાઈ ભાઈ વિરૂદ્ધ ફરિયાદ કરવા ઈચ્છે તો તને ત્યાં લઈ જવ.” 

 “ એ બોલી તમારા ઘરે લઈ જાવ તો સારું”એ વખતે મને પણ એજ ઠીક લાગ્યું અને હું એને મારે ઘેર લઈ ગયો. અંધારું ઘણું વધી ગયેલું રાતના એક વાગ્યાનો ટકોરો પડ્યો અને મેં ઘરને દરવાજે લગાવેલ તાળું ખોલી અંદર પ્રવેશી પેલી છોકરીને અંદર આવવા ઈશારો કર્યો.

એ અંદર આવી એટલે મેં દરવાજો બંધ કરી દીધો. એ હવે શાંત જણાતી હતી એની આંખોમાં ડરને બદલે આશા ડોકાઈ રહી હતી. એ વખતે મને મારા ઉપર ગર્વ થઈ આવ્યો એક અજાણી છોકરી કે જે પોતાની સાથે થયેલ દુષ્કર્મની થોડીજ વારમાં એક સાવ અજાણ્યા પુરુષના એકલા ઓરડે નિરાંત ધરી ઉભી છે આંખમાં આશા ભરીને! મેં મનોમન નક્કી કર્યું હું બનતી મદદ કરીશ એને. એ બોલી કઈક પહેરવા કપડું મળશે મારા કપડાં….એણે વાક્ય અધૂરું મૂકી દીધું. એ વખતે મેં એને ફરી પૂછ્યું શુ તારે એ લોકો વિરુદ્ધ ફરિયાદ નથી કરવી જો તું કપડાં બદલી લઈશ તો… એણે મને વચ્ચેથી રોક્યો હા પહેરવાનું નહિ વિટોડવાનું આપો આ રીતે સાવ હું પોલિશ સ્ટેશને તો કેમ જાવ ત્યાં હશે એ બધા પણ પુરુષો જ હશે અને એ બધામાં કાય તમારી જેમ રામ વસતા હશે એવું નક્કી થોડું છે. મેં જલ્દી એને એક ઓછાડ કાઢી આપ્યો જેને લપેટીને એ મનથી સ્વસ્થ થઈ અને બોલી “ચાલો હવે એ લોકોની વિરુદ્ધ ફરિયાદ લખાવીએ.” એની મક્કમતા જોઈ હું અંજાયો મેં તેનો હાથ મજબૂતીથી પકડ્યો અને બોલ્યો “જે બન્યું તારી સાથે એ શારીરિક હતું પણ હવે એજ વસ્તુ માનસિક બની વારંવાર સામે આવશે તું તૈયાર છો?”

એણે કહ્યું “હવેજ ઊંડા ઘા થવાના છે જે તાકીને તીર મારી આપશે પણ આ વખતે મારી પાસે મારું બખ્તર છે … છે ને?”

મેં તેનો હાથ પકડ્યો હતો તેને મજબૂતીથી દબાવ્યો અને એ સ્પર્શમાં એણે જે હુંફ ભાળી હતી એ તેને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ટકે એવી હુંફાળી રાખવા મન મજબૂત કરી હું આ વખતે તેની પાછળ દોરવાયો. અને એ મારા હાથના હુંફાળા સ્પર્શમાં વધુ મક્કમ બની ચાલતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama