હેપી વેલેન્ટાઈન્સ ડે
હેપી વેલેન્ટાઈન્સ ડે
‘તું કેમ 'વેલેન્ટાઈન ડે'ની પાછળ પડી ગઈ છે?’ સિતાંશુએ સુરભીને પૂછ્યું.
‘કેમ એમ પૂછે છે? વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો દિવસ... તે દિવસે જ આપણે આપણા પ્રેમને એકમેકનું નામ આપ્યું.’ સુરભી બોલી
‘અરે, આપણે માટે તો રોજ વેલેન્ટાઈન ડે... આપણે તો રોજ પ્રેમ કરીએ છીએ.’ સિતાંશુએ સુરભીનાં ભાલ પર ચૂમીને કહ્યું. આ પ્રેમ આખી કોલેજમાં ફેમસ થઈ ગયો હતો. સુરભી સને સિતાંશુ બન્નેની જોડી ક્લાસરૂમમાં, લાયબ્રેરીમાં, કેંટીનમાં નહીં તો એકાદ કોફી શોપમાં પણ સાથેને સાથે જ હોય. કોલેજના લવ બર્ડ.
સિતાંશુના પપ્પાને ખૂબ સારો બીઝનેસ હતો. એટલે સિતાંશુંનું નક્કી હતું કે કોલેજ પૂરી કરી બીઝનેસ જોઈન કરવો. સિતાંશુએ એમ.બી.એ. કરવાનું નક્કી કર્યુ. અને સુરભીએ એક બેંકમાં નોકરી લઈ લીધી.
‘તું મારી રાહ જોઈશ ને?’ સિતાંશુએ પૂના જતાં પહેલાં સુરભીને પૂછ્યું. સુરભી કશું બોલી નહીં એટલે સિતાંશુએ ફરી પૂછ્યું. સુરભી ઊભી થઈ ગઈ અને ચાલવા લાગી. સિતાંશુએ તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, ‘સોરી... સોરી, તું ગુસ્સામાં વધારે સારી લાગે છે.’
સુરભીની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા. એટલે સિતાંશુએ તેને કોફી શોપની ખુરશી પર હાથ ખેંચી બેસાડી દીધી. સુરભીએ ટીશ્યુ લઈ પોતાના આંસુને પડતાં રોક્યા. પછી બોલી, ‘તું કેવું બોલે છે? જે મારે તને કહેવું જોઈએ, પૂછવું જોઈએ, તે તું મને કહે છે?’ સુરભીનો અવાજ રડમસ બન્યો.
‘તું શ્રીમંત માતાપિતાનો પૂત્ર અને હું સામાન્ય બેંક ક્લાર્કની દીકરી. એટલું જ નહીં પાછી મારે બે નાના ભાઈઓ.’ ‘અરે વાહ, તું તો અહીં જ છે તારા ફેમિલી સાથે. જ્યારે હું તો ત્યાં સાવ એકલો. તારા માતાપિતા તને છોકરાં પણ દેખાડે છે. તો તું શું કહીશ ?’ સિતાંશુએ પોતાના મનની વાત કરી. સિતાંશુંની જવાની વાતથી સુરભીની આંખો ફરી છલકાઈ એટલે સિતાંશુ બોલ્યો ‘મેરે પિયા ગયે રંગૂન... વહાંસે આયા હૈ ટેલિફુન.. આ ગીત ગાઈને બધાને કહી દેવાનું કે હું ભણીને આવી તારી સાથે લગ્ન કરીશ.’ આમ બોલી સિતાંશુએ વાતાવરણ હળવું બનાવ્યું.
‘તારા મમ્મી પપ્પા માનશે? અમારું કુટુંબ તમારું સમોવડિયું ન કહેવાય.’ સુરભી બોલી, ‘તારા માટે તો મોટા ઘરનાં માગાં આવતાં હશે ને?’
‘હા, તારી વાત સાચી છે પણ મારા પપ્પાએ કહી દીધું છે કે પહેલાં એમ.બી.એ. પછી બરાત.’ સિતાંશુ બોલ્યો. ‘એટલે મમ્મીની બોલતી પણ બંધ. પણ તું શું કરીશ?’ સિતાંશુ હવે થોડો ગંભીર થયો.
‘હું તારી રાહ જોઈશ, કોલેજમાં તો બધાને ખબર છે પણ જો બીજી કશી વાત ગરબડ હશે તો હું બધું ક્લિયર કટ કહી દઈશ. અને તું મને રોજ ફોન તો કરીશ ને?’ સુરભીએ પોતાની વાત જણાવી.
‘કંઈ નહીં થાય તો છેલ્લે મીનલ મારા મમ્મી પપ્પાને સમજાવશે. પછી ઈશ્વર ઈચ્છા.’ આમ બોલી બન્ને જણ મંદિરે ગયા.
બીજા દિવસે સિતાંશુ પૂના ગયો અને સુરભી બેંકનાં કામમાં ગુંથાઈ. શરૂઆતમાં સિતાંશુંના સવાર બપોર સાંજ ફોન આવતા. પણ પછી તે તેનાં ભણવામાં બીઝી થવા લાગ્યો તેમ ફોનની સંખ્યા ઘટી.
‘મેરે પિયા ગયે રંગૂન... ગીત ગાવાની મને જરૂર બહુ ઓછી પડે છે.’ સુરભી એક દિવસ બોલી. ‘કેમ….?’ સિતાંશુ તેની ધુનમાં જ બોલ્યો.
‘વહાં સે આયા ટેલિફુન.. પણ ફોન તો આવવો જોઈએ ને?’ સુરભીની અકળામણ ફોન પર જ બહાર નીકળી.
‘સુરભી અહીં એમ.બી.એ.માં કેટલું કામ રહે છે ખબર છે? પ્રોજેક્ટ બનાવો, પ્રેઝંટેશન, પાછું ગૃપ સ્ટડી. બધાનું એડજેસ્ટમેન્ટ કરીએ ત્યાં સબમીશન ટાઈમ ટકોરાં દે. થાકી જવાય છે યાર. પાછું અર્ધી રાતના તને ફોન કેમ કરું? માંડ નોકરી ઘરનું કામ પરવારી સૂતી હોય ત્યાં ડિસ્ટર્બ કરવાનું મને નથી ગમતું.’ સિતાંશુએ એક લાંબુ બગાસુ ખાધું.
‘તારા ફોનની રાહ જોઈને મને ઉંઘ પણ નથી આવતી. અને તું ફોન પણ....’ સુરભી બોલતી હતી ત્યાં સિતાંશુ બોલ્યો ‘ઓકે! માય સ્વીટ હાર્ટ હવે તને રોજ ફોન કરીશ.... એક નહીં બે વખત.’
સિતાંશુ બોલ્યો ખરો પણ તે એ કરી ન શક્યો. તેના ફોન ગમે ત્યારે આવે કે ન પણ આવે. સુરભી ઘણી વખત વિચાર કરતી સિતાંશુને કામ કરતાં કોઈ મળી ગઈ હશે. તે નિકિતાનું નામ બોલતો હતો ને કે પ્રોજેક્ટ બનાવવામાં સાથે છે. ઘણી વખત સંજોગો. રોજનો સહવાસ.. એક સરખું કામ અને પ્રેમ ન થાય તો જ નવાઈ કહેવાય ! આવા વિચારો આવતા તેને.
એક દિવસ સુરભી બેંકમાં કામ કરતાં કરતાં પડી ગઈ. આ પછી ડોક્ટર હોસ્પીટલ અને દવાના ચક્કરનું પરીણામ આવ્યું સુરભીને કેંસર છે. સુરભી અને તેના કુટુંબ પર આભ તૂટી પડ્યું. બ્લડ કેંસર... સુરભીને કેમો થેરિપી શરૂ થઈ ગઈ. સુંદર નમણી સુરભી પર કેંસરની કેમો થેરીપીના ચાસ પડવા લાગ્યા.
નબળાઈએ સુરભીને સાવ સુનમુન કરી નાખી હતી. જ્યારે કેમો થેરિપીને લીધે શરીરે નખાતું ગયું હતું અને વાળ, લાંબા વાળ સાવ ખરી ગયા હતા. સુરભીને પળેપળ સિતાંશુ યાદ આવતો હતો. તેના ફોન ઓછા થઈ ગયા હતા. તો હવે સુરભી પણ ફોન કરવાનું ટાળતી.
‘સિતાંશુનો ફોન છે.' સૂતેલી સુરભીને નિકિતાએ કહ્યું.
સુરભીએ માથું હલાવી ફોન લેવાની ના પાડી.
‘તેને ખબર છે તારી તબિયતની?’ નિકિતાએ સુરભીને પૂછ્યું.
‘ના. મેં કશું કહ્યું નથી અને મારે કંઈ કહેવું પણ નથી. આમ પણ તેને ત્યાં કંપની મળી ગઈ છે. અને ન મળી હોય તો પણ મારે હવે તેને બાંધીને હેરાન કરવો નથી.’ સુરભી બોલી.
‘બ્લડ કેંસરનો ઈલાજ છે અને તારું તો ફર્સ્ટ સ્ટેજમાં છે. તેઓ પહોંચતા પામતા લોકો છે.’ નિકિતા બોલી.
‘તે મારો ચહેરો જોયો છે? હું અરીસામાં જોઉં છું તો હું પણ બી જાઉં છું આ વાળ વગરના ચહેરાને જોઈને.’ સુરભી બોલી.
‘આ વાળ ખરવા એ ટ્રીટમેંટનો એક ભાગ છે. આ બધું પૂરું થશે એટલે વાળ ફરી પાછા આવી જશે.’ નિકિતાએ સુરભીને સમજાવતા કહ્યું.
સુરભી કશું બોલી નહીં પણ મો ફેરવીને સૂઈ ગઈ.
નિકિતાએ તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘તું નકામો જીવ બાળે છે.’ આ આશ્વાસન સુરભીને ગળે ઉતર્યુ નહીં. દવાની અસરએ સુરભીના મનને સાવ તોડી નાખ્યું હતું. સાથે સાથે તે સિતાંશુનો ક્યારેક ફોન આવતો તે વાત કરતી નહીં.
આમ સાવ તે નોધાંરી થઈ ગઈ હતી. કદાચ તેની તબિયત સારી ન થવાનું કારણ તે નકારાત્મકતાના દરિયામાં ગરક થવા લાગી હતી.
‘'વેલેન્ટાઈન્સ ડે'ને દિવસે સિતાંશું આવવાનો છે?’ નિકિતાએ સાવ સહજ રીતે પૂછ્યું.
‘તું મને હેરાન કરવાનું છોડી દે પ્લીઝ... મને આમ જ મરવા દે....’ સુરભી અકળાઈને બોલી.
‘સોરી....’ નિકિતા બોલી. ‘હું તો તને ખુશ કરવા માટે બોલતી હતી. તમારા બન્નેના પ્રેમને મહોર પણ 'વેલેન્ટાઈન ડે'ને દિવસે મારી હતી. આ વેલેન્ટાઈન દિવસ એટલે તમારા બન્ને માટે ન્યુ ઇયર કરતાં પણ શુભ દિવસ અને તમે બન્નેએ આ દિવસે તો લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. હવે તો તારી તબિયત સારી પણ છે. છેલ્લો રિપોર્ટ આવ્યો તે મુજબ... તે આવશે. જરા જીવને મોકળો કર.’ નિકિતાએ સમજાવ્યું.
સુરભીએ પોતાના વાળ વગરના માથા પર હાથ ફેરવ્યો. ત્યાં ઓચિંતા સિતાંશુએ પ્રવેશ કર્યો. સાથે એક મોટો ફૂલનો બુકે... મમ્મી પપ્પા અને વાળ વગરના ટકલું સિતાંશુએ પ્રવેશ કર્યો અને બોલ્યો, ‘હેપી વેલેંટાઇન ડે સુરભી.’ આ બધું જોઈ સુરભીની આંખો વરસવા લાગી.

