STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

5  

હર્ષદ અશોડીયા

Inspirational

હારીને જીતવાની કળા

હારીને જીતવાની કળા

5 mins
1

હારીને જીતવાની કળા

ગુરુ શાસ્ત્રાર્થમાં હારી શકે, પરંતુ જો શિષ્યના હૃદયમાં ગુરુ પ્રત્યે શ્રદ્ધા જીવંત હોય, તો એ ગુરુ ક્યારેય હારતો નથી.

ગુરુની સાચી જીત ત્યારે થાય છે, જ્યારે શિષ્ય તેમની કરતાં આગળ નીકળી જાય—અને આગળ નીકળ્યા પછી પણ પાછળ વળી ગુરુના ચરણોમાં માથું નમાવે.


गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।

गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः॥ - स्कन्द पुराण

ગુરુ જ બ્રહ્મા (સર્જનહાર) છે, ગુરુ જ વિષ્ણુ (પાલનહાર) છે અને ગુરુ જ મહેશ્વર એટલે કે શિવ (સંહારક) છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ (પરમેશ્વર) સ્વરૂપ છે, તેવા શ્રી ગુરુદેવને મારા નમસ્કાર હો.

ગુરુકુળના પ્રાંગણમાં વટવૃક્ષની શીતળ છાયા નીચે સરસ્વતીનું નિર્મળ ધામ શોભી રહ્યું હતું.

આ પવિત્ર આશ્રમમાં જ્ઞાનના અગાધ સાગરસમા પરમ જ્ઞાની ગુરુદેવ વિશ્વનાથ નિવાસ કરતા હતા. તેમના અસંખ્ય શિષ્યોમાં એક શિષ્ય સૌથી તેજસ્વી અને પ્રિય હતો—દેવવ્રત. ગુરુદેવનો દેવવ્રત પર અનહદ અને અપ્રતિમ સ્નેહ હતો. ગુરુજીની કૃપાદ્રષ્ટિ, માર્ગદર્શન અને વાત્સલ્યના બળે દેવવ્રત અલ્પ સમયમાં જ સમસ્ત વેદ, વેદાંત અને શાસ્ત્રોમાં પરાકાષ્ઠા પામીને પ્રવીણ થઈ ગયો. એટલું જ નહીં, બુદ્ધિ અને તર્કશક્તિમાં તે પોતાના ગુરુ કરતાં પણ એક ડગલું આગળ વધી ગયો.

ગુરુ અને શિષ્ય વચ્ચે શાસ્ત્રાર્થ એ તો આશ્રમની નિત્ય ક્રિયા હતી. પરંતુ સમય જતાં એક વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ પામી. જ્યારે પણ કોઈ ગહન વિષય પર શાસ્ત્રાર્થ જામતો, ત્યારે દેવવ્રત એવો તો સુક્ષ્મ અને ધારદાર પ્રશ્ન પૂછતો કે ખુદ જ્ઞાનના અવતારસમા ગુરુ વિશ્વનાથ પણ ક્ષણભર વિચારમાં પડી જતા. અંતે ગુરુદેવ મંદ સ્મિત સાથે ‘આ વિષય પર ફરી ક્યારેક વાત કરીશું’ એમ કહીને ચર્ચાને ત્યાં જ વિરામ આપતા. વ્યવહારિક રીતે જોઈએ તો દરેક ચર્ચામાં ગુરુ પોતાના શિષ્ય સામે પરાજય સ્વીકારી લેતા હતા.


ગુરુજીની આ પરાજયની પરંપરા દરરોજ ચાલતી જોઈને ગુરુપત્ની સુમિત્રામાતાથી વધુ સમય મૌન ન રહેવાયું. એક સાંજે તેમણે ગુરુદેવને એકાંતમાં ટોકતાં કહ્યું, "નાથ! તમે સાક્ષાત બૃહસ્પતિ જેવા વિદ્વાન છો. છતાં તમારો જ શિષ્ય તમને રોજ સભામાં નિરુત્તર કરી દે અને તમે હારી જાઓ, એ તો એક ગુરુ માટે અત્યંત શરમજનક વાત ન કહેવાય?"

ગુરુ વિશ્વનાથે અત્યંત સૌમ્ય અને વાત્સલ્યસભર હાસ્ય સાથે ઉત્તર આપ્યો, "દેવી! તમે સત્ય સમજી શક્યાં નથી. દેવવ્રત માત્ર મારો શિષ્ય નથી, એ મારો પરમ ભક્ત અને પ્રાણથી પણ પ્રિય શિષ્ય છે. જેમ પિતા પોતાના વહાલા બાળકની રમતમાં તેની સામે હારીને પરમ આનંદ અનુભવે છે, તેમ આ શાસ્ત્રાર્થમાં શિષ્ય સામે હારવામાં મને બ્રહ્માનંદ જેવો સુખદ અનુભવ થાય છે."

પરંતુ ગુરુપત્ની આ વાત માનવા તૈયાર નહોતાં. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "એ તો તમે તમારી નિર્બળતા ઢાંકવા માટે આવું મોટું બહાનું બતાવો છો! બાકી વાસ્તવિકતા તો એ જ છે કે એની તીક્ષ્ણ બુદ્ધિ આગળ તમારું મુખ બંધ થઈ જાય છે!"

ગુરુ ગોળ રહ્યા ને ચેલા સાકર થયા.’ પરંતુ આ સાકરની મધુરતા પાછળ ગોળનો જ ત્યાગ હતો, જે માત્ર ગુરુ જાણતા હતા.

ગુરુદેવે સ્મિત સાથે કહ્યું, "સારું, જો તારે મારા અને દેવવ્રત વચ્ચેના પ્રેમની પરીક્ષા જ કરવી હોય તો એક કાર્ય કર. એ હમણાં જ સંધ્યાવંદન કરીને અહીં આવશે. હું પ્રાણાયામ દ્વારા શ્વાસ રોકીને સમાધિસ્થ થઈ જાઉં છું. તું મારી પાસે બેસીને એ રીતે રુદન કરજે જાણે મારું મૃત્યુ થઈ ગયું હોય. પછી તું જોજે કે તેના હૃદયમાં મારા માટે કેટલો અનુરાગ છે."

ગુરુ વિશ્વનાથે ક્ષણમાત્રમાં શ્વાસને રોકી, દેહને કાષ્ઠવત્ શાંત બનાવી દીધો અને મૂર્છિત દેહની જેમ પૃથ્વી પર લંબાવી દીધું. ગુરુપત્નીએ પતિના આદેશ મુજબ ઘૂંઘટ તાણીને મોટેથી રોવા-કૂટવાનું શરૂ કર્યું.

આર્તનાદ સાંભળીને દેવવ્રત દોડતો આશ્રમની કુટીરમાં આવ્યો. "શું થયું? શું થયું, માતાજી? આ ચોધાર આંસુએ કેમ રડી રહ્યાં છો?"

ગુરુપત્નીએ રડતાં રડતાં કહ્યું, "બેટા દેવવ્રત! મારા તો નસીબ ફૂટી ગયાં. તારા પૂજ્ય ગુરુજી આપણને અનાથ છોડીને વૈકુંઠધામ સિધાવી ગયા!"

આ શબ્દો કાનમાં પડતાં જ દેવવ્રતના માથે જાણે વજ્રપાત થયો. તેના હાથમાંથી પૂજાની થાળી પડી ગઈ. તે ભૂમિ પર પછડાઈ પડ્યો, પોતાનું કપાળ કૂટવા લાગ્યો અને શોકના અતિરેકમાં પોતાના કેશ ખેંચવા લાગ્યો. તેના કરુણ વિલાપ અને આક્રંદથી આશ્રમના વૃક્ષો અને વનચર પ્રાણીઓ પણ કંપવા લાગ્યાં.

ગુરુપત્નીએ તેને સાંત્વના આપતાં કહ્યું, "બેટા, શાંત થા. જે થવાનું હતું તે થઈ ગયું. હવે રોવાથી શું વળવાનું છે? એમની પાસે જેટલી વિદ્યા અને શ્રદ્ધા હતી તે બધી તો તેં મેળવી લીધી છે. હવે તેમની પાસે તને આપવા જેવું કંઈ બાકી નહોતું. તું શા માટે આટલો વિલાપ કરે છે?"

ત્યારે અશ્રુભીની આંખે, અત્યંત ગંભીર અને ભક્તિભાવસભર અવાજે દેવવ્રતે જે કહ્યું તે સાંભળીને ગુરુપત્ની સ્તબ્ધ થઈ ગઈ. દેવવ્રત બોલ્યો: "માતાજી! તમે અત્યંત ભોળાં છો. ગુરુદેવ તો જ્ઞાન અને વિદ્યાના અનંત અગાધ સાગર હતા. તેમની વિદ્યાનો પાર પામવાની મારી શું ક્ષમતા? હું તો સારી રીતે જાણું છું કે જેમ અખાડાનો કોઈ મહાન પહેલવાન પોતાના નાનકડા બાળકને કુસ્તી શીખવતી વખતે પોતે ઈચ્છાપૂર્વક નીચે પડી જઈને બાળકને વિજેતા બનાવીને હરખાય છે, તેમ પરાત્પર ગુરુદેવ મને પ્રોત્સાહિત કરવા અને મારો ઉત્સાહ વધારવા માટે જાણીબુઝીને મારી સામે હારી જતા હતા! એ મને રમાડતા હતા. એ મારી હોશિયારી નહોતી, પણ એમની અસીમ કૃપા અને વાત્સલ્ય જ હતું. હું તો એમના ચરણોની રજ માત્ર છું, હું એમને શાસ્ત્રાર્થમાં જીતી શકું એ સૂર્યને દીવો બતાવવા જેવી મૂર્ખતા છે!"

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । 

उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ (શ્રીમદ્ ભગવદ્ગીતા - અધ્યાય ૪, શ્લોક ૩૪)

તે જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાની પુરુષો પાસે જઈને સમ્યક્ પ્રણિપાત (નમસ્કાર), પવિત્ર પ્રશ્નો અને નિષ્કામ સેવા દ્વારા પ્રાપ્ત કર. તેઓ તને એ જ્ઞાનનો ઉપદેશ આપશે.


ગુરુના ચરણોમાં સ્નેહનો નિધિ છે,

શિષ્યના હૃદયમાં શ્રદ્ધાની સિદ્ધિ છે;

જે હારીને જીતે એ જ સાચો સમર્થ,

પ્રેમની આગળ તો વિજય પણ અર્થહીન છે.


દેવવ્રતનો આવો અસીમ પ્રેમ અને નિષ્કપટ ભાવ સાંભળીને ગુરુ વિશ્વનાથથી રોકાવાયું નહીં. તેઓ તુરંત જ સમાધિમાંથી બેઠા થઈ ગયા અને હર્ષાશ્રુ સાથે બોલી ઊઠ્યા, "સત્ય  જીતી ગયું... સત્ય જીતી ગયું! આજે મારી વિદ્યા અને મારો વાત્સલ્યભાવ સંપૂર્ણપણે જીતી ગયા!"

પોતાના ગુરુને જીવંત જોઈને દેવવ્રત ક્ષણવાર માટે આશ્ચર્યચકિત થઈ ગયો, પણ પરિસ્થિતિ સમજી જતાં તેના મુખ પર એક સુંદર સ્મિત આવી ગયું. તેણે ગુરુદેવના ચરણ સ્પર્શ કરતાં અત્યંત રમુજી અને સાહજિક શૈલીમાં કહ્યું, "ગુરુજી! આ રીતે મૃત્યુનું નાટક કરીને હૃદય જીત્યા એમાં શું વળ્યું? જો પુરુષાર્થ હતો, તો મારી જીવંત અવસ્થામાં શાસ્ત્રાર્થથી મને જીતી બતાવ્યો હોત તો સાચા કહેવાત!"

विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् ।
पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥

વિદ્યા વિનય આપે છેવિનયથી પાત્રતા આવે છેપાત્રતાથી ધન મળે છેધનથી ધર્મ અને તેનાથી સુખ મળે છે. પણ મારા ગુરુએ મને વિદ્યા સાથે વિનય અને પ્રેમ બંને આપ્યા.

આ સાંભળીને ગુરુ, શિષ્ય અને ગુરુપત્ની ત્રણેયના હાસ્યથી આખો આશ્રમ ગુંજી ઊઠ્યો. ગુરુ અને શિષ્ય વચ્ચેનો આ અગાધ પ્રેમ, વિનય અને વાત્સલ્ય યુગો સુધી સમસ્ત માનવજાત માટે સાચા જ્ઞાન અને ભક્તિનું દીપક બનીને પ્રજ્વલિત રહ્યો.








સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational