STORYMIRROR

Alpa Bhatt Purohit

Drama

4  

Alpa Bhatt Purohit

Drama

ગુલાબી રંગ

ગુલાબી રંગ

4 mins
282

બહાર ચારેય તરફ ધૂળેટીનો ઓચ્છવ સંભળાતો હતો. તહેવારની રજાને માણતાં પાડોશીઓ એકબીજાંને રંગી નાખવામાં મસ્ત હતાં. ક્યાંકથી ગરમાગરમ ભજીયાંની સોડમ ભટકતી સુશીલાનાં ઘરમાં પહોંચી ગઈ હતી. સુશીલાને આજે રજા નહોતી. તેને તો બંગલામાં આજે રસોઈનું બમણું કામ હતું. અને વળી, સાહેબ લોકો ખુશ થઈ જાય તો બક્ષિસ પણ સારી એવી મળવાની હતી. 

તેણે મીનાને હાક મારી બોલાવી,'ચાલ મીના, આજે તો બંગલે ચટાકેદાર રસોઈ કરી બધાંયનાં મન જીતી લઈએ, બેટા. અને હા, જો પેલી મસાલાની પેટી ના ભૂલતી. મેં ગઈ કાલે જ નવા મસાલા મંગાવ્યાં છે, તારી સ્વાદિષ્ટ બિરયાની અને ફળોનાં ભજીયાંના ખીરાં માટે. ગઈ વેળાયે તારાં ભજીયાં બધાંયને બહુ ભાવ્યાં હતાં.' મીના મસાલાપેટી લઈ તેની જૂની સાડી સંકોરતી સાસુમા સાથે જવા લાગી. મોં ઉપર પરાણે સ્મિત લાવી, ગલીમાં પોતાનું શરીર બચાવી ચાલતી હતી. ક્યાંક પોતાનાં રંડાયેલાં ડિલે કોઈ રંગ ન નાખી દે. સાસુ - વહુ બેયનો ચૂડી ચાંદલો નંદવાયેલો. તેમાંયે મીના તો સાવ પચીસની. હજુ જિંદગીનાં રંગો જુએ એ પહેલાં જ ધોળું લૂગડું, કોરું કપાળ, અડવા હાથ અને ગળું ને પારાવાર ગરીબી તેને ઘેરી વળ્યાં.

આ તો બેયનાં હાથની રસોઈનો સ્વાદ ખૂબ જ મઝાનો અને શહેરનાં લોકોને વિધવા બાઈઓની આભડછેટ ઓછી તે બેયને સારાં એવાં સંપન્ન ઘરોમાં રસોઈકામ મળી ગયેલું. આજે બીજે બધે તો રજા હતી પણ, સુશીલાનાં એક કામે, પંડિતજીનાં બંગલે કાલે જ નવી વહુનું આણું થયું હતું. ખાસ્સાં પચીસ માણસો ભેગાં થવાનાં હતાં. બેય શરીર ઉપર સાડી સંકોરતાં પાડોશીઓ તરફ અભિવાદનરૂપે માથું નમાવતાં પળોમાં શેરી પસાર કરી મુખ્ય રસ્તા ઉપરથી મહા મહેનતે રિક્ષામાં બેસી બંગલે પહોંચ્યાં. સીધાં રસોડાને બારણેથી જ અંદર ગયાં. હાથ - મોં ધોઈ પાણી પી તેમનાં કામે વળગી પડ્યાં. મીનાનું શરીર રસોઈ કરતું હતું પણ, મન બંગલાનાં બાગમાં થતાં ગોકીરા તરફ હતું. વહુની પહેલી હોળી ઊજવાઈ રહી હતી.

તેને પોતાનું પાંચ વર્ષ પહેલાંનું આણું અને પહેલી હોળી યાદ આવી ગયાં. તેનો કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો પતિ એવો રંગ લાવ્યો હતો જેની ભૂકી તેણે ધૂળેટીનાં દિવસે સવારમાં જ મીનાનાં માથામાં ચૂપકેથી ખાલી કરી દીધી હતી. જેવી મીના માથાબોળ નહાવા બેઠી, કે શરીર ઉપર ગુલાબી રંગ રેલાવા માંડ્યો. ગભરાઈને તેણે બાથરૂમનાં બંધ કમાડે જ સાસુને બૂમો મારવા માંડી, 'મા, મા. આ જુઓ તો.' સાસુ જેવા નહાવાની ઓરડી નજીક આવ્યાં કે નજીક ઊભો ઊભો તેનો પતિ હસતો હતો. સાસુએ દીકરાને આંખો કાઢતાં તે બોલી ગયો, 'મા, તારી વહુ તો ભારે બીકણ. કહે એને કે આ રંગ તો હવે ત્રણ ચાર દિવસે જ નીકળશે. ઘસવાનું રહેવા દઈ બહાર આવે.' માયે હવે દીકરાને શું કહે ? હસતાં હસતાં તેમણે મીનાને બહાર આવી જવા કહ્યું. મઝાની લીલી સાડીમાં ગુલાબી રંગે રંગાયેલી મીનાને જોઈ તેનાં મા સમાન સાસુથી પણ હસવું ખાળી ન શકાયું. તે ઓઝપાઈ ગઈ હતી. સાસુના બહાર જતાં જ પતિએ વહાલથી ગાલે ચીમટો ભરી કહ્યું હતું, 'જો કેવી રંગી દીધી તને ? તસુભારે જગ્યા છોડી નથી, બરાબરને ?' પછી પોતે જે શરમાઈ હતી. પછી તો બહાર રમવા નીકળી પણ ના તો મહોલ્લામાં જેઠાણી-દેરાણીઓએ કે નણંદોએ તેને રંગી. ઉપરથી કહેતાં ગયાં કે, 'અમારા ભાઈએ તો તને રંગવાની જગ્યા જ બાકી નથી રાખી.' પોતે શરમાતી થોડીવારમાં ઘરમાં ભરાઈ ગઈ પણ, એમ બધાં પીછો છોડે એવાં નહોતાં. તાણ કરીને આખો દહાડો બહાર જ રખડાવતાં રહ્યાં ને મીઠી મશ્કરીઓ કરતાં રહ્યાં. 

તેને વિચારોમાં ખોવાયેલી જોઈ સુશીલાએ પોતાની આંખનાં ભીનાં થયેલ ખૂણા સાડલાને છેડે લૂછ્યાં અને મીનાને સાદ દીધો, 'બેટા, કેટલીકવાર હવે ? બધાં આવતાં જ હશે જમવા.' મીનાએ વળતો ઉત્તર આપ્યો, 'મા, કઢી, બિરયાની, રાયતું, પાલક પનીર તૈયાર જ છે. બસ, આ ભજીયાં તો બધાં બેસે એટલે મોટી કડઢાઈમાં બે જ ઘાણમાં નીકળી જશે.' સુશીલા તેને માથે હાથ ફેરવતાં બોલી, 'મારી ડાહી દીકરી, લે મેં ય તો ખીર અને ગાજરનો હલવો તૈયાર કરી દીધાં છે. રોટલી કરવાની શરુયે કરવામાં દીધી છે. ખાંડવી તૈયાર છે. તું ઉપર વઘાર છાંટી દે.'

એટલામાં બંગલાની નવી વહુ પોતાના સાસુ, નણંદ અને જેઠાણી સાથે રસોડામાં પ્રવેશી. શેઠાણીએ સુશીલાને કહ્યું, 'આ નવી વહુ, સુમનલતા. એના હાથે થોડો કંસાર કરાવી દેને મારી બે'ન.' સુશીલાનું મોં હરખાઈ ગયું. ભાગ્યે જ રસોડામાં આવતાં શેઠાણી જાતે પોતાને બે'ન કહી સંબોધતાં હતાં. સુશીલાએ ભારે હેતથી સુમનલતા પાસે કંસાર કરાવ્યો. અને જેવાં બંને ડાયનીંગ ટેબલ તરફ પીરસવા વળ્યાં ત્યાં શેઠાણી મીનાને પોતાની બાજુમાં બેસાડી તેને નવી સાડીની ભેટ ધરતાં હતાં. આછાં ગુલાબી રંગની સાડી લેતાં મીના સંકોચાતી હતી. સુશીલાએ શેઠાણીની આંખનું હેત જોઈ મીનાને કહ્યું, 'લઈ લે બેટા, શેઠાણી તો મા સમાન છે.' મીનાએ સાડી સ્વીકારી અને શેઠાણીને પોતાની રંડાયેલી બહેન કમોતે મરી તેની યાદ આવતાં આંખનાં ખૂણા ભીનાં થઈ ગયાં. પણ, બે વિધવાઓની હોળીમાં તેમણે ખુશીનો રંગ આજે ભરી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama