STORYMIRROR

Alpa Bhatt Purohit

Children Stories Inspirational

4  

Alpa Bhatt Purohit

Children Stories Inspirational

સવાઈ માતા - ભાગ ૦૨

સવાઈ માતા - ભાગ ૦૨

5 mins
273

મીરાંમાસીએ ગ્લાસ ઉઠાવી મેઘનાનાં માટલાનું ફ્રીજનાં પાણીથીયે ઠંડું પાણી પીધું. ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી વાત શરૂ કરી, "આ રમીલા છે. મારી બહેન, વિજયાએ જ તેને ઉછેરી છે. હાલ તે અગિયારમા ધોરણમાં ભણે છે. તેનાં માતા-પિતા દહાડિયા મજૂર છે. રમીલાથી મોટાં ત્રણ સંતાનો અને નાનાં બે સંતાનો છે તેમને. વિજયાબહેને જ્યારે ઘરની ઉપર માળ ચણાવ્યો ત્યારે આ રમીલા, સાત વર્ષની, તેનાં માતા-પિતા સાથે આવતી હતી. તે પણ તેનાં મોટાં ભાઈ બહેનોની માફક સિમેન્ટ, રેતી, ઇંટો ઉઠાવવામાં મદદ કરતી. જ્યારે બપોરે બધાં મજૂરો જમવા બેસે ત્યારે વિજયાબહેન તેમને શાક અને અથાણું આપે. ત્યારે હંમેશ જુએ કે આ દીકરી તેનું જમવાનું જલ્દી - જલ્દી પૂરું કરી તેનાં ગાભાં જેવાં કપડાની પોટકીમાંથી દેશીહિસાબનું પુસ્તક કાઢી ચિત્રોને અને તેની નીચે લખેલ શબ્દોને સમજવાની કોશિશ કરતી રહે.

વિજયાને આ દીકરીમાં રસ પડ્યો. તે પોતે તો એસ. ટી. વિભાગમાં નોકરી કરે, પણ તેનાં પતિ, અમારાં જનકકુમાર પ્રાથમિક શાળાનાં નિવૃત્ત આચાર્ય. તે બંનેએ ચર્ચા કરી અને એક બપોરે રમીલાને પાસે બોલાવી પૂછ્યું, "તને ભણવાનું ગમે છે ?" તે સાત વર્ષની ભોળી આંખોમાં ખુશીની વીજળી ચમકી ઊઠી,"હા, બૌવ જ." ત્યાં તો જનકકુમારે પૂછ્યું,"તું શાળાએ નથી જતી ?" કૈલસે મંજાતી સફેદ, સુરેખ દંતાવલિ ચમકી ઊઠી,"જતી'તીને, જા'રે ગામડે ઉતી." વાક્ય પૂરું થતાં એ ચમક વિરમી ગઈ જાણે એ બાળા કોઈ દુઃખદ પળને યાદ કરી રહી.

વિજયાબહેને ઈશારાથી આ દીકરીની માતાને બોલાવી અને પૂછ્યું,"બહેન, આ દીકરીને ભણવું ગમે છે તો શાળાએ કેમ નથી મોકલતી ?" તેની મેલીઘેલી માતાએ પ્રત્યુત્તર વાળ્યો, "બુન, સકૂલ જાહે તો એને ખવડાવહે કુણ ? આંય તો અમારા ભેળી મજૂરીએ આવે તે અડધું દા'ડિયું તો મલે જ ને. એનથી નાનલાં બીજાં બે છે. એમને બી ખવડાવવાનું ને ? બધ્ધાં કામ કરીએ, તારે તો હાંજે રોટલા ભેગાં થીએ. તો બી સાક તો તમાર જેવાં કો'ક આલે તો જ મળે. ને અઠાણું તો માર છોરાંવે તમાર તીયાં જ ખાધું. એમણે તો ચાખેલું બી ની મલે."

ત્યાં સુધીમાં તો મોં વકાસીને જોઈ રહેલ રમીલાનો પિતા પણ નજીક આવી ગયો,"સાયેબ, માર છોડીને ભણાવાની નથી. એના મનમાં કાંઈ ઘાલતાં નંઈ. અમાર જાતમાં તો બાર વરહે પૈણાવી દેવાની. ને આ બધું કોમ નો આવડે તો કોઈ એનો હાથ ની ઝાલહે. એનાં ઘેર જૈને બી તો મજૂરીએ જ જાહે ને? તમને બૌ દયા આવે તો થોડાં પૈહા વધાર આલી દેજો. ઈનાં કાપડાંનાં મૂકી દેવાં."

જનકકુમારથી રહેવાયું નહીં. તેઓ બોલ્યા,"એમ નથી ભાઈ, ચાલ થોડું બેસીને વાત કરીએ. રમીલા નો પિતા બોલ્યો,"ના સાહેબ કોમ નંઈ થાય તો મુકાદમ અમને પૈસા ની આલે."

જનક કુમારે કહ્યું, "હું આપી દઈશ, બસ." વિજયાબહેન પણ બોલ્યાં, "ભાઈ, તમે બેસો. આ તો તમારી દીકરીનાં ભવિષ્યનો સવાલ છે. થોડું સાંભળો અને સમજો." બે ગરીબડાં પતિ - પત્નીએ એકબીજાં સામે આંખો મેળવી કંઈક વાત કરી લીધી.

જનક કુમારે વાત માંડી,"જો ભાઈ, આ દીકરી કામ કરે તને એનો રોજ કેટલો મળે ?" ગરીબડો પિતા બોલ્યો, "હો રૂપિયા સાહેબ, નાનલી છે ને." જનક કુમારે બીજો પ્રશ્ન કર્યો,"અને મહિનામાં તેને કેટલા દિવસ કામ મળે?" મા બોલી, "પંનર- વીહ દા' ડા સાહેબ, ને કો' ક વાર તો પાં-છ દા'ડા જ વળી." વિજયાબેન બોલ્યા,"તો રોજના સો રૂપિયા લેખે તને મહિનાના 3000 રૂપિયા આપી દઈશું. આ દીકરી અમારા ઘરે રહેશે. થોડું - ઘણું ઘરનું કામ કરશે અને રોજ શાળાએ જશે. તમારે શાળાની ફી નથી ભરવાની. તેને ખવડાવવા પીવડાવવાનું પણ નહીં. તે બધી અમારી જવાબદારી. ઉપરથી તને આખા મહિનાનો એનો રોજ મળી જશે." બાપની આંખોમાં ચમક આવી ગઈ અને માની આંખમાં પાણી. વળી, નાની રમીલા એટલું જ સમજી કે તેને શાળાએ જવા મળશે. તે પણ ખુશ હતી. માતાએ પતિની ખુશી અને દીકરીની ખુશી, બંનેમાં અંતર હોવા છતાં તેમની ખુશીમાં પોતાને સુખી માની લીધી. તેનાં રડમસ ગળામાંથી એટલું જ નીકળ્યું,"બોન, દીકરીને મળવા તો દેશો ને?" "હા, હા, કેમ નહીં?" વિજયાબહેન બોલ્યાં. જનકકુમારે કહ્યું, "તમારું કામ કાજ આ જ શહેરમાં હોય, તો ગમે ત્યારે મળી જજો. હા, શાળાના સમયે નહીં અને બહારગામ હો તો મને કહી દેજો, અમે આવીશું એને લઈને મળવા."

પિતાને મોડે - મોડે પોતાની ભૂલ સમજાઈ કે દીકરીને ભણાવી તો ના શક્યો, ઉપરથી જાણે દીકરીની કમાણીના પૈસા જ ખાવા બેઠો હોય એમ તેને થયું. પોતાની ઝળઝળિયાં ભરેલી આંખોથી દીકરીની આંખોની અનોખી ચમક જોઈ તેને પોતાની ભૂલ થોડી હળવી લાગી, હૈયે હળવાશ અનુભવાઈ. ગરીબ હતો, અભણ હતો, પણ આખરે તે રમીલાનો પિતા જ હતો, દીકરી આવતીકાલથી સાથે નહીં હોય અને પોતાની ઇચ્છા પ્રમાણે અભ્યાસ કરી શકશે એ દુઃખ - સુખની મિશ્ર લાગણીઓથી તેનાં આંસુ છલકાઈ ગયાં. જુનાંપુરાણાં પહેરણની મેલી બાંયથી તેણે આંસુ લૂછવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. રમીલા પિતાની સોડમાં ધસી ગઈ અને નાનકડાં હાથે તેમનાં આંસુ લૂછી તેમની કોટે માંકડાંની પેઠે બાઝી પડી. વળતાં, દીકરીને પસવારતો એ પિતા બોલ્યો, "હારું તા'ર. તું યે મન લગાડીન ભણજે. ચોપડાં વોંચજે, અન ભણીગણીને માસ્તરણી બની જાય તો આ ભાંડરડાંને ભૂલતી નઈં."

આ બધું થોડુંઘણું સમજેલી રમીલા બાળસહજતાથી રડી પડી. કદાચ તેને હમણાં જ ખ્યાલ આવ્યો કે, શાળાએ જવાનાં ઉમંગની સાથે તેને માતા-પિતા તેમજ ભાઈ-બહેનોનો સાથ છોડવાનું દુઃખ પણ સહેવું પડશે, પણ વિજયાબહેનનાં લાડકોડ અને જનકકુમારનાં મિલનસાર સ્વભાવનાં કારણે તે આ નવાં ઘરમાં સહજતાથી રહેવા લાગી. વિજયાબહેનની બે ય દીકરીઓ પરણીને પોતપોતાનાં સાસરે ઠરીઠામ થયેલી તે દીકરીઓનાં ભાગનાં બધાંય લાડ આ નાનકડી રમીલા ઉપર ઢોળાતાં.

જનકકુમારે તેને શાળામાં દાખલ કરાવી દીધી. તે બંનેની હાથલાકડી સમ બની ગયેલ રમીલા અભ્યાસની સાથે સાથે ઘરકામમાં પણ ઘડાવા લાગી. મેઘનાબહેનને પ્રશ્ન સ્ફૂર્યો, "તે મીરાંમાસી, પછી આ દીકરીને ઘરકામ માટે કેમ લાવ્યાં ?' મીરાંમાસીએ પાણીનો ગ્લાસ ઉઠાવી થોડો વિરામ લઈ પાણી પીધું અને વાતનો તંતુ. સાધ્યો, 'તે આઠમા ધોરણમાં આવી ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું પણ મારાં બનેવી જનકકુમારનું દેહાવસાન થતાં વિજયાબહેનની મોટી દીકરીએ તેમને પોતાનાં ઘરે બોલાવી લીધાં. અને જમાઈ થોડાં બળૂકાં તે પેન્શનની બધીયે રકમ પોતાને અંકે કરાવતાં ગયાં. પછી તો દીકરી-જમાઈ બંને વિજયાબહેનનાં ઘરે જ આવીને રહેવાં લાગ્યાં. આ દીકરીનાં ભણતરનો તેમને ભાર લાગવા માંડ્યો. વિજયાબહેન પાસેથી પોતાની જ આવક સરી જતી. આ દીકરી મોટી થતાં ટ્યૂશનની પણ જરૂર ઊભી થઈ એટલે રમીલાએ જ ઉકેલ કાઢ્યો કે એક-બે સારાં ઘરનાં ઘરકામ બાંધી તે પોતાનાં ટ્યૂશનની ફીની રકમ કાઢી લેશે. છેલ્લાં ત્રણ વર્ષથી આવડી આ દીકરી વિજયાબહેનનું અને બીજાં બે ઘરનાં કામ કરે છે. હમણાં સુધી તો બધું ચાલી ગયું પણ હવે તેની માતા બિમાર છે એટલે પિતાએ વધારે રકમ માંગી છે. ભલેને દૂર રહી પણ તેમની જ દીકરી એટલે લોહી તો સાદ કરે જ ને ?"

બોલતાં - બોલતાં મીરાંમાસીની અને સાંભળતાં મેઘનાબહેનની આંખમાં પાણી આવી ગયાં. રમીલાથી ન રહેવાયું,"માસી, કામમાં તમને કોઈ ફરિયાદ નહીં આવે. ઘરકામની સાથે સાથે મને રસોઈ પણ આવડે છે. મારી મા ને બચાવવી છે. હજી તો મારે ભણીને તેની સાથે પણ રહેવું છે. અને વિજયામાસીનો પણ ટેકો બનવું છે. પ્લીઝ, મને કામ પર રાખી લો." બે હાથ જોડેલી મુદ્રામાં તે દીકરી મેઘનાબહેનની સામે એવી ઊભી રહી ગઈ જેમ કોઈ મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે યાચના કરતું ઊભું રહે.

ક્રમશઃ


Rate this content
Log in