અવિસ્મરણીય અરૂણાબહેન
અવિસ્મરણીય અરૂણાબહેન
શાળા અને કૉલૅજ જીવન દરમિયાન ઘણાંબધાં શિક્ષકોના હાથ નીચે આપણે ઘડાઈએ છીએ. વિવિધ પાઠ્યક્રમોના અભ્યાસ ઉપરાંત શિસ્ત, ઈમાનદારી, સમયપાલન, નિયમિતપણું, ખંત, ચીવટ, નિડરતા, સત્યનું પાલન જેવાં કેટલાંય સદગુણ શીખીએ છીએ. હવે લગભગ પંદર-સત્તર વર્ષોના કુલ અભ્યાસકાળમાં સોથી એ વધુ શિક્ષકોનાં હાથ નીચે શિક્ષણ મેળવ્યું હોય. મોટાભાગનાં શિક્ષકો પાસેથી જીવનોપયોગી ભાથું મળ્યું હોય. તેમાંથી માત્ર એકને સર્વોપરી ગણાવવું ઘણું જ અઘરું છે.
જો એકનો જ ઉલ્લેખ કરવાનો હોય તો સૌપ્રથમ આવે છે ગણિત શિક્ષક શ્રી અરૂણાબેન વ્યાસ.
તેમના આવતાં પહેલાં વર્ગમાં નોટબુક અને ચોપડી ખોલી તૈયાર રહેવાનું. ટૂંકા રિવિઝન બાદ આગળ ભણાવવાનું શરૂ થાય. જો બૉલપેનની 'ટીક-ટીક' સંભળાઈ તો બાજુમાં બેઠેલ વિદ્યાર્થીને આદેશ આવે કે આપણી પેન આંચકી બારીમાંથી બહાર ફેંકી દે. અને જો એ સહપાઠી એમ ન કરે તો તેને પણ સજા. તે સમયે તેઓ અમારી નજરમાં ક્રૂર હતાં પણ લાંબાગાળે સમજ પડી કે અમારી આ સામાન્ય હરકત મોટો ડિસ્ટર્બન્સ ઊભો કરતી હતી. એક તો અવાજ કરનાર પોતે અભ્યાસમાં ધ્યાન ઓછું આપી શકતો, બીજું સહપાઠીઓનું મન બે બાજુ ફંટાતું અને શિક્ષકને પણ બિનજરૂરી અવાજથી ખલેલ પહોંચતી.
તેમની જ સાથેનો બીજો અનુભવ, તેઓશ્રી વર્ગમાં આવી જાય પછી જો કોઈ વિદ્યાર્થી અંદર પ્રવેશવા પરવાનગી માગે તો જવાબ મળતો 'મારા ઘરે લગ્ન છે કે તમને આમંત્રણ આપું ?' (તે સમયે આવાં શબ્દો સહજ હતાં. ચરિત્ર ઘડતર મોખરે હતું, માનવ અધિકાર હાવી થતો નહીં.) આ પછી જો કોઈ વિદ્યાર્થી રજા લીધા સિવાય પ્રવેશે તો સાંભળવું પડતું 'બગીચો નથી કે એમનેમ આવી જઈએ, હું અહીં બેઠેલ દેખાતી નથી ?' થોડાં સમયમાં સમજાઈ ગયું કે તેમનો તાસ શરુ થવાનો હોય ત્યારે ન તો ચૉક લેવા જવું કે ન તો પાણી પીવા. એક રીતે ઈચ્છાઓ પર કાબૂ રાખતાં તેમણે શીખવ્યું.
અમારા વર્ગનાં પાંચ-છ વિદ્યાર્થીઓ પર એમને પોતાના જેટલો ભરોસો. માસિક ફી તેમના આવતાં પહેલાં ઉઘરાવી કાચા રજિસ્ટરમાં તેની નોંધણીથી માંડી, પિકનિકના પૈસા, કુદરતી હોનારત વખતે ઊઘરાવાતાં ફાળાની રકમો પણ અમે તેમને સુવ્યવસ્થિત રીતે એકઠી કરી સોંપતા. આમ પુસ્તકના દાખલા ઉપરાંતનો હિસાબ પણ મેળવતાં શીખવાડતાં. તેમની તાલીમ હેઠળ અંકગણિત, બીજગણિત, ભૂમિતિ બધું જ સરળ લાગતું. તેઓ અમારી નોટબુક ચૅક કરતાં અને બાકીનાં વિદ્યાર્થીઓની નોટબુક અમે તેમના જેટલી જ ચીવટથી તપાસતાં. હંમેશ કહેતાં, જોજો, તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, બરોબર તપાસજો.
હવે એકવાર એમ બન્યું કે ખૂબ સારી રીતે સમજાવ્યા છતાં ગણિતનું એક પ્રકરણ કેમે કરી મને આવડ્યું નહીં. આવું ગણિતમાં તો ક્યારેય નહોતું થતું. મારા વર્ગમાં જવાબ આપવાનાં બંધ થઈ ગયાં. નોટબુકમાં કોણ પહેલો દાખલો ગણે તેની હોડ લગાવતાં મિત્રોમાંથી પણ હું બાકાત થઈ ગઈ. કાળજી રાખનારાં આ શિક્ષકના ધ્યાનમાં આ વાત તરત આવી. મારી નોટબુક તપાસી, દાખલાઓની રકમ જ લખી હતી. એકપણ ગણ્યો નહોતો. પૅન્સિલથી પણ નહિ. (નોટબુક છેકછાક વગરની રાખવા અમે કેટલાંક વિદ્યાર્થીઓ જાતે ગણવા અપાતા દાખલા પૅન્સિલથી ગણતાં જેથી ખોટું પડે તો રબરથી ભૂંસી શકાય.) તેમણે મને ખૂબ જ ધીમા સાદે કારણ પૂછ્યું. હવે, બધાંને સમજ પડી હતી અને મને જ ન સમજાયું હતું એટલે મોંમાંથી શબ્દોના બદલે આંખમાંથી આંસુ ઝરવા લાગ્યા. મને બેસાડી દઈ પાણી પીવા કહ્યું. તેમનો તાસ પૂરો થયા બાદ મને નોટબુક લઈને સ્ટાફરૂમમાં આવવા કહ્યું. અને ત્યાર પછીના તપાસના શિક્ષક પાસે જાતે જ મારી ગેરહાજરી માટે દરખાસ્ત કરી. એ તાસ અને ત્યારબાદની રિસેસમાં મને પ્રકરણ નવેસરથી ભણાવ્યું. તેમને સંતોષકારક લાગ્યા પછી જ મને મારા વર્ગમાં મોકલી. અને એક અઠવાડિયા સુધી રોજ તેમની પાસેથી દસ દાખલા લઈ શાળા છૂટે તે પહેલાં તેમને બતાવી દેવાનું કાર્ય મળ્યું. પછી તો એ પ્રકરણ સાવ સહેલું બની ગયું. અને જ્યારે શિક્ષક તરીકે બાળકોને તે જ પ્રકરણ અનહદ રસથી ભણાવ્યું છે. અને દરેક વખતે અરૂણાબહેનને યાદ કર્યાં છે.
ગુજરાતી વિષયમાં પણ એવી જ સાહજિકતાથી કવિતાઓ ગવડાવીને સમજાવતાં. ભાષાના વ્યાકરણનો ભાર ન લાગવા દેતાં. પરીક્ષા વેળા મહેનત અને ઈમાનદારીનાં પાઠ પણ શીખવતાં. અરે એકવાર તો અનોખી કસોટી પણ કરેલી. જેમાં પરીક્ષાખંડમાં બેઠેલ ૫૦ જેટલાં ધોરણ ૪ થી ૭ નાં વિદ્યાર્થીઓ. હવે પટાવાળા ભાઈ સમયસર આવીને ખાખી કાગળની કોથળીઓમાં ધોરણવાર પ્રશ્નપત્રો, જવાબવહી વગેરે મૂકી ગયાં. પરીક્ષા શરૂ થયાની દસ મિનિટ સુધી કોઈ નિરિક્ષક ન આવતાં આજુબાજુના વર્ગમાં જાણ કરી. દરેકે ખાતરી આપી 'કોઈને મોકલીએ છીએ,' અમે બીજી પાંચ મિનિટ પછી શિક્ષકની જેમ જ પ્રશ્નપત્રો, જવાબવહી વહેંચી સ્વયંશિસ્તથી લખવાનું શરૂ કરી દીધું. બીજી પંદરેક મિનિટ પછી વર્ગખંડના બારણે ત્રણ-ચાર જણની તાળીઓનો ગડગડાટ સંભળાયો. પરિક્ષા અરૂણાબહેને લીધી હતી અમારી ઇમાનદારીની. પ્રિન્સિપાલશ્રી સહિત બીજાં બે શિક્ષકો અમારી ઈમાનદારી અને સમજણને વધાવી રહ્યાં હતાં.
તેમના પ્રતાપે જીવનમાં ઘણાં ગુણ કેળવાયાં. અને તેમનાં અભિગમોને અપનાવી વિદ્યાર્થીઓના મનમાં આગવું સ્થાન પણ બનાવ્યું.
અહીં બીજાં બે શિક્ષકોનો ઉલ્લેખ નહિં કરું તો મને અધૂરું લાગશે. પહેલાં મમ્મી જેમણે અઢી વર્ષની ઉંમરે વાંચતા અને ચાર વર્ષની ઉંમરે લખતાં શીખવ્યું. અને બીજા પપ્પા, જેમણે મારી છઠ્ઠી વર્ષગાંઠ ઉપર 'સર સયાજી વૈભવ લાયબ્રેરી' નું સભ્યપદ ભેટમાં આપ્યું.
