Ashwin Rawal

Romance

4  

Ashwin Rawal

Romance

ગંગા આરતી

ગંગા આરતી

10 mins
1.5K


અમદાવાદથી હરિદ્વાર મેલ બરાબર એના સમય પ્રમાણે જ ઉપડ્યો. હરિદ્વાર સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પુરો આનંદ માણી શકાય. આ ટ્રેઈનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા.

હું સોફ્ટવેર એન્જિનિયર હતો અને કંપનીના એક પ્રોજેક્ટના કામે હરિદ્વારના મંદિરોનો સર્વે કરવા જઈ રહ્યો હતો. સાબરમતીથી મારી સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું. એ લોકો ટોટલ પાંચ જણા હતા એટલે 6 બર્થનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ થઈ ગયું. 60 વર્ષના એક વડીલ, તેમના પત્ની, 24 25 વર્ષની લાગતી એક યુવતી, એક નાનો ભાઈ અને આઠ-દસ વર્ષની એક નાની બેબી.

" તમારે ભાઈ હરિદ્વાર જવાનું ?" પેલા બહેને ટ્રેન ઉપડી કે તરત જ મને સવાલ કર્યો.

" હા માસી ટિકિટ તો હરિદ્વારની લીધી છે." મેં હસીને કહ્યું.

" તમે પણ જાત્રાએ જતા હશો કાં ? "બહેને ફરી પાછું કાઠીયાવાડી લહેકામાં પૂછ્યું.

" મમ્મી તારે આ બધી શું પંચાત છે ?" મમ્મી ની બાજુમાં બેઠેલી યુવતી એ સહેજ છણકાથી મમ્મીને ચૂપ કરી.

" અરે બેટા અજાણ્યા મલકમાં જતા હોઈએ તો કોઈની ઓળખાણ રાખવી સારી. ગુજરાતી માણસ આપણુ પોતાનું ગણાય." માસીએ દીકરીને પોતાની ફિલોસોફી સમજાવી.

" તે ભાઈ હરિદ્વારમાં આપણી ગુજરાતી ધર્મશાળા તો હશે ને ? " માસી એ ફરી પાછી વાત ચાલુ કરી.

" હા માસી ગુજરાતી સમાજ હરિદ્વારમાં પણ છે. અને તે સિવાય સુખધામ યાત્રી નિવાસ પણ સારી જગ્યા છે."

" જો હું કહેતી'તી ને ? ઓળખાણથી ઘણો ફરક પડે. આ ભાઈ ને બધી ખબર છે" માસીએ એમની દીકરીને કહ્યું.

મને મનમાં હસવું આવ્યું કારણ કે આ બધી તપાસ મેં ગઈકાલે રાત્રે જ ગૂગલ માં કરેલી.

માસીની સાથે આટલી વાત કર્યા પછી મને કોણ જાણે કેમ એવું લાગ્યું કે આ બહેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે અને એમનો અવાજ પણ જાણે પરિચિત લાગે છે. પણ કંઈ યાદ નહોતું આવતું.

મારી સામે બારીની પાસે બેઠેલી યુવતી સાવ શૂન્યમનસ્ક હતી. નીરસતા અને ઉદાસીનતા એના ચહેરા ઉપર સ્પષ્ટ વંચાતી હતી. માસી બોલકાં હતાં. માસીની બાજુમાં છેલ્લે નાની બેબી બેઠેલી હતી. મારી બાજુમાં બેઠેલા વડીલ ઓછું બોલતા હોય એમ લાગ્યું.

એ પછી થોડો સમય શાંતિ રહી. નાના બે ભાઈ બેન મસ્તી કરતા રહ્યા અને વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ નાસ્તો પણ કરતા રહ્યા. સિધ્ધપુર આવવાનું થયું એટલે માસી બોલ્યાં.

" અહીં સિદ્ધપુરમાં મગસના લાડુ બહુ જ પ્રખ્યાત છે. એકદમ ચોખ્ખા ઘી માંથી બનાવે છે. મને રસિલાબહેને ખાસ કહેલું કે રસ્તામાં સિધ્ધપુર આવે ત્યાંથી થોડા લાડુ લેતા જજો. યાત્રામાં કામ આવશે. "

સિધ્ધપુર આવ્યું એટલે વડીલ નીચે ઉતરીને એક કિલો મગસ લઈ આવ્યા અને માસી ના હાથમાં મુક્યા. નાસ્તાનો એક અલગ થેલો માસી એ બનાવેલો. એમાં એ પેકેટ મૂકી દીધું.

સિધ્ધપુર થી ટ્રેઈન ઊપડયા પછી માસીએ જમવાની તૈયારીઓ કરવા માંડી. બપોરના બાર વાગી ગયા હતા. માસીએ છ સાત ડીશો કાઢી અને નાસ્તાના બે ત્રણ ડબા પણ બહાર કાઢ્યા. થેપલા, છૂંદો, ગાંઠીયા, બટેટાની સુકીભાજી અને દહીં ! દરેક ડિશમાં આ બધું ગોઠવતા ગયા.

" આપણા લોકોને ફાફડા-ગાંઠિયા વગર ના ચાલે કેમ માસી ? " મેં હસી ને પૂછ્યું.

" હા ભાઈ ઈ વાત હાવ હાચી કહી. બારે ય મહિના અમારે ગાંઠિયા જોઈએ. અમારા ભાવનગરના ગાંઠીયા પ્રખ્યાત પણ બહુ હોં ! "

" અરે પણ તમારે જમવાનું શું ? તમે પણ અમારી ભેગા બેહી જાવ. " માસી એ મને કહ્યું.

" ના ના માસી તમે લોકો જમો. ટ્રેઈનમાં જમવાનું મળે જ છે ને ? "

" અરે ભલા માણસ શરમાવાની કોઈ જરૂર નથી. ઘરનું એ ઘરનું " આ વખતે વડીલ પહેલીવાર મારી સાથે બોલ્યા.

" એમને પણ એક ડીશ આપી જ દેજો. " વડીલે માસી ને કહ્યું.

આ બધી ચર્ચા દરમિયાન એમની દીકરી સતત બારીની બહાર જોઈ રહી હતી. એને જાણે આ બધી બાબતોમાં કોઈ રસ જ નહોતો. જમતી વખતે પણ તે ચૂપ જ હતી.

ઘણા વર્ષો પછી આજે આટલાં સરસ થેપલાં અને છુંદાનો આસ્વાદ માણ્યો. મારી મા બસ આવા જ સુંદર થેપલા બનાવતી. ઘઉં બાજરી ના મિક્સ લોટમાં મેથીની ભાજી અને  ઘણું બધું મોણ નાખીને એટલા બધા સોફ્ટ થેપલા બનાવતી કે મોઢામાં જ ઓગળી જાય.

" માસી તમારા થેપલા ચાખીને માની યાદ આવી ગઈ. વર્ષો પછી આટલા સરસ થેપલાં ખાધાં " મારાથી જમતા જમતા બોલાઈ ગયું.

અને ત્યારે પહેલીવાર એ યુવતીએ મારી સામે જોયું અને પોતાની ડીશમાંથી એક થેપલું પોતાની ડીશમાંથી મારી ડીશમાં મૂકી દીધું.

" તું તારે ખા ને બેટા ! છે બીજા થેપલાં આપણી પાસે. આખો ડબ્બો ભરી ને લાવી છું. " માસી બોલ્યાં.

" ના મમ્મી, આમ પણ મને ભૂખ ઓછી છે." મને પહેલીવાર અહેસાસ થયો કે એનો અવાજ ખરેખર ખૂબ જ મીઠો હતો.

" થેન્ક યુ... તમારું નામ જાણી શકું ? " મેં એ યુવતીનો આભાર માનતાં પૂછ્યું.

" પ્રિયલ નામ છે એનું. પણ અમે બધા ઘર માં પ્રિયા જ કહીએ છીએ " પ્રિયલ જવાબ આપે એ પહેલા માસી જ બોલી ઊઠયાં.

હજુ બીજા 24 કલાક ટ્રેનમાં પસાર કરવાના હતા. મને સાહિત્યનો શોખ હતો એટલે મારા પ્રિય લેખકની નોવેલ વાંચવાનું ચાલુ કર્યું. જ્યારે પણ હું ટ્રેનમાં કે બસમાં લાંબી યાત્રા કરું ત્યારે નવલકથા સાથે રાખું જ છું.

સાંજે પણ જમવામાં એ જ ભોજન હતું પણ મેં ખૂબ જ વિવેક પૂર્વક ના પાડી અને ટ્રેનમાં જમવાનો ઓર્ડર આપ્યો. રાત્રે લગભગ નવ વાગે પોતપોતાની સ્લીપિંગ બર્થ ઉપર બધાં સૂઈ ગયાં.

સવારે 8 વાગે મુજફ્ફરનગર સ્ટેશને મેં બધા માટે ચા મંગાવી. મને એ લોકોએ નાસ્તા માટે પૂછ્યું પણ મને આદત નહોતી એટલે મેં ના પાડી.

હજુ લગભગ ચાર કલાકનો સમય કાઢવાનો હતો. મૂંગા મૂંગા બેસીને કંટાળો પણ આવતો હતો એટલે મેં વાત ચાલુ કરી.

" માસી અત્યારે હરિદ્વાર કેમ જાઓ છો ? મારો મતલબ કે મોટાભાગે બધા વેકેશનમાં ફરવા જતા હોય છે અને અત્યારે ઓગસ્ટમાં તો વરસાદની સિઝન છે "

" ના ભાઈ અમે ફરવા નથી જતા. અમારા ગુરુજીનો ઋષિકેશમાં આશ્રમ છે તો ન્યાં અમે દર્શન કરવા જઈએ છીએ. ભાઈ તમને હવે અમારા દુઃખની શું વાત કરવી ? ખાસ તો અમારી પ્રિયા માટે ગુરુજીના આશીર્વાદ લેવા છે !! બચાડી બહુ દુઃખી થઈ ગઈ છે ભાઈ !! ડિપ્રેશનમાં આવી ગઈ છે." બોલતા બોલતા માસીની આંખમાં પાણી આવી ગયા.

જો પ્રિયલ બેઠી હોત તો કદાચ માસી ને ચૂપ કરી દીધા હોત પણ એ ફ્રેશ થવા ગઈ હતી એટલે માસી છૂટથી વાત કરી શકતા હતા.

" તમને લોકોને વાંધો ના હોય તો હું જાણી શકું ? જો બહુ અંગત ના હોય તો !! પ્રિયલ નથી એટલે પૂછું છું. "

" હવે એમાં અંગત જેવું શું હોય ભાઈ ? છોકરીનાં નસીબ બહુ કાઠાં છે ! એકવાર એનું હગપણ કર્યું. એક વરસ બે જણ હર્યાં ફર્યાં અને વેવિશાળ તૂટી ગયું. બીજીવાર એના લગ્ન એક પૈસાદાર કુટુંબ માં થયા. પણ અમારી સાથે બહુ મોટી છેતરપીંડી થઈ ભાઈ ! "

" તમને શું કહું ભાઈ !! છોકરો માણસમાં જ નહોતો.... બોલો ! એનામાં આટલી મોટી ખામી હતી તોય કોઈ છોકરીની જિંદગી એણે બગાડી. અને આ બધી બાબતોની અમને થોડી ખબર પડે ? લગ્ન થયા એટલે ખબર પડી ". 

" છોકરી બીજા જ દિવસે પાછી આવી ગઈ. વેવાઈએ સમાજની બીકે પાંચ લાખ આપીને ઘર મેળે પતાવ્યું. સામસામે લખાણ લઈને છૂટું કરી દીધું. પૈસા ને શું કરવાના ભાઈ ? છોકરી બચાડી લેવાદેવા વગર દુઃખી દુઃખી થઈ ગઈ . એકવાર તો ઉંઘની ગોળીઓ પણ લઈ લીધી પણ સમયસર અમને ખબર પડી એટલે બચી ગઈ. "

" છ મહિના થયા એ વાતને. પણ હજુ સુધી એ ગુમસુમ જ રહે છે. કોઈની પણ સાથે વાત નથી કરતી. ગુરુજીના આશીર્વાદ મળે તો કોઈ સારો મુરતિયો એને મળે. કોઈ વાંકગુના વગર બચાડી આ ઉંમરે આટલી હેરાન થઈ. " અને માસીની આંખોમાં ફરી પાછા પાણી આવી ગયાં.

હું માબાપની વેદના સમજી શકતો હતો. મારી સાથે પણ એવું જ બન્યું હતું ને ? ત્રણ ત્રણ વર્ષની રિલેશનશિપ પછી મૈત્રી એ મારી સાથે વિશ્વાસઘાત જ કર્યો હતો ને ! એના કારણે સારા સારા માગા ઠુકરાવ્યાં અને અમેરિકાનો શ્રીમંત છોકરો એનાં મા-બાપે બતાવ્યો તો મને લાત મારી ને ચાલતી થઈ ગઈ.  કેટલો બધો પ્રેમ કર્યો હતો મેં એને !

લગભગ સાડા બાર વાગે હરિદ્વાર આવી ગયું. મેં માસી ને કહી દીધેલું કે સુખધામ યાત્રી નિવાસ વધારે સારું છે એટલે આપણે ત્યાં જ જઈએ. જોકે માસી ને કોઈ વાંધો હતો જ નહીં. અમે બધા એ યાત્રી નિવાસમાં પહોંચી ગયા. મેં મારો અલગ રૂમ લીધો.

બપોરનું લંચ પણ અમે સુખધામ યાત્રી નિવાસમાં જ લીધું. જમવાનું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતું. ટ્રેઈન નો થાક હોવાથી આરામ કરવો જરૂરી હતો.

" માસી હું તો આરામ કરવા માગું છું. પાંચ વાગ્યા સુધી આરામ કરવાની ઈચ્છા છે. તમારે લોકોને ત્યાં જવું હોય તો જઈ શકો છો. અહીં એટલા બધા મંદિરો છે કે પગથિયાં ચડી ચડીને થાકી જશો. અને મને દર્શનમાં કોઈ ખાસ રસ નથી. બસ સાંજે ગંગાકિનારે બેસવું છે અને આરતી જોવી છે અને કાલથી પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે " મેં કહ્યું.

" ના રે ભાઈ અમે પણ બધા આરામ જ કરીશું. થોડાં ઘણાં દર્શન કાલે સવારે કરી લઈશું. સાંજે તમે પણ અમારી સાથે જ ચાલજો ને આરતી જોવા !!"

"ઠીક છે માસી. જો હું સુઈ ગયો હોઉં તો સાંજે જતી વખતે જગાડજો " મેં કહ્યું. અને હું મારી રૂમ માં આવ્યો.

રૂમમાં આવી બેડ પર આડા પડ્યા પછી હું વિચારે ચડી ગયો.. આ માસી ને મેં ક્યાંક જોયા છે, એમનો અવાજ પણ જાણીતો છે. પણ કંઈ યાદ નથી આવતું. એતો ભાવનગર રહે છે અને ભાવનગર તો હું ક્યારે ગયો પણ નથી.

બહુ મનોમંથન પછી અચાનક મારા મનમાં ટ્યુબલાઈટ થઈ. હા એ કદાચ દર્શના માસી જ હોઈ શકે. અને આ પ્રિયલ એ બીજું કોઈ નહીં પણ પેલી નાનકડી ભૂરી જ હતી !! બધું યાદ આવતું ગયું.

ત્યારે મારી ઉંમર માત્ર 6 7 વર્ષ ની. અમે લોકો જામનગરમાં પટેલ કોલોની માં શેરી નંબર 4 માં રહેતાં. પપ્પા ત્યાંની સ્ટેટ બેંકમાં કેશિયર હતા. અમારું મૂળ વતન તો જામ ખંભાળિયા હતું.

જામનગર માં અમારી બાજુના જ ઘરમાં દર્શનામાસી રહેવા આવ્યા હતા. વિનોદ અંકલની ત્યાં જામનગરની તાર ઓફિસમાં ટેલિગ્રાફિસ્ટ તરીકે બદલી થયેલી. અંકલ ઓફિસ જતા રહે પછી દિવસ ના ટાઈમે માસી લગભગ મારા ઘરે જ રહેતાં. મારી મમ્મી સાથે એમને બહુ જ ફાવતું. એમની નાની બેબી એકદમ ગોરી ગોરી હતી એટલે ઘરમાં બધા એને ભૂરી જ કહેતાં.

એક વર્ષમાં તો પપ્પાની બદલી અમદાવાદ થઈ એટલે અમે જામનગર છોડી દીધું. પણ મારા નાનપણની આ એક વર્ષની સ્મૃતિ બરાબર જળવાઈ રહી હતી. જામનગર છોડ્યા ને ૨૩ વર્ષ થઈ ગયાં હતાં. આજે હું 29 નો હતો અને પ્રિયલ 26 27 ની હતી. કોઈ કોઈને ઓળખી શકે એમ નહોતું.

દર્શનામાસીને આ બધી જૂની ઓળખાણ આપવાની મારી અધીરાઈ હતી પણ એ લોકો આરામ કરતા હતા. હવે 5 વાગે વાત.

મન પાછું વિચારોમાં પરોવાઈ ગયું. પપ્પાની છેલ્લી ટ્રાન્સફર મેનેજર તરીકે અમદાવાદથી વડોદરા થઈ અને ત્યાં જ રિટાયરમેન્ટ લીધું. ચાલુ નોકરીએ પપ્પાએ લોન લઈ અલકાપુરી એરિયામાં એક ફ્લેટ ખરીદી લીધો અને જામ ખંભાળિયાનું બંધ ઘર વેચી દીધું. રિટાયરમેન્ટ ના પાંચ વર્ષ પછી પપ્પાનું હાર્ટ એટેક માં અવસાન થઈ ગયું.

હું સોફ્ટવેર એન્જીનીયર થઈ ગયો હતો. ટીસીએસ ગાંધીનગરમાં મને સારી જોબ પણ મળી ગઈ હતી. અપડાઉન ફાવે એવું હતું નહીં એટલે રેન્ટ ઉપર એક ફ્લેટ લઈને હું મમ્મીને ગાંધીનગર લઈ આવ્યો હતો. મૈત્રી ચાર વર્ષ પહેલા મારી લાઈફમાં આવી હતી. ત્રણ વર્ષની રિલેશનશિપ પછી એણે મારો સાથ છોડી અમેરિકા પસંદ કરી લીધું. એક વર્ષ પહેલા બનેલી ઘટના આજે પણ ક્યારેક મને ડિસ્ટર્બ કરી જતી.

પાંચ વાગે માસી મને જગાડવા આવે એ પહેલાં મેં જ એમના રૂમના દરવાજે ટકોરા માર્યા. 

અંકલે દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કરી મેં સૌથી પહેલા માસી ને જ સંબોધન કર્યું.

" તમે દર્શના માસી ને ? અને આ પેલી જાડીપાડી ભૂરી ને ? " મારાથી એક વચન સંબોધન થઈ ગયું.

માસી અને પ્રિયલ બંને મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. એમને મારી ઓળખાણ હજુ પડી નહોતી.

" મને ના ઓળખ્યો માસી ? હું જામનગરના તમારા પડોશી રમીલાબેન નો દીકરો વત્સલ !!"

" અરે બેટા વત્સલ .... તું !! કેટલા વર્ષો પછી તને જોયો !! ક્યાંથી ઓળખાણ પડે બેટા ? " કહીને દર્શના માસી મને ભેટી પડ્યા.

" ભદ્રેશભાઈ અને રમીલાબેન કેમ છે ? ક્યાં છો તમે લોકો ? " વિનોદ અંકલે મને પૂછ્યું.

" પપ્પા તો ઑફ થઈ ગયા. હું અને મમ્મી એકલાં છીએ. અમે વડોદરામાં મકાન બનાવ્યું છે પણ સર્વિસ ના કારણે અમે લોકો અત્યારે ગાંધીનગર રહીએ છીએ."

" લે આ તો ભારે કરી... આટલી નજીક ની ઓળખાણ હતી તો પણ આખી ટ્રેઈનમાં કોઈ કોઈને ઓળખતું નહોતું. " માસી હરખાઈને બોલ્યા.

" પણ બેટા તારે અહીં હરિદ્વાર કેમ આવવું પડ્યું ? "

" મને સપનું આવ્યું માસી કે તું હરિદ્વાર પહોંચી જા... તને રસ્તામાં જ કોઈ હમસફર મળી જશે અને બંદા નીકળી પડ્યા !! " મેં હસીને તીરછી નજરે પ્રિયલ સામે જોયું. મારે એના જીવનમાં હવે હાસ્ય પાછું લાવવું હતું. અને આ તો જાણીતું ઘર હતું.

" તું પણ ભારે મજાકિયો લાગે છે બેટા ! " કહી માસી હસી પડ્યા.

" પ્રિયા... તને કંઈ યાદ આવે છે ખરું ? માંડ ત્રણ-ચાર વર્ષની હતી. ત્યારે તો કેટલી જાડી પાડી હતી. એકવાર તો મારા હાથમાંથી પડી પણ ગયેલી "

" તે કોઈનો ભાર ઉપાડવાની ત્રેવડ ના હોય તો પાડી જ નાખો ને ! " કહીને શરારતી નજરે પ્રિયલે મારી સામે જોયું. પહેલીવાર એની આંખોમાં મેં આશાનું કિરણ જોયું. આનંદની રેખા એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી.

" હવે નહીં પાડું એની ગેરેન્ટી.. બોલ કોશિશ કરું ? " કહીને હું પ્રિયલની થોડીક નજીક ગયો.

" રહેવા દો હવે... કમર લચકાઈ જશે તમારી "

આ બધા સંવાદોથી દર્શના માસી ખુબ જ ખુશ થઈ ગયાં હતાં. આટલા સમય પછી પહેલીવાર દીકરીને એમણે ખુશમિજાજ જોઈ હતી. જો કે એ સમજી ગયાં હતાં કે હું પ્રિયલને નિરાશામાંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યો હતો.

" ચાલો આપણે બધાં આરતી ના દર્શન કરવા અત્યારથી જ નીકળી જઈએ. બે-ત્રણ મંદીરો માં દર્શન કરતા કરતા જઈશું.  આ બંનેને જૂની ઓળખાણો તાજી કરવા દો. એ બંને આરતી ટાણે એમની મેળે આવશે. " કહીને દર્શના માસી બધાને લઈને બહાર નીકળી ગયાં.

બધાં ગયાં એટલે હું પ્રિયલની બાજુમાં જ બેસી ગયો.

" મને માસીએ તારી સાથે બનેલી તમામ દુર્ઘટનાઓ ટ્રેઈનમાં કહી દીધી છે. તેં બહુ સહન કર્યું છે. હવે મને એક તક આપીશ પ્રિયલ ? તારા જીવનમાં સુખનો એક અવસર હું ઊભો કરવા માગું છું. " મેં પ્રિયલનો હાથ હાથમાં લીધો.

" આ હાથ અને આ સાથ હું ક્યારે પણ નહી છોડુ જો તને મારામાં વિશ્વાસ હોય તો ! હવે તારી આંખમાં હું ખુશીના આંસુ છલકાવવા માંગુ છું પ્રિયલ !! મને તારા ભૂતકાળ સાથે કોઈ લેવાદેવા નથી. હું પણ ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં હતો અને મારી સાથે પણ વિશ્વાસઘાત થયો છે."

મેં જોયું તો પ્રિયલ રડી રહી હતી. મેં એને રડવા દીધી. 

" હું ડિવોર્સી છું. તમે મારી સાથે લગ્ન કરશો ?"

" હા પ્રિયલ ભૂતકાળને ભૂલી જા. હું દિલથી કહી રહ્યો છું. તને વર્ષો પછી જોઈને હું ખરેખર ખુશ છું. વિધાતાએ જ આપણને અચાનક આ રીતે ભેગા કર્યા છે. ઈશ્વરની લીલા આપણે સમજી શકતા નથી. હું પણ સાચા પ્યાર માટે તડપી રહ્યો છું પ્રિયા !!"

" તો પ્રિયલ પણ આજથી તમારી થઈ ચૂકી છે વત્સલ. ચાલો હવે મા ગંગાની આરતીની સાક્ષીએ તમે પણ મારો હાથ પકડી લો. "

અને કલાક પછી સંધ્યાકાળે હર કી પૌડી ઉપર મા ગંગાની પવિત્ર આરતી ટાણે બન્ને જણાં એ એકબીજાનો હાથ પકડી આરતીના અગ્નિની સાક્ષીએ જીવનભર સાથ નિભાવવાના સોગંદ લીધા.

ત્યારે દૂરથી આ યુગલને જોઈ રહેલાં દર્શના માસી અને વિનોદ અંકલે આ વર-કન્યાને દિલથી આશીર્વાદ આપ્યા.

" સુખી રહેજે બેટા.... મા ગંગા તારું સૌભાગ્ય અખંડ રાખે."


Rate this content
Log in

More gujarati story from Ashwin Rawal

Similar gujarati story from Romance