ગજબ કર્યો, દીકરી !
ગજબ કર્યો, દીકરી !


એ દિવસોમાં ઔદ્યોગિક નગરી મુંબઈમાં ગુજરાતીઓ અને મારવાડીઓની માલિકીની અનેક મિલો... કામદારોની પરિણામશૂન્ય ચાલેલી લાંબી હડતાલ...અસંખ્ય કામદારો બેકારી અને ભૂખમરાના ખપ્પરમાં... ઔનઅલી પણ એમાંના એક...દસદસ વર્ષો સુધી વિવિંગ વિભાગમાં બદલી કામદાર તરીકેની અસ્થાયી નોકરી... પછી તો કાયમી થયા...માંડ એક જ વર્ષ થયું હશે અને આ કાયમી આફત... એ તો સારું હતું કે બદલી કામદારો માટેની ખાસ ચાલીમાં એક રૂમ રસોડાવાળી તેમને ખોલી મળી હતી, જે કાયમી થયા પછી પણ તેમના હસ્તક જ રહી હતી. ઔદ્યોગિક અદાલતના ચુકાદા અનુસાર તેમનો ભોગવટાહક ચાલુ...આમ દીકરોદીકરી અને પતિપત્નીના એવા ચાર જણના એ નાનકડા પરિવારને રસ્તા ઉપર તો આવી જવું પડ્યું ન હતું, પણ રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો હતો.
ઔનઅલી અને મોહસીનાએ ઘરવખરી વેચીને થોડાક દિવસો ટૂંકા કર્યા...પણ, પછી છેવટે મુંબઈથી વીસેક કિલોમીટર દૂરના ઔદ્યોગિક શહેર ભિવંડીમાં એક પાવરલુમ ફેક્ટરીમાં કામ મળ્યું...આઠ કલાકની આખી પાળી...મહિનામાં દશેક દિવસ તો ચારચાર કલાકનું દોઢા પગારે ઓવરટાઈમ કામ પણ મળે... ફેક્ટરી એક્ટ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડ કે અન્ય લાભો ન આપવા પડે એટલે શેઠિયાએ મૌખિક રીતે તો કાયમી નોકરીનું આશ્વાસન આપ્યું હતું, પણ તેમની નોકરી રોજમદાર તરીકેની જ ... ઔનઅલી રોજેરોજ મળતો પગાર પત્ની મોહસીનાના હાથમાં આપી દે...ઓવરટાઈમનું મહેનતાણું નજીકની બેંકના બચત ખાતામાં... ભવિષ્યે ઘરનું ઘર મેળવવા માટેની લોનના ડાઉન પેમેન્ટ માટેની એ હતી આગોતરી યોજના..
ભિવંડી અને કલ્યાણ વચ્ચેની ટ્રેઈન અને કલ્યાણથી ઘર સુધીની બેસ્ટની સફર...રોજનું બેથી ત્રણ કલાકનું ટ્રાવેલીંગ...નિશાળમાં ભણતાં છોકરાંનું ખર્ચ અને કમરતોડ મોંઘવારીમાં પણ કરકસર કરીને મોહસીના થોડીક બચત પણ કરી લેતી, જે દીકરી નૂરુન્નિસાના રીકરીંગ બચત ખાતામાં ભરાય.... ભવિષ્યે તેની શાદી માટેનું આયોજન હતું...તો વળી નજીકના લેડીઝ ગારમેન્ટ સ્ટોરમાંની મોહસીનાની પાર્ટટાઈમ નોકરીનો આખેઆખો પગાર પણ દીકરા ખુરશીદના ખાતામાં ભરી દેવાય, જે હતી તેના ઉચ્ચ શિક્ષણ માટેની આગોતરી વ્યવસ્થા...કશ્મકશ અને મહેનતકશ જીવન જીવતા એ યુગલનો સંઘર્ષ કાબિલેદાદ...ઓલાદ પણ ભણવામાં તેજસ્વી, મોડી રાત સુધી અભ્યાસ કરે અને વાલદૈનને આશ્વસ્ત જોમ પૂરું પાડે. ચારેય જણ ધાર્મિક બાબતે પરહેજગાર...રાત્રે સૂવા પહેલાં દિવસભરની બાકી રહી ગએલી નમાજોની અદાયગી કરી લે...દુઆઓ માટે હાથ ફેલાવે...કાકલૂદીભર્યા સ્વરે પરવરદિગારનો શુક્રિયા અદા કરે...યથાશક્તિ ખૈરાતો પણ કરે...આમ મધ્યમવર્ગીય આ પરિવારના દિવસો સુખમય રીતે પસાર થઈ રહ્યા હતા...વળી પાછી બારગાહે ઈલાહીમાંથી એક ઑર નયામત ઊતરી અને ઔનઅલીને કામદારોને મળતા બધા જ લાભો મળવા પણ શરૂ થઈ ગયા હતા.
આમ ને આમ દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં વીંટળાતા રહ્યા. ખુરશીદને મેડિકલમાં પ્રવેશ મળી ગયો હતો અને નૂરુન્નિસાએ તેનું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું. ખુરશીદની સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજના ખર્ચાળ શિક્ષણને પહોંચી વળવામાં પેલા ‘ઘરનું ઘર’ના ખ્વાબને તેમણે ભૂલી જવું પડ્યું હતું અને નૂરુન્નિસાએ પણ કોમર્સમાં પોસ્ટગ્રેજ્યુએશનનો વિચાર પડતો મૂકીને બેંક કરતાં પણ સારી કામગીરી બજાવતી એક પ્રતિષ્ઠિત ‘એ’ ગ્રેડ ધરાવતી મહિલા શરાફી મંડળીમાં મેનેજર તરીકેની નોકરી સ્વીકારી લીધી હતી. પગારધોરણ રાષ્ટ્રીયકૃત બેંકો જેટલું જ હોઈ નવી કોઈ નોકરી મેળવવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. મંડળીની વાહન માટેની સ્ટાફધીરાણ યોજના હેઠળ શુન્ય વ્યાજદરે નૂરુન્નિસાએ સ્કુટી વસાવી લીધું હતું.
આ તો હતી જગતભરનાં મધ્યમવર્ગી કે ગરીબ માણસો દ્વારા થતા રહેતા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેના સંઘર્ષો જેવી જ આ ઔનઅલીના પરિવારની શારીરિક, પારિશ્રમિક કે આર્થિક સંઘર્ષકથા; પરંતુ હવે જે કથા શરૂ થવાની હતી તે તો હતી આદર્શોના સંઘર્ષની કથા, કુટુંબભાવનાની કથા, સમજદારીની કથા, નૈતિક મૂલ્યોની કથા, લગ્નસંસ્થાના પ્રશ્નોની કથા, ત્યાગની ભાવનાની કથા.
વર્ષ દરમિયાન માત્ર દિવાળીના તહેવારોમાં જ સતત બોતેર કલાક બંધ રહેતી એ પાવરલુમ ફેક્ટરીના ઔનઅલીના રજાના ત્રણ દિવસો હતા, ખુરશીદને કોલેજનું વેકેશન હતું, નૂરુન્નિસાને પણ રજાઓ હતી અને મોહસીનાએ તહેવારની ઘરાકી હોવા છતાં સ્ટોરમાલિકને વિનંતી કરીને ત્રણ દિવસની રજાઓ મેળવી લીધી હતી. આ ત્રણેય દિવસો માટેની પંચગીની અને મહાબળેશ્વર માટેની ફેમિલિ ટુરનું આયોજન થઈ ચૂક્યું હતું. આ ટુર કંઈ આમોદપ્રમોદ માટેની ન હતી, આ દિવસો દરમિયાન નૂરુન્નિસાના લગ્ન માટેની ચર્ચાઓ કરવાની હતી, તેને સમજાવવાની હતી, તેને સાંભળવાની હતી અને યોગ્ય ઉકેલ કાઢવાનો હતો. ત્રણેય દિવસો દરમિયાન સહેલગાહનાં સ્થળોની મુલાકાતો લેતાં રહીને વચ્ચેવચ્ચે ચર્ચાઓ પણ કરી લેવાની હતી. આ એવી ચર્ચાઓ રહેવાની હતી કે જેમાં કોઈનો ઊંચો અવાજ નહિ હોય, કકળાટ નહિ હોય, કાલાવાલા નહિ હોય કે કોઈના ઉપર કોઈનાય વિચારો લાદવાના પ્રયત્નો પણ નહિ હોય. મુક્ત મને અને નિખાલસતાભર્યા માહોલમાં થતી રહેનારી ચર્ચાઓનો અંતિમ નિષ્કર્ષ મેળવીને જ એ ટુરની સમાપ્તિ કરવાની હતી. પહેલા જ દિવસે પંચગીનીની એ હોટલમાં સાંજના ચારેક વાગ્યાના સમયે એ ચારેય જણ વચ્ચેના સંવાદો કંઈક આ પ્રમાણે રહ્યા હતા :
‘બેટા, ગુલામહુસેન ભાયાણી પરિવારમાંથી તેમના ઇકલૌતા દીકરા અલીરઝા માટે તારા માગાની તને જાણ તો કરી જ દીધી છે; હવે આપણે તેમને શો જવાબ આપવો તે આપણે આ ત્રણ દિવસો દરમિયાન નક્કી કરી લેવાનું છે.’ મોહસીનાએ ચર્ચાની શરૂઆત કરી હતી.
‘જુઓ અમ્મા, પસંદગી કે નાપસંદગી પહેલાં હાલ શાદી માટેની મારી તૈયારી છે કે નહિ; તે તમારે જાણી લેવું જોઈએ.’ નૂરુન્નિસાએ આંખો ઢાળીને જવાબ આપ્યો.
‘હા બેટા, એ વાત તો પહેલી જ આવે અને પછી જ બીજું.’ ઔનઅલીએ કહ્યું.
‘તો સાંભળી લો કે હાલમાં તો મારી ના છે. ખુરશીદ જ્યાં સુધી મેડિકલનું ભણી ન રહે ત્યાં સુધી મને આગ્રહ ન કરો તો સારુ.’
‘દીદી, તું મારી નકામી ફિકર કરે છે. મેં તને કહ્યું ન હતું કે જરૂર પડશે તો આપણે બેન્કની ઓછા વ્યાજવાળી શૈક્ષણિક લોન લઈશું. વળી તું જાણે જ છે કે એકલું એમ.બી.બી.એસ. કરવાનો કોઈ મતલબ નથી. પી.જી. અને સ્પેશ્યાલ્ટી કોર્સ કરવા સુધીનો સમયગાળો પૂરાં દસ વર્ષનો ગણાય અને ત્યાં સુધીમાં તારી કેટલી ઉંમર થશે તેનો તેં વિચાર કર્યો છે ખરો ?’
‘તેથી શું ? વળી વાલિદસાબ ગમે તેવા દુ:ખમાં પણ વ્યાજના ચક્કરમાં પડ્યા નથી, એ તો આપણે જાણીએ જ છીએ ને !’
‘નૂરુન, પેલી તારી ઉંમરની વાત કેમ ઊડાડી દે છે ? તું પૂરી એકત્રીસ વર્ષની થશે ! એ ઉંમરે સારો મુરતિયો ન જ મળી શકે અને પછી તો કેટલાં બધાં સમાધાન કરી લેવાં પડે ! બેટા, શાદીની પણ એક ઉંમર હોય છે.’
‘જો નૂરી, એક વાત તો આપણા ધ્યાન બહાર રહી જાય છે. આપણે એમ.બી.બી.એસ. સુધી જ ખર્ચની ચિંતા રહેશે. ઈન્ટર્નશિપમાં સ્ટાઈપન્ડ મળે અને પી.જી.માં પણ રેમ્યુનરેશન મળતું જ હોય છે ને !’ ખુરશીદે કહ્યું.
‘લે, તેં તો આપણી ચિંતાનાં પાંચ વર્ષ ઘટાડી આપ્યાં ! જુઓ મમ્મા, ભાઈને પાંચ વર્ષ પૂરાં કરવા દો, પછી વાત.’ નૂરુન્નિસાએ હોંશભેર કહી દીધું.
મોહસીનાએ ગળગળા સાદે કહ્યું, ‘જો બેટા, તું તો અમારો મોટો દીકરો છે; એટલે જ તો તું અમારી આટલી બધી ફિકર કરે છે ! પણ એક વાત આપણે સૌએ સમજવી પડશે કે અલીરઝા જેવો અખલાકી દામાદ અને ગુલામહુસૈનભાઈ તથા કુબરાબહેન જેવાં નેક અને પરહેજગાર સગાં આપણને બીજે ક્યાંય નહિ મળે. એ લોકો આપણાં પાંચ કે દસ વર્ષો સુધી થોડાં રાહ જુએ !’
‘જુઓ અમ્મા, માની લો કે હું હાલમાં શાદી કરવા તૈયાર છું; પણ તમે કઈ રીતે ધારી લો કે હું તમારી જ પસંદગીને સ્વીકારી લઈશ ! અમારે મુલાકાત કરવી પડે, એકબીજાના વિચારો જાણી લેવા પડે અને પછી જ બધું નક્કી થાય ને ! વળી બ્લડ ટેસ્ટનું પરિણામ ઊંધું આવે તો !’
‘એ વળી શાનો ટેસ્ટ ? તારા અબુએ અને મેં તો એવા કોઈ ટેસ્ટ કરાવ્યા નથી અને છતાંય અમારો સંસાર તો નભી જ ગયો ને !’ મોહસીનાએ કહ્યું.
‘એ તો તમે નસીબદાર કે અમે બંને ભાઈબહેન જીવી ગયાં ! કેમ ડોક્ટર ખુરશીદ, હું શું કહેવા માગું છું તે સમજાય છે ?’
‘ઓ ભલી બહેના, હજુ તો મેડિકલમાં દશેક દિવસ જ ભણ્યો છું અને તું તો મારી પરીક્ષા પણ લેવા માંડી ! તું કોમર્સ ગ્રેજ્યુએટ હોવા છતાં મેડિકલનું આટલું બધું નોલેજ ધરાવે છે, તેની મને તો નવાઈ લાગે છે !’
‘અરે ગાંડા ભાઈ, આ બધું તો અખબારોમાં આવે જ છે. તું ભણતર સિવાયનું કંઈ વાંચતો જ નથી એટલે તને આ બધી ખબર ક્યાંથી હોય ? એ સમય આવશે એટલે તારે અને મારાં ભાવી ભાભીએ પણ ટેસ્ટ કરાવી લેવો પડશે. જો બંનેનો થેલેસેમિઆ માઈનર રિપોર્ટ આવે તો જે તે પાત્ર સાથેની શાદીની વાત ભૂલી જવી પડે ! કોઈ એકને માઈનર હોય તો ચાલે. બે માઈનર હોય તો ભાવી સંતાન થેલેસેમિઆ મેજરવાળું જન્મે અને તેનું આયુષ્ય બેત્રણ વર્ષથી વધારે ન હોય ! મારા કિસ્સામાં મારે માઈનર છે જ. અમારી કોલેજમાં બ્લડ ટેસ્ટનો ફ્રી કેમ્પ થયો હતો, એટલે કહું છું. હવે સામેવાળાનો ટેસ્ટ ફરજિયાત કરાવી જ
લેવો પડે. જો મારે માઈનર ન હોત તો સામે કોઈ ટેસ્ટ કરાવવો જ ન પડત; કેમ કે પછી તો એ ગમે તે હોય, કોઈ ફરક પડે નહિ. ટૂંકમાં બંને માઈનર ભેગા થવા જોઈએ નહિ.’
‘ચાલો, આપણે એ *મસલિહતે ઈલાહી ઉપર છોડીએ અને મૂળ વાત ઉપર આવીએ.’ ઔનઅલી બોલ્યા.
‘અબ્બુ, તમે મારા ઉપર સાયકોલોજિ અજમાવો છો, હોં કે ! પરંતુ તમારા બધાંની કલ્પનામાં પણ નહિ હોય એવી મારી કેટલીક શરતો એ લોકો માન્ય રાખે તો જ વાત બનશે !’ નૂરુન્નિસાએ આંખો ઊલાળતાં કહ્યું.
મોહસીનાએ કહ્યું, ‘જો બેટા, શાદી પહેલાં આવી બધી શરતો આવે; તો એ તો વેપારધંધા જેવી વાત થઈ ગણાય. આવી શરતો કબૂલ કરવી કે કરાવવી એને પણ હું તો દહેજ જ ગણું છું અને આપણાથી દહેજ તો ન જ લેવાય ને !’
‘વાહ, મમ્મા વાહ ! દહેજની કેવી સૂક્ષ્મ વાત લાવ્યાં ! સાત જ ધોરણનું ભણતર ઝળક્યું ખરું !’ ખુરશીદે હળવી મજાક કરી.
‘હવે, તમે બેઉ માદીકરો એકબીજાંની મજાક રહેવા દો અને નૂરુનને સાંભળો; એ શું કહેવા માગે છે?’
‘પપ્પા, પહેલી વાત તો એ કે એ લોકોના બદલે તમે બીજે ક્યાંક શોધખોળ ન ચલાવી શકો ?’
‘લ્યો, કહેજો વાત ! તારે શરતો સંભળવવાની હતી અને આ તો તું આસામી જ બદલી દેવાની વાત કરે છે ! એવું કેમ, બેટા ? શું તું અમારી પસંદગી ઉપર શંકા કરે છે ? અમે તારાં વાલદૈન છીએ, દીકરા ! અમે કંઈ ઓલાદનું ભૂડું ઇચ્છીએ ખરાં ? અમે છોકરાની પસંદગી નથી કરી, એ લોકોએ આપણને પસંદ કર્યાં છે. શરઈ કાનૂન તો એવી ભલામણ કરે છે કે *મંગનીની માગણી વરપક્ષ તરફથી જ થાય ! એમાં જ કન્યાની શાન જળવાય છે અને તેનું અહિત થવાની કોઈ શક્યતા રહેતી નથી. ક્ન્યા મંગનીનો અસ્વીકાર કરી શકે છે અને એમાં છોકરાવાળાને કોઈ ફરક પડતો નથી, કેમ કે તેને બીજી છોકરી મળી રહેશે. પરંતુ છોકરી તરફની દરખાસ્ત મુકાય અને સામેવાળાં ના પાડે તો છોકરીને ઘણો ફરક પડતો હોય છે. એક જગ્યાએથી ના પડતાં બીજાં શંકાકુશંકાઓ કરીને દૂર ભાગતાં હોય છે. આપણે નસીબદાર છીએ કે છોકરા પક્ષેથી ખબર આવી છે. આપણે અલ્લાહનો શુક્રિયા અદા કરીએ અને તું રાજી હોય તો આપણે વાતને આગળ વધારીએ.’
‘તમે બધાં કહો છો અને હું પણ એ લોકો વિષે કેટલુંક જાણું છું કે એ લોકોનો પણ *કિરદાર ઘણો ઊંચો છે. મારા મનમાં એક જ બાબત ખટકે છે કે તેઓ આપણા કરતાં ખૂબ જ વધારે ધનિક છે. સગું તો બરાબરનું જ શોભે ને !’
‘આ તો તું નવી વાત લાવી ! ધનિક હોવું એ કંઈ ગેરલાયકાત બને છે ? હા, તારી વાત એટલી સાચી કે બેઈમાનીથી કે હરામ કમાણીએ કોઈ ધનવાન થયું હોય તો એની પાસે ગમે તેટલા રૂપિયા હોય તે કોઈ કામના નથી. તો તો પછી એવું પણ બને કે ખુરશીદ ડોક્ટર થઈને સુખી કે ધનવાન બને તો તારી વ્યાખ્યા મુજબ તેના માટે ગરીબ કન્યાઓનાં માબાપ માગું ન જ મોકલે ને ! માણસ અમીરી કે ગરીબીથી મોટો કે નાનો નથી બનતો; મોટો કે નાનો બનતો હોય છે તો *અખલાકથી, અલ્લાહની નજરમાં અને પરહેજગાર લોકોની નજરમાં પણ ! લે, હું હવે તને પૂછું કે તને આવો વિચાર કેમ આવ્યો ?’
નૂરુન્નિસાએ ગળગળા સાદે કહ્યું, ‘પપ્પા, આપણો-તમારો વિચાર કરીને જ તો ! આપણે એમના આગળ કેવાં વામણાં લાગીએ ?’
‘તું ભણેલીગણેલી અને મજહબમાં પાબંધ હોવા છતાં તારી આવી દલીલથી મને આશ્ચર્ય થાય છે. આપણે જાતે જ કેમ વામણાં બનીએ ? આપણને એ લોકો પસંદ કરે છે અને *ખુદાના ખાસ્તા વામણા કે ચઢિયાતા હોવાનું જો વિચારવાનું થાય તો એ વાત એ લોકોને લાગુ પડે, આપણને નહિ !’
‘માફી ચાહું છું અને શરમિંદગી પણ અનુભવું છું, મારી આ દલીલથી; પણ અબુ તમારે મારી એક વાતનું તો સમાધાન કરી આપવું પડશે.’
‘પૂછ દીકરા, જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછી લે. અમે અમારા વિચારો તારા ઉપર લાદીશું નહિ અને તારી એક તો શું, તું પૂછશે એવી તારી બધી વાતોનું અમે સમાધાન કરી આપીશું.’
નૂરુન્નિસાથી પોક મુકાઈ ગઈ અને બોલી ઊઠી, ‘પપ્પા, તમે લોકો કશ્મકશભરી જિંદગી બસર કરતાં હો અને મારે ત્યાં સુખમાં મહાલવાનું !’
ઔનઅલીએ આંખોમાં ઝળહળિયાં સાથે નૂરુનના માથે હાથ પસવારતાં કહ્યું, “આ જ તો ઓરતના જીવનની ખૂબી છે, મારા દીકરા ! કહેવાય છે કે ’સ્ત્રીનું ભાગ્ય પાંદડે અને પુરુષનું ભાગ્ય પરગણે.’ દીકરી શાદી કરે એટલે પવનની હળવી લહેરથી જેમ પાંદડાનું પાસું ફેરવાઈ જાય, બસ તેવી જ રીતે તે રાતોરાત અમીર કે ગરીબ બની જાય ! અને પુરુષે તો પોતાના ભાગ્યને બદલવા માટે ખૂબ જ પુરુષાર્થ કરવો પડે અને રોજીરોટીની તલાશ માટે જરૂરી લાગે તો પરગણે એટલે કે પરદેશ પણ જવું પડે.’
‘અબુ, તમારા કેવા મહાન વિચારો છે. ખરે જ, યુ આર માય ગ્રેટ પપ્પા ! હવે, મારી પેલી કેટલીક શરતો ઉપર આવું ?’
‘ખુશીથી બેટા, તારી શરતોને અમે ચકાસીશું અને વ્યાજબી હશે તો તેના ઉપર મહોર મારી આપીશું. બોલ, એનાથી વધારે તો શું કહીએ ?’
‘સામેવાળાંને કહી દેવાનું કે બંને પક્ષે સાદગીથી શાદી પતાવવાની, અમારા નિકાહ મસ્જિદમાં કે મદરસામાં જ થાય; અને જ્યાં સુધી ખુરશીદ કમાતોધમાતો થઈને તમને બધાંયને આપણી ખોલીમાંથી બહાર ન કાઢે, ત્યાંસુધી વસ્ત્રપરિધાનમાં સાદગી અપનાવીશ અને મારા અંગ ઉપર મૂલ્યવાન દરદાગીના પણ ધારણ નહિ કરું.’ નૂરુન્નિસાએ મક્કમતાપૂર્વક પોતાની શરતો જાહેર કરી દીધી.
‘જા દીકરા તારી શરતો વ્યાજબી જ છે, જેને અમે સ્વીકારી લઈએ છીએ; અને સામેવાળાંઓ એ માન્ય રાખશે તો જ આપણે રિશ્તો બાંધીશું, બસ ! ફક્ત તારી વાતમાં સુધારો એટલો જ સૂચવું છું કે આપણે શા માટે આપણી આંતરિક વાતની તેમને જાણ થવા દેવી. આપણે તો એમ જ કહેવાનું કે અમારી દીકરી ઇચ્છશે ત્યાં સુધી સાદગી અપનાવશે.’
ઔનઅલીએ ચુકાદો આપતા હોય તેમ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે તરત જ નૂરુન્નિસા નાના બાળકની જેમ મમ્મીને બાઝી પડતાં હૈયાફાટ રડવા માંડી. મોહસીનાએ અશ્રુછલકતી આંખે નૂરુન્નિસાની પીઠ થાબડતાં કહેવા માંડ્યું, ‘પગલી, પપ્પાએ તારી વાત તો સ્વીકારી લીધી છે અને હવે શું થયું ? તું ચૂપ નહિ થાય તો એ પણ રડી પડશે ! તને ખબર તો છે જ કે એ તારી આંખમાં આંસુ નહિ જોઈ શકે !’
મમ્મીથી અળગી પડીને હીબકાં ભરતાંભરતાં નૂરુન્નિસાએ કહ્યું, ‘વાલદૈન, હું તમારી ગુનેગાર છું. આ રિશ્તા અંગેના મારા વિચારો તમને લોકોને માન્ય રહેશે કે કેમ તે જાણવા માટે મેં નિર્દોષભાવે તમારી સાથે થોડુંક છળ કર્યું છે. મને માફ કરશો. મમ્મીએ આ રિશ્તા અંગેની મને પહેલીવહેલી જાણ કરી હતી, ત્યારે જ તેમની આંખમાં મેં વાંચી લીધું હતું કે મારી સંમતિ તમને લોકોને જન્નતની ખુશખબરી જેવી લાગશે. પછી તો મેં મારી જિગરી બહેનપણી સુકયનાને સાથે રાખીને અલીરઝાની રૂબરૂ મુલાકાત લઈ લીધી હતી. ખરે જ તમે લોકોએ એક એવા ઉમદા માણસની મારા માટે પસંદગી કરી છે કે જ્યાં હું ખુશ રહીશ. પછી તો અમારી ટેલિફોનિક ઘણી વાતો થતી રહી અને તેમના આખા પરિવાર વિષે મેં જાણી લીધું. એ લોકો સાધનસંપન્ન હોવા છતાં Down to Earth છે. નાનકડી ખોલીમાં રહેતા એક મધ્યમવર્ગી કામદારની દીકરીને તેઓ પુત્રવધૂ બનાવવા તૈયાર થાય એમાં જ એ કુટુંબ વિષેનું સઘળું જાણવા મળી રહે છે. અલીરઝા અને એમનાં કુટુંબીજનોએ તમને કહી સંભળાવેલી મારી સઘળી વાતને માન્ય કરી દીધી છે. ખુરશીદના અભ્યાસ દરમિયાન કોઈ નાણાંકીય જરૂરિયાત ઊભી થશે તો મારી શરતને મંજૂર રાખીને તેમણે આપણને *કર્ઝે હસના રૂપે મદદ કરવાની તત્પરતા બતાવી છે. હવે રહી બ્લ્ડ ટેસ્ટની વાત, તો તે પણ આપ સાંભળી લો કે હકતઆલાના ફજલોકરમથી તેનું પરિણામ પણ આપણી તરફેણમાં જ આવ્યું છે.’
‘ગજબ કર્યો દીકરી, તેં તો સાચે જ અમને મોટી સરપ્રાઈઝ આપી ! અમારી ખુશીનો કોઈ પાર નથી અને આપણે ચારેય જણ પાકોપાકીઝા જ હોઈ અલ્લાહનો શુક્રિયા અદા કરવાની હાલ જ બબ્બે રકાત નમાજ પઢી લઈએ !’ આમ કહેતા ઔનઅલીએ દીકરીને બાથમાં લઈને તેના કપાળે ચુંબન જડી દીધું.
નૂરુન્નિસાએ વળી એક ઓર ધડાકો કરતાં કહી દીધું કે, ‘બધાં જલ્દીજલ્દી નમાજ પઢી લેજો. આપણે બધાંએ આજનું સાંજનું ડિનર અલીરઝાના પરિવાર સાથે હોટલ પ્લાઝામાં લેવાનું છે. એ લોકો આવી ગયાં છે !’
ઔનઅલી અને મોહસીના નૂરુનને ફરી પાછાં ભેટી પડતાં એકીસાથે બોલી ઊઠ્યાં, ‘અલી એ છોકરી, તેં તો હદ કરી નાખી !’
દૂર ઊભેલો ખુરશીદ હોઠોમાં મલકતો તમાશો જોઈ રહ્યો હતો. મોહસીનાએ તેને સંબોધીને કહ્યું, ‘ત્યાં શું ઊભો રહ્યો છે ! દીદીને મુબારકબાદી તો આપ !’
‘વારંવાર મુબારકબાદી થોડી અપાય ! કેમ, નૂરુન ખરું ને !’
‘મતલબ ?’ મોહસીના બોલી ઊઠ્યાં.
‘હજુસુધી તને એટલી પણ ખબર નથી પડતી, મોહસીના ! આ બે લુચ્ચાં ભાઈબહેને આપણને જ અંધારામાં રાખ્યાં છે !’ આમ કહીને ઔનઅલીએ ખુરશીદના ગાલે ચીમટી ભરતાં ભાવાવેશમાં આવીને એટલું જ કહ્યું, ‘મોટો થઈ ગયો, નહિ ? સાચે જ તેં અમારી ફરજ નિભાવી !’
અને એ ચારેય જણે ટપોટપ હોટલના રૂમની ફર્શ ઉપર નમાજ માટેના પોતપોતાના મસલ્લા બિછાવી દીધા.