ઘરેલુ હિંસા
ઘરેલુ હિંસા


આજે રેશમી અજીબ અવઢવમાં હતી. એને ખબર નહોતી પડતી કે એ હરખાય, ડરે કે પછી રડે ? આજે પહેલીવાર એવું થયેલું કે એના સાસુ અને એની નણંદ એનાથીથી ડરી રહ્યા હતા. એને ડર હતો કે ક્યાંક આ એક સપનું ન હોય અને આ સપનુ વિખેરાઈ ન જાય. એને ખબર નહોતી કે એણે આ નિર્ણય કેમ લીધો છે ? અને આનાથી શું થશે ? આજે એની પાસે તમારા માટે એક સવાલ પણ છે. પરંતુ એ સવાલના જવાબ આપવા માટે તમારે રેશમીની આપવીતી સાંભળવી જરૂરી છે.
રેશમી એક ભણેલી-ગણેલી ગ્રેજ્યુએટ સુંદર સુશીલ અને એના માતા-પિતાને લાડલી એકની એક દીકરી હતી. જ્યારે કોલેજમાં હતી ને ત્યારે એની પાછળ લોકો લાઈન લગાવીને એને પામવાના સપના જોતા. આ બધાના દિલ તૂટી ગયા હતા જ્યારે રેશમી એક સાવ સીધાસાદા દેખાતા અને ભણવામાં સાધારણ પરંતુ એક પ્રસિદ્ધ પરિવારના હર્ષવર્ધનને પસંદ કરીને પ્રભુતામાં પગલાં પાડયા. દરેકે દરેક દોસ્ત અને દરેકે દરેક સખી આ લગ્નમાં આવેલા અને બંનેને સુખી લગ્નજીવનની વધાઈઓ આપેલી પરંતુ આ શુભેચ્છાઓ લાંબો સમય લગ્નજીવનને ખુશ ન રાખી શકી.
હર્ષવર્ધન ની માતાને પોતાના દીકરાના આ નિર્ણયથી એક ઝટકો લાગ્યો હતો. પરંતુ એ ખૂબ જ કુટિલ બુદ્ધિ ધરાવનાર નારી હતી. હર્ષવર્ધનની માતા અને એની બહેન બંને મળીને એક પણ એવો અવસર નહોતા છોડતા જ્યાં તેનું અપમાન થાય અને એને હર્ષવર્ધન ધમકાવે. લગ્ન પહેલાં પણ આકરા સ્વભાવને પરિચય હતો. પરંતુ એને હતો કે લગ્ન પછી હર્ષ એના પ્રેમમાં ખોવાઈ જશે અને આ સ્વભાવ બદલાઈ જશે. સ્વભાવ તો બદલાયો હતો પરંતુ હર્ષવર્ધન નો નહીં પરંતુ રેશમીનો.
એ છોકરી જે અલ્લડ બિન્દાસ અને ખૂબ જ સુંદર દેખાતી હતી, તે હવે ડરેલી અને હરણીની જેમ હમેશા સતર્ક બની ગઈ હતી. હવે એને બહાર જવું નહોતું ગમતું. હવે એને એના મિત્રો ક્યાં છે કેમ છે એની પણ ખબર નથી રહેતી. લગ્નજીવનના લગભગ ૨૦ વર્ષ એણે આ જ રીતે વિતાવી દીધા હતા. એના સસરાને દેવ થયાને પણ દસ વર્ષ થઇ ચુક્યા હતા. અને વિધવા સાસુ એ છેલ્લા દસ વર્ષમાં કાળો કેર વરસાવવામાં કોઈ કસર છોડી ન હતી.
પરંતુ થોડા સમય પહેલા એને એની મિત્ર ના ના મિત્ર નહીં ખાસ મિત્ર હીના મળી ગઈ હતી કે જે અમદાવાદની પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંની એક હતી. એનું આખું નામ મેજિસ્ટ્રેટ હીના પંડિત હતું.
હિના રેશમીને બહુ સારી રીતે ઓળખતી હતી છતાં પણ એ રેશમીને જોઈને અચંબા માં પડી ગઇ હતી. કારણકે હિનાને જ્યારે કારકિર્દી પસંદ કરી હતી ત્યારે એ રેશમી પાસે આવી હતી. અને એ જ રેશમી હતી ? વાતવાતમાં હીના એ જાણી લીધું કે રેશમી કયા હાલમાં જીવે છે. એને ખરેખર રેશમી માટે લાગણી ઊભરાઇ આવી. એણે નિર્ણય કર્યો એ ગમે તે રીતે આ મુસીબતમાંથી બચાવશે. કેવી કરૂણતા છે નહિ એક સ્ત્રી ડૂબાડવા બેઠી છે અને એક બચાવવા.
હિના આમ તો કોઈ પણ જાતના ખોટા કાર્યોમાં જ્યારે સાથ ન આપતી પરંતુ આજે તેને બચાવવા આ ઉપાય જ યોગ્ય લાગ્યો. એણે રેશમીને સમજાવી અને એને એક વખત હિંમત કરવા જણાવ્યું. પરંતુ રેશમી એટલી હદે ડરેલી હતી કે એ આ વાત માટે તૈયાર જ નથી થઇ રહી. લગભગ ત્રણ દિવસના લગાતાર પ્રયત્નો પછી હિના રેશમીને એક નાનકડું પગલું લેવા માટે તૈયાર કરી શકી. ઘરેલુ હિંસા માટેની આવેલી નવી કલમનો ઉપયોગ કરીને રેશમી એ પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ અને નણંદ વિરુદ્ધ એક ફરિયાદ લખાવી લીધી. જેના ફળ સ્વરૂપ એના પતિને તાત્કાલિક જેલમાં નાખવામાં આવ્યો અને સાસુ અને નણંદ પણ ૨૪ કલાક માટે જેલમાં ધરવામાં આવ્યા.
૨૪ કલાક પછી જ્યારે એના સાસુ અને નણંદ જેલમાંથી પાછા આવ્યા ત્યારે પુરા બદલાઈ ચૂક્યા હતા. હવે રેશમીનો ડર લાગતો હતો. આમ તો રેશમી ડરેલી હતી કે એનું આવી બનશે પરંતુ અહીં દ્રશ્ય બદલાયેલું હતું. હવે એની સાસુ અને નણંદ એની સાથે માથાકૂટ નહોતા કરતા. એણે જે કેસ કરેલો તે મુજબ એના પતિ એના પર હાથ પડતા હતા અને સાસુ અને નણંદ માનસિક ત્રાસ આપતા હતા. અને આ મુદ્દાના લીધે બધાને ખૂબ જ ખરાબ રીતે ધમકાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના પર મેજિસ્ટ્રેટ દ્વારા ખાણીપીણી અને જીવનનિર્વાહ માટેના પૈસાની કાર્યવાહી માટે કેસ કરવામાં આવ્યો હતો. જો રેશમી આ કૅસને પાછો નથી લેતી તો લગભગ બધું જ વેચાઈ જાય એવું હતું.
તેથી અત્યારે તો એ બધા માટે હર્ષવર્ધનને બહાર આવવું જરૂરી હતું. રેશમી આ વસ્તુને આ અનુભવને માણી રહી હતી. એક નવી જિંદગીની આશા એના મનમાં પ્રસરી હતી. એણે ફરી એકવાર આત્મવિશ્વાસને પામ્યો હતો. હવે એને કોઈના નહીં પોતાના બનવું હતું.
હવે સવાલ તમારા માટે . .
શું રેશમી ખોટી હતી? શું રેશમીનો વાંક ખાલી એની સહનશક્તિ હતો? એને એના વીસ વર્ષ પાછા મળી શકશે? શું લગ્નપ્રથા ફક્ત એકની જ કુરબાની માંગે છે? નવી પેઢીમાં તો ઘણો બધો ચેન્જ આવે છે. પણ શું જૂની પેઢીની સમસ્યાઓ કોઈ સમજી શકશે?