kunjan gandhi

Tragedy Inspirational Others

4  

kunjan gandhi

Tragedy Inspirational Others

ગાયની આત્મકથા

ગાયની આત્મકથા

3 mins
687


રોજ સવારે મારા બસ સ્ટોપ સામે ગાયને જોઉં, ગાયનું ટોળું આવે ત્યારે એક માણસ ગાયને એવી રીતે વળગે જાણે વર્ષોથી એકમેકને ઓળખતા હોય. ગાય પણ એની વ્હાલપ અને હૂંફ મેળવી ખુશ થાય જાણે કે એ પ્રેમ ઝંખતી હોય, માતૃત્વ ઝંખતી હોય, સ્પર્શ ઝંખતી હોય આખરે એ પણ છે તો સ્ત્રી જ ને ! અને સ્ત્રી જ સ્ત્રીની વેદના સારી રીતે અનુભવી શકે. મનમાં થયું ગાય જો બોલતી હોત તો ! તો ચાલો વાંચીએ ગાયની આત્મકથા એના જ મુખેથી.

આમ તો હું ગાય એટલે પ્રાણી જ કહેવાઉં ને ! પણ બધા પ્રાણીઓમાં લોકો મારી પૂજા કરે, મને માતાનો દરજ્જો આપે અને બે ટુકડા અનાજના આપી એમ માને કે અમે ખુબ પુણ્ય કર્યું ! એવું એ લોકો વિચારે, પણ હું શું વિચારું એ કોઈ ન જાણે ! 

મારામાં પણ એક સ્ત્રી હૃદય શ્વસે છે જે પ્રેમ પામવા ઈચ્છે છે. મારા જન્મ સમયે ખરેખર ખુશ થતા હશે પણ જન્મની પ્રક્રિયા એટલી અસહ્ય હોય છે કે મને જન્મ લેવાની ખુશી કરતાં દુઃખ વધારે થાય. કૃત્રિમ રીતે માતા બન્યા પછી ગર્ભિણી હોવાનો મને રંજ થાય. સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય તો એના પરિવારના લોકો એની કાળજી લે, સારવાર કરે, આવનારા બાળકની તૈયારી કરે પણ મારા માટે શું ? કંઈ જ નહીં જબરજસ્તીથી પામેલ ગર્ભ માટે મારો આત્મા મને ડંખે પહેલીવાર તો જયારે મા બનવાનો અહેસાસ થયો ત્યારે હું બહુ ખુશ થઈ ગયેલી પણ એ ખુશી લાંબો સમય ન ટકી અને વાસ્તવિકતા સાથે મારા અરમાનોના ટુકડા થઈ ગયા. ન કોઈએ મારી કાળજી લીધી, ન તો કોઈએ સારો ખોરાક આપ્યો ! અને વાછરડાં એ જન્મ લીધો ત્યારે તો મારું હૃદય અને માતૃત્વ આનંદથી છલકાઈ ગયું, દૂધની છોળ ઊડવા લાગી, ઘડીભર થયું મારા વાછરડાંને વ્હાલથી છાતી સરસો ચાંપી દઉં પણ આ શું ? એ લોકો મારા વાછરડાંને જોજનો દૂર લઈ ચાલ્યા, હું પોકારતી રહી મારા વાછરડાંને મારાથી દૂર નહીં કરો પણ મારી વેદના કોઈએ ન સાંભળી ન કોઈએ મારા આંસુ જોયા. ઘડીભર એને જોવાનું સુખ અને એને દૂધ પીવડાવવાનું સુખ કે પછી મા બનવાનું સુખ એ બધું પામું એ પહેલા છીનવાઈ ગયું. ચાલ્યું ગયું એ મારાથી દૂર, ક્યાં ? કસાઈખાને અને મારા આંચળમાં આ શું ? મશીન લગાવી છીનવી લીધું મારું અમૃત, પણ એ તો મારા વાછરડાંનું હતું ! બધું જ લઈ લીધું ! મારા બચ્ચાંને પણ લઈ ગયા, આંસુ સારી વેદના સહી લીધી.

થોડા દિવસ વીતી ગયા પણ પીડા થંભી નહીં ફરીવાર એ જ અસહ્ય પીડા, બળજબરીથી માતા બનવું અને પાછો વાછરડાનો જન્મ થયો. આ વખતે એમણે એને કસાઈખાને નહીં મોકલી કેમકે એ તો મારું જ રૂપ હતું ઘડીભર તો હું ખુશ થઈ ગઈ કે એને જીવન મળ્યું, એને હું મારી છાતીએ વળગાડી રાખીશ પણ આ શું ! એને મારાથી દૂર રાખી અને મારું અમૃત લઈ લીધું. ફરી એ જ વેદના અને ત્રાસ. પછી તો આ જ જીવન ઘટમાળ બની ગયું અને અવિરત ચાલતી રહી પીડા.. કોને કહું કે મને પીડા થાય છે, શરીર દુઃખે છે, હૃદય સંતાપ અનુભવે છે. પણ કોણ સાંભળે ? 

આજે એક અજાણ્યા માનવીએ વ્હાલથી સ્પર્શ કર્યો તો મારી સૂતેલી ઈચ્છાઓ જાગી ગઈ, મારી પીડા તાજી થઈ ગઈ પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. મારું જીવન પૂર્ણતા ને આરે છે. હવે એ લોકો ને મારી જરૂરત નથી, એમણે મને રસ્તે રઝળતી કરી દીધી છે.

કહેવાય છે કે ગાય માતા છે તો માતાના શરીર સાથે ચેડાં કેમ ? માતાના આત્મા સાથે છેતરપિંડી કેમ ? માતાના વ્હાલપ સાથે આવું વર્તન કેમ ? સવાલ છે જેનો અંત નથી અને જવાબનો ક્યાંય પ્રારંભ નથી. 

ગાય આશીર્વાદ કે અભિશાપ ? 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy