મિત્રની મૈત્રી
મિત્રની મૈત્રી
શું આપણે મિત્રો છીએ ?
શું તમે ક્યારેય તમારા મિત્રનો ચહેરો જોઈ સમજી જાઓ છો કે એ ઉદાસ છે ? શું તમે ક્યારેય એની આંખના આંસુ લૂછવા પ્રયત્ન કર્યો છે ? શું તમે ક્યારેય તમારા ઉદાસ મિત્રની ઉદાસી દૂર કરવા પ્રયત્ન કર્યો છે ? શું તમે કહ્યા વિના મિત્રની વ્યથા સમજી શકયા છો ? શું તમે તમારા મિત્રના સારા-નરસા પ્રસંગે એની પડખે ઊભા રહ્યા છો ? શું તમારા મિત્રના કપરા સમયમાં એનો સાથ આપ્યો છે ? શું તમે તમારા મિત્રને ક્યારેય કહ્યું છે કે : “હું હમેશા તારી સાથે છું.” શું તમારા મિત્રની હાજરીમાં તમારા અસ્તિત્વની હયાતીનો અહેસાસ કર્યો છે ? શું તમે તમારા મિત્રની મહેચ્છા પૂરી કરવા ભર ઉનાળે તપ્યા છો ? શું તમે તમારા મિત્રને સ્નેહની લાગણીથી તરબતર કર્યો છે ?
મિત્ર એટલે એટલે એવી વ્યક્તિ જે આપણી વણકહી વ્યથાને સમજી આશ્વાસન આપે કે ‘તું ચિંતા ન કર હું તારી પડખે છું.’ મિત્ર ક્યારેય ખુલાસા ન માંગે, ન એ તમને અપરાધીના પાંજરામાં ઊભો કરે. મિત્ર એ વ્હાલપની એવી છાંયા છે જ્યાં તમે દિવ્યતાનો અનુભવ કરો. મિત્ર તમને જીવંત રાખે, લાગણી સીંચી જીવતા શીખવે.
મનમાં પ્રશ્ન થાય કે સાચા મિત્રની ઓળખ કેવી રીતે કરવી ? સાચા મિત્રની ઓળખ કરવા ક્યારેક સુદામા બનવું પડે જે પોતાના શ્રીમંત મિત્રથી પોતાની ગરીબી છૂપાવે. એક મુઠ્ઠી તાંદુળની પોટલી છપ્પન ભોગ આરોગતા મિત્રથી છૂપાવે. સાચા મિત્રની ઓળખ કરવા કૃષ્ણ બની જુઓ જે પોતાની શ્રીમંતાઈ ત્યજી મિત્રને બાથમાં લઈ લે. જે સુદામા જેવા મિત્રના તાંદુળ ખાઈ પોતાની ભૂખ સંતોષે. ખરા મિત્ર બનવા અર્જુન જેવા ક્ષત્રિયના સારથી બની જુઓ જે ધર્મ-અધર્મની લડાઈમાં મિત્રની પડખે ઊભો રહે.
સાચા મિત્રની ખરી ઓળખ તમારા કપરા સમયમાં થાય છે. સુખના તો સહુ સાથી હોય, સુખમાં સહુ સાથે મળી મિજબાની માણે પણ તમારો ખરો મિત્ર તમારા એકાંતના અંધારા ઓરડામાં દીવો લઈ ઊભો રહે, તમારો હાથ ઝાલી તમને સ્નેહાળ સ્પર્શ આપે. મિત્ર ક્યારેય સાચા-ખોટાના ત્રાજવામાં સંબંધ ને ન તોળે એ તમે જેવા છો એવા જ સ્વીકારે. તમારી લાગણીને માન આપે, ધોમધખતા તાપમાં જે શીળી છાંયા બની ઊભો રહે એ જ સાચો મિત્ર. એટલે જ બુદ્ધ ભગવાને ‘પ્રેમ અને મૈત્રીને સર્વોચ્ચ સ્થાને મૂક્યા છે.’