STORYMIRROR

Dipak Chitnis

Inspirational

4  

Dipak Chitnis

Inspirational

એકાંત

એકાંત

4 mins
318

જે લોકો એકલા રહી શકતા નથી, સતત ભીડની વચ્ચે જ રહેવાનું પસંદ કરે છે તે લોકોને ખબર નથી હોતી કે તેઓ વાસ્તવમાં માનસિક રીતે કેટલા બધા ‘એકલા’ હોય છે. મોરારિ બાપુએ થોડા સમય પહેલાં અમેરિકામાં યોજાયેલી એમની કથામાં બીજા લોકોના એકાંતનો આદર કરવાની બહુ જ મહત્વની વાત કરી હતી. જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓના એકાંત સમયમાં બીજા લોકો વારંવાર દખલ કરતા રહે છે. આ સ્થિતિ માત્ર જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓ માટે જ ચિંતાનો વિષય નથી, જીવનમાં એકાંતનું મહત્વ સમજતી વ્યક્તિ માટે એણે ઇચ્છેલી એકાંતની પળોમાં અન્ય લોકો દ્વારા થતું આક્રમણ પણ બિનઅધિકૃત ચેષ્ટા બની રહે છે.

કેટલાય લોકોને પૂર્વસંમતિ વિના બીજાની પાસે પહોંચી જવાની આદત હોય છે. મને યાદ છે- એક ભાઇ મારે ઘેર રાત્રે અગિયાર વાગે આવી ચઢ્યા હતા. તે વખતે મારા ભુજના ઘરનો પાછલો દરવાજો રસ્તા પર પડતો હતો. એ ભાઇ આવ્યા ત્યારે હું નિરાંતે વાંચતો હતો. એ મારું એકાંત હતું. એ ભાઇને એમના આગમનનું કારણ પૂછ્યું એમણે કહ્યું : ‘બસ, આ બાજુથી પસાર થતો હતો, તમારા ઘરમાં લાઇટ જોઇને થયું, ઘણા સમયથી મળ્યો નથી, મળતો જાઉં.’ મને હજી સુધી તે ‘આક્રમણ’ની કળ વળી નથી. બહારથી લદાયેલી એકલતાની સ્થિતિ અને આપણે જાતે જ પસંદ કરેલા એકાંત વચ્ચે બહુ મોટો તફાવત છે.

આજની ભીડભાડવાળી અને ભીંસીવાળી જિંદગીમાં દિવસ દરમિયાન નિયમિત રીતે એકલા પડી જવાની આદત કેળવવા જેવી છે. એકાંતવાસ બહુ મોટું બળ આપે છે. જે લોકો એકલા રહી શકતા નથી, સતત ભીડની વચ્ચે જ રહેવાનું પસંદ કરે છે તે લોકોને ખબર નથી હોતી કે તેઓ વાસ્તવમાં માનસિક રીતે કેટલા બધા ‘એકલા’ હોય છે. એકાંતનો અર્થ એકલાઅટૂલા હોવા જેવો થતો નથી. એકાંતના સમય દરમિયાન માણસ પોતાની સાથે, પોતાની જાતની વધારેમાં વધારે નજીક હોય છે. લોર્ડ બાર્યને કહ્યું છે : ‘જ્યારે તમે એકાંતમાં હો ત્યારે જ સૌથી ઓછા એકલા હો છો.’ મનોવૈજ્ઞાનિકો માને છે કે દરેક વ્યક્તિને ઓછા-વધારે પ્રમાણમાં એકલા પડવું આવશ્યક છે. એકલા રહેવાના સમયની અવધિ વ્યક્તિ-વ્યક્તિએ જુદી હોય છે. એકાંતવાસ દરમિયાન આપણે આપણી જાતને ઘણી નજીકથી તપાસ શકીએ છીએ. ઘણી વાર તો જેની ખૂબ નજીક હોઇએ તેવી વ્યક્તિથી પણ થોડો સમય દૂર રહેવાની સ્થિતિ વધારે લાભદાયક નીવડે છે.

એકાંતના સમય દરમિયાન આપણે જીવનના અનેક પ્રશ્નોના સંદર્ભમાં આપણો દ્રષ્ટિકોણ સાફ કરી શકીએ છીએ. તેને લીધે મળતી માનસિક અને શારીરિક શાંતિ તનાવ દૂર કરે છે. આપણી નાની અને ક્ષુલ્લક બાબતો તરફની તીવ્ર પ્રતિક્રિયાઓમાં સહજતા આવે છે. એક મનોવૈજ્ઞાનિક લેખક કહે છે તેમ ‘તેને લીધે આપણી જિંદગીની ગાડી બીજાં પરબિળોથી દોરવાઇને ગબડતી નથી, પરંતુ આપણે ખુદ આપણા જીવનના ચાલકબળ બની શકીએ છીએ.’

એક કવિએ પોતાના એકાંતના સમયે થતી અનુભૂતિ વિશે લખ્યું છે : હું જ્યારે એકલો હોઉં છું ત્યારે મારી આજુબાજુ કોઇ બીજી વ્યક્તિને જોતો નથી. મને કોઇ ધ્વનિ સંભળાતો નથી. કોઇ પણ પ્રકારની સુગંધ મારા સુધી પહોંચતી નથી. છતાં મને કોઇ પણ પ્રકારની કનડગતનો કે કશાયના અભાવનો અનુભવ થતો નથી. મારા એકાંતના સમયે હું કોઇ પણ પ્રવૃત્તિ કરતો હોતો નથી, છતાં મારા એકાંતવાસમાં હું સૌથી વધારે વ્યસ્ત હોઉં છું. બીજા એક કવિએ એના મિત્ર કે પ્રિયજન સાથેના સંબંધમાં આવી ગયેલા દૂરાવના સંદર્ભમાં લખ્યું છે તે સમજવા જેવું છે. કહે છે : ‘એકાંતવાસમાં મને અપૂર્વ માનસિક શાંતિ મળે છે. હું મારા જીવનને સમજી શકું છું. તે સમય દરમિયાન મારા ઘા રુઝાતા જાય છે. હે મારા મિત્ર, આપણે બહુ ઓછા સમયમાં ઘણું બધું ગુમાવ્યું છે. પરંતુ જ્યારે આપણે બંને, પોતપોતાની રીતે, એકલા હોઇએ છીએ ત્યારે આપણો સંબંધ સૌથી વધારે મજબૂત અને સાચો બની જાય છે.’

એકાંતના સમય દરમિયાન માણસ ધ્યાનની સમકક્ષ એકાગ્રતા મેળવી શકે છે. તેથી એકચિત્ત થઇને મનમાં ખૂબ ઊંડા ઊતરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ વાત યોગીઓના એકાંતવાસથી જુદી છે. એ સામાન્ય માણસે રોજિંદા જીવનની ઘટમાળની વચ્ચે શોધી કાઢેલા એકાંતની વાત છે.દરેક વ્યક્તિને પોતાના જીવનને વધારે અર્થપૂર્ણ, સભર, સહજ, સકારાત્મક, નિશ્વિત બનાવવાનો હક છે અને તે એણે જાતે ઊભી મેળવેલા એકાંતથી જ શક્ય બને છે. તેવા મહામૂલી મૂડી જેવા એકાંતના સમયમાં ખલેલ પહોંચાડવાનો બીજા કોઇને અધિકાર હોય જ શકે નહીં. મોરારિ બાપુની વાત સાચી છે - આપણે બીજાના એકાંતનો આદર કરતાં શીખવું જ જોઇએ. કવિ રિલ્કેએ કહ્યું હતું : ‘દરેક વ્યક્તિ બીજી વ્યક્તિના એકાંતને સાચવે તે વાતને હું બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં સૌથી વિશેષ મહત્વની માનું છું.’ બીજાના એકાંતમાં ખલેલ ન પાડવાના શિસ્તની સાથેસાથે જરૂરી તો એ પણ છે કે આપણે પોતાના એકાંતને પણ સમજીએ અને તેનો આદર કરતાં શીખીએ. એકાંત ને પણ માનવીએ માણતા શીખવું જોઇએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational