એક રસ્તાની બે મંજિલ
એક રસ્તાની બે મંજિલ


ગીર જંગલના સીમાડાઓની નજીકમાં વસેલું એક ગામ બાદલપુર. આમ તો આ ગામમાં ખાસ બીજું કાંઈ નઈ પણ છતાંય ખોડિયારની ટેકરી નામનો નાનકડો ડુંગર પાસે વહેતી સેજલ નદીના કાંઠે વસેલું અને કિનારે ઘેઘુર વડલાઓથી શોભતું મોરના ટહુકારથી ગુંજતું એવું ગામનું પાદર જોઈ ને કોઈની પણ આંખો ઠરે એવું કુદરતી સૌંદર્ય છૂટે હાથે વેર્યુંતું અહીં ઘડનારે.
આવું ગામ માયાળુ અને ભોળી અભણ પણ પરગજુ વસ્તી અને ખેતી અને દૂધ વેચીને ગુજરાન ચલાવતા લોકો. પણ તકલીફ એ જ કે પાયાની સુવિધાઓનોય અભાવ. ગામમાં દસ ધોરણ પછીની સ્કૂલ પણ નહિ અને ફક્ત એક જ ડોક્ટરવાળું નાનકડું સરકારી દવાખાનું, ને તેય છેલ્લા બે મહિનાથી ડોક્ટરના અભાવે બંધ પડ્યું હતું.
એક દિવસ સવારે ગામમાં ટપાલી આવે છે અને એ એક ચિઠ્ઠી સરપંચના ઘરે આપે છે કે ગામ માટે નવા ડોક્ટર આવે છે.પછી તો એ સમાચાર જે કોઈ સાંભળે એ ય ખુશ થઈ ને બોલે હાશ હવે તો ઘરે કોઈ માંદુ થાય તો સામેના મોટા ગામમાં નઈ જવું પડે. સરપંચ મનસુખલાલ માટે તો બમણી ખુશીની વાત હોઇ છે એ દિવસે. ગામમાંથી એકમાત્ર છોકરો જે કોલેજમાં ભણતો હોઇ એ એમનો પુત્ર જ હતો એ આજે કોલેજ પુરી કરીને બપોરની બસમાં ગામડે પાછો આવી રહ્યો હતો.
જૂનાગઢથી બાદલપુર જતી બપોરની બસમાં સમીર ચઢે છે. ખાલી જેવી જ એ બસમાં આગળની બેઠકમાં આસન જમાવે છે ને બસ રવાના થાય છે બાદલપુર માટે પણ બસ જ્યાં હાઇવે પર ભાગતી હોઇ છે ત્યારે સમીરનું ધ્યાન જાય છે કે શહેર બહાર આવેલી મેડિકલ કોલેજના ગેટ બાજુંથી એક છોકરી હાથ હલાવતી બસ તરફથી દોડતી હતી. ટેપમાં ગીતો વગાડવામાં મશગુલ ડ્રાઈવર કે ફોન મચડતા કંડક્ટરનું ધ્યાન નથી હોતું એ તરફ એટલે તે ત્વરાએ ઉભો થાય છે ને ડ્રાઈવર પાસે ખટકાવીને બસ રોકાવે છે. પછી પોતે બસના બારણે ગોઠવાઈને હાથ લંબાવીને બસમાં ઉભો રહે છે છોકરી આવીંને એની બેગ સમીરના હાથમાં થમાવી દે છે અને પોતે ય હેન્ડલ પકડી એક ઝાટકે બસમાં પ્રવેશ કરે છે.
એ છોકરી એના ખુલ્લા કાળા કેશને એક તરફ કરે ત્યારે સમીર જોઈ રહે છે એ ચાંદ જેવા કોમળ,શીતલ ચહેરાને એ છોકરી સમીર પાસેથી એની બેગ લેવા હાથ લંબાવે છે ત્યાં એની નજર એને એકટકે લાગણીભીની નજરે જોઈ રહેલા સમીર પર મંડાય છે અને લાગે છે કે એનું ર્હદય એક ધબકારો ચુકી ગયું. આ તરફ સમીર ય આ છોકરીની તરફ જોતા મહેસુસ કરે છે કે જીવનમાં પ્રથમ વખત કોઈ માટે દિલ ધડકે છે આટલું જોરથી જાણે દિલના દરિયામાં પ્રથમ પ્રેમની ભરતી ઉપડી...
એ છોકરી બસના આગળના ભાગમાં બેઠક લે છે ત્યારે સમીર પણ એની જગ્યાએ બેસી જાય છે. થોડી વાર પછી કંડક્ટર ટિકિટ કાપવા આવે છે ત્યારે સમીર એ ખબસુરત છોકરીને બાદલપુરની ટિકિટ આપો એમ કહેતા સાંભળે છે.
સમીર :-આપ બાદલપુર જાવ છો ?
છોકરી :- હા આપ ય ત્યાંના જ છો કે શું ?
સમીર :- મારું ઘર બાદલપુરમાં છે આમ તો હું અહીં જૂનાગઢમાં સ્ટડી કરું છું MBAની એક્ઝામ પતાવી ઘરે જાઉં છું. તમારું કોણ રહે છે ત્યાં ? આમ તો કદી જોયા નથી તમને.
છોકરી :- હા બાદલપુર હું પહેલી વખત જ જાઉં છું ને એટલે તમે ક્યાંથી જોઈ હોઇ મને ત્યાં મારી જોબ લાગી છે. મારું નામ સેલિના છે. ડોક્ટર સેલિના જોસેફ ત્યાંના સરકારી દવાખાનામાં કાલથી ડ્યુટી છે મારી. તમારું નામ શું છે મિસ્ટર ?
સમીર :- ( આવી નાજુક અને નાનકડી લાગતી છોકરી ડોક્હોટરઇ શકે એ વિચારીને મુંજાઈ જાય છે )ઓહ ! મારું નામ સેમ છે.
સેલિના :- નાઈસ ટૂ મીટ યુ.
સમીર એટલે કે સેમ સેલિનાનાં લંબાયેલા હાથમાં પોતાનો હાથ મૂકે છે અને એને લાગે છે કે એના હાથ મલમલને સ્પર્શી ગયા.
આ તરફ સેલિના ગામમાં પહોંચે છે ત્યારે ગામલોકો આવીં જુવાન છોકરી ડોક્ટર હોઇ એ વાતને મોટા કૌતુક તરીકે જોવે છે. અને ગામમાં વાતો ચાલે છે કે અરે બાઈ માણસ પાસેથી દવા કેમ લેવાઈ !
સમીર ઘરે પહોંચે ત્યારે એમના ત્યાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ જાય છે પરંતુ સમીર કહી દે છે મનસુખલાલને કે એ થોડા સમય પછી ફરી શહેરમાં ચાલ્યો જશે એ ગામડામાં નઈ જીવી શકે. સેલિના ગામલોકોનો સંકોચ પામી જાય છે એટલે ઘરે ઘરે ફરી ગામ લોકોને સમજાવે છે. એ વાત સમીરને ખબર પડે છે એટલે એ સેલિનાની મદદ કરે છે ગામલોકોને ડોક્ટર છોકરી હોઇ તો ય સરસ સારવાર કરશે જ એમ સમજાવે છે. આ બધાં કામકાજમાં સાથે રહેતા સમીર અને સેલિના એકબીજા પ્રત્યે આકર્ષાય છે. અને દોસ્તીથી થયેલી શરૂવાત પ્રેમનાં સૂરોમાં ફેરવાઈ જાય છે. એમ કરતાં એક મહિનો પસાર થઈ જાય છે.
એકતરફ ગામલોકો ધીમે ધીમે સેલિનાની લાગણીભીની સારવાર, માયાળુ સ્વભાવ અને ગામઠી બોલી ય શીખીને એમાં જ વાત કરવાની રીતથી ખુશ થઈ સારવાર માટે આવવા લાગે છે એમાં ય જે ઘરના લોકો સ્ત્રીઓને પુરુષ ડોક્ટરને બતાવવા માટે નહોતા જવા દેતા એ સ્ત્રીઓને તો સેલિના ભગવાને મોકલેલા દેવીનાં અંશ જેવી લાગે છે. એક આથમતી સાંજે સેલિના અને સમીર નદી કિનારે ભેખડ પર બેઠા હોઇ છે. ત્યારે બેયનાં મનમાં સવાલ ઉઠતા હોઇ છે કે આગળ શું હવે ?
સમીર :- સેલી ડીયર ! એક મહિનો ક્યાં પસાર થઈ ગયો કાંઈ ખબર જ નાં પડી. તારા સાથે દિવસ તો પલકારામાં પસાર થઈ જાય છે ને રાત બીજા દિવસની રાહ જોવામાં ! પરંતુ આજ સાંજે જ મેં અહીં આવતા પહેલા એપ્લાય કરેલું એમાંથી એક કંપનીમાંથી પોઝિટિવ રીપ્લાય આવ્યો છે, અને મારે આવતા વીકથી ઓફિસ જોઈન કરવાની છે એમય.
સેલિના :- સેમ મારાં વહાલા! આ તો ગ્રેટ ન્યુઝ છે. કયા ગામમાં છે તારી જોબ ? આસપાસમાં જ ક્યાંક હશે ને ?
સમીર :- સેલી મારે બોમ્બે જવાનુ છે ને તને મૂકીને જતા જીવ નઈ ચાલે મારો.
સેલિના :- હા સમીર જુદાઈનું નામ સાંભળીને મને ય બહું દુખ થાય છે તું કાંઈક જૂનાગઢ કે એમ આસપાસમાં નોકરી ગોતી લે ને તારા મોમ-ડેડ તારું ઘર ને ગામ અને મને મૂકીને જવા કરતાં તો... એ જ સારું રહેશે ને.
સમીર :- નાં નાં સેલી મોટા સિટીમાં મોભાદાર નોકરી એ તો મારું સપનું હતું. હું આવા ગામડામાં રહેવાનું પસંદ જ નથી કરતો. અહીં નથી સુવિધા કે નથી સપનાઓ. અહીં જિંદગી જાણે થંભી ગયેલી છે અને મારે તો દોડવું ય નઈ ઉડવું છે ઉંચા આકાશમાં.
એક કામ કર ને તું ય અહીં ખુશ તો નહિ જ રહી શકે તુંય આ નોકરી મૂકી મારાં સાથે બોમ્બે આવી જા ત્યાં તને ય સરસ જોબ મળી જશે બેય જોબ કરશું ને પછી આપણી અલગ દુનિયા વસાવીશું.
સેલિના :- (આ બધું સાંભળીને ડઘાઈ જાય છે ) સેમ કેમ આવું બોલે છે ! તું આ તારું સુંદર ગામ અને માતા પિતાને મૂકીને જઈ શકીશ ?
સમીર :- હા ડીયર જવું જ પડશે મારા સપના મને બોલાવે છે.
સેલિના ઉભી થઈને ચાલવા લાગે છે. સમીર હાથ પકડી રોકે છે ત્યાં જોવે છે તો સેલિનાની આંખો છલકાઈ ગયી હોય છે.
સમીર :- સેલી શું થયું કહે તો ખરી કેમ આમ એકદમ જ ચાલવા લાગી તું ?
સેલિના :- સમીર ! હા સમીર જ કહું છું તને.. મેં જેને લવ કર્યો હતો એ સેમ તું ના હોઇ શકે. આપણા રસ્તા જુદા જુદા છે સમીર. એમ નઈ કહું કે તે મને દગો દીધો કે તારો પ્રેમ ખોટો હતો. બસ તું જે દુનિયાને છોડીને જવાના સપના જોવે છે મને એમાં જ મારી દુનિયા દેખાય છે. તને આકાશમાં ઉડવું છે ને મને માળો બાંધી વસવું છે. તને તારી જિંદગી બહેતર બનાવવી છે ને મને ગામનાંઆ ભોળા માણસોનાં જીવનને સુધારવું છે. તે પહેલી મુલાકાતમાં તારું નામ સેમ કહ્યું હતું એટલે મને એમ કે તું ય ક્રિશ્યન હોઈશ મારાં જેમ પછી ખ્યાલ આવ્યો કે તું તો સરપંચકાકાનો દીકરો છે ત્યારે જ સવાલ થયેલો મનમાં કે એક ચુસ્ત હિન્દુ એક ક્રિશ્યન છોકરીને વહુ તરીકે સ્વીકારશે? હજી એ સમસ્યા માટે તો સમજાવીને માનવીને કાંઈક કરી લઇશું એમ મનને સમજાવતી હતી હું. ત્યાં તું કહે છે કે તું એ લોકોને મૂકીને જવા માંગે છે. ના સમીર હું નઈ કરી શકું આ ગામડાનાં પ્રેમાળ માણસો સાથે આવું છળ.
સમીર :-સેલી શું બોલે છે તું સમજે છે કાંઈ ? હું આપણા સોનેરી ભવિષ્યની વાત કરું છું ને તું કેમ આમ લાગણીવેડા કરે છે એક ડોક્ટર થઈને ?
સેલિના કહે છે કે સમીર મેં મારો રસ્તો પસંદ કરી લીધો છે હું એક આનાથાશ્રમમાં ઉછરેલી છું ને એટલે જ કદાચ મા-બાપ નું મહત્વ સમજુ છું, જે તને નહિ સમજાય અત્યારે તો.. બસ હવે તારી યાદોને સમેટીને મને મારા રસ્તા પર ચાલવા દે. ને તું ય ઉડવા આઝાદ છે તારા આકાશ તરફ. ને હા તું સરપંચકાકા અને કાકીની ય ચિંતા ના કરતો કદી હવે એ અને આખું ગામ મારું છે મારાં છેલ્લા શ્વાસ સુધી.
સમીર ત્યાં થી જતો રહે છે ને બે દિવસ પછી એના ઘરના બધાંને રડતા મૂકીને બોમ્બે જતો રહે છે. સેલિના એ ગામડામાં જ વસી જાય છે હંમેશા માટે. ગામનાં બધાં વડીલો માટે હવે એ અજાણી છોકરી સેલુબેટા હોય છે અને જુવાનિયા અને છોકરાઓ માટે સેલુંદીદી. સમીર બસ સેલિનાના હૃદયમાં એક યાદ બનીને ક્યારેક આવે છે જ્યારે તે ફરી એ ભેખડ પર જઈને બેસે છે ત્યારે.
R.Oza "મહેચ્છા "