એક પત્નીનો તેનાં પતિને પત્ર
એક પત્નીનો તેનાં પતિને પત્ર
પ્રિય,
શું સંબોધન કરું? મારાં દરેક સંબંધોનો સરવાળો તમે જ છો ! છતાંય આજે ખચકાટ અનુભવાય છે. હું અધૂરી-સી એકલતામાં વિહરતી હોઉં એવું લાગે છે. લાગણીનું ઝરણ લુપ્ત થતું હોય એવું મહેસૂસ થાય છે. તેથી જ આ પત્રના સહારે મારાં હ્દયની ઊર્મિઓને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. જેથી આપણી ખોવાયેલી પ્રેમની પળો આપણે ફરીથી માણીએ અને આપણું મુરઝાયેલું જીવન ફરીથી ખીલી ઊઠે.
તમારી સાથે સપ્તપદીનાં ફેરા ફર્યાને આજે પચ્ચીસ વર્ષ વીતી ગયાં. ને ગયા મહિને જ આપણે ખૂબ જ ધામધૂમથી આપણી સિલ્વર જ્યુબિલિ ઉજવી !! શરુઆતના એ પ્રેમભર્યા દિવસો ને સ્વપ્નીલ રાતો ખૂબ જ ઝડપથી સરી ગયા. સવારથી સાંજ ને સાંજથી રાત. તમે એક ક્ષણ પણ મારાથી દૂર નહોતાં રહી શકતાં. ભલે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતાં પણ મને મળવા તમે ગમે તે બહાનું કરીને મીઠું વ્હાલ વરસાવી જતાં. એ સોનેરી પળો આજે પણ મારાં માનસપટ પર અમૂલ્ય ખજાનાની જેમ સચવાયેલી છે. ધીરે-ધીરે આપણાં પર જવાબદારીઓ વધતી ગઈ ને એનાં બોજ તળે આપણાં અરમાનો ને શમણાંઓ ક્યારે ચગદાઈ ગયા એ ખબર જ ન રહી.
આપણે તનથી તો સાથે રહ્યાં પરંતુ મનથી દૂર ને દૂર થતાં ગયાં. ને દિવસો, મહિનાઓ ને વર્ષો વીતતાં ગયાં એમ આ લાગણીવિહિનતાની ખાઈ વધુ ને વધુ ઊંડી થતી ગઈ. પ્રેમનાં સ્થાને આક્રોશ ને વ્હાલની વાદળીનાં બદલે ખારાં પાણીની છોળો ઉડવા માંડી. હું સતત ઘરપરિવારની જવાબદારીઓમાં મારી જાતને સમર્પિત કરીને ધન્યતા અનુભવતી રહી ને તમે આર્થિક ને સામાજિક પ્રતિષ્ઠામાં ગળાડૂબ રહેવા લાગ્યા. આનો અર્થ એ તો ન્હોતો કે આપણાં ભીતરનું પ્રેમાળ હ્દય ધબકવાનું ભૂલી ગયું હોય. પ્રેમ ને લાગણીઓ તો આજે પણ છે જ પરંતુ અહમ નાં હિમસાગરમાં એ ક્યાંક ઠૂઠવાઈ ગયા છે.
સંસારરથ તો બે પૈડાંનાં બેલેન્સ પર જ ચાલે. એ હકીકત જાણવા છતાંય આપણું બેલેન્સ ખોરવાયું. મારાં પ્રેમની, સમર્પણની કસોટી થવા લાગી. તમારી નારાજગી હું ખુશી- ખુશી સહી લેતી. પરંતુ તમારાં નકારત્મક પ્રતિભાવોથી હું અંદરોઅંદર તૂટતી જતી હતી. બહાર તો આપણે એક આઇડિયલ કપલ તરીકે જ જીવતાં હતાં,પણ ભીતરનું અંતર વધતું જતું હતું. આપણે હવે એટલાં મેચ્યોર તો છીએ જ કે, જીવનનાં ચડાવ-ઉતારને સમજી શકીએ. ને તેમાંથી માર્ગ કાઢી શકીએ. સાથે રહેવા છતાંય આ દૂરી ક્યાં સુધી ? અહમનો અંચળો ફગાવીને થોડીક ક્ષણો સાથે વિતાવીશું તો બધી સમસ્યાઓનો અંત આવશે જ. . . હજુ તો આપણે અધૂરાં સ્વપ્નોને જીવવાનાં છે. શ્વેત કેશ હોય છતાંય હાથમાં હાથ પરોવીને લીલાછમ ઘાસ પર સાથે ચાલવાનું છે. નિરાંતની પળો સાથે માણવાનું આપણું વચન પાળવાનું છે. અધૂરી રહી ગયેલી તમામ એષણાઓ સાથે વૃદ્ધ થતાં- થતાં પૂરી કરવી છે.
આપણાં પ્રેમાળ હ્દયમાં ઘૂઘવતા લાગણીના દરિયા માં ક્યારેય ઓટ ન જ આવે એવો મને વિશ્વાસ છે. શું આપણે પહેલાંની જેમ ન જીવી શકીએ? કહ્યા વિના જ મૌનની ભાષા સમજીએ. તું અને હું પાછાં એક બની જઈએ !!
તમારા પ્રેમભર્યા જવાબની રાહમાં,
તમારી વ્હાલી અર્ધાંગિની.