ડ્રીમ હોમ
ડ્રીમ હોમ
આર્જવની ગાડી ૧૧૦ કિલોમીટરની ગતિએ માથેરાનના રસ્તે આગળ વધી રહી હતી. તેની બાજુની સીટમાં બેઠેલી તેની પત્ની મીશ્રીને આર્જવ નિહાળી રહ્યો હતો. મીશ્રીએ થોડું શરમથી પાંપણ જુકાવી આર્જવને કહ્યું “આર્જું... શું વિચારે છે ?” આર્જવ નટખટ સ્મિત સાથે તેને સતત તાકી રહ્યો હતો આથી મીશ્રી થોડી ચિડાઈ “આર્જું.... ગાડી ચાલવામાં ધ્યાન આપ...” મીશ્રીને પ્રેમથી અકળાતી જોઈને આર્જવને ખૂબ જ મજા આવવા લાગી. તેણે મીશ્રીને હેરાન કરવા મ્યુઝીક સીસ્ટમનો અવાજ વધાર્યો અને ગાડીમાં હની સિંહનો આવાજ ગુંજી ઉઠ્યો. તેની સાથે-સાથે આર્જવ પણ ડોલતો-ડોલતો પોતાના સૂર પુરાવી રહ્યો હતો: “दिल चोरी सड्डा हो गया, ओय की करिए... की करिए...” મિશ્રીને આનંદમાં ઝૂમી રહેલા આર્જવ ઉપર પ્રેમ ઉભરાઈ આવ્યો. તે આર્જવનો મૂડ સમજી ગઈ એટલે તે પણ આર્જવને ચીડવવા માટે મ્યુઝીક સીસ્ટમમાં ગીત બદલી નાખ્યું. હવે ગાડીમાં હની સિંહના બદલે અરિજિત સિંહના સૂર રેલાવા લાગ્યા. મિશ્રી પણ તેની સાથે-સાથે સૂરમાં “मुस्कुराने की वजह तुम हो...” ગાવા લાગી અને આર્જવએ બંને હાથના પંજા પહોળા કરી અંગુઠા કાનની ઉપર ગોઠવી, જીભ કાઢી નાના બાળક જેવો ચહેરો બનાવ્યો. આમ બંને પ્રેમી પારેવડા મુંબઈથી માથેરાન ૩-૪ દિવસ રજાઓ ગાળવા જઈ રહ્યા હતા. મિશ્રી પોતાની આંખો બંધ કરી તેની પ્રથમ આંગળી અને અંગુઠાને જોડી અરિજિત સિંહ સાથે સૂરથી સૂર મેળવી ગીત ગાઈ રહી હતી ત્યારે એકા-એક આર્જવે તેનો હાથ પકડી લીધો. મિશ્રીએ આંખો ખોલી તેની સામે જોયું એટલે આર્જવ ભાવુક થઈ તેને કહેવા લાગ્યો: “ મિશ્રુ... તારો આભાર કેવી રીતે કરું ? આપણા લગ્નને પુરા ૬ માસ વીતી ચુક્યા છે અને હું તને ક્યાંય ફરવા પણ નથી લઈ જઈ શક્યો. લગ્ન પછી આપણે બંને પ્રથમ વખત આમ બહાર ફરવા જઈ રહ્યા છીએ એ પણ તારા કારણે... તે આ બધી તૈયારી... ” મિશ્રીએ આગળ વધી તેને હળવા ફૂલ જેવું ચુંબન કરી લીધું ! અને તેને બોલતો અટકાવી દીધો. મિશ્રીએ પોતાની આંખો નચાવતા કહ્યું: “તારે આભાર માનવો જ હોય તો અક્ષયનો માન !” આર્જવના મુખ ઉપર મૂંઝવણ તરી આવી એટલે મિશ્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું: “તને થતું હશે કે કોણ અક્ષય ? અરે... મુંબઈ રેડિયાનો આરજે અક્ષય ! તેના સવારના પ્રોગ્રામમાં મને ૩ દિવસનું માથેરાનનું આ પેકેજ ઈનામ મળ્યું એટલે મેં આ બધી તૈયારી કરી.” આર્જવ સ્નેહ નીતરતી નજરે તેને તાકી રહ્યો. મિશ્રીએ તેની વાત આગળ વધારતા કહ્યું: “આર્જુ... તારો કોઈ વાંક નથી, લગ્ન સમયે આપણે બંને પુરા ૧૦ દિવસ સુધી ઓફિસમાં રજા લીધી હતી, તો સ્વભાવિક વાત છે કે આપણને બંનેને એક સાથે આટલી બધી રજાઓ ન મળી શકે ! અને ખરેખર તો આપણે ન લેવી જોઈએ ! આખરે એક સાથે કંપનીના સીઈઓ અને ફાઈનાન્સ ડાયરેક્ટર રજા લઈ લે તો કંપનીનું શું થાય !” મિશ્રીની આ વાત ઉપર આર્જવ અને મિશ્રી બંને ખડખડાટ હસી પડ્યા.
આર્જવ અને મિશ્રી... મુંબઈની અગ્રગણ્ય કરિયર કાઉન્સીલીંગની મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચતમ હોદ્દા ઉપર કાર્યરત દંપતી. તે બંને પોતાના કામ માટે ખુબજ પ્રામાણિક અને સમર્પિત હતા. આથી જ તો કંપનીમાં તેમને આટલું જલ્દી પ્રમોશન મળ્યું હતું. વ્યસ્ત જીવનનામાંથી આ બંનેને આજે એક-બીજાનો સાથ માણવાનો મોકો મળ્યો હતો એટલે બંનેનો ઉત્સાહ અને ઉમંગ જુદા જ હતા. ગીતો ગાતા-ગાતા, એકબીજાને નિહાળતા, પ્રેમ કરતા રસ્તો કપાતો હતો. મિશ્રી આર્જવની થોડીક નજીક સરકી અને પ્રેમથી તેના ખભા ઉપર માથું ઢાળી દીધું. આર્જવ પણ તેનું સાનિધ્ય માણતો તેના કપાળ ઉપર ચુંબન કરવા ઝૂક્યો કે એકા-એક મોટી ધસમસતી ટ્રક તેની સામે આવી, મિશ્રીના ગળામાંથી ચીસ નીકળી ગઈ અને આર્જવએ જોરથી સ્ટેયરીંગ ફેરવ્યું, રસ્તો એટલો બધો ઢાળવાળો અને નાનો હતો કે ગાડી રસ્તાની બાજુમાં આવેલા જંગલ જેવા પ્રદેશમાં ફંટાઈ અને એક ઝાડ સાથે જોરથી ભટકાઈ. આર્જવનું માથું જોરથી સ્ટેયરીંગ સાથે અથડાયું અને મિશ્રી આગળની તરફ ફંગોળાઈ. આથી ગાડીનું ડેશબોર્ડ તેના પેટમાં જોરથી અથડાયું અને તે સીટ ઉપર પછડાઈ બેભાન થઈ ગઈ. મિશ્રી સુધી પહોંચવા આર્જવે હાથ લંબાવ્યો પણ માથામાં ખુબ જોરથી વાગવાના કારણે તે પીડાથી કણસી રહ્યો અને આખરે સ્ટેયરીંગ ઉપર જ ઢળી પડ્યો. તેના સ્ટેયરીંગ પડવાથી શાંત પ્રદેશમાં ગાડીનો હોર્ન ગુંજી ઉઠ્યો.
આર્જવ જયારે તંદ્રા અવસ્થામાંથી ઉઠ્યો ત્યારે તેના માથા ઉપર પાટો બાંધેલો હતો, તેની પલંગની સામે જ એક ‘વિન્ટેજ લુક’ ધરાવતી સુંદર ઘડિયાળ હતી જેમાં ૬ વાગ્યા હતા. તેણે બાજુમાં નજર કરી તો મિશ્રી એકદમ નાના બાળકની ઢબે ઊંધી વળીને સુતી હતી. તેના ચહેરા ઉપરની શાંતિ અને માસુમિયત જોઈ આર્જવ તેના તરફ ઝૂક્યો, તેના ચહેરા ઉપર આવતી તેની વાળની લટો હટાવી તેના ચહેરા ઉપર હાથ પસવારી ઊભો થયો. તેને સમજાઈ ન હતું રહ્યું કે તે ક્યાં છે ? ઘરમાં આમ-તેમ નજર કરી પણ કોઈ દેખાઈ રહ્યું ન હતું. તેને યાદ હતું કે માથેરાન આવતા રસ્તામાં તેની ગાડીનો મોટો અકસ્માત થયો હતો પણ પછી તે અને મિશ્રી બંને બેભાન હતા, તે બંને અહિયાં ક્યાંથી પહોચ્યા ? આ જગ્યા કઈ છે ? આવા અનેક પ્રશ્નો આર્જવના મનમાં ઉઠ્યા. તે ઘરમાં આમ-તેમ આંટા-ફેરા કરી ઘર જોવા લાગ્યો કે કદાચ કોઈક મળી જાય ! પણ એ શોધતા શોધતા આર્જવ આ ઘરની સુંદરતામાં ખોવાઈ ગયો. આ ઘર તેને એકદમ પોતીકું લાગવા માંડ્યું, જાણે તેની પસંદગી-નાપસંદગીને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું હોય ! સૌપ્રથમ આર્જવ રૂમના બાથરૂમ પ્રવેશ્યો, તો ૪૮ સ્ક્વેર ફૂટના એ બાથરૂમમાં પ્રવેશતાની સાથે જ એક મોટો ગોળાકાર અરીસો અને બેસીન તથા ડ્રેસિંગ ટેબલ હતું. ટેબલ ઉપર બે સરસ મજાના વુડન બોક્સમાં તેનો દાઢીનો સમાન અને અન્ય તૈયાર થવાનો સમાન સરસ રીતે ગોઠવેલો હતો. તેની પાછળ કાચનું પાર્ટીશન કરીને શાવર એરિયા બનાવવામાં આવ્યો હતો. આ બાથરૂમની બારી એટલી સરસ રીતે ગોઠવવામાં આવી હતી કે બાથરૂમમાં સૂર્ય પ્રકાશ આવી શકે. આર્જવ મોઢું ધોઈને બહાર આવ્યો. તે આગળ બાલ્કનીમાં ગયો તો ત્યાં સરસ મજાની જયપુરી કારીગરી સાથે સજ્જ જાળીથી બાલ્કનીને કવર કરવામાં આવી હતી. તેમાં એક સુંદર મજાનો હીંચકો અને તેની પાછળ પુસ્તકો રાખવા માટેનું સ્ટેન્ડી હતું. સ્ટેન્ડી ને અડીને એક ગિટાર ગોઠવેલું હતું. આર્જવ આ જોઈને અત્યંત ખુશ થઈ ગયો, તેને વાંચનનો અને ગિટાર વગાડવાનો શોખ હતો પરંતુ પોતાના વ્યસ્ત જીવનમાંથી તેને ગિટાર માટે કે વાંચન માટે કોઈ સમય મળતો જ ન હતો. તે રૂમમાં પાછો આવ્યો અને દાદરા ઉતરીને નીચે પહોચ્યો, ત્યાં ૨૨x૨૮ ના બેઠક ખંડમાં તમામ વસ્તુઓ સુઘડ રીતે ગોઠવેલી હતી. આશ્ચર્યની વાત એ હતી કે આર્જવને બેઠક ખંડમાં ક્યારેય સોફા રાખવા ગમતા નહિ, તે ઈચ્છતો કે બેઠકમાં માત્ર ‘બિન બેગ્સ’ હોવી જોઈએ ! અને આ બેઠક ખંડમાં એક ગોળાકાર ટેબલની આસપાસ આરામદાયક ‘બિન બેગ્સ’ ગોઠવી હતી ! એક ખૂણામાં સમાચારપત્રો અને વિવિધ મેગેઝીન ગોઠવેલા હતા, અને તેની આગળ દાદરા પાસે આવતા ખૂણામાં એક સુંદર ‘રાય્ટીંગ ટેબલ’ લેમ્પ સાથે સજ્જ હતું. ટેબલ ઉપર ‘એપલનું મેક પ્રો’ કમ્પ્યુટર ગોઠવેલ હતું. આર્જવના આશ્ચર્યનો પાર ના રહ્યો, આ એ જ ‘મેક પ્રો’ કમ્પ્યુટર હતું જે તેણે ૨ દિવસ પહેલા એમેઝોન ઉપર જોયું હતું અને તે ખરીદવા માંગતો હતો. આર્જવ હવે મિશ્ર લાગણી અનુભવી રહ્યો હતો, આશ્ચર્યની સાથે-સાથે તેને થોડી ગભરાહટ થઈ રહી હતી. તે બેઠક ખંડનું બારણું ખોલી બહાર આવ્યો તો એક તરફ ગાર્ડન અને બીજી તરફ પાર્કિંગ હતું. ગાર્ડનની બરાબર મધ્યમાં નાનકડા ટેબલ-ખુરશી ગોઠવેલ હતા, તેને જોઈ આર્જવ વિચારી રહ્યો... “મારું પણ આવું સુંદર ઘર હોય તો રજાના દિવસે આવી રીતે આરામથી મિશ્રી સાથે બેસી ચા-નાસ્તો કરું !” આટલું વિચારતા તે પાર્કિંગ તરફ ફર્યો, તો તેની આંખો આઘાતથી પહોળી થઈ ગઈ ! તેની ગાડી... જેને અકસ્માતમાં ખુબ નુકસાન થયું હતું તે ગાડી ‘ચકા-ચક’ પાર્ક થયેલી હતી. હવે આર્જવ ખુબ જ ગભરાઈ ગયો. તે મિશ્રીને ઉઠાડવા દાદરા ચડી ઉપર ભાગ્યો. આર્જવએ જેવું માસ્ટર બેડરૂમનું બારણું ખોલ્યું કે મિશ્રી તેની સામે ઊભી હતી અને તેણે હાથમાં રહેલા પાણીના ગ્લાસમાંથી પાણી લઈ આર્જવના મુખ ઉપર જોરથી પાણીનો છંટકાવ કર્યો !
આર્જવે આંખો ચોળતા જોયું તો મિશ્રી તેને ઉઠાડી રહી હતી: “ઊઠ ને આર્જવ... ઓફિસ જવાનું મોડું નથી થતું ? ક્યારની ઉઠાડું છું.” આ સાંભળી આર્જવ પથારીમાં સફાળો બેઠો થઈ ગયો. તે ક્ષણવારમાં સમજી ગયો કે તેણે એક સ્વપ્ન જોયું. આ સ્વપ્ન વિષે વિચારી આર્જવ ફટાફટ પથારીમાંથી ઊભો થયો તૈયાર થઈ ઓફિસ જવા તૈયાર થઈ ગયો. ઓફિસ પહોંચી તેણે સૌથી પહેલા તેની અસીસ્ટન્ટને સૂચના આપી: “હમણાં એક કલાકની તમામ મુલાકાતો મુલતવી કરી દો.” કેબીનમાં પ્રવેશી પોતાનું લેપ-ટોપ ચાલુ કરી તેણે ગુગલમાં સર્ચ કર્યું: “બેસ્ટ આર્કિટેક્ટ એન્ડ ઇંન્ટીરિયર ડિઝાઇનર ઈન મુંબઈ.”
કથા સાર: વ્યસ્ત જીવનમાં આપણે સૌ આપણી પસંદ-નાપસંદ અને શોખ ભૂલી રહ્યા છીએ. આથી આપને પણ ક્યારેક આપનું સુસુપ્ત મન આર્જવના મનની જેમ ઈશારો કરતું હશે, તે ઓળખવાનો અને તેને પૂરું કરવાનો અચૂક પ્રયાસ કરશો તો આપનું જીવન કાર્ય અને અંગત શોખ વચ્ચેના સંતુલનથી મહેકી ઉઠશે !

