Badal Panchal

Drama Inspirational


2.5  

Badal Panchal

Drama Inspirational


ડાયાલિસિસ સેન્ટર

ડાયાલિસિસ સેન્ટર

10 mins 14.6K 10 mins 14.6K

'દત્તાત્રેય ગાવળે' - નામ સાંભળતા જ એક માણસ સિસ્ટરની સામે આવીને ઉભો રહી ગયો. થોડા રિપોર્ટ ચેક કર્યા પછી સિસ્ટરે કહ્યું : 'બેડ નંબર ૧૩'. એ માણસ લથડિયાં ખાતો બેડ નંબર 13 પર જઈને સુઈ ગયો.

'મંજુલા વોરા' - 'બેડ નંબર ૧૪' - એક આધેડ વયની સ્ત્રી બેડ નંબર ૧૪ પર પહુંચી સુઈ ગઈ.

'ચંદ્રકાન્ત પવાર' - 'બેડ નંબર ૧૫'- સિસ્ટરે ફાઈલ બંધ કરી.

' શ્રેયા પરમાર'

એક અજાણ્યો અવાજ હોસ્પિટલના ડાયાલીસીસ રૂમમાં ગુંજ્યો. લગભગ દરેક માણસની નજર એ તરફ ગઈ અને ત્યાંજ થંભી ગઈ. એક છોકરી ધીમા પગલે સિસ્ટરની સામે આવીને ઉભી રહી. સિસ્ટરની આંખો સ્તબ્ધ બનીને એને જોતી રહી.

એ ફરી બોલી : 'શ્રેયા પરમાર - મારો ડાયાલીસીસનો નંબર લાગ્યો છે આ હોસ્પિટલમાં'

સિસ્ટરની વિચારતંદ્રા તૂટી : 'રિપોર્ટ્સ ?'

છોકરીએ રિપોર્ટ્સની ફાઈલ સિસ્ટરના હાથમાં મૂકી. સિસ્ટર રિપોર્ટ્સ વાંચવા લાગી. છોકરીએ ડાયાલીસીસના રૂમમાં ચારેકોર નિરીહ દ્રષ્ટિ ફેરવી. એક વિશાલ હોલમાં બરોબર વચ્ચે નાનકડું ટેબલ અને ચેર ગોઠવાયેલી - સિસ્ટર રીમા માટે. એની ચારે બાજુ બેડ અને એની બાજુમાં આર્ટિફિશ્યલ કિડની મશીન ગોઠવાયેલા હતા.

કુરુક્ષેત્રના મેદાનમાં મધ્યમાં ઉભેલા અર્જુનની જેમ શ્રેયા ચારેકોર જોઈને ભયથી ધ્રુજી ઉઠી.

'કોઈ આવ્યું છે તારી સાથે ?' સિસ્ટરે પૂછ્યું.

શ્રેયા ચમકી : 'મમ્મી.'

'તારી ઉમર ?'

'10 વરસ' શ્રેયાનો જવાબ સાંભળી બાજુમાં ઉભેલી સ્ત્રીના મોઢામાંથી સિસકારો નીકળી ગયો.

'બેડ નંબર ૧૬' શ્રેયાએ એક નજર ઘુમાવી અને એકમાત્ર ખાલી બેડ પર જઈને સુઈ ગઈ.

થોડીવાર પછી એક સ્ત્રી પસીનો લૂછતી ડાયાલિસિસ રૂમમાં દાખલ થઇ અને આમતેમ જોવા લાગી.

'મમ્મી......અહીંયા' શ્રેયાએ બૂમ પાડી.

બેડ નંબર ૧ પરના દર્દીનું ડાયાલિસિસ મશીન ચાલુ કરતી સિસ્ટરે એક કતરાતી નજરે શ્રેયાને જોઈ. એક સ્ત્રીએ મોઢા પર આંગળી મૂકીને શ્રેયાને ધીમે બોલવાનો ઈશારો કર્યો. શ્રેયાની મમ્મી, શ્રેયા પાસે આવી અને બેડની બાજુમાં આવેલા ભયાનક લાગતા આર્ટિફિશ્યલ કિડની મશીનને કોઈ ખુનપ્યાસી પિશાચને જોતી હોય તેમ ફાટેલી આંખે જોવા લાગી. ચાર ફૂટના આ વિચિત્ર લાગતા મશીન તરફ જોતા એની આંખોમાં પાણીનો સાગર ઘુઘવવા લાગ્યો. દસ વરસની શ્રેયાની બંને કિડની ફેઈલ થયાના સમાચાર જ્યારથી તેણે સાંભળ્યા હતા, ત્યારથી જ તે અબુધ બની ગઈ હતી. શું કરવું ને શું ના કરવું એનું ભાન જ રહ્યું નહોતું. રઝળી - રખડીને ધક્કા ખાતા બેઉ આ ડાયાલિસિસ સેન્ટરે પહોંચ્યા હતા. અને ડોક્ટરે કહ્યું હતું કે ક્રિયાટીનીનનું લેવલ ૧૦ છે. એટલે અઠવાડિયે બે વાર ડાયાલીસીસ કમ્પલસરી (ફરજીયાત ) છે. એટલે ત્યારથી જ ડાયાલિસિસ સેન્ટરની શોધ શરુ કરી જે અહીંયા આવીને પુરી થઇ. આજ સુધી ડાયાલિસિસ એટલે શું ? સોડિયમ, પોટેશિયમ, હિમોગ્લોબિન એટલે શું ? અરે......કિડની એટલે શું ? એનીયે એ અભણ સ્ત્રીને ક્યાં ખબર હતી ? પણ છેલ્લા દોઢ મહિનામાં પંદરેક દવાખાનાનાં થકવી નાખે અને મનથી મારી નાખે એવા ધક્કા ખાતા ખાતા એ કેટલું શીખી ગઈ હતી ! અને શ્રેયા પણ જાણી ગઈ હતી કે કે કિડની લોહીમાં રહેલો કચરો સાફ કરે છે. જેમ એની મમ્મી રસ્તા પર ઝાડુ મારીને કચરો કાઢે છે તેમ !!

આ ડાયાલિસિસનું મશીન શ્રેયા પર કેવો અત્યાચાર કરશે એ વિચારી એની મમ્મી થરથરી રહી હતી.

સિસ્ટર બેડ નંબર ૪ના દર્દીનું બ્લડ પ્રેશર માપી રહી હતી. ત્યાં જ એક સ્ત્રી દોડતી આવીને ગભરાતા ગભરાતા બોલી: 'સિસ્ટર મારા પપ્પાને લોહીની ઉલ્ટી થાય છે. જલ્દી ચાલો '

સિસ્ટરે ઠંડા સ્વરે ઝાડુ મારતા મનુકાકાની સામે જોયું : 'મનુકાકા, જાઓ ઉલ્ટી સાફ કરી આવો'

'સિસ્ટર તમે ચાલોને, જુઓને કોઈ કોમ્લીકેશન તો નથી ને ?' એ સ્ત્રીએ રડમસ અવાજે સિસ્ટરને વિનવણી કરી.

'ઠીક છે, હું નંબર પ્રમાણે આવું છું. તમારા બેડ પર આવીશ એટલે જોઈ લઈશ ' સિસ્ટરે સ્વસ્થતાથી કહ્યું. સિસ્ટરના કહેણથી હેબતાઈ ગયેલી સ્ત્રી ભડકી ઉઠી: 'અરે ! પેશન્ટને લોહીની ઉલ્ટી થાય છે તમને ખબર પડે છે કે નહિ, પછી જોઈ લઈશ એટલે શું ?' બબડતા બબડતા એ સ્ત્રી એના પિતાના ખાટલા તરફ દોડી.

સિસ્ટર ફરી બેડ નંબર 4ના પેશન્ટનું ડાયાલીસીસ ચાલુ કરવામાં ગૂંથાઈ ગઈ. કોઈપણ પ્રકારનો અપરાધભાવ સિસ્ટરના ચહેરા પર નહોતો.

'આપ એક બાર દેખ લીજીયેના ઉસ પેશન્ટ કો, ઉસકો કુછ હો ગયા તો ?' બેડ નંબર ૪ ના પેશન્ટે દયા ખાતા કહ્યું.

સિસ્ટર તો કઈ ના બોલી પણ પાછળથી જતો પ્યુન મનુભાઈ બોલ્યો ' સિસ્ટર પુરે દિન મેં પચાસ પેશન્ટ કા ડાયાલીસીસ કરવાતી હૈ. વો નંબર મુતાબિક સબકો દેખેગી '

થોડી વાર સુધી ડાયાલીસીસ રૂમમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ . ડાયાલીસીસ મશીનના ઘરરર ઘરરર અવાજ સિવાય બધા જ જાણે સ્તબ્ધ અને ક્ષુબ્ધ હતા. બેડ નંબર ૧૨ નો ડોસો ઉલ્ટીઓ કરીને સાવ અધમૂઈ હાલતમાં પડ્યો પડ્યો લાંબા શ્વાશ લેતો હતો. એને જોઈને શ્રેયા અને એની મમ્મી બંને અમંગળ વિચારોથી ફફડવા લાગ્યા. એવામાં જ શ્રેયાની મમ્મીનો મોબાઈલ રણક્યો; એને ઉપાડ્યો

' હો સર '

'......'

'સર મી ઇકડે સાઈ મંદિરચી ગલીમધ્યે ઝાડુ મારત આહે . કાય ઝાલ સર? '

'.......'

'ઠીક આહે સર, મી યેતે દહા મિનિતાંત’

શ્રેયાની મમ્મીએ શ્રેયાની સામે જોઈને કહ્યું : ' હું આવું છું અડધો કલાકમાં. ગણેશ સરનો ફોન હતો. કોઈકે ચુગલી કરી લાગે છે કે હું કામ પર નથી ગઈ. એટલે એમણે મને બોલાવી છે. તું ગભરાતી નહિ હું આવું છું અડધો કલાકમાં.'

શ્રેયા તેની મમ્મીના રોજના કચડાતા, ઘસડાતા, દબાતા, ઘાયલ થતા, ત્રસ્ત થતા મનને જાણતી હતી. પોતે તો ફક્ત શારીરિક ત્રાસ પામતી હતી પણ તેની મમ્મી તો શારીરિક અને માનસિક બંને ત્રાસથી પિસાઈને ડૂચો વળી ગઈ હતી.

રીમા સિસ્ટર બેડ નંબર ૧૨ સુધી આવી. ઉલ્ટીઓ કરીને પડેલો ડોસો ઉધરસ ખાતો, ઊંડા શ્વાશ લેતો, થથરતા શરીર સાથે પીડાઈ રહ્યો હતો. સિસ્ટરે પંખો બંધ કર્યો. ડોસાને ચાદર ઓઢાડી બ્લડપ્રેશર માપ્યું . વધેલું બ્લડપ્રેશર જોઈને ડાયાલીસીસ નહિ થઇ શકે એવું સિસ્ટરે કહ્યું.

'તો શું કરીયે સિસ્ટર ? ડાયાલીસીસ તો કરવું જ પડશે ને ? ' ડોસાની સંગાથે આવેલી સ્ત્રીએ કહ્યું .

'ઠીક છે હું દવા આપું છું એ ખવડાવી દ્યો. બ્લડપ્રેશર નોર્મલ થશે એટલે આપણે ચાલુ કરીશું ' કહીને સિસ્ટર બેડ પર થથરતા ડોસા તરફ ફરી: ' કાકા, ગભરાશો નહિ. દવા ખાઈ લ્યો પછી ચાલુ કરીયે . ઠીક છે ?'

ડોસો કઈ જ ના બોલ્યો.

'આજે તમારો છોકરો નથી આવ્યો કાકા ? ' સિસ્ટરે પૂછ્યું.

'ના એ નથી આવ્યા. એમને અર્જન્ટ ઑફિસના કામે જવાનું થયું એટલે' : ડોસાની સંગાથે આવેલી સ્ત્રીએ જવાબ આપ્યો.

સિસ્ટરે પૂછ્યું :' તમે આમના દીકરી છો ?'

'ના આ મારા ફાધર - ઈન -લો છે ' સ્ત્રીએ કહ્યું.

સિસ્ટરે ફરીને એ સ્ત્રી સામે વિચિત્ર નજરે જોયું. અંદાજે ૨૫ વર્ષની લાગતી આ સ્ત્રી પોતાના સસરા માટે થોડા વખત પહેલા આટલું બધું બોલી ગઈ ? આજના જમાનામાં એક પુત્રવધુ પોતાના સસરા માટે આટલું કરી શકે?

તરત જ વિચાર ખંખેરી તે બેડ નંબર ૧૩સુધી પહોંચી.

'દત્તાત્રેય ગાવળે - અભી સે આપકા રોજ કે દો ઘંટે કા ડાયાલિસિસ હૈ ના ?'

'હા મેડમ ' લેપટોપ બંધ કરતા ૨૫ વર્ષ ના યુવકે કહ્યું.

દેખાવે એ યુવક દત્તાત્રેય ગાવળેનો છોકરો લાગ્યો .

'કહા રહેતે હો ?' સિસ્ટરે પૂછ્યું.

'યહાં સે ૨૦ કિમી દૂર ' ઘણા દિવસના થાક અને ત્રસ્ત સ્થિતિમાં જણાયેલા યુવકે કહ્યું.

સિસ્ટરનું મન અને મગજ ફરી પ્રશ્નોતર કરવા માંડ્યા

'આ યુવાન કેટલા દિવસ આમ ૪ કલાક ડાયાલિસીસમાં એના બાપને લઈને આવશે ?'

'એક - બે દિવસ ' - એના મગજે જવાબ આપ્યો.

'પછી ?'- એના મને પૂછ્યું

'પછી ફેંકી આવશે કોઈ ઘરડાઘરમાં કાં તો કોઈ ઝેરીલું ઈન્જેકશન ........' મગજે જવાબ આપ્યો.

શ્રેયાની મમ્મી દોડતી દોડતી પહોંચી. સિસ્ટર પણ શ્રેયા પાસે આવી. એનો કોમળ હાથ સખતાઈથી પકડ્યો અને હાથમાં બેસાડેલું ફીસ્ચુલા ( ડાયાલિસીસ માટેનું હાથમાં બેસાડવામાં આવતું મશીન ) ચેક કર્યું. બ્લડપ્રેશર ચેક કર્યું. તાવ ચેક કર્યો. અને મશીન પર નળીઓ અને ડાયલાઝર લગાડવા માંડ્યું .

'સિસ્ટર, મારી શ્રેયાને લોહીથી ડર લાગે છે ખૂન જોઈને ઈ ગભરાય જાય છે .' સિસ્ટર કઈ જ ન બોલી . બોલે પણ શું ?

ડાયાલિસીસમાં અશુદ્ધ લોહી આર્ટિફિશયલ મશીન દ્વારા બહાર ખેંચાય જાય છે. તે મશીનમાં શુદ્ધ થઇને ફરી પાછું શરીરમાં જાય છે.

'તમે 800 રૂપિયા ભર્યા ?'

'ના - હું ભરી કાઢીશ' દયામણા ચહેરે શ્રેયાની મમ્મી બોલી પણ 'કેવી રીતે ભરી શકાશે' નો પ્રશ્ન તેના ચહેરા પર સાપની જેમ ગોઠવાઈ ગયો હતો .

'ક્યાં સ્ટાન્ડર્ડમાં ભણે છે ?'

શ્રેયાનું ગંભીર મુખ જોઈને તેનું ધ્યાન ખસાવાના હેતુથી સિસ્ટરે પૂછ્યું. પણ શ્રેયા કઈ જ ના બોલી. તેનું ધ્યાન સિસ્ટરની ક્રિયાઓ પર હતું.

'કઈ સ્કૂલમાં ભણે છે શ્રેયા ?' સિસ્ટરે ફરી પૂછ્યું.

'મેં સ્કૂલ છોડી દીધી છે. જ્યારથી કિડની ફેઈલ થઇ ત્યારથી. અમારી પાસે પૈસા પણ નથી ને એટલે' શ્રેયાના શબ્દો સાંભળી શ્રેયાની મમ્મીની આંખો અધમણ ભાર તળે ઢળી ગઈ.

ફરિયાદોનું એક મોજું શ્રેયાના હોઠ સુધી આવીને વહી ગયું.

ડાયાલિસીસ ચાલુ થઇ ગયું.

શ્રેયાના શરીરમાંથી લોહી ચુસાઈ રહ્યું હતું, નળીઓમાંથી વહીને મશીનમાં ફરી રહ્યું હતું. લોહીનો લાલ રંગ જોઈને કે પછી ડાયાલિસીસ પ્રોસેસને લીધે શ્રેયાની આંખ ચકળવકળ થઇ અને એ બેભાન થઇ ગઈ. સિસ્ટરે તરત જ મશીન બંધ કર્યું અને પાણી છાંટ્યું.

'શું થયું શ્રેયા ? આ લે પાણી ... સવારે કઈ જમી હતી કે નહિ?' સિસ્ટરે પૂછ્યું.

ફરિયાદોનું મોજું આ વખતે ના ફર્યું.

સિસ્ટરે મનુભાઈને ઈડલી લાવવા કહ્યું. અને ફરી મશીન ચાલુ કર્યું.મશીન બીજા મશીનો સાથે તાલ મિલાવતું ઘરરર ......ઘરરર અવાજ કરવા લાગ્યું.

થોડીવાર પછી મનુભાઈ કોઈ ગંભીર વાત લઈને આવ્યા હોય એમ દોડતા દોડતા સિસ્ટરના નજીક પહોંચ્યા. મનુભાઈની વાત સાંભળી ના સાંભળી કરતા સિસ્ટરે દોટ મૂકી. જતા જતા શ્રેયાને સિસ્ટર રીમાની આંખમાં પાણી ઉભરાતું દેખાયું.

ડાયાલિસીસ પૂરું થયા પછી શ્રેયાની નસો ખેંચાઈ રહી હતી. શરીરમાંથી એનર્જી ચૂસાઈ ગયી હતી. માથું ભારેખમ પીડાથી દુખતું હતું. તેણે લથડતો પગ મૂક્યો. અને વજનકાંટા પર વજન કર્યું. ડગમગતા પગલે તે ડાયાલિસીસ સેન્ટરની બહાર આવી. આંગણે આવેલા ગણપતિ મંદિરમાં ચઢાવેલો મોદક શ્રેયાએ લઈને મોઢામાં મૂક્યો - એને ભાવતી એકમાત્ર મીઠાઈ.

દોઢેક મહિનો વીતી ગયો હતો. શ્રેયાને હવે ચક્કર નથી આવતા. બેભાન પણ નથી થતી. શ્રેયાનું દસમું ડાયાલિસીસ ચાલી રહ્યું હતું. શ્રેયાની મમ્મી બીજા દર્દીઓના સ્વજનો જોડે વાતો કરી રહી હતી.

'તમે કેટલા વરસથી ડાયાલિસીસ કરવો છો તમારા સસરાનું ?' શ્રેયાની મમ્મીએ ડોસાની પુત્રવધૂને પૂછ્યું.

'આઠ વરસથી' તેણે કહ્યું. ' પણ અમે જોઈન્ટ ફેમેલીમાં રહીયે છીએ એટલે ખબર જ ના પડી'

'તમારે મહિને કેટલો ખર્ચ થાય છે ?' શ્રેયાની મમ્મીએ વાત આગળ વધારી.

'પંદરથી વીસ હાજર મહિને '

શ્રેયાની મમ્મી આ રકમ સાંભળી જાણે દાઝી ગઈ. માંડ દશ હજારનો મહિને પગાર મેળવનારી પોતે ક્યાં પહોંચી વળશે આ ખર્ચ ? નો સવાલ તેના મગજમાં ચકરાવા લેવા માંડ્યો. છેલ્લા દોઢ મહિનામાંજ શ્રેયાની હારોહાર પોતે પણ અંદરથી તૂટી ગઈ હતી. પણ પોતાનું આ દુઃખ ક્યાં જઈ મૂકવું? આજે પહેલી વાર તેને પોતાનો પરિવાર ન હોવાની પીડા થઇ.

પેલી સ્ત્રીએ આગળ ચલાવ્યું : ' પપ્પાના હોસ્પિટલ અને દવાના ખર્ચાને પહોંચી વળવા જ મેં પણ નોકરી ચાલુ કરી દીધી છે. અને ખરું કહું તો મારો પૂરો પગાર પપ્પાના માટે જ ખર્ચાઈ જાય છે. '

સિસ્ટર ફાઈલો ચેક કરતા કરતા આ વાતચીત સાંભળી રહી હતી. સામેથી દત્તાત્રેય ગાવળેને તેનો છોકરો બે હાથે બાળકની જેમ ઉપાડીને લાવ્યો. મનુભાઈએ વ્હીલચેર લાવી આપી, એમાં દત્તાત્રેયને બેસાડ્યા અને બેડ પાસે લઇ ગયા.

સિસ્ટરની આંખો અપલક આ દ્રશ્ય જોઈ રહી. તેની આંખો, કાન, મગજ કોઈ જ સંમત થવા તૈયાર નહોતા. આધેડ વયની સિસ્ટરને હવે યુવાનોની સેવાભાવી વૃત્તિ પર ભરોસો બેસવા લાગ્યો હતો.

સિસ્ટરની વિચારશૃંખલા મનુભાઈના અવાજથી તૂટી: 'સિસ્ટર , ડોક્ટરે તમને તાત્કાલિક બોલાવ્યા છે. હેમંતભાઈ હવે.....'

સિસ્ટરના પગમાં ચક્રવાત ઉપડ્યો અને તે દોડી. મનુભાઈ પાછળ દોડ્યા. શ્રેયાની મમ્મીએ એમને રોક્યા 'શું થયું હેમંતભાઈને ?'

'હેમંતભાઈની હાલત બહુ ગંભીર છે, એમના શ્વાશ રૂંધાય છે . હવે બચવાના કોઈ આસાર નથી. ' રડમસ અવાજે મનુકાકા બોલ્યા.

'હેમંતભાઈ સિસ્ટરના હસબન્ડ છે ને ?' પણ એ તો છેલ્લા ત્રણ મહિનાથી કોમામાં હતા ને ?' : બાજુમાં ઉભેલી ડોસાની પુત્રવધૂએ પૂછ્યું . મનુકાકા હોંકારો દેતા દેતા દોડ્યા.

શ્રેયાએ જાતે જ ડાયાલીસીસ મશીન બંધ કર્યું. હાથમાંથી સોય ખેંચી કાઢી. અને ત્યાં રૂ દાબી દીધું. એને ઉલ્ટી જેવું થવા લાગ્યું. જાતે જ ઉભી થઈને એ વોશબેસિનમાં ઉલ્ટી કરવા લાગી. મોઢું ધોયું અને સહેજ ઊંચું જોયું. અરીસામાં અશક્ત, કાળાશ પડતું, કરચલીવાળું પોતાનું મુખ જોયું. લગભગ દોઢ મહિના પછી એણે પોતાના આંખ પર નાક પર, કાન પર, વાળ પર ધીરે ધીરે કોમળતાથી હાથ ફેરવ્યો. દરેક અવયવ શુષ્ક, ઠંડા, તેજવિહીન અને ક્ષીણ જણાયા. એ રડવા ઇચ્છતી હતી , ધોધમાર વરસાદની જેમ . પણ રડી શકવાની હિમ્મત જ નહોતી એના શરીરમાં.

મમ્મીનો હાથ પકડી એ બહાર નીકળી. ગણેશજીને પ્રણામ કર્યા. ગણેશજીને ચઢાવેલો મોદક એણે જોયો પણ લીધા વગર જ આગળ ચાલવા માંડ્યું. ડગમગતા પગથી ચાર પગલાં ચાલ્યા બાદ તે થંભી ગઈ અને ત્યાંજ બેભાન થઈને પડી ગઈ. શ્રેયાની આંખો ખુલી ત્યારે એ ICU રૂમના ખાટલા પર મશીનોના શિકંજામાં હતી. એણે આંગળીઓ હલાવી અને શરીરમાં પીડાનું લખલખું પસાર થઇ ગયું. એણે ઊંડો શ્વાશ લીધો અને પીડા પચાવી લીધી. સામે સફેદ સાડીમાં ઉભેલી સિસ્ટરે એના માથે હાથ ફેરવ્યો : 'હવે કેવું લાગે છે શ્રેયા ?'

શ્રેયાએ એની મમ્મી સામે જોયું : 'મમ્મી મને શું થયું હતું?'

'બેટા, સિસ્ટરના હસબન્ડ હેમંત અંકલે આ દુનિયા છોડતા છોડતા તને એમની કિડની ગિફ્ટ આપી છે.'

શ્રેયાની મમ્મી આંખોમાં આંસુ સાથે બોલી. બાજુમાં ઉભેલી સિસ્ટરનું પૂર્ણ અસ્તિત્વ પોતાના પતિના કિડનીદાનથી ઝળાહળા થઇ રહ્યું હતું. શ્રેયાએ પણ પોતાના શરીરમાં શ્વસી રહેલા નવા અવયવને અનુભવ્યું. શ્રેયાએ ખુશીમાં પૂછ્યું :' તો હવેથી ડાયાલીસીસ બંધ ને ?'

શ્રેયાને આંખ સામે પોતાની સ્કૂલ, મોદક અને અરીસામાં તગતગતી ત્વચાવાળો પોતાનો ચહેરો દેખાયો.


Rate this content
Log in

More gujarati story from Badal Panchal

Similar gujarati story from Drama