Badal Panchal

Others

3  

Badal Panchal

Others

રંગીન કે રંગહીન ?

રંગીન કે રંગહીન ?

5 mins
509


બધા કહેતા કે એ રંગોની દુનિયામાંથી આવ્યો છે, એ રંગો સાથે વાત કરે છે, રંગોની કવિતાઓ લખે છે, એ રંગોના અસ્તિત્વની કહાની કહે છે. એના માટે બે લાલ રંગ, બે પીળા રંગ, બે કાળા રંગ કે બે સફેદ રંગ એકસરખા નથી, પણ જુદાજુદા છે. એ રંગોના લય સાથે ઝૂમે છે તો ક્યારેક રંગોની ઉદાસીથી રડે છે. એ મને પહેલીવાર જયારે કોલેજમાં મળ્યો ત્યારે એણે કહેલું કે એને સપના પણ રંગીન આવે છે ! મને આશ્ચર્ય તો ત્યારે થયેલું જયારે એણે મને એક વખત એના આંસુના રંગોની દાસ્તાન કહેલી......


લોકો જયારે રંગીન દુનિયાના સપના જોતા ત્યારે એ રંગોના સપના જોતો. એને કેમિસ્ટ્રી ખૂબ ગમતું એટલે નહિ કે એમાં સમીકરણો હોય પણ એટલે કે એના પ્રયોગોમાં, એના રસાયણોમાં રંગોની વિવિધતા એ માણી શકતો. એ કયા રસાયણમાં, કયું રસાયણ ભેળવવાથી કયા રંગનું રસાયણ બને એ પણ કહેતો, અને મોટેભાગે એ સાચું જ પડતું.


રાકેશ કોઈ ચિત્રકાર નહોતો, કે નહોતો કોઈ કલર થેરાપીનો માસ્ટર. પણ એને રંગોની દુનિયાથી ઇશ્ક થઇ ગયેલો. એ પરદા ભેદીને રંગ જોઈ શકતો. એક રાતે એણે અંધારામાં સાપ પકડેલો. પીળો સાપ. લોકો ત્યારથી એનાથી દૂર રહેતા પણ મને એની આ રંગીન પ્રીત ગમી ગયેલી અને અમે પાક્કા દોસ્ત બની ગયેલા.


પણ કોલેજ પૂરી થયા બાદ અમે પોતપોતાના રસ્તે નીકળી ગયેલા. માણસ નજરની સામેથી હટે એટલે ધીરે ધીરે જીવનમાંથી પણ ભૂંસાવા લાગે. બસ એની યાદોના રજકણ પડ્યા રહે. એ એની રંગીન દુનિયામાં ખોવાઈ ગયો અને હું મારી કરિયરમાં.... એવામાં મારે બે દિવસ માટે કંપનીના કામથી મુંબઈ આવવાનું થયું. હું સાંજે મુંબઈના બીકેસી એરિયામાં મારુ કામ પતાવી રિક્ષાની રાહ જોતો ઊભો હતો, ત્યારે મને દૂરથી રાકેશ આવતો દેખાયો. મેં એને બૂમ પાડી અને રસ્તાની વચ્ચોવચ્ચ અમે ભેટી પડ્યા. કોલેજ પૂરી થયાના લગભગ પંદર વરસ પછી અમે મળ્યા. જે રંગોની છટા એના ચહેરા પર પથરાયેલી રહેતી એ આજે ગાયબ હતી. હું એક ધબકાર ચૂકી ગયો. એના થીજી ગયેલા ચહેરા પર સમયે ચાસ પાડી દીધેલા, જે મને સહેજેય ન ગમ્યા. એનો સપાટ ચહેરો ખરબચડો થઇ ગયો હતો, વાળ ઓછા થઈ ગયા હતા, આંખે ચશ્માં અને ચહેરા પર ન સમજાય એવી સખ્તાઈ આવી ગઈ હતી.


એના આગ્રહથી એક રાત એના ઘરે રોકાવાનું મેં નક્કી કર્યું. અમે રિક્ષામાં બેઠા એટલે મેં પૂછ્યું : ‘જિંદગી કેવી ચાલે છે દોસ્ત ?' એણે મારી સામે એવી રીતે જોયું જાણે જિંદગી શબ્દથી એને કોઈ જ નિસ્બત ન હોય . એની આંખો સૂકાયેલી અને બેરંગ હતી. મેં વિચાર્યું કદાચ કામ કરીને થાકી ગયો હશે...


વરસાદી વાતાવરણમાં સંધ્યા ખીલી હતી. કુદરતે રંગોને છુટ્ટા હાથે આકાશના ચોગાનમાં વેર્યા હતા. મેં રાકેશને કહ્યું : 'યાર તું કેટલો નસીબદાર છે કે તને મુંબઈમાં આવી સંધ્યા જોવા મળે છે.' એણે રિક્ષાની બહાર દૂર આકાશ તરફ નજર કરી. 'પણ મને તો આખું આકાશ વાદળોથી ઘેરાયેલું લાગે છે. થોડા વખતમાં વરસાદ પડશે દોસ્ત. આપણે જલ્દી ઘરે પહોંચી જવું પડશે...'


અમે ટ્રેનમાં બેઠા એટલે એણે એની બેગ ખભેથી ઉતારી સામાન મૂકવાની અભરાઈએ મૂકી. એક પછી એક બધા પ્રવાસીઓએ પોતાની બેગ અભરાઈએ ચઢાવી. બધી બેગના રંગ કાળા જ હતા ! હું રાકેશને ખૂબ સારી રીતે ઓળખતો. રાકેશ કાળી બેગ તો શું કાળી છત્રીએ ન વાપરતો એટલે મેં રાકેશને પૂછ્યું : 'રાકેશ, તું ક્યારથી આવી કાળી બેગ વાપરતો થઇ ગયો ?' એણે મારી સામે જોયું અને જાણે કંઈજ સમજ્યો ન હોય એમ ચહેરો ફેરવી લીધો.


'તને ખબર છે રાકેશ, જયારે આપણે પહેલીવાર કોલેજમાં મળ્યા હતા ત્યારે તે મને કહ્યું હતું કે તને પીળો રંગ બહુ જ ગમે છે. એમાં પણ પીળા રંગનું સૂરજમુખી તો બહુ જ. તું તો શિયાળામાં સૂરજમુખી પર જામેલા ઝાકળના રંગોને પણ ઓળખતો, પછી બે મહિના પછી તે કહેલું કે પીળો રંગ શિયાળામાં પહેરીયે તો એના પર કાળા રંગની નાની જીવાત ચોંટે છે. પછી તને બ્લ્યુ રંગ ગમવા લાગેલો. કોલેજના ત્રણ વર્ષ પછી તારો ફેવરેટ કલર ગુલાબી અને લાલ હતો. તું બધા જ રંગોને ચાહી શકતો હતો નહિ ?'


રાકેશનો ચહેરો સપાટ હતો, કોઈ પણ ભાવ વગરનો. એણે મારી સામે જોયું અને પૂછ્યું ‘તું રંગોની વાત કરી રહ્યો હતો ?' અને જવાબની રાહ જોયા વગર જ બારીની બહાર જોવા લાગ્યો. હું રાકેશના આવા વિચિત્ર સ્વભાવથી અને હાવભાવથી ડઘાઈ ગયો. શું રાકેશના જીવનમાંથી સાચે જ રંગની બાદબાકી થઇ ગઈ હતી ? કે સમયના આ પડાવ પર, વ્યસ્તતાની વચ્ચે એણે રંગોને પોતાના જીવનમાંથી જાકારો આપ્યો હતો ? કેટલાય પ્રશ્નો મારા મગજમાં ઘુમરાયા કરતા હતા. એવી તો શું ઘટના રાકેશના જીવનમાં બની હશે જેણે એને એના અસ્તિત્વથી જ દૂર કરી દીધો ? અમે રાકેશના ઘરે પહોંચ્યા. એના ઘરમાં પ્રવેશતા જ એક વિચિત્ર, ન સમજાય એવી બેચેની મને ઘેરી વળી. એની પત્ની રસોડામાં મચી પડી હતી, જે એક વાર બહાર આવી પછી જાણે અદ્રશ્ય જ થઇ ગઈ. એની દીકરીએ બેડરૂમમાંથી એક અછડતી નજર અમારા તરફ નાખી અને પાછી એનું હોમવર્ક કરવા મંડી. ત્રણ જણના આ પરિવારમાં ત્રણે વ્યક્તિઓ જુદી જુદી દિશામાં જોઈ રહ્યા હતા જાણે.

રાત્રે ડિનર કર્યા પછી હું અને રાકેશ સોસાયટીના ગાર્ડનમાં આંટા મારી રહ્યા હતા. ત્યારે મેં એને પૂછ્યું: 'તું જિમ કરતો લાગે છે, બહુ જ ફીટ લાગે છે.'

'હા, પણ ફક્ત પચીસ મિનિટ. પછી ૭:૦૫ની મારી ટ્રેન હોય જે મને ૯ વાગે ઓફિસ પહોંચાડે અને પછી તો કામ અને કામ જ. સાંજે ઘરે આવીને ફ્રેશ થઈને, જમીને સૂઈ જવાનું અને સીધો બીજો દિવસ....' એણે ખૂબ સહજતાથી કીધું.


એના આવા જવાબો મને સાચ્ચે જ અકળાવી રહ્યા હતા. મારા દરેક પ્રશ્નોના એ અછડતા જવાબ આપી રહ્યો હતો પણ હવે મારાથી ન રહેવાયું અને મેં પૂછી જ લીધું: 'રાકેશ તું તો સાવ બદલાઈ ગયો છે દોસ્ત. તું આવો તો નહોતોજ. મેઘધનુષને આંખોમાં આંજીને ફરતો'તો તું ; હવે આ આંખોમાં શું આંજ્યું છે તે ?' એણે મારી સામે જોયું, એની આંખો તરલ હતી. એમાં રંગો હતા કે નહિ હું જાણી ન શક્યો. એવામાં એની દીકરી આવી : 'પપ્પા ચાલો, રાત બહુ થઈ ગઈ છે. આમપણ તમને કલર બ્લાઈંડનેસ છે એટલે તમને તો ખબર નહિ પડે. ચાલો સૂવા....'


'કલર બ્લાઈંડનેસ ? કેવી રીતે ?' હું પૂછવા જ જતો હતો એ પહેલા જ રાકેશે કહ્યું: 'કામની દોડભાગમાં ટ્રેનમાંથી પડી ગયેલો ત્યારથી જ... જેમ વિવિધ રંગોની ચકરડી આપણે ઝડપથી ફેરવીએ અને બધા જ રંગ જાણે એકમેકમાં ભળીને સફેદ રંગ બની જાય અને પછી આપણે જ એમાંથી રંગો છુટ્ટા પાડવા મથીએ છીએ.' એ હસ્યો અને ઘર તરફ ચાલવા મંડ્યો અને થોડીવારમાં તો અંધારામાં ખોવાઈ ગયો...


Rate this content
Log in