દાદીમા
દાદીમા
વિનાયક બહારથી આવીને સીધો દાદીમાના રૂમમાં ગયો, પગે લાગ્યો, પાસે બેઠો. બહારથી વિનાયકની મમ્મી, પપ્પા પૂછી રહ્યાં હતા, કે વિનાયક શુંં થયું આજે ? પણ વિનાયક દાદી સાથે વાતમાં મશગુલ હતો. દાદી આજે તમારા આર્શીવાદથી મને સારી કંપનીમાં જોબ મળી ગઈ સાથે રહેવા માટે ફ્લેટ પણ આપવામાં આવ્યો છે, આપણે બંને હવે ત્યાં રહેવા જતા રહીશું.
દાદી અને વિનાયકની વાત સાંભળી, વિનાયકના મમ્મી, પપ્પા અશોકભાઈ અને સ્મિતાબેન અંદર આવ્યા, "શું દાદી, દીકરો ગુસપુસ કરો છો ? અમને તો કંઈક કહે, અમને પણ તારે વાત કરવી જોઈએ", "હું પણ વિનાયકને એ જ કહેતી હતી કે તારે પહેલા મમ્મી, પપ્પાને કહેવું જોઈએ."
"ઠીક છે હવે, બોલ વિનાયક શું વાત છે."
વિનાયકે દાદી સામે જોયું, દાદીની આંખો પણ હકાર દર્શાવતી હતી, "મમ્મી, મને સારી કંપનીમાં જોબ મળી છે, સાથે રહેવા માટે ફ્લેટ પણ આપ્યો છે, હું અને દાદીમા ત્યાં રહેવા જવાના છીએ, પણ દાદી ના પાડે છે, હું દાદી વગર જવાનો નથી બસ આજ વાત છે." "શુંં આજ વાત છે ?"
"તને આ વાત સામાન્ય લાગે છે, અમારો તારી ઉપર કોઈ હક્ક, અધિકાર નથી શું ?"
"મમ્મી, પપ્પા જ્યારે તમે હક્ક, અધિકારની વાત કરી છે, તો મારે તમને કઈક પૂછવું છે, કહેવું છે........"
અશોકભાઈના પિતાશ્રી સરકારી નોકરીમાં હતા, સારા હોદ્દા ઉપર હતા, તેમણે ધાર્યું હોત તો સારા પૈસા ભેગા કરી શક્યા હોત, પણ તેમણે ઈમાનદારી, ખુદારી, સ્વમાન, પ્રતિસ્થાને પ્રાધાન્ય આપ્યું, અશોકભાઈને ઉચ્ચ શિક્ષણ આપ્યું, પણ અશોકભાઈ એ નોકરી કરવાને બદલે ધંધો નાની ઇન્ડસ્ટ્રીથી શરૂ કર્યો, અને સામ, દામ, દંડ અને ભેદની નીતિથી થોડા સમયમાં સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં તેમની ગણના થવા લાગી. અશોકભાઈના પિતા એ આ બાબતે ઘણી વખત ચર્ચા કરતા, પણ અશોકભાઈ તેમની ઘડપણ નીતિ ગણી ને અવગણતાં. અને બિઝનેસની વ્યસ્તને લીધે વિનાયક સાથે પણ મુલાકાત બહુ ઓછી થતી.
સ્મિતાબેન સોશ્યિલ વર્કર હતા અને સતત બહાર રહેતા, મોટા ભાગે સ્મિતાબેન અને વિનાયકની મુલાકાત ઔપચારિક રહેતી, એમ કહી શકાય કે વિનાયક દાદીમાની નિશ્રામાં જ મોટો થયો. આ બધી બાબત વિનાયક જેમ જેમ મોટો થતો ગયો સમજતો ગયો અને લાગણીનું બંધન દાદીમા સાથે અતૂટ થતું ગયું, તેને એ પણ સમજાઈ ગયું કે મમ્મી, પપ્પાને પોતાની લાઈફ સિવાય કોઈનું મહત્વ નથી. તેના જન્મદાતા માતા, પિતાનું પણ નથી. આથી વિનાયકે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે પોતે પગભર થાય એટલે દાદીના કર્મનું વળતર વાળી દઈશ......આજે એ જ વાત દાદી, દીકરા વચ્ચે થતી હતી.
"હા, મમ્મી...હા, પપ્પા તમારી વાત સાચી છે, તમારો મારી ઉપર હક્ક અને અધિકાર બંને છે, પણ મને એ સમજાવો, તમે દાદાજીનો આદર કેટલો કર્યો ? દાદાજીને તમારો થોડો જ સમય જોઈતો હતો, તમે કેટલો આપ્યો ? અને મમ્મી તમે તો સોશ્યિલ વર્ક માટે ઘર જ ભૂલી ગયા હતા, ઘરનું સંચાલન કામવાળા ઉપર આધારિત હતું, દાદીમાને તેમાં હસ્તક્ષેપ કરવાની પણ છૂટ નહોતી. આ ઉપરાંત તમે દાદીનો આખા દિવસનો રિપોર્ટ કામવાળા પાસેથી મેળવતા હતા. હું આ બધુ જ જોતો તો પણ કઈ કરવા માટે નાનો હતો એટલે લાચાર હતો, આજે પગભર અને સક્ષમ થઈ ગયો છું. તમારી જેમ મારો નિર્ણય હું પોતે જ લઈશ અને તે છે હું ને દાદી મારા કંપનીએ આપેલા ફ્લેટમાં રહેવા જઈશુંં."
અને મમ્મી, પપ્પા જ્યાં સુધી દાદીનું સાનિધ્ય છે ત્યાં સુધી હું અને દાદી સાથે રહીશુંં, તે પછી તમે પણ ઈચ્છા થાય તો મારી સાથે રહેવા આવી શકો છો, કે પછી મારી ઈચ્છા થશે તો હું આવીશ, પણ તમારા પ્રત્યેની સાથે રહેવા સિવાયની સંપૂર્ણ ફરજ હું બજાવીશ. જેથી તમને સમજાય કે માતા, પિતાને દીકરા એ આપેલા થોડો તો થોડો સમયની કિંમત કેટલી હોય છે, એ સમયને અમૂલ્ય સમય ગણી વાગોળતા હોય છે.
વિનાયકની વાત સાંભળી અશોકભાઈ અને સ્મિતા સ્તબ્ધ થઈ ગયા, ઘડીક તો શુંં કહેવું એ ગડમથલમાં પડી ગયા, કારણ કે વિનાયકની વાત સંપૂર્ણ સાચી હતી એ વાતથી તેઓ સહમત હતા.
"હા, બેટા વિનાયક તારી વાત સાચી છે, પણ એની આટલી મોટી સજા, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે."
"પણ પપ્પા બહુ મોડું થઈ ગયું, દાદીમાના, દાદાજીના એ ઘૂંટન, મૂંઝવણ, અસહાયતા, વિવશતાના દિવસો પાછા નહીં આવે. મને તમે જે પ્રેમથી વંચિત રાખ્યો એ સમય પાછો નહીં આવે, તો પછી મારા નિર્ણયમાં ફેરફાર શું કામ આવે, છે તમારી પાસે જવાબ ?"
અશોકભાઈ એ સ્મિતા સામે જોયું, બંનેની આંખોમાં પસ્તાવાના અંકુર ફૂટતા દેખાયા, આજે પોતાનાં જ સંતાને નવી રાહ કંડારી હતી. લાલ અને લીલી ઝંડીનું મહત્વ સમજાવ્યું હતું બંને એ દાદી અને વિનાયક સામે જોયું, આંખોમાં ક્ષમા યાચના અને નિર્ણય બદલવાની વિનંતી હતી. પણ વિનાયકના નિર્ણય સામે વ્યર્થ થતી દેખાણી.
"દાદીએ, વિનાયકને કહ્યું, બેટા, તું સમયની સંગાથે ઘણો સમજણો થઈ ગયો, મને તારી ઉપર, તારી વિચારસરણી ઉપર ગર્વ છે, પણ બેટા જે થયું એ થયું, અશોક, સ્મિતાને સમજાયું, તો આપણે ઊગતાં સૂરજની સંગાથે શું કામ ના રહીએ ? તો આપણે સાથે રહી વિતેલ સમયને વ્યાજ સાથે વસૂલી ઘરને નવ પલ્લીત કરી દઈએ, એવી મારી ઈચ્છા છે."
અશોકભાઈ, સ્મિતા અને વિનાયકે એક સાથે હર્ષથી કીધું, "હા, બા, દાદીમા...અમે તમારા નિર્ણય સાથે સહમત છીએ."
