ચંદ્રદર્શન
ચંદ્રદર્શન
રવિના જુહુ-બીચ પર ઊઘડતો તડકો અને ઊછળતો દરિયો માણી રહી હતી. ઉપર ઝળુંબી રહેલું નીલું આકાશ મોજાના રવ સાથે તાલ મિલાવી ધીમું ધીમું ગુંજન ફેલાવી રહ્યું હતું. આકાશ અને મોજાંની લયબધ્ધતા ક્ષિતિજે અડકીને પાછી ફરતી હતી.
લગ્ન પછી તે મુંબઈ સ્થિર થઈ હતી. શહેરના પોશ વિસ્તારમાં તેનો વિશાળ ફ્લેટ હતો. છતાં તેનો પતિ નિમિષ, દરિયા કિનારે આવેલી હોટેલમાં એક સ્યૂટ બૂક કરાવી રાખતો. જેથી વીક એન્ડ કે રજાના દિવસોમાં શહેરની ભીડ, ઘોઘાંટથી દૂર રીલેક્સ થઈ જવાતું હતું.
જોશભેર ઊઠતા દરિયાના મોજાં કિનારે અથડાતા, રેતીના સ્પર્શે ફીણ-ફીણ થઈ સરકી... વહી જતાં. પણ, એક જ વખતના સ્પર્શથી દરિયાને ક્યાં સંતોષ હતો? તે વારંવાર રેતીને ભીંજવતો, બીજી પાળે નજીક ખેંચી લેતો. રવિના આ દ્રશ્ય સાથે ભીંજાઈ રહી હતી.
અચાનક તેની નજર હોટેલ તરફ વળી. હાથમાં ફોન લઈ એક યુવકને લોંજમાંથી પસાર થતા જોયો. તેને પોતાની આંખ પર વિશ્વાસ ન બેઠો. સુખદ આંચકા સાથે બેઠી થઈ ગઈ. એ ફોન પર વાત કરી રહ્યો હતો. ચીર પરિચિત, ઘેરો મીઠો અવાજ...! હા..., તે શશી જ હતો...!
મનમાં સુરતનો દરિયા કિનારો ઊછળવા લાગ્યો. મકાઈ શેકવાની સુગંધ, મોજાનો સ્પર્શ, ફીણ-ફીણ થઈ વળગી પડતી લાગણી. શશી અને એ, મોજાં સાથે સારી જતી રેતીમાં પોતાના પગલાંની છાપ ઉપસતી, વિસ્તરતી જોઈ રહેતાં. શશીના ખભે માંથુ ટેકવી તે પૂછી બેસતી, “શશી, ભરતી આવે કે ઓટ, મોજાં અને રેતીનો સબંધ એક જેવો જ રહે છે. આપણો પણ એવો જ રહેશે ને?"
શશી તેનો હાથ પકડી, આંખમાં આંખ પરોવી હસી પડતો. એ પછી રવિનાને જવાબની કોઈ જરૂર રહેતી નહિ. બંને સાથે મળી દરિયાની ભીની રેતીમાં મહેલ જેવું ઘર બનાવતાં. તેને છીપલાં અને કોડીથી સજાવતા, એ મહેલની આસપાસ વિસ્તરેલા પોતાના સામ્રાજ્યમાં નિર્બંધ થઈ વિહરતાં.
પરંતુ,..... અચાનક રવિનાની "માં"નું મૃત્યુ અને ઘરમાં ઊઠેલું આર્થિક સંકડામણના ચક્રવાતે રવિનાને શશીથી ખૂબ દૂર.... ધકેલી દીધી. સામાજિક-રિવાજ સામે લાચાર તેના પિતાએ રવિનાના લગ્ન મુંબઈના જાણીતા ઉધોગપતિ નિમિષ સાથે કરી દીધા.
ખૂબ ઝડપથી, એક પછી એક આઘાત ભૂલતી રવિના, નિમિષની પત્ની અને ત્રણ વર્ષની આહનાની મમ્મી બની મુંબઈ આવી ગઈ હતી. તે હવેલી જેવા મોટા ઘરમાં પત્ની અને માંની બેવડી જવાબદારી નીચે નવપરિણીત-મુગ્ધા ક્યાંયે દબાઈ જતી. રવિના તેમાં ઘરસંસારમાં ગોઠવાઈ જવાનો સતત પ્રયત્ન કરતી, છતાં શશીને કદી ભૂલી શકી ન હતી.
નિમિષના ઘરમાં પૈસાની ખોટ ન હતી. બીજી કોઈ જવાબદારી પણ નહોતી. હતો માત્ર નિમિષનો ગરમ મિજાજ... પૈસાનો ઘમંડ અને માલિકી ભાવ...!
નિમિષ જયારે ઘરમાં હાજર હોય ત્યારે વંટોળ પહેલાની શાંતિ છવાયેલી રહેતી. વાતે વાતે તેને વાંકું પડતું. સતત હુકમ છોડ્યા કરતો, 'રવિના, મારા શૂઝને પોલીશ કર્યું...? આજે નાસ્તામાં શું બનાવ્યું છે? થેપલાંને ઢોકળાં તારા પૂરતાં જ રાખજે. કોઈ ચાઇનીઝ ડીશ આવડે છે, તો બનાવ! આ મારા ઇટેલિયન-શર્ટ સાથે મેચિંગ ટાઈ તો કોણ જાણે ક્યાં એ સાચવીને મૂકી હશે? હાઈ સોસાયટીની મેનર્સ, આવડશે ક્યારે તને? આના કરતા તો અભણ બૈરું સારું!' તે દર વખતે નિમિષના ગુસ્સાથી બચવા લાખ કોશિશ કરતી, છતાં ખારી-ખારી નિસહાયતા તેની આંખોથી છલકી જતી..! અને.. શશી તેના અસ્તિત્વમાં ફૂટી નીકળતો...!
કોલેજકાળ દરમિયાન તે અને શશી એક જ વર્ગમાં સાથે બેસતાં. શશી બધી નોટ્સ જાતે તૈયાર કરતો. પરીક્ષા પહેલા રવિનાને પહોંચાડતો. ન સમજાતા ટોપિક પણ સોલ્વ કરાવતો. રિઝલ્ટના દિવસે બોર્ડ પર રવિનાનો પ્રથમ-ક્રમાંક જોઈ સહુથી વધુ ખુશી શશીને થતી. રવિના બધાના અભિનંદન ઝીલતી હોય ત્યારે શશીની આંખોનો નેહ સહસ્ત્રધાર બની તેના પર વરસતો.
ભૂતકાળની ભિનાશ છુપાવતી તે વર્તમાનમાં પાછી ફરી. શશી લિફ્ટની રાહમાં કોરીડોરમાં ઊભો હતો. ઉતાવળા ડગ ભરતી તેની પાસે આવી, બોલી પડી, 'શશી...!' – તે તેના તરફ ફર્યો. આંખોમાં ઓળખાણ છતી થઈ ન થઈ ...! તેણે તદ્દન અજાણ્યા થઈ સમો પ્રશ્ન કર્યો,' તું..? અહિયાં..? – તેના બરફ જેવા પ્રતિસાદથી ધ્રુજી ગઈ..! પોતાના અસ્તિત્વમાં ઊભરાતી ઉષ્મા સાથે પૂછી બેઠી, 'ન ઓળખી મને..? પણ..., તું મુંબઈમાં..?"- તેના એકપણ પ્રશ્નનો જવાબ શશીએ આપ્યો નહિ. નીચે આવેલી લિફ્ટમાં દાખલ થઈ ઉપરના ફ્લોર પર જતો રહ્યો.
ભાંગેલા પગે તે પોતાના સ્યૂટમાં પાછી ફરી. લગ્ન પછી નિમિષના તુંડ મિજાજ અને પાશવી વર્તનથી તે ભાંગી પડી હતી, ત્યારે એકમાત્ર શશી તેનું બળ હતો.
એ ફરી રોજિંદી ઘટમાળમાં પરોવાઈ ગઈ. શશીને જોયા પછી એક આશા બંધાઈ હતી. મનમાં અનેક સવાલ આવ્યા હતા. આ શહેરમાં હશે..? અહીં બીઝનેસ શરૂ કર્યો હશે? પહેલા કરતા હવે તેનું શરીર ભરાયું હતું. એકદમ આધુનિક સ્માર્ટ પર્સનાલિટી ધરાવતો થયો હતો. તેણે લગ્ન કર્યા હશે કે..? અગણિત સવાલો છતાં, શશિનું ઠંડુગાર વર્તન પોતાને ઓળખી જ ના હોય તેવા હાવભાવ યાદ આવતા, તે નિરાશ થઈ જતી.
બે ચાર દિવસ આમ, અવઢવમાં જ ગયા. નિમિષને જાણ ન થાય તે રીતે પોતાની બહેનપણી મીતાને ફોન કરી શશીના સમાચાર પૂછી લીધા. માત્ર એટલું જ જાણવા મળ્યું કે, એ થોડાક મહિનાથી મુંબઈમાં છે. બિઝનેસ કરે છે. સારું કમાય છે. એટલે એને શશિનો ફોન નંબર અને ઘરનું સરનામું પણ મેળવી લીધા.
તેને શશી સાથે કેટલી વાતો કરવી હતી? ઘણું બધું કહેવું હતું. રેતીમાં સરકતી તેની જીવન-નાવ મોજાં અને કિનારા વચ્ચે અથડાઈ રહી હતી, ત્યારે શશી ક્યાં હતો?
સૂર્યાસ્ત સમયે સુરજની લાલી શરમના શેરડા બની રવિનાના ગાલે લીંપાતી, ત્યારે મોજાં સાથે ઘસડાઈ આવેલા કાંટા, ઝાંખરા દૂર કરી, નાનો અમસ્તો પથ્થર પણ તેના પગમાં ન ખૂંચે તેની કાળજી શશી રાખતો. રવિનાનું માન-સમ્માન સાચવવા કોલેજમાં કોઈની પણ સાથે લડી પડતો. એટલે જ લાંબા સમયથી બંને દૂર હોવા છતાં, શશી અંતરથી એક ઘડી પણ વિસરાયો નહતો.
ધમસમતા મોજાં જેવો તેમનો પરિણય, સંજોગોના વમળમાં ડૂબી ગયો હતો કે શું..?
પ્રશ્નો... પ્રશ્નો... પ્રશ્નોના અગણિત પરપોટા થતા રહ્યા, ફૂટતા રહ્યા..!
એક દિવસ હિંમત કરી શશીને ફોન જોડ્યો. સામે છેડે કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો. ચોંકી ઊઠી. ફોન મૂકી દીધો..!
કેટલીયે શંકા, આશંકા, ડર અને ભય ઘેરી વળ્યા. શશીના મમ્મીને ગુજરી ગયા તો વર્ષો થયા. એક માત્ર બહેન લંડન સાસરે હતી. રાત્રીના આટલા મોડા શશિનો ફોન ઉપાડે, તે સ્ત્રી શશીની પત્ની જ હોવી જોઈએ...! રહ્યો સહ્યો આશાનો તાંતણો તૂટી ગયો.
હવે કોઈ કામમાં તેનું ધ્યાન રહેતું નહિ. નિમિષનો ગુસ્સો વધુ ઠલવાતો. પોતાના મનનો ઘૂંઘવાટ તે રોકી શકતી નહિ. તેના ગુસ્સાનો ભોગ નાનકડી દીકરી આહના બનતી.
માનસિક ઉત્પાત વધી રહ્યો હતો. શશીને મળવાની ઈચ્છા તીવ્ર થતી ચાલી. મથામણ ઓછી કરવા શશીને રૂબરૂ મળી લેવું. તે વિચાર સાથે એક ઢળતી સાંજે શશીના ઘર તરફ ઉપડી.
ઘર શોધતા કંઈ વાર ન લાગી. દૂરથી તેની નેઈમપ્લેટ વાંચી શકાતી હતી. ઘર આંગણે નાનોશો બગીચો હતો. ખૂબ સુચારુ રીતે છોડ, કુંડાની ગોઠવણ નજરે પડી. હિંચકા પર શશી સાથે એક સુંદર સ્ત્રી દેખાઈ. તેના પગ અટકી ગયા. તેની શંકા સાચી પડી હતી. તે જરૂર શશીની પત્ની હતી.
બંનેના હાથમાં ચા ના કપ હતા અને વાતોમાં મશગુલ હતા. નાનકડા બગીચામાં જુઈ અને મોગરો સાથે-સાથે, પાસે-પાસે ખીલી ઉઠ્યા હતા.
એ ત્યાંથી પછી ફરી ગઈ. અચાનક તેની નજર આકાશ તરફ ગઈ. પશ્ચિમ આકાશે બીજનો ચંદ્ર ઝળુંબી રહ્યો હતો. તેને માં યાદ આવી. તે કહેતી, 'રવિના, બીજના દર્શન થાય એ તો શુકન કહેવાય. ઉત્પાત અને મુંઝવણનાં વાદળ દૂર થયા પછી જ ચંદ્રદર્શન થતું હોય છે.
આશીર્વાદ આપતી માની છબી નજરે થઈ.
એણે ધારી-ધારીને ચંદ્રદર્શન કર્યું.
પછી ધીમા મક્કમ પગલે પોતાના ઘર તરફના રસ્તે આગળ વધી ગઈ.

