છેલ્લો હૃદયપત્ર
છેલ્લો હૃદયપત્ર


હૃદયસ્થ વ્હાલી,
આઈ લવ યુ.. હું જાણું છું કે આવતીકાલ બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે કે તરત જ એક છાતીવસોયો ધબકારો પંખી બની કાલે ઊડી જાશે .. ને કદાચ પરીક્ષાના અંતિમ દિવસે છેલ્લીવારની મુલાકાત શક્ય ના પણ બને એથી આ હૃદયપત્ર લખી રહ્યો છું. સાચું કહું તો શું લખવું એ જ સમજાતું નથી. તારી અવિસ્મરણીય યાદોનાં પૂર હૃદયને ઘેરી વળે છે ને આંખોમાં ભીનાશ વ્યાપી ગઈ છે. તારાં પ્રેમને કાગળ ઉપર કેમ કરીને ચીતરું... હૃદયનાં ભાવ સૂમસામ બની બેઠા છે.
મા-બાપની ઈચ્છા વિરુદ્ધ આપણે કશું કરવું નથી. એ સહિયારો નિર્ણય સ્વીકારી હવે સંસ્મરણો વાગોળ્યા કરીશું. આ હૃદયમાં આજે ઉદાસીનું આસન જામ્યું છે. હવે તારો આ માસૂમ ચહેરો જોવા મળે કે ના મળે પણ આપણે સાથે વિતાવેલી યાદગાર પળો હૃદયની ધડકન બની હૈયામાં ધબકતી રહેશે.
અને હા.. વર્ગખંડની પાટલી પર કોતરેલાં નામ.. યાદ છે ને તને..?હવે એ નામ કોઈ મુગ્ધ પ્રેમીઓના ચહેરા પર સ્મિત તો લાવશે..પણ તારાં તસતસતા ચૂંબન વગર એ ઝૂરાપો અનુભવશે. આપણી પ્રથમ મુલાકાતનો સાક્ષી પેલો લીમડો પણ એકલતામાં ઝૂરે તો નવાઈ નહીં હોં..ને હું ઝૂરી ઝૂરીને ...!! તું યાર હરહંમેશ યાદ આવીશ.. સાચું કહું તો "આંખમાં આંસું લઈ ઝૂલવું.. અશક્ય છે તને ભૂલવું"
આમ તો કોઈની સાથે પ્રેમ થાઇ એટલે જગત આખાને એની જાણ થઈ જાય. આપણાં પ્રેમની જાણ પણ તારા શિક્ષક કાકાને થઈ ગઈ ને મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો ને તને પણ તારાં કાકા વતનમાં મૂકી આવ્યા. મને તો સ્કૂલમાં પછી બેસવા દીધો પણ તને તો છેક છેલ્લે આ બોર્ડની પરીક્ષા આપવા માટે બોલાવી..આ સમય મારાં માટે ખૂબ મુશ્કેલ બની ગયો હતો. મારા કારણે તારું ભણતર બગડ્યું એ વાતનું મને પારાવાર દુઃખ હતું.. હું તારો ગુનેગાર છું. હજી પણ એ વાતનો મને ખેદ છે. જો કે તે વાતને ક્યારેય યાદ ના કરી ને મને પણ એ વાત ભૂલી જવાનું કહી.. મારા મનનો ભાર હળવો કર્યો..તારો આ નિઃસ્વાર્થ પ્રેમ,નિર્વ્યાજ લાગણી મારા જીવનનું અમૃત છે.
તને યાદ છે આપણે પુસ્તકાલયમાં ચોરીછૂપીથી "મળેલાં જીવ" નવલકથા વાંચી હતી. એ નવલકથાની પંક્તિઓ રજૂ કરી મારી લાગણીઓ વ્યક્ત કરું છું.
"ભૂલ્યાં ભૂલાશે મહિયર માળખાં,
ભૂલી જશું મોસાળે વાટ,;
ઋણ ભૂલીશું ધરતી માતનાં,
ભૂલી જશું પોતાની જાત,
ભૂલી જવાશે કો અભાગિયા,
ભૂલી જવાશે પ્રીતની રીત,
પણ નહીં રે ભૂલાય એક આટલું,
કો'ક દન કરી'તી પ્રીત""
નહીં ભૂલાય.. નહીં ભૂલાય.. નહીં ભૂલાય..તારી આ પ્રીત નહીં ભૂલાય.
અંતમાં એટલું જ કહીશ સદા ખુશ રહેજે... ભૂલચૂક માફ કરજો..બસ... જીવ્યા મર્યાના આ આખરી સલામ...આઈ લવ યુ.
લિ. ભવોભવ તને ઝંખતો "સાગર"