છેલ્લી મુલાકાત :પસ્તાવો
છેલ્લી મુલાકાત :પસ્તાવો


સમય પસાર થઇ રહ્યો હતો. શુ બોલવું એ ખબર નહોતી પડતી. યસ્વી અને ગર્વિત મળ્યાં હતા, પોતાના દિલની વાત એકબીજાને કહેવા માટે, પણ કંઈ જ કહી શકતા નથી. બંનેની આંખો વાતો કરે છે, આંસુઓની ચોધાર ધારા વહી રહી છે. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા. પરિવાર પણ એકબીજાને સારી રીતે ઓળખતો હોવાથી પરિવારની મંજૂરીથી લગ્ન કર્યા.
કહેવાય છે ને કે નવું નવું નવ દાડા.જેમ જેમ સમય પસાર થયો એમ એમ જવાબદારીઓ મળી. યસ્વીને ઘરની અને ગર્વિતને નોકરીની યસ્વીને લાગતું કે ગર્વિત ખાલી નોકરી પરજ ધ્યાન આપે છે અને ગર્વિતને થતું કે યસ્વી આખો દિવસ ઘરકામ કરે છે. બંને પોતાની જગ્યા પર સાચા જ હતા, કદાચ એમને સમય સાચવતા નહોતું આવડતું. સમય બધાને બધું શીખવી દે છે, જરૂર હોય છે ધીરજની. ગર્વીતે નવી નવી નોકરી ચાલુ કરી હતી એટલે રાત્રે થાક્યો પાક્યો આવીને સુઈ જતો, અને યસ્વીએ નવું નવું ઘર સાંભળ્યું હતું, એટલે બાપડી એ પણ થાકી જતી.
સમય જતા ક્યાં વાર લાગે છે, છ મહિનામાં બંનેના ઝગડાં એટલા વધી ગયા કે યસ્વી એના પપ્પાને ઘરે ચાલી આવી. ગર્વીતે યસ્વીને મનાવવાની ખુબ કોશિશ કરી પણ યસ્વી માનવા તૈયાર જ નહોતી. યસ્વીને એના મમ્મીપપ્પા એ સમજાવી. પરંતુ સમય જયારે ખરાબ હોય ત્યારે સાચું પણ દેખાતું નથી. એમ કરતા કરતા સાત મહિના જેવો સમય ગુજરી ગયો. યસ્વીને જાણવા મળે છે કે ગર્વિત અમેરિકા જઈને પાછો આવી ગયો છે. જેમ જેમ સમય પાણીની માફક વહી રહ્યો હતો એમ યસ્વીને એની ભૂલો સમજાઈ રહી હતી. બંને એકબીજાને સારી રીતે ઓળખતાં હતા, એને થયું કે એ ગર્વિત સાથે આવું કેવી રીતે કરી શકે. એને પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો.
હવે યસ્વીને લાગ્યું કે મારે ગર્વિત સાથે વાત કરવી જ રહી. ફોન હાથમાં લઇ નંબર ડાયલ કર્યો, પણ ફોન લાગતો નથી. કારણ કે ગર્વિત પણ યસ્વીને ફોન લગાડતો હોય છે. યસ્વી ફરી વખત પ્રયત્ન કરે છે. સામેથી ફોન રિસિવ થાય છે પણ એક પણ શબ્દ સાંભળવા મળતો નથી, છતાં યસ્વીને ખબર પડી જાય છે કે સામે ગર્વિત છે. બંને બે પળ માટે કંઈ જ બોલી શકતા નથી, છતાં ઘણું બધું બોલી જાય છે 'મૌન'માં. એક બીજાના શ્વાસ સંભળાય છે. 'કાલે ઘરે આવી જઈશ' એમ કહી યસ્વી ફોન મૂકી દે છે.
યસ્વીના પપ્પા યસ્વીને એના ઘરે મુકવા જાય છે. ઘરમાં પગ મુકતા જ એને જૂની યાદો મનમાં ઉભરી આવે છે. એ મનમાં ગાંઠ વાળીને આવે છે કે હવે ગર્વિત જોડે ક્યારેય ઝગડો કરીશ નહિ. રસ્તામાં વિચાર કરતા કરતા આવી હોય છે કે ઘરમાં જઈને ગર્વિતના નામની બૂમો પાડીશ, એને ગળે જઈને વળગી પડીશ.
ઘરમાં પગ મુકતા જ એના પગ ભાંગી પડે છે, ઘરનો નજારો જોઈ એ રડી પડે છે. એના તળિયેથી જમીન ખસી રહી હોય એમ ભાસે છે. ગર્વિત પલંગમાં સુઈ રહ્યો હોય છે, ઘરના બધા એની સેવા ચાકરીમાં લાગેલા હોય છે. યસ્વીને જોઈ ગર્વિતના જીવમાં જીવ આવેલો દેખાય છે. એ યસ્વીને એની પાસે બોલાવી જોડે બેસવા કહે છે. યસ્વી તો ભાંગેલા પગે એની પાસે જાય છે, મનમાં કેટકેટલા પ્રશ્નો ફેરફુદરડી રમતાં હતા. બંનેની આંખોમાં ચોધાર આંસુઓ વહે છે. યસ્વી જઈને ગર્વિતને વળગી પડે છે.
ગર્વિત કહે છે કે એ છ મહિના પહેલા જયારે એને છોડીને ગઈ એ પહેલા એ બીમારી અને નોકરીના કારણે ટેન્શનમાં રહેતો હતો, એટલે એ સમય આપી શકતો નહોતો. અને જયારે તું મને છોડીને ગઈ એ પછી હું સારવાર માટે અમેરિકા ગયો પણ ડૉક્ટરનું કહેવું છે કે એને કેન્સર છે, અને બચવાંના ચાન્સ બહુ ઓછા છે. આટલુ સાંભળતાં યસ્વીને પોતાનો જીવ જતો હોય એવો આભાસ થયો. જાણે બંને એકબીજાને વર્ષો પછી મળતા હોય એવું લાગી રહ્યું. બંનેને કહેવું ઘણું છે પણ બોલી શકતા નથી.
યસ્વી કહે છે કે હવે હું તને છોડીને ક્યાંય નહિ જઉ. તારા વગર હવે હું નહિ રહી શકું. ગર્વિતે કહ્યું કે હવે સમય નથી મારી પાસે. તું તારું જીવનની શરૂઆત મારી ઈચ્છાથી કરજે. તું મારાં ગયા પછી બીજા લગ્ન કરી લેજે, એવુ વચન યસ્વી પાસે લે છે. યસ્વી ગર્વિતની માફી માંગે છે, અને કહે છે કે જે સમયમાં એને એની જોડે રહેવું જોઈતું હતું ત્યારે એ દુર જતી રહી, ગર્વિત ભલે એને માફ કરે પણ એ ખુદને માફ કરી શકતી નથી.
બંને વાતો કરતા હોય છે અને ગર્વિતની આંખો મીંચાય છે. યસ્વી એને ઉઠાડે છે પણ ઉઠતો નથી કારણકે એ આ દુનિયા છોડીને જઈ ચુક્યો હોય છે. યસ્વી ઘરમાં આવી ત્યારે એ મનમાં વિચારતી હોય છે કે એના નામની બૂમો પાડીશ અને એને ગળે પડીશ, એ આવી રીતે પુરી થશે એ એણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. આ છેલ્લી મુલાકાત એના જીવનમાં ક્યારેય ના ભુલાય અને ખુદને માફ ન કરી શકનાર હતી. તે આખી જીંદગી ગર્વિતની ઈચ્છા અને એક પસ્તાવા સાથે ગુજારે છે.
યસ્વી એ છેલ્લી મુલાકાત સંભાળી આજે પણ યાદ કરી ઓશીકું ભીનું કરી સુઈ જાય છે.