Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

sujal patel

Tragedy Inspirational


5.0  

sujal patel

Tragedy Inspirational


ચારિત્ર્યનાં બીજ

ચારિત્ર્યનાં બીજ

10 mins 173 10 mins 173

ઉગમણી દિશાએ આવેલું સુંદરપુર ગામ આજુબાજુના સાત એક ગામો માનું એક વિકસિત અને મુખ્ય મથક હતું. ગામના મુખ્ય દ્વારથી સાહિઠ એક ડગલાં દૂર એક ધસમસતું બજાર આવેલું. ગામના મુખ્ય દ્વાર પર ગામનું વટ વૃક્ષ એવો એક મોટો ઘટાદાર લીમડો ગામની મુલાકાત લેતા લોકોના સ્વાગતમાં કાયમ ખડેપગે ઊભો રહી સ્વાગત કરતો હોય તેમ સદાકાળ શોભતો. આ લીમડાના સાનિધ્યમાં ઘણા લોકો પોતાની રોજી લઈને બેસતા તથા બરોબર મધ્યમાં વર્ષોથી એક મોચી બેસતો. લીમડાની છત્રછાયા બારેમાસ મળી રહેતી માટે ચોમાસા સિવાય મોચી લીમડાને નિરંતર પાણી પાતો. આમ તો નામ એનું પસાભાઈ પણ આખું ગામ તેને પસો કહીને જ બોલાવતું અને ઓળખતું એની કાયાના અંગો જાણે કે એના જીવનનો આછો પાતળો પરિચય આપતા હોય તેમ એના કાળા અને ધોળા રંગના સંગમ સાથેના જોગીની જેમ વધી ગયેલા માથા તથા દાઢીના લાંબા કેશ સમયની પાબંધી દર્શાવતા હતા. થીંગડા વાળા મેલા ડાટ લુઘડા તથા આંખના નંબરના ડાબલામાં જમણી બાજુની તૂટેલી દાંડીની જગ્યાએ જોડા સાંધવાનો બાંધેલો દોરો નાણાં ની તંગી તરફ સ્પષ્ટ ઈશારો કરી રહ્યો હતો. પોતાની જૂઠી ઉંમર પણ કદાચ યાદ નહીં હોય તેમ છતાં વૃદ્ધાવસ્થાના આગમનમાં મુખ પરની કરચલીઓ આતુર થઈ જાણે ઉપસી આવી હોય એમ લાગતું હતું. નાણાંની તંગી અને દહેજની બીકના કારણે અવિવાહીત દીકરીના લગ્નનો વસવસો કાયમ મનમાં ઘૂંટાયા કરતો અને એમાંય "બળતામાં ઘી હોમાય તેમ" પત્ની કાશીને વર્ષ પહેલા કમરની ગાદી ફાટી જતા પત્ની છેલ્લા વર્ષથી પથારીવશ હતી આમ પેટિયું રડવાનો ભાર તેને એકલે માથે હોય જીંદગીના છેલ્લા શ્વાસ સુધી શ્રમ કર્યા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. આમ છતાં આટલી ઉંમરે પુરા ખંતથી કામ કરી જાણતો. સવારે સૂર્યોદય પહેલા જ ઘરેથી ખભા ઉપર કોથળો લઈ ને થોડી વાંકી ચાલ પણ પેટ કરાવે વેઠની તાલાવેલી સાથે સમયસર આવી પહોંચતો. માંડ ત્રણ ચોપડીનો અભ્યાસ કર્યો હશે પણ "એમ. બી. એ" તથા "આઇ. આઇ. એમ" ના "માર્કેટિંગ મેનેજમેન્ટ" ને પણ માત આપે એવું પોતાના ધંધાનું માર્કેટિંગ થોડીજ સેકંડોમાં પોતાના સ્વ મુખે કરી દેતો. વધતી જતી આધુનિકતાના યુગમાં દિવસે ને દિવસે ચપ્પલ કે જોડા સંધાવનારા ઓછા થતા માટે હવે પસા એ ફાટેલી થેલી, કોથળા,તાપડા ને પણ થિંગડા મારી આપવાનું શરૂ કરી દીધેલુ જેમાંથી જે બે પૈસાનું પેટિયું રળી શકે. એક દિવસ પત્ની કાશીની તબિયત વધુ લથડતા નજીકના સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી થોડા દિવસ બાદ પણ હાલત ગંભીર રહેતા કોઈ મોટી સર્જરી કરવી પડે તેમ હોય મોટી હોસ્પિટલમાં બતાવવાની વાત સરકારી દવાખાનાના તબીબ દ્વારા કરવામાં આવી અને તેમાં ઓપરેશન નો ખર્ચ અંદાજે બે થી ત્રણ લાખ જેવો થાય તેમ હતો પણ નાણાંની તીવ્ર તંગી વચ્ચે એ કઈ શક્ય હતું જ નહીં માટે ભગવાન પર ભરોસો રાખી હવે પાછા ઘરે લાવી સેવા ચાકરી કર્યા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. આમ દરરોજ અડધી રાત પત્નીની દેખરેખ રાખવામાં અને દિવસ આખો મજૂરી કરવામાં જ જતો રહેતો. એક દિવસની વાત છે બાજુના ગામમાંથી મોતીલાલ શેઠ બજારમાંથી જરૂરી સામાન લઈ પોતાને ગામ જઈ રહ્યા હતા આજે તેમની મોટરસાયકલ બગડી હોય રિક્ષાની શોધમાં હતા ગધેડાની પીઠ પર વધારે પડતો સામાન મુકવાથી જેમ ગધેડાના મોતિયા મરી જાય તેમ મોતીલાલે થેલીમાં વધુ પડતો સામાન ભરવાથી થેલી એકદમ ત્યાં રસ્તામાં જ ફસકી ગઈ તેમાંથી સામાન બહાર પડે તે પહેલાં જ થેલી બે હાથે પકડી લીધી હવે તેમની હાલત બરોબર ના ઘરના કે ના ઘાટના જેવી હતી. બીજું કાંઈ વિચારે તે પહેલા જ થોડા કરકસ પણ સ્પષ્ટ અવાજનો રણકાર કાને ગુંજયો શબ્દો હતા "ઓ શેઠ. . . . . લાવો બે ટાંકા લઈ દઉં. . . . કે?"

તરસ્યો માનવી જેમ પરબ દેખી ઘેલો થાય તેમ મોતીલાલ શેઠ માટે પસો પરબ સમાન હતો અને સવારથી બોણીની રાહ જોતા પસા માટે મોતીલાલ શેઠ. ખેર આ સાંભળી મોતીલાલ શેઠને જીવમાં જીવ આવ્યો અને પાસે જઈ થેલીનો સામાન ત્યાંજ ખાલી કરી થેલીને થીંગડું મારવા આપ્યું આમ તો શેઠ હતા એટલે થીંગડું મારવાનું સપને પણ વિચાર્યું નઈ હોય તેમ છતાંયે પરિસ્થિતિ અને સમય ભલભલાને ઝુકાવવાની તાકાત રાખે છે એ સ્પષ્ટ જોઈ શકાતું હતું. શેઠે થેલી સાંધવા આપતાની સાથે પૂછ્યું કેટલા રૂપિયા લઇશ ભાઈ?

સામે થી જવાબ મળ્યો પાંચ રૂપિયા શેઠ.

શેઠે પૂછ્યું બસ ખાલી પાંચ જ?સામેથી ફરી જવાબ મળ્યો શેઠ કામ પ્રમાણે જ લેવાના વધારે મને નો ખપે. એક બાજુ શેઠને પાંચ રૂપિયા ઓછા લાગતા હતા ને બીજી બાજુ એજ પાંચ રૂપિયાથી પસા ને ભારોભાર સંતોષ હતો. હે માનવી! આ તે કેવી તારી સંતોષની પરિભાષા, જાણે સમજી શકાય તેમ નહોતી સામે શેઠ હોવા છતાં અને પોતે કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો હોવા છતાં એક રૂપિયો પણ વધારે ન લેવાની આવી નિષ્ઠા આજના સમયમાં ભાગ્યેજ જોવા મળતી પણ શેઠને તો એ જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો હતો તેની જાણ સુદ્ધા પણ નહોતી. થોડી જ વારમાં થેલીને થીંગડું મારી ચારેય કોરથી બરોબર તપાસીને ચોકસાઈ કરીને પાછી દીધી. શેઠે તરત ખિસ્સામાંથી દસ રૂપિયાની નોટ કાઢી ને આપી પરંતુ આ શું દિવસની કદાચ પહેલીજ બોણી હોય તેની પાસે સામે આપવા છૂટા પાંચ રૂપિયા પણ ન હોય શેઠને કહ્યું ઘડીક થોભો હું ઝટ છૂટ્ટા લઈને આવું છું. ચાલશે હવે. . . સામાન ભરતા ભરતા શેઠે કહ્યું પણ વળી પાછો એજ શબ્દ વગર મહેનતનો એક રૂપિયો પણ મને નો ખપે, ઉભારો' હમણાંજ લઈ ને આવું એમ કહીને પસો ચાલતો થયો ને બે થી ચાર દુકાને ફર્યો ૨ દુકાનો માં છૂટા આપવાની સામે વસ્તુ લેવાની માંગણી કરી પણ સવારથી પહેલી જ બોણી હતી અને હવે પછી બોણી થાય કે ન થાય એ પણ પ્રશ્ન હતો. આ બાજુ શેઠના ગામની રીક્ષા ભરાતા રીક્ષા વાળાએ દૂર થી બૂમ પાડી કે રીક્ષા ભરાઇ ગઈ છે હાલો આવું હોય તો આ સાંભળી શેઠે ઉતાવળમાં સામાન ભર્યો ને ચાલતા થયા ને તરત જ આ બાજુ ચોથી કે પાંચમી દુકાનેથી માંડ છૂટા મળ્યા કે હાથની મુઠ્ઠીમાં બે પાંચની નોટો વાળી પસો જેવો આવ્યો તો શેઠ દેખાયા નહીં આમ તેમ ફાંફા માર્યા કે તરતજ તેની નજર તેના કોથડાની બાજુમાં પડેલા પાકીટ પર પડી પાકીટ હાથમાં લીધું જોયું તો પાકિટની સાઈડમાં સેજ ખુલ્લી ચેઇન માંથી રૂપિયા ભરેલી નોટોના બંડલ સાફ દેખાતા હતા પણ આ પહેલા ક્યારેય એક સાથે આટલા રૂપિયા કદાચ જ જોયા હશે માટે થોડી વાર તો હાથ જાણે ધ્રુજવા લાગ્યા એને ખ્યાલ આવી ગયો કે આ પેલા શેઠનું જ હશે અને મનમાં કોઈ પણ બીજો અવળો વિચાર લાવ્યા વગર બાજુમાં પણ થોડે દૂર સાવરણીઓ વેચવા બેઠેલા ભાઈ ને પૂછ્યું પેલા શેઠ જોયા કય ભણી ગયા? પેલા ભાઈ એ ઈશારો કરી કહ્યું કે પેલી દૂર રીક્ષા ઉભી છે એ ભણી

આ સાંભળી તરતજ એક હાથમાં પાંચ રૂપિયાની નોટ અને બીજા હાથમાં શેઠનું પાકીટ લઇ જાણે કે હાથમાં આવેલી શેઠની અમીરીને પાછી સોંપવા સામે ઉભેલી રીક્ષાઓ ભણી થોડી હાંફતી ચાલે ચાલવા લાગ્યો. પ્રામાણિકતા જાણે પોતાનો રસ્તો શોધી રહી હોય તેમ પસો શેઠને શોધવા આકુળ વ્યાકુળ હતો. તેવામાં એક રીક્ષા જાણે ઉપડવાની તૈયારીમાં જ હતી ને શેઠની બાજુમાં લટકતી થેલી જોઈને બૂમ પાડી ઓ શેઠ. . . એવામાં જ શેઠે પાછું વળીને જોયું અને રીક્ષા ઉભી રાખી. શેઠને એમ કે આ એના છૂટા પાંચ રૂપિયા દેવા આવ્યો પરંતુ રીક્ષામાંથી ઉતરી બીજા હાથમાં પોતાનું પાકીટ પસા ની હાથમાં જોયું તો શેઠ દિગ્મૂઢ જ થઈ ગયા ને પોતાની થેલી ફમફોસવા લાગ્યા થેલીમાં પોતાનું પાકીટ હાથ લાગ્યું નઈ હવે ચોક્કસ ખ્યાલ આવી ગયો કે એ પોતાનું જ હતું. શેઠ કઈ બોલે એ પહેલાં પસા એ એક હાથમાંથી પાકીટ અને બીજા હાથમાંથી શેઠની પાંચ રૂપિયાની નોટ શેઠ તરફ ધરી. ખુશી અને આશ્ચર્ય સાથે શેઠે સ્વીકારી. શેઠ ખુશ થઈને પાંચ રૂપિયા પાછા આપ્યા પણ વળી પાછો પસા ના મુખે પેલો શબ્દ વગર મહેનતનું મને નો ખપે શેઠ.

ઘોર કળિયુગમાં આવી પ્રામાણિકતા જોઈ શેઠ જાણે અચંબો પામી ગયા. તેમની સામે સાક્ષાત હવે શીલતાની મૂર્તિ ઊભી રહી હોય તેવો ભાસ થવા લાગ્યો ને એમને પસા ને પૂછ્યું કે હું તારા આ ગુણ કેરૂ ઋણ કેમનું ચૂકવી શકીશ ? વિનંતીના સૂરમાં પસા એ બે હાથ જોડી એટલું જ કહ્યું કે તમારા ઘરમાં ક્યારે પણ તમારા જોડા તૂટે કે નાનું મોટું કઈ ફાટે ને સાંધીને ચલાવી લેવાય એવું હોય તો નવું લાવવાને બદલે મારી પાસે સંધાવજો એટલું કરજો બાપડા. શેઠે પૈસા અને બીજી ભીખ માંગતા ઘણા જોયા હતા પણ શેઠે પહેલીવાર જાણે પૈસાની જગ્યાએ કામની ભીખ માંગતો માણસ જોયો હતો. શેઠને જાણે આજે ખુદ ચારિત્ર્યના પારસમણિ નો સ્પર્શ થયો હોય એમ લાગ્યું હતું. અને શેઠને થયું કે આમ પણ આપણા રોજિંદા જીવનમાં ઘણી ચીજવસ્તુ નવી લાવવાને બદલે આપણે તેને ઠીક કરાવી ચલાવી શકીએ છીએ અને જેનાથી આવા ગરીબ બે પૈસા પણ કમાઈ શકે પણ આજના આધુનિક અને દેખાદેખીના જમાના આવું ભાગ્યેજ જોવા મળે છે અને આજે પસા જેવા ચપ્પલ કે જોડા સાધતાં લોક ઠેક ઠેકાણે જ જોવા મળશે કારણ તેમની પાસે સંધાવા જનાર આ જમાનામાં ગણ્યા ગાંઠ્યા જ હશે. પણ આમ વિચારો તો પસા જેવા લોકો આપણા જેવા લોકોના ચપ્પલ સાંધી પોતે પાંચ રૂપિયા કમાઈ ને સામે આપણા પંચાણું રૂપિયા બચાવતા હોય છે. શેઠને ઉતાવળ હોય શેઠ ઠીક છે કહીને નીકળી ગયા એમને તો હજુ પસાની સાચી પરિસ્થિતિની જાણ પણ ન હતી તેમ છતાંય પસાની પ્રામાણિકતા અને નિષ્ઠાએ તેમના હૃદયને દ્રવિક કરી દીધું હતું. એક બાજુ બીમાર પત્ની પાછળ નાણાંની ખૂબ જ જરૂર તથા દીકરીના હાથ લાલ કરવાની ચિંતા અને ખરચ માથે હોય અને એવી પરિસ્થિતિમાં ચાંદલો કરવા આવેલી લક્ષ્મીને ઠુકરાવીને સાચી વ્યક્તિને સોંપી દીધી અરે જેને મન પાંચ રૂપિયા પણ મહેનત વિનાના ખપે નહીં એને મન બીજાના કરોડ રૂપિયા પણ ધૂળ સમાન હતા. આજે તેને કઈ ગુમાવાનો અફસોસ ન'તો પણ એના કરતાં કંઈક સારું કરીને પામવાનો અનેરો આનંદ હતો.

થોડા દિવસ વીતી ગયા એક દિવસ પેલા શેઠનું ચપ્પલ તૂટી ગયું ને એમના મનમાં તેને સંધાવાની ખૂબ તાલાવેલી જાગી, ચપ્પલ સંધાવા કરતા તેઓને પાસાના પેલા એક ગુણ નો ઋણ ચૂકવવાનો તથા તેને માંગેલ કામ સોંપવાનો આજે એક સારો મેળ હતો માટે તૂટેલું ચપ્પલ સંધાવા એ સુંદરપુર આવ્યા પણ આ શું લીમડા નીચે પેલા પસાની જગ્યા ખાલી જોઈ વિચારમાં પડી ગયા આમ તેમ જોવા લાગ્યા પછી ક્યાંય નજરે ના ચઢતા તેમને નજીક બેઠેલા કોઈ ભાઈ ને પૂછ્યું આ અહીં પસો બેસતો હતો એ ક્યાં છે? સામે થી જવાબ મળ્યો ત્રણ દિવસ થયા એને ગુજરી ગયા ને આ સાંભળી શેઠ એકાદ મિનિટ જાણે સ્તબ્ધ થઈ ગયા ને થોડી વાર પછી પૂછ્યું શુ થયું હતું ભાઈ પસા ને? પેલા ભાઈ એ કહ્યું ચિંતામાં ને ચિતામાં હૃદયરોગનો હુમલો અને એ પણ અહીં આ જ જગ્યા પર. શેઠે સેજ ઉતાવળથી પાછું પૂછ્યું ચિંતા? સામે થી જવાબ મળ્યો હા નાણાંની તંગીને કારણે અવિવાહિત દીકરીની વધતી જતી ઉંમર તથા છેલ્લા એક વર્ષથી પથારીવસ પત્નીની ચિંતાની સમગ્ર કથની વર્ણવી અને કહ્યું કે પસા ના મોતના આઘાતમાં એની પત્ની પણ મૃત્યુ પામી અને એક સાથે તેની દીકરી એ મા-બાપ ને અગ્નિ દાહ આપ્યા. આ સાંભળી શેઠની આંખોમાં ઝળહળિયાં આવી ગયા. એક બાજુ આવું સાંભળી દુઃખ થયું ને સાથે સાથે તેમણે પેલુ પૈસાથી ભરેલું પાકીટ પરત આપેલી સમગ્ર ઘટના આંખોમાં તાજી થઈ ગઈ અને એ જ વિચારતા રહ્યા કે દીકરીનો વિવાહ અને પત્નીની બીમારી નો ખરચ ના એક બાજુ ભણકારા વાગતા હોય તેમ છતાં રૂપિયા ભરેલ પાકીટ એક મિનિટમાં પાછા આપવાની હિમંત! આવા ધોર કળિયુગમાં ચારિત્ર્યની સાક્ષાત મૂર્તિ સમાન એવા પસા પર તેમને ગર્વ તો હતો જ પણ હવે તેની સાચી પરિસ્થિતિ જાણ્યા બાદ પણ આવા નિષ્ઠાવાન વ્યક્તિત્વને યાદ કરી એમનો પસા તરફનો ગર્વ હવે આભની ઊંચાઈ આગળ પણ કઈ ન'તો.

માત્ર ત્રણ ચોપડી ભણેલા એક સામાન્ય વ્યક્તિના જીવનમાં આવા પ્રામાણિકતાના મૂલ્યોનું ઘડતર કરનાર તથા આવા "ચારિત્ર્ય ના બીજ" વાવનાર એની જનેતા ને લાખો વંદન હજો. આજે નજરસામે ચાલતા ધોમ ધક્કાર ભ્રષ્ટાચારના લોકમેળા વચ્ચે પણ ચાલતા આવા પ્રામાણિકતાના ચગડોળ ચલાવનારા પસા જેવા સામન્ય માણસો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હશે. એક ઉચ્ચ અભ્યાસ કરેલા અને શાહુકાર ગણાતા લોકોના જ્યારે લાંચ લેતા સમાચાર મળે ત્યારે થાય કે એનાથી આવા અભણ પણ પોતાના સંસ્કાર જાળવી રાખનાર પસા જેવા ગણ્યા ગાંઠ્યા લોકોના ઘડતર અને ઘડનારને ધન્ય છે કારણ કે ઘડનારે ઘડતર કર્યા પછી એ ઘડામણમાં ટકી રહેવું એ પણ કોઈ નાની સુની વાત નથી. વિચારોના વમળોમાં પરોવી ગયેલા મોતીલાલ શેઠના ખભા પર થોડી વાર પછી પેલા ભાઈએ હાથ મુકતા જ જાણે પેલા ગુજરાતી ચલચિત્રમાં બતાવ્યા મુજબ પાછા પોતાની મૂળ સ્થિતીમાં આવ્યા અને પેલા ભાઈએ પૂછ્યું શુ થયું શેઠ ? ક્યાં ખોવાઈ ગયા? કયાંય નહીં શેઠે બંને પ્રશ્નોનો એક જ જવાબ આપ્યો આ સાંભળી પાસે ઉભેલા પેલા ભાઈ એ પૂછ્યું કે તમારે અને પસાને વળી એવો તે કેવો સબંધ? ત્યારે શેઠે સરસ જવાબ આપ્યો એક નિષ્ઠાવાન, સંસ્કારી અને પ્રામાણિકતાભર્યા શ્રેષ્ઠ અને ઉમદા વ્યક્તિત્વના ગુણના ઋણનો સબંધ, ખરા જીવનની મૂડી તો આ ગુણો છે જે તમારા ગયા પછી પણ લોકો એને હરહંમેશ વાગોળે છે પણ તેમને બહુ મોટો અફસોસ હતો કે તેઓ બીજી વખત પસા ને મળી ન શક્યા કે એને માંગેલ કામ તેઓ આપી ના શક્યા. આજે પણ મોતીલાલ શેઠ જ્યારે પણ સુંદરપુર આવે ત્યારે એ લીમડા નીચે જ્યાં પસો બેસતો ત્યાં ઘણો સમય વિતાવતા. એ ખાલી જગ્યામાં આજે પણ પસો બેસીને કામ કરતો હોય તેવી આકૃતિ થોડી વાર ઉપસી આવતી અને થોડા સમય બાદ જાણે આપોઆપ અદૃશ્ય થઈ જતી હોય તેવો અહેસાસ તેમને થતો. પસાના વિરહમાં તેનો વર્ષોનો સાથી એવો પેલો લીમડો પણ રોજ સુકાતો જતો હોય તેમ તેની ડાળીઓ સંકેલી રહ્યો છે અને જાણે પસાના આઘાતમાં પડું પડું થઈ રહ્યો છે..!


Rate this content
Log in

More gujarati story from sujal patel

Similar gujarati story from Tragedy