Mahesh Sparsh

Children Others

3  

Mahesh Sparsh

Children Others

ચાંદામામા આવો

ચાંદામામા આવો

1 min
12.8K


એક હતા રાજવીબેન. એક વખત રાતે અગાશી ઉપર સૂતા હતા. સૂતા સૂતા આકાશમાં જોતા હતા. આકાશમાં ધોળા ધોળા ચાંદામામા દેખાયા. એ તો રાજવીબેન સામે જોઈને મરક મરક મલકાતા હતા. ચારેબાજુ ધોળુ ધોળુ અજવાળું વેરતા હતા.

રાજવીબેનને ચાંદામામા સાથે રમવાનું મન થયું. રાજવીબેન કહે,

‘‘ચાંદામામા જતા રહો,

આવજો, બાય, ટાટા કહો.’’

ચાંદામામા તો વાદળ પાછળ સંતાઈ ગયા. ચારે બાજુ કાળુંકાળું મેંસ અંધારું થઈ ગયું. રાજવીબેનને તો લાગી બીક. એમને તો રડવું પણ આવી ગયું. રડતાં રડતાં રાજવીબેન કહે,

‘‘ચાંદામામા, ચાંદામામા આવો,

ધોળું ધોળું અજવાળું લાવો.’’

ફટાક દઈને ચાંદામામા તો હાજર થઈ ગયા. ચારેબાજુ ફરીથી અજવાળું થઈ ગયું. રાજવીબેન તો રાજીના રેડ થઈ ગયા.

થોડીવાર થઈને ફરીથી રાજવીબેને ચાંદામામાને કીધું,

‘‘ચાંદામામા જતા રહો,

આવજો, બાય, ટાટા કહો.’’

ચાંદામામા તો વાદળમાં સંતાઈ ગયા. ફરીથી બધે અંધારું થઈ ગયું. પણ, આ વખતે રાજવીબેનને રડવું નહોતું આવતું. એમને તો ચાંદામામા સાથે સંતાકૂકડી રમવાની મઝા આવતી હતી.

પછી, રાજવીબેને ચાંદામામાને કીધું,

‘‘ચાંદામામા, ચાંદામામા આવો,

ધોળું ધોળું અજવાળું લાવો.’’

એ સાથે જ ચાંદામામા વાદળમાંથી બહાર આવી ગયા. રાજવીબેન તો ખુશ ખુશ થઈ ગયા. હવે તો એમને ચાંદામામા સાથે રમવાની બહું મઝા પડી. એ તો વારેઘડીએ ચાંદામામાને કહે,

‘‘ચાંદામામા જતા રહો,

આવજો બાય, ટાટા કહો.’’

ને ચાંદામામા વાદળમાં સંતાઈ જાય. પછી કહે,

‘‘ચાંદામામા, ચાંદામામા આવો,

ધોળું ધોળું અજવાળું લાવો.’’

ને ચાંદામામા વાદળમાંથી બહાર આવી જાય. આમ, રમતારમતા રાજવીબેનને ઊંઘ આવી ગઈ. ને એ સૂઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Children