બારી
બારી
કોઇ અણઘડ હાથે પિટાઇ રહેલા ઢોલનો ઘોંઘાટ એના મનને ખીન્ન કરી રહ્યો હતો. ક્યાંક દૂર દૂરથી શરણાઇના સૂર એના કાને અથડાયા. શરણાઇના સૂર પણ આજે એને બેસૂરા લાગતા હતા. રંગે ચડેલી ગામડાની ગોરીઓના કંઠેથી રેલાઇ રહેલા લગ્નગીતોની રમઝટ પણ એને પ્રસન્ન કરી શકી નહીં. વૈશાખના વાયરાની ગરમ – ગરમ લૂ એના બટરસ્કોચ જેવા ચહેરાને દઝાડી રહી હતી. એના હિમાલય જેવા કપાળ પર પડેલી કરચલીઓ ઉપર ઝૂલી રહેલા લાંબા કર્લી વાળ અને પ્રયત્ન પૂર્વક બીડી રાખેલી ગૂગલના ડૂડલ જેવી બે આંખો પરથી એની ખીન્નતા વધુ સ્પષ્ટ થઇ રહી હતી.
ઊડતી ઊડતી એક માખી આવીને એના ફેસબુકના લોગો જેવા નશીલા નાક પર બેઠી એટલે એણે આંખો ખોલી અને બીડાયેલા બે હોઠ વચ્ચેથી ધીરે રહીને ફૂંક મારીને માખી ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પછી તે કંઇ કેટલાય સમય સુધી વરસોથી બંધ રહેલી બારી તરફ તાકી રહ્યો.
“બેટા ! તું હા કહી દે એટલી જ વાર છે.” કૌશલ્યાબેને ધીરે રહીને એના કાને વાત નાંખી. પણ એણે જાણે કાંઇ જ સાંભળ્યું ના હોય એમ હાવભાવમાં જરાય ફેર લાવ્યા વગર મૌન બેસી રહેવાનું પસંદ કર્યું.
“ દીકરા બધું જ નક્કી થઇ ગયું છે. હવે તું ના પાડે તો...” કૌશલ્યાબેનની આંખોમાંથી આજીજી નીતરવા લાગી.
માની આંખમાં આંસુ જોઇને ઘડીક તો એ પીગળી ગયો. પણ, લાગણીપૂરમાં તણાય જવાય એ પહેલા એણે મન મક્કમ કરી કરી લીધું, “મમ્મી જ્યારે તમે બધું નક્કી કરી જ દીધું છે તો હવે છેલ્લી ઘડીએ મને પૂછવાનો શો અર્થ ? “ ખાસ્સીવારના મૌન બાદ એણે પોતાનો ઉકળાટ ઠાલવી નાંખ્યો.
“તારા માવતર થઇને અમે કાંઇ ખોટુ તો ના જ કરતા હોઇએ ને ? બધી વાતે ચડીયાતી વાત છે.” કૌશલ્યાબેને સાડીના પાલવથી આંખો લૂંછી નાંખી.
“એ બધું સાચું હશે પણ મેં તો એને જોઇ પણ નથી.” બે વરસ પહેલાં જ એણે ગ્રીષ્માને જોઇ હતી. પણ , એ પોતાની મૂંઝવણ યોગ્ય રીતે રજૂ ન કરી શકતા વાત ટાળવા ખાતર એણે ઉધડકીયો જવાબ આપી દીધો.
“બેટા રંગ, રૂપ, શીલ, સંસ્કાર કશાયની ખોટ રહે એમ નથી. ગ્રીષ્મા તો સો ટચનું સોનુ છે.” કૌશલ્યાબેને ગ્રીષ્માના વખાણ કરતા કહ્યું.
હવે, એ વધુ મૂંઝાયો. ગ્રીષ્મા સાથે લગ્ન કરવામાં એને આમ તો વાંધો નહોતો. બે વરસ પહેલાં એણે જ્યારે ગ્રીષ્માને જોઇ હતી ત્યારે જ તે એને ગમી ગયેલી. પણ અત્યારે એની મૂંઝવણ સાવ જુદી જ હતી. ઘરમાં એની મૂંઝવણ કોઇ સમજી શકતું નહોતું કે સમજવા તૈયાર નહોતું.
“તારા પપ્પાને તો ગળા સુધી વિશ્વાસ છે કે તું કોઇ દિવસ એમનું કહ્યું ટાળે જ નહીં.” એને આમ ચૂપ બેસી રહેલો જોઇને કૌશલ્યાબેને ફરીથી એનું ધ્યાન વાત તરફ દોર્યુ.
“અત્યાર સુધીની વાત અલગ હતી. પણ, આ તો મારી અંગત જિંદગીનો સવાલ છે. બંન્ને પક્ષે મનમેળ હોય તો જ લગ્ન શક્ય બની શકે. એ માટે અમારે એક બીજાને મળવુ જરૂરી છે.” તેણે કાંઇક વિચારીને કહ્યું.
“તારે ગ્રીષ્માને મળવુ જ હોય તો તેની સાથે મુલાકાત ગોઠવીએ પણ , હવે બધુ નક્કી થઇ ગયું છે એટલે તારે...”
“ના,મમ્મી. જો હા જ કહેવડાવવાની હોય તો પછી મારે એને મળવાની શી જરૂર છે ? બેમાંથી એક્ની પણ જો નામરજી હોય તો...”
કૌશલ્યાબેનને આઘાતસહ આશ્ચ્રર્ય થયું. તેમના માનવામાં જ નહોતુ આવતું કે એ આવું પણ કહી શકે છે ! એની આંખોમાં ડોકાઇ રહેલી મક્કમતા જોયા પછી તેમણે વધુ કાંઇ કહેવાની હીંમત ના કરી.
“આવતી કાલે ગ્રીષ્મા સાથે તારી મુલાકાત ગોઠવ
ીશું.” એમ કહેતા કહેતા કૌશલ્યાબેને ચાલવા માંડ્યું.
અણઘડ હાથે પિટાઇ રહેલા ઢોલનો ઘોંઘાટ અને બેસૂરી લાગતી શરણાઇ ધીરે ધીરે શાંત થઇ રહ્યા હતા. એ પોતાની જગ્યાએથી ઊભો થયો. પથારીમાં આડો પડ્યો. પણ તેને જરાય ચેન પડતું નહોતું. વળી પાછી પેલી માખી ક્યાંકથી ઊડતી ઊડતી આવીને એના નાક પર બેઠી. એણે હળવેથી ફૂંક મારી. માખી ઊડવા લાગી. એની જિંદગીના પાછલા પચ્ચીસ વરસ પણ ઊડાઊડ કરવા લાગ્યા.
મધ્યમવર્ગીય પરિવારમાં એનો જન્મ થતાંની સાથે જ દલસુખભાઇના ઘરે આનંદની અત્તરદાનીઓ રેલમછેલ થઇ ગઇ હતી. દાંપત્ય જીવનના દસ વર્ષ પછી એમને ત્યાં સાત ખોટનો દીકરો અવતર્યો હતો.
શરૂ શરૂમાં તો દીકરાને રાજકુમારની જેમ ખૂબ લાડ લડાવ્યા. દીકરાની દરેક જિદ્દ સંતોષતા હતા. જો દીકરાની આંખેથી એકપણ આંસુ ખરતું જૂએ તો દલસુખભાઇ આખું ઘર માથે લઇ લેતા. ઘરમાં દરરોજ દીકરાની પસંદગી મુજબનું જ ભોજન બનતું, એને એની પસંદગીના જ કપડાં, જૂતા, રમકડાં લાવી આપતા.
એકવાર દીકરાને રાત્રે બે વાગે શીરો ખાવાનું મન થયું તો દલસુખભાઇએ કૌશલ્યાબેન પાસે દેશી ઘીમાં લચપચ શીરો બનાવડાવ્યો. પણ, રાજકુમારને તો એમાં ગોળ જરી વધારે લાગ્યો. ગળ્યો શીરો ખાવાની ના પાડી દીધી. તો દલસુખભાઇએ એટલી રાતે પણ બીજીવાર શીરો બનાવડાવ્યો હતો. તેઓ કોઇ વાતે દીકરાને ઊણું આવવા દેતા નહોતા.
પછી ધીરે ધીરે પરિસ્થિતિ બદલાતી ગઇ. વરસોથી જેની ઝંખના હોય એ જ્યારે મળી જાય ત્યારે ક્યારેક તે દુ:ખદ સ્થિતિનું પણ કારણ બની જતું હોય છે. દલસુખભાઇની પણ કાંઇક આવી જ સ્થિતિ હતી. પાંચેક વરસ પછી એમનો પુત્ર-પ્રેમ સ્વાર્થમાં પરિણમ્યો. “દીકરો મોટો થઇને ક્યાંક અમને છોડી તો નહીં જાય ને ? ” એ શંકાએ એમને સરમુખત્યાર બનાવી દીધા. દલસુખભાઇએ તેને પોતાની મરજી મુજબના જીવનમાં ઢાળવો શરૂ કરી દીધો.
એ ભણવા લાયક થયો ત્યારે દલસુખભાઇએ એને પોતાની જ પસંદગીની શાળામાં ભણવા મૂક્યો. એના કપડાંલત્તા પણ પોતે જ પસંદ કરી લાવતા. અને એ પણ મુંગા મોંએ બધું સ્વીકારી લેતો.
“પપ્પા મને ડિપ્લોમામં રસ છે.” એસ.એસ.સી.માં એંશી ટકા મેળવ્યા પછી એણે પ્રથમ વાર પોતાની ઇચ્છા દર્શાવી હતી.
“મારે તો તને શિક્ષક બનાવવો છે.” એમ કહીને દલસુખભાઇએ એને પી.ટી.સી. કરાવ્યું. એનું બોલવું – ચાલવું, હરવું–ફરવું, વિચારવું સુધ્ધાં દલસુખભાઇની ઇચ્છા મુજબ જ રહેતું. પણ શિક્ષક બન્યા પછી એ પુસ્તકો સાથે વધુ ને વધુ સમય ગાળવા લાગેલો. પુસ્તકોની દુનિયાએ એની વિચાર દુનિયા બદલવા માંડી. પીંજરામાં કેદ પોપટે પોતાની પાંખો ફફડાવવા માંડી. મુક્ત ગગનમાં વિહરવાની એની ઇચ્છા જાગી ઊઠી.
“બેટા ! સુમિત્રામાસીને ત્યાં ગ્રીષ્મા બેઠી છે. જા, તું જઇને મળી આવ. પણ, દીકરા બધું નક્કી જ છે એ ભૂલી ના જતો હોં.” કૌશલ્યાબેન એની જાગી ઊઠેલી ઇચ્છાને જાણે કે લગામ બાંધવાનો પ્રયત્ન કરતા હોય એમ એને વર્તમાનમાં પરત ખેંચી લાવ્યા.
કૌશલ્યાબેનની વાત સાંભળ્યા પછીય જાણે કે એણે કશું સાંભળ્યું જ ના હોય એમ એ વરસોથી બંધ રહેતી બારી તરફ તાકી રહ્યો.
થોડીવાર પછી એ સુમિત્રામાસીના ઘરેથી પરત ફર્યો. એના ચહેરા ઉપર અદ્દભૂત આનંદ છલકાઇ રહ્યો હતો. એ સીધો જ ઉપરના માળે ગયો. પેલી બંધ બારીને હળવેકથી ખોલી નાંખી. વરસોથી અંદર ગોંધાય રહેલી વાસી હવા બહાર નીકળી ગઇ. અને તાજી હવાની લહેરખીઓ મુક્ત મને લહેરાવા લાગી.