Mahesh Sparsh

Children Inspirational

3  

Mahesh Sparsh

Children Inspirational

સુમેધાનો નવો દોસ્ત

સુમેધાનો નવો દોસ્ત

4 mins
12.3K


સુમેધા.

દાદાની વહાલી દીકરી.

રૂડી રૂપાળી ને નટખટ છોકરી. વાતોડી પણ એવી જ.

આખો દિવસ ધમ્માચકડી કરી ઘર આખું ગજવી મૂકે. દાદાજી સાથે ખૂબ વાતો કરે. રાત પડે ને દાદાજીના ખોળામાં બેસી જાય.

“દાદાજી! વાર્તા કહો...નવી હોં ...” નવી જ વાર્તાની માંગણી કરે.

દાદાજીએ રોજ નવી વાર્તા કહેવી પડે. દાદાજી પાસે તો વાર્તાનો ખજાનો ! રોજ નવી નવી વાર્તા કહે તોય ખૂટે જ નહિ ને ! વાર્તા સાંભળ્યા પછી જ સુમેધાને ઊંઘ આવે. રોજનો આ ક્રમ.

દાદાજી વિના સુમેધાને જરાય ચેન ના પડે. એક વાર દાદાજી બહારગામ ગયા હતાં. રાતે પણ ત્યાંજ રોકાવાનું થયું હતું. સુમેધાને તો વાર્તા સાંભળ્યા વગર ઊંઘ જ ના આવી. એણે તો વાર્તા સાંભળવાની જીદ કરી. ઘર આખું માથે લીધું. છેવટે દાદાજીએ મોબાઇલ પર વાર્તા કહી પછી જ એ શાંત પડી. માંડ માંડ એને ઊંઘ આવી.

બીજા દિવસે દાદાજી આવ્યા એટલે સુમેધા ફરિયાદ કરવા લાગી, “મને મૂકીને તમે કેમ જતા રહ્યા હતાં ? હવે તો બધ્ધે હું તમારી સથે જ આવીશ.”

“બેટા ! મોબાઇલ પર તને વાર્તા તો કહી જ હતી ને.” દાદાજી તેને સમજાવા લાગ્યા.

“પણ દાદાજી ! છે ને, મોબાઇલ પર વાર્તા સાંભળવાની મજા નથી આવતી. તમારા ખોળામાં બેસીને જ વાર્તા સાંભળવાની મજા આવે.” સુમેધાએ દાદાજીનો ઝભ્ભો ખેંચીને કહ્યું.

પછી તો, દાદાજી જ્યાં જાય ત્યાં સુમેધા એમની સાથે જ હોય. દાદાજીને પણ સુમેધા વિના બિલકુલ ના ગમે. પણ શું કરે ? એમને તો રોજે રોજ કામથી બહારગામ જવાનું થાય. દાદાજી કહે, “બેટા ! રોજ મારી સાથે આવે તો તારું ભણવનું બગડે.”

સુમેધા ઠાવકું મોં રાખી કહે, “તમે જતાં રહો તો હું કોની સાથે વાતો કરું ?”

આ સંભળીને દાદજી હસી પડતા. પછી સુમેધાને તેડી લેતા . ખૂબ વહાલી કરતા.

ફરી એકવાર દાદાજીને બહારગામ જવાનું થયું. આ વખતે તો ત્રણ – ચાર દિવસ ત્યાંજ રોકાવું પડે એમ હતું. સુમેધા તો રડવા લાગી.

“મારે તમારી સાથે આવવું છે. તમારી સાથે મને લઇ જ જાવ.”

“બેટ ! તારું ભણવાનું બગડે. રોજ રાતે હું તને મોબાઇલ પર વાર્તા કહીશ. ” દાદાજીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

તો, સુમેધા પાસે પણ ડાયલોગ તૈયાર જ હતો. “પણ આખો દિવસ હું વાતો કોની સાથે કરીશ ?.”

“મારી વ્હાલી દીકરી!” એમ કહી દાદજીએ સુમેધાને તેડી લીધી. ખૂબ વહાલી કરી. પછી કહ્યું, “બેટા ! મારી સાથે તો તને નહિ લઇ જઇ શકું. પણ , એક નવા દોસ્ત સાથે તારી દોસ્તી કરાવી આપું. એની સાથે તું ખૂબ બધી વાતો કરી શકીશ.”

“નવો દોસ્ત ? એ વળી કોણ ? સાચ્ચે જ તમારી જેમ એ મારી વાતો સાંભળશે ?” સુમેધાએ એકીશ્વાસે ઘણા બધાં સવાલ પૂછી નાંખ્યા.

“હા, બેટા ! મારા કરતાંય એ વધુ મજાનો દોસ્ત છે. હંમેશા તારી સાથે જ રહેશે. તારી બધી જ વાતો સાંભળશે. તારી સાથે સંતાકૂકડી પણ રમશે.”

“કહોને દાદાજી ! કોણ છે એ ?” સુમેધા અધીરી બની.

“છે , એક મજાનો દોસ્ત. પહેલા કહે તું એની સાથે દોસ્તી કરીશ ને ?”

“ દાદાજી! જલદી કહોને. મારે દોસ્તી કરવી છે એની સાથે.” સુમેધાએ દાદાજીની મૂછો ખેંચીને કહ્યું.

“તારો નવો દોસ્ત છે, પડછાયો. તારો પોતાનો પડછાયો.” અધીરી બનેલી સુમેધાની જિજ્ઞાસાનો અંત આણી દાદાજીએ કહ્યું.

“પડછાયો....!” સુમેધાને આશ્ચર્ય થયું.

દાદાજીએ રૂમની લાઇટ ચાલું કરી. સામેની દિવાલ પર સુમેધાનો પડછાયો પડ્યો. સુમેધાને પડછાયો બતાવી દાદાજીએ કહ્યું, “જો બેટા ! આ રહ્યો તારો દોસ્ત પડછાયો.”

“ આ છે મારો નવો દોસ્ત ?” પડછાયા તરફ આંગળી ચીંધી સુમેધાએ મોં મચકોડ્યું. પડછાયાએ પણ આંગળી ચીંધી મોં મચકોડ્યું ! એ જોઇ સુમેધાને તો મજા પડી ગઇ.

“અરે વાહ દાદાજી ! મને તો નવો દોસ્ત ખૂબ જ ગમ્યો.”

“બેટા ! છે ને, તું ગમે તેટલી વાતો એની સાથે કરીશને તો પણ એ નહિ થાકે. હંમેશા તારી સાથે જ રહેશે. તું જ્યાં જ્યાં જઇશ ત્યાં ત્યાં તારી સાથે જ આવશે. તું દોડીશ તો તારી સાથે દોડશે. ઊભી રહીશ તો ઊભો રહી જશે. તું સૂઇ જઇશ ત્યારે એ પણ સૂઇ જશે. અંધારામાં એ સંતાઇ જશે. અજવાળુ કરતા જ હાજર થઇ જશે. એની સાથે સંતાકૂકડી રમવાની તને બહું મજા આવશે.”

આ સાંભળીને તો સુમેધા ખુશ ખુશ થઇ ગઇ.

અચાનક તેને કંઇક યાદ આવ્યું એટલે દાદાજીને પૂછવા લાગી. “પણ દાદાજી ! મારો નવો દોસ્ત તમારી જેમ મને વાર્તા કહેશે ?”

દાદાજીએ તેના માથાપર હાથ ફેરવી કહ્યું , “એ બોલી નથી શકતો. પણ તું જ એને વાર્તાઓ કહેજે ને. મે કહી છે એ બધ્ધી જ. એ સાંભળશે. હું આવીશ ત્યારે તને નવી વાર્તા કહીશ. પછી એ પણ તું એને કહી સંભળાવજે.”

“અરે વાહ ! હવેથી હું પણ વાર્તાકથક કહેવાઇશ ! ” સુમેધાને તો દાદાજીની આ યોજના ગમી ગઇ. એણે દાદાજી સાથે જવાની જીદ મૂકી દીધી.

થોડા દિવસોમાં જ પડછાયો સુમેધાનો પાક્કો દોસ્ત બની ગયો. પછી તો રોજ એ પડછયા સાથે રમે. દોડા દોડ કરે. પડમ્ પકડી કરે. ખૂબ વાતો કરે. અને ગાય...

પકડમ્ પકડી ભાઇ ! દોડમ્ દોડી,

પડછાયા સાથે જામે મારી જોડી.

છાનોમાનો બેસે જો, વાત માડું મજાની,

જ્યાં પણ જાઉં મારી સાથે આવે દોડી.


Rate this content
Log in

Similar gujarati story from Children