ચાહત
ચાહત


'આજે બસમાં ભીડ ઓછી હતી, એટલે બે ની સીટ પર એકલા બેસવા મળ્યું એનો આનંદ હતો...કશુંક આખુંય આપણું હોય એ અહેસાસ જ અનેરો છે, એ પછી બસની સીટ હોય, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ.....પણ , આ તો સીટ જ આખી મારી છે, મારી મનગમતી વ્યક્તિ ક્યાં? એક ઊંડો નિસાસો નાખી ને મેં આંખો બંધ કરી. કામનો થાક જેટલો શરીરને લાગતો એટલો જ થાક એકલતાનો મન પર પણ વર્તાતો હતો. મનના શાંત ખૂણામાં એકલતા પાંગરતી હતી. આમ તો નોકરી અને ઘરમાં એટલી વ્યસ્ત રહેતી કે ક્યારેક ઊંઘવા માટે પણ સમય ન મળતો પણ એ તો દુનિયાને દેખાતી વ્યસ્તતા... શાંત પાણીમાં પથ્થર મારીને કોઈ પાણી ને ઢંઢોળે એમ શાંત ખુણાની એકલતાને મોબાઇલના મેસેજની રીંગે હલાવ્યો... નથી જોવો મોબાઈલ એમ વિચારી ને આંખો બંધ જ રાખી.. ત્યાં તો ફરી ટન ટન ટન રણક્યુ.. હાથમાં મોબાઈલ લઈ ને જોયું તો, મારા કોલેજ ગ્રુપમાં મિત્રોની ખણ-ખણ જામી હતી.. સાચું જ કહેવાય છે કે મિત્ર તમને ક્યારેય એકલા મૂકતા નથી.. મેં મેસેજ જોવા માંડ્યા.. જૂની યાદોની વાતો થઇ રહી હતી, મેં પણ મનની એકલતા ખંખેરી એમાં રસ લીધો, તો મિત્રો એ બધું મારા ઉપર જ ઢોળ્યું.. બોલ શિવેન, તારી લવ સ્ટોરીની હિરોઇન કોણ હતી?.
અને અચાનક આ દોડતી બસમાં હ્રદય સ્થિર થઈ ગયું જાણે પેલી શાંત એકલતા એ છલાંગ મારીને મારા સમગ્ર પર કબજો કરી લીધો...શિવેન પટેલ, એક અલ્લડ, આકર્ષક અને મસ્તી માં રમનારો કૉલેજ નો નવયુવાન.. મિત્ર વર્તુળ પણ મોટું, સ્વભાવ એવો કે સૌ કોઈ એની દોસ્તી ઈચ્છે..કૉલેજ ના બે વર્ષ તો સરસ રીતે પસાર થયા, અભ્યાસ માં
પણ અવ્વલ અને છેલ્લા વર્ષમાં શિવેન ની જીંદગી બદલાઈ ગઈ..એ ખોવાયેલો રહેવા લાગ્યો, પ્રેમ ની દુનિયા માં એના પગલાં પડ્યા, એને એના જ ગ્રુપ ની એક સૃષ્ટિ ગમવા લાગી..સૃષ્ટિ આમ તો શાંત પણ જ્યારે કોઈ એનું નામ લે તો એની પથારી ફેરવી જતી, એવી ગુસ્સાવાળી..પણ એ તેને ગમવા લાગી,શિવેને સૃષ્ટિ ને પોતાના દિલ ની વાત જણાવવા નું વિચાર્યું..
નસીબ! આ હંમેશા ધાર્યું થવા જ ક્યાં દે? શિવેન દિલ ની વાત કરે એ પહેલાં જ સૃષ્ટિ એ પોતાની સગાઈ ના પેંડા વહેંચ્યા...
બસ ની બ્રેક વાગતાં શિવેન વર્તમાનમાં આવ્યો, ચોમાસાની ૠતુ હોવાથી વરસાદી વાતાવરણ ખૂબ આહ્લાદક લાગતું હતુ અને એમાં ય આ સમયે સૃષ્ટિ ની યાદ.......મેં ફરી આંખો બંધ કરી....સૃષ્ટિ એ વહેચેલ પેંડા મારા હાથમાં જ રહી ગયા, મેં એને એકવાર કહેવા હિંમત કરી પણ એ આ સગાઈ થી ખૂબ ખુશ હતી એ જાણી, દિલ ના દરિયામાં ઉછળતા મોજાં ને સમેટી લીધા..મેં હંમેશા માટે આ દરવાજા ને બંધ કરી દીધા....
કહેવાય છે ને કે, "જો પ્રેમ સાચો હોય તો ક્યારેય પૂર્ણ થતો જ નથી" ...બસ, પછી તો હું અને મારો અભ્યાસ...બસ પછી તો કારકિર્દીની કેડી પકડી...
કંડકટર એ અચાનક શેવેન ને હલાવતા કહ્યું... " ભાઈ! તમારું સ્ટેન્ડ આવી ગયું ".... શિવેને આંખો ખોલી, એક ભીનાશ હતી આંખો અને વાતાવરણ, બન્ને માં..એણે ફરી પોતાની એકલતા ભરી વ્યસ્ત જીદગી ની મુસાફરી આગળ દોડાવી , એ ઘર તરફ વળ્યો....એ આજે ખૂબ સફળ વ્યક્તિ છે, અને ખૂબ પ્રતિષ્ઠિત પણ...છતાંય એની જીવન સફર મનગમતી સાથી વિના ની જ રહી ગઈ..