Pratik Goswami

Fantasy Drama Inspirational

4  

Pratik Goswami

Fantasy Drama Inspirational

બ્રેઇનવોશ

બ્રેઇનવોશ

6 mins
14.2K


"આપણે સૌએ હિન્દુસ્તાન સામે લડવાનું છે. કાશ્મીરીયત માટે, અલ્લાહ માટે. આપણાં કાશ્મીરી ભાઈઓ પર થયેલા 'જુલમો'નો ફૌજ પાસેથી બદલો લેવાનો છે. હિન્દુસ્તાની ફૌજને કાશ્મીરમાંથી બહાર ખદેડવાની છે."

શ્રીનગરના એક મદરેસામાં જુનૈદખાન નામનો એક શિક્ષક કમ કટ્ટરપંથી ત્યાં હાજર રહેલ બાળકોને ઉદ્દેશીને આવાં વાક્યો બોલી રહ્યો હતો. ખરેખર તો તેમનાં કુમળા મનમાં તે ભારત વિરુદ્ધ નફરત ભરી રહ્યો હતો. નિર્દોષ બાળકોનાં બ્રેઈનવોશ કરી તેમને ચરમપંથના રસ્તે વાળવાં એ તેનું રોજિંદું કામ હતું. "ભાઈજાન, રેલી નીકળી ગઈ છે."  એક યુવાન દોડતો દોડતો મદરેસામાં આવ્યો અને તેને સમાચાર આપ્યાં. "ઠીક છે, આવું છું." કહીને તેણે પોતાના વિધાર્થીઓને રજા આપી.

"આઝાદી... આઝાદી... કશ્મીર માંગે આઝાદી... આઝાદી... ગો બેક... ઈન્ડિયા ગો બેક..." લાલચોક પાસેથી સૂત્રોચ્ચાર કરતું એક ટોળું પસાર થઈ રહ્યું હતું. તેનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં થઈ રહેલી ચૂંટણીઓ રોકવાનો હતો. કાશ્મીરમાં જો લોકશાહીની જીત થાય, તો ત્યાંના અલગતાવાદી નેતાઓની તિજોરી ખાલી થઈ જાય તેમ હતી, તેથી ચૂંટણી ગમે તે ભોગે રોકવી એવો તેમનો હુકમ હતો. ટોળું નજીકના વોટીંગ બૂથ પર પહોંચ્યું અને દેશવિરોધી નારાઓ પોકારવા લાગ્યું. જુનૈદખાન તેનો આગેવાન હતો. સૂત્રોચ્ચાર કરવાથી વાત ન બની એટલે તેઓ પત્થરબાજી પર ઊતરી આવ્યાં. અશ્રુ વાયુના સેલ છોડાયા પણ કંઈ અસર ન થઈ.

પરિસ્થિતિ કાબૂમાં લાવવા માટે સેનાએ નાછૂટકે પેલેટ ગનનો ઉપયોગ કર્યો ત્યારે ટોળું વિખેરાયું. શ્રીનગરમાં આવી ઘટનાઓ રોજબરોજની હતી અને એ દરેકમાં જુનૈદ અચૂક ભાગ લેતો. કદાચ એટલે જ એ તેના અલગતાવાદી આકાઓનો માનીતો બાશિન્દો હતો.

"જુનૈદ, તારા પર ફક્ર છે મને. તું કાશ્મીરીઓનો ભાવિ નેતા છે. આજે તેં જે બહાદુરીનું કામ કર્યું છે એના પછી તો આખા કાશ્મીરમાં તારી વાહવાહી થશે." જુનૈદખાન નતમસ્તક થઈને ચૂપચાપ પોતાના આકાની વાત સાંભળી રહ્યો હતો. આજે તેણે કારનામું જ એવું કર્યું હતું. "જી હુઝૂર, કાશ્મીર માટે તો જાન પણ કુરબાન છે." તેણે કહ્યું.

"શાબાશ, જુનૈદ મને તારા પાસેથી આવી જ આશા હતી. તારા આ 'પાક' કરમ બદલ અલ્લાહ તને જન્નતમાં મુકામ આપશે."

"આમીન... જનાબ, હવે હું નીકળું." આટલું કહીને તે ત્યાંથી વિદાય થયો.

છેલ્લાં બે દિવસથી કાશ્મીરમાં સતત વરસાદ વરસી રહ્યો હતો. પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ખીણનું જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. સેના એલર્ટ પર હતી. અલબત્ત, એમના પર પથ્થરમારો કરનાર કાશ્મીરીઓના જીવ બચાવવા માટે જ. '' આવી ગયો બેટા, જો ને શહેનાઝને સખત પીડા ઉપડી છે. ''  જુનૈદ ઘેર આવ્યો, એટલે તેના અમ્મીએ મોકાણનાં સમાચાર આપ્યા. શહેનાઝ એટલે તેની ગર્ભવતી પત્ની. અચાનક તેની તબિયત બગડી હતી. આ તો ખરેખર મુશ્કેલી થઈ હતી. આવાં ધોધમાર વરસાદમાં શહેનાઝને દવાખાને કેમ લઈ જવી? નજીકમાં નજીકનું નર્સિંગ હોમ પણ દસેક કિલોમીટર દૂર હતું.

"અમ્મી, લાગે છે કે ગાડીમાં દવાખાને લઈ જવી પડશે, આવા વાતાવરણમાં દાક્તર અહીં સુધી નહિ આવે." તેણે કહ્યું.
"પણ બેટા આમ વરસાદમાં?"
"હા અમ્મી, બીજો કોઈ રસ્તો નથી."
તેણે જીપ કાઢી અને પોતાની અમ્મીની મદદથી શહેનાઝને તેમાં બેસાડી. વરસતા વરસાદમાં તેઓ હોસ્પિટલે જવા નીકળ્યા.

સખત વરસાદ અને ઉપરથી ધૂંધળું વાતાવરણ, થોડા મીટર આગળનું પણ કંઈ દેખાતું ન હતું, તેથી જુનૈદ સંભાળપૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો. શહેનાઝના દર્દની સાથે સાથે તેનો ઉચાટ પણ ઉત્તરોત્તર વધતો જતો હતો. ધડામ. અચાનક એક જોરદાર અવાજ થયો અને જીપ ઝાટકા સાથે ઊભી રહી ગઈ. "હવે આ કમ્બખ્તને શું થયું?" મનોમન બબડતો જુનૈદ નીચે ઉતર્યો. ઉતરીને જોયું તો તેની જીપ એક ઊંડા ખાડામાં ખૂંપી ગઈ હતી, રસ્તા પર પાણી ભરાયેલ હોવાથી તે ખાડો જોઈ ન શક્યો.

હવે શું કરવું? તેના એકલાથી તો જીપ ખાડામાંથી કાઢી શકાય એમ ન હતી. અચાનક તેને કઈંક યાદ આવ્યું હોય એમ તે રોડની બીજી બાજુ આવેલ શેરી તરફ દોડ્યો. શેરી વટાવીને થોડો આગળ વધ્યો એટલે એક ભવ્ય બંગલો આવ્યો. આ બંગલો તેના 'આકા' નો હતો. ઝડપથી તે બંગલા તરફ ધસ્યો. જેવો ગેટમાં દાખલ થવા ગયો કે ચોકીદારે તેને રોકી લીધો. "એ ભાઈ ઊભો રહે, ક્યાં ઘૂસ્યો જાય છે ?"

"જી મને સૈયદ સાહેબથી મળવું છે. એમનો ખાસ માણસ છું." તેણે કહ્યું.

"તારા જેવા તો રોજ ઘણાંય આવે છે, સૈયદ સાહેબ અત્યારે મીટીંગમાં વ્યસ્ત છે, નહીં મળી શકે."
"અરે પણ તમે..."

"મેં કિધુંને, સૈયદ સાહેબ નહીં મળે. જાન પ્યારી હોય તો રવાનો થઈ જા." ચોકીદારે તેને ખખડાવી નાખ્યો. ઘણી આજીજીઓ કરવા છતાંય એ ન માન્યો. નાસીપાસ થઈને તે પાછો પોતાની જીપ તરફ દોડ્યો. શેરીના નાકા પાસે પહોંચીને જ તેના પગ ખોડાઈ ગયા. તેણે જોયું કે આર્મીની બખ્તરબંધ ગાડી તેની જીપની સાવ લગોલગ ઉભી હતી. એક અફસર અને  કેટલાક જવાનો તેની જીપની તલાશી લઈ રહ્યા હતા. માર્યા ઠાર... આ તો એ જ અફસર હતો જેની સાથે પોતે આજે હાથાપાઈ કરીને ભાગ્યો હતો. આખરે તેમણે તેને શોધી લીધો હતો. જુનૈદની હિમ્મતે હવે જવાબ દઈ દીધો, તેને પોતાની જાત પર સખત ગુસ્સો આવી રહ્યો હતો. જીપ પાસે તો જવાય તેમ ન હતું, પણ શહેનાઝ ? એનું શું ? પોતાના ગુનાઓની સજા એ માસૂમ શા માટે ભોગવે ? પેલા ઓફિસરને શરણે થવા સિવાય તેની પાસે હવે બીજો કોઈ રસ્તો ન હતો.

"સાબ જી... સાબ જી મને માફ કરી દો..." તમારો ગુનેગાર હું છું, બધું  જ કબૂલવા તૈયાર છું, પણ મારી પત્નીને બચાવી લો સાબ જી..." તે પેલા ઓફિસરના પગમાં પડીને રીતસરનો કરગરી રહ્યો હતો. "અરે જુનૈદ તું અહીં? આ કોણ છે?" કેપ્ટન ઉદયન શર્માએ પૂછ્યું. તે આ શખ્સને બરાબર રીતે ઓળખતો હતો. આજે સવારે તે જ્યારે મિલિટરી સ્ટેશનમાં તૈનાત હતો ત્યારે જુનૈદ પોતાના માણસો સાથે ત્યાં આવ્યો હતો અને તેમના હથિયાર ઝૂંટવાની કોશિશ કરી હતી. તેની સાથે હાથપાઈ પણ કરી હતી. કાશ્મીરનો કુખ્યાત કટ્ટરપંથી તેની સામે હતો, છતાંય અત્યારે કેપ્ટનના ચહેરા પર ગજબની શાંતિ છવાયેલી હતી. "હા સાબ જી, આ મારી પત્ની છે, પેટથી છે અને અત્યારે તેને પેટમાં સખત દર્દ ઉપડ્યું છે. સાબ જી તમને ખુદાનો વાસ્તો, મારી શહેનાઝને બચાવી લો."

"ચિંતા ન કર, અમે તેને બચાવી લેશું." એટલું કહીને કેપ્ટને વોકીટોકી દ્વારા એક મેસેજ પાસ કર્યો. "આલ્ફા, ટૂ કમિંગ ચાર્લી, ચાર્લી ઈટ'સ્ ઈમર્જન્સી, વી નીડ આ ચોપર ઈમીજીએટલી...'' સામેથી કઈંક જવાબ મળ્યો એટલે તેણે પોતાના સૈનિકોને શહેનાઝને ઊંચકીને તેમની ગાડીમાં બેસાડવાનો હુકમ કર્યો. "જલ્દી ગાડીમાં બેસ જુનૈદ, આપણી પાસે સમય ખૂબ ઓછો છે."  જુનૈદ ઝડપથી બેઠો. નજીકના આર્મી બેઝ પર ચોપર તેમની રાહ જોઈ રહ્યું હતું.

તાબડતોબ શહેનાઝને આર્મી હોસ્પિટલે લઈ જવામાં આવી.

ચિંતાતુર ચહેરે જુનૈદ ઓપરેશન થિયેટરની બહાર આંટાફેરા કરી રહ્યો હતો. જો આજે ફૌજ  સમયસર ન આવી હોત તો તેમની શું હાલત થાત? "મુબારક હો, દીકરાનો જન્મ થયો છે." ડોક્ટરે ઓપરેશન થિએટરમાંથી બહાર આવતાં જ જુનૈદને ખુશખબરી આપી. જુનૈદની આંખોમાં આંસુ હતાં, એ આંસુ ખુશી અને પશ્ચાતાપના હતાં. "સાબ જી, તમે મારા માટે ભગવાન બનીને આવ્યાં છો !" તે વરસતી આંખો સાથે બોલી રહ્યો હતો... "આજે તમે ન હોત તો શાયદ હું મારી પત્ની અને બાળકને હંમેશ માટે ગુમાવી બેઠો હોત. આખી જિંદગી મેં ફૌજને ગાળો આપી છે, પણ હું જેમના માટે કામ કરતો હતો એ લોકો મુસીબતમાં મને કામ ન આવ્યા. હું તમારો દુશ્મન છું છતાંય તમે મારી મદદ કરી.. સાબ જી, હું આજીવન તમારો અહેસાનમંદ રહીશ."

"આ જ તો ભારતીય સેનાનું કામ છે, માનવતાની રક્ષા માટે અમે હંમેશા તૈયાર રહીએ છીએ, પણ તમારા જેવા કેટલાંક ભટકેલા યુવાનો કાશ્મીરની આવામમાં અમારા પ્રત્યે નફરત પૈદા કરે છે. આઝાદીના નામે તેની નસોમાં આતંકવાદનું ઝેર ભરે છે. હજી પણ સમય છે જુનૈદ, આવામને આ નફરતની આગમાંથી બહાર કાઢવાનો મોકો વારે વારે નહિ મળે, સુધરી જા." કેપ્ટન શર્મા બોલ્યો. જુનૈદ ભીની આંખો સાથે સાંભળી રહ્યો હતો.

થોડા દિવસો પછી શ્રીનગરના એ જ મદરેસામાં જુનૈદખાન ભણાવી રહ્યો હતો... "કાશ્મીરીયત ભાઈચારો શીખવે છે. અમન ટકાવી રાખવાના હિન્દુસ્તાની ફૌજના પ્રયાસોમાં આપણે સૌએ ભાગીદાર થવું જોઈએ. અમન અને શાંતિથી જ આપણું કાશ્મીર જન્નત બની રહેશે." ચહેરો, અવાજ બધું એ જ હતું પણ ભારતીય સેનાની નિઃસ્વાર્થ માનવતાને લીધે તેનું બ્રેઈનવોશ બેશક થયું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy