Pratik Goswami

Others Fantasy Inspirational

3  

Pratik Goswami

Others Fantasy Inspirational

રમકડું

રમકડું

4 mins
14K


બે દિવસથી સુરેશ મનમાં ને મનમાં મૂંઝાઈ રહ્યો હતો. હવે શું કરવું? એની નાનકડી બિંદીને કેમ કરીને સમજાવવી? દિવસ-રાત બસ આ એક જ ચિંતા તેને ખાઈ રહી હતી. બિંદી એટલે તેના અને તેની પત્ની રમીલાના જિગરનો કટકો, એમની એકની એક દીકરી.

પાછલાં થોડા દિવસોથી એણે મેળામાં જવાની જીદ્દ પકડી હતી. પોતાની ચાલીના બીજા છોકરા-છોકરીઓને મેળામાં જતા જોઈને એને પણ મન થઈ આવ્યું હતું.

સુરેશ અને રમીલા બિંદીને બેહદ પ્રેમ કરતા હતા, પણ તેની આ જીદ્દ માનવી તેમના માટે લોઢાના ચણા ચાવવા બરાબર હતી. શું કરે ? સુરેશ એક ટાઈલ્સ બનાવવાના કારખાનામાં અદનો મજૂર હતો. મહીને માંડ ચાર હજાર રળી શકતો. એવામાં મહિનાના છેલ્લાં ભાગમાં તો એક-એક દિવસ કાઢવું કપરું થઈ પડતું. આવી કાળમુખી ગરીબીમાં પણ તેમના દિવસો પોતાની લાડકીની કાલી ઘેલી વાતોમાં અને એની નિર્દોષ રમતોમાં નીકળી જતાં હતા. પણ જયારે બિંદીએ કહ્યું કે તેને મેળામાં જવું છે, ત્યારે તો સુરેશના માથે આભ તૂટી પડ્યું.

"પાપા, મને મેળામાં ફરવા લઈ જાઓને, ઓલી મીનુ છે ને એના જેવું રમકડું અપાવોને." બિંદીએ જીદ્દ કરી. મહિનો પૂરો થવા આવ્યો હતો, હજુ તો અઠવાડિયું કેમ નીકળશે એ કઈં નક્કી નહોતું, એવામાં મેળામાં કેમ જઈ શકાય? સુરેશે કેટલીય આનાકાની કરી પણ છેવટે પોતાની ઢીંગલીની જીદ્દ સામે એણે નમતું જોખવું પડ્યું. "ભલે બેટા બે દિવસ પછી રવિવાર છે ને ત્યારે આપણે જશું હોં." તેણે કહ્યું.

જાણે સઘળીય ખુશીઓ મળી ગઈ હોય એમ એ નાનકડી બાળકી ખુશ થતી થતી પોતાની માના ખોળામાં લપાઈ ગઈ. એ ચાર વર્ષની ઢીંગલીને ગરીબી શું હોય એની થોડી ગતાગમ પડે? બસ ત્યારથી સુરેશ એક જ ચિંતામાં રચ્યો રહેતો. રમીલાએ એને કહ્યું પણ ખરું કે પોતાના શેઠ પાસેથી થોડા પૈસા ઉધાર લઈ લે, પછી દૂધે ધોઈને ચૂકવી દેવાશે. પણ એ પોતાના શેઠને બરાબર ઓળખતો હતો. જેની પાસેથી દર મહિને પોતાનો પગાર લેવામાં આંખે અંધારા આવતા હોય એ માણસ ઉધાર આપે? ના, ના, એ શક્ય નહોતું.

આમને આમ તેનું મનોમંથન ચાલુ રહ્યું. હજુ કંઈ રસ્તો મળ્યો ન હતો. આખરે રવિવાર આવી પહોંચ્યો. બિંદીને તો સવારથી જ પાંખો ફૂટી હતી. આજે એ નવાં કપડાં પહેરીને મેળામાં જવાની હતી, પોતાની બહેનપણીઓ પાસે હતું એવું રમકડું લેવાની હતી. મીઠાઈઓ ખાવાની હતી. બસ એના માટે તો આજે ખુશીની ચરમસીમા હતી. બપોરે જમીને તેઓ મેળામાં જવા રવાનાં થયા. જતાં પહેલા રમીલાએ પોતાની બચતના બસ્સો રૂપીયા પતિને પકડાવી દીધા. હવે સુરેશ પાસે પોતાની દીકરી પાછળ ખર્ચ કરવા માટે કુલ પાંચસો રૂપિયા હતા. બિંદીની કાલી ઘેલી વાતો સાંભળતા સાંભળતા બંને બાપ-દીકરી મેળામાં પહોંચ્યા. આજે તે પોતાની રાજકુમારીને રાજી કરી દેવા માંગતો હતો, પણ માત્ર પાંચસો રૂપિયામાં? "જોયું જશે." તેણે મનોમન વિચાર્યું.

તેઓ મેળામાં ફરી રહ્યા હતાં. બિંદી આજે ચિચૂડામાં બેઠી, ગુલાબપાક અને ચેવડાનો નાસ્તો કર્યો, સરકસ જોયું, તેના પાપા સાથે મિનીટ્રેનની સવારી કરી. બસ, હવે તેના માટે રમકડું લેવાનું બાકી હતું. સુરેશે જોયું તો તેના ખિસ્સામાં હવે માત્ર ચાલીસ રૂપિયા બચ્યા હતા. ખાલી ચાલીસ રૂપિયામાં બિંદીને ગમતું રમકડું કોણ આપવાનું હતું?  "જોયું જશે." તે ફરી મનોમન બોલીને ફિક્કું હસ્યો.

"ચાલો પાપા, હવે આપણે રમકડું લઈએ. મારે મસ્ત મજાનો ઢીંગલો લેવો છે, ઓલી મીનુ પાસે છે ને એવો બોલતો ઢીંગલો."
"હા બેટા, લઈ આપીશ."

સુરેશે સામે જોયું તો થોડે દૂર એક બાઈ મીઠાઈની દુકાનની બાજુમાં બેસીને રમકડાં વેચી રહી હતી. પ્લાસ્ટિકનો એક કોથળો તેણે પાથર્યો હતો અને તેની ઉપર અવનવા, રંગબેરંગી રમકડાંઓ પડ્યા હતા. સુરેશે બિંદીનો હાથ પકડીને એ તરફ પગ ઉપાડ્યા, તેઓ હજુ થોડું જ ચાલ્યા હશે કે બિંદીની નજર એક દુકાનના ખૂણા પાસે ગઈ.

તે સુરેશનો હાથ છોડાવીને એ તરફ ભાગી. સુરેશ પણ તેની પાછળ દોડ્યો. ત્યાં જઈને જોયું તો બિંદી એક નાનકડા ગલુડિયાને પુચકારીને તેને પંપાળી રહી હતી. થોડીવારે તે રમાડી રહી એટલે સુરેશે કહ્યું, "બિંદી, ચાલ હવે આપણે રમકડું લઈ લઈએ, પછી ઘરે જવામાં મોડું થશે."

"ના પાપા, હવે મારે રમકડું નથી લેવું. ચાલો ને આપણે આને જ ઘેર લઈ જઈએ. હું રોજ એની સાથે રમીશ, ખૂબ બધી વાતો કરીશ. પાપા, મને આ ગલુડિયું બહુ જ ગમે છે."

"ના બેટા, પછી એની મા ગોતા ગોત કરે. એમ કંઈ ગલુડિયું ન ઉપાડાય." સુરેશે તેને સમજાવતાં કહ્યું. એટલામાં તેમની વાતો સાંભળી રહેલો પાસેની દુકાનવાળો બોલ્યો, "લઈ જાઓ ભાઈ, આમ પણ આ ગલુડિયાની મા મરી ગઈ છે. અમે જ એને ખવડાવીએ છીએ. જુઓને તમારી દીકરી સાથે કેવું રમી રહ્યું છે." સુરેશે તે તરફ જોયું. તેની બિંદી આ ગલુડિયા સાથે ખૂબ જ ખુશ લાગી રહી હતી. તેણે પાંચ રૂપિયા ચૂકવીને એક ટોપલી લીધી, હળવેકથી પેલા ગલુડિયાને ઊંચકીને તેમાં મૂક્યું અને બાપ-દીકરી ઘેર જવાં ઉપડ્યાં.

બિંદીની ખુશીનું તો શું પૂછવું! તેને તેની બહેનપણીના ઢીંગલાથી પણ વધુ ખૂબસૂરત 'રમકડું' મળ્યું હતું. ઘરે પહોંચીને સુરેશે રમીલાને વધેલા પાંત્રીસ રૂપિયા આપ્યા. "કેમ તમે બિંદીને રમકડું ન લઈ આપ્યું?" રમીલાએ વધેલા પૈસા જોઈને કહ્યું.

"લઈ તો આપ્યું, પણ ઉપરવાળાએ, મેં નહીં." રમીલા કઈં સમજી નહીં. એટલામાં બિંદી રમતી રમતી અંદર આવી. તેના હાથમાં એક નાનકડું ગલુડિયું હતું. તેણે પોતાની મમ્મીને તે બતાવતા કહ્યું, "જો મા, મારું નવું રમકડું. કેવું છે?" હવે રમીલાને સમજાયું. તે મનોમન ઈશ્વરને વંદી રહી હતી. તેના લીધે જ એક પુત્રી સામે એક પિતાની લાજ રહી ગઈ હતી. "ખૂબ જ સરસ છે બેટા." તેણે કહ્યું. બિંદીના આ નવા 'રમકડાં' ને લીધે બંને પતિ પત્નીના ચહેરા પર અજબનો સંતોષ છવાઈ રહ્યો હતો. એ સંતોષ મનની અમીરીનો સૂચક હતો.


Rate this content
Log in