બીજું તો શું વળી ?
બીજું તો શું વળી ?
એક દિવસે એક મનોચિકિત્સાલયની ઓપીડીની શરૂઆતમાં જ એક માત્ર દર્દીને ડોક્ટરોની પેનલ આગળ લાવવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ઈન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, ‘તને સારો થઈ ગયા પછી અહીંથી રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે ?’ દર્દીએ તરત જ જવાબ આપી દીધો, ‘હુ થોડાક પથ્થરના ટુકડા ભેગા કરું અને તમારા દવાખાનાના કાચના બનેલા બધા જ દરવાજા અને બારીઓના કાચ ફોડી નાખું !’ પ્રશ્ન અને તેના જવાબને દર્દીના કેસ ઉપર નોંધી દઈને તેને સારવાર માટે ઇનડૂર દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવ્યો.
ત્રણ મહિના પછી એ જ દર્દીને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ડોક્ટરોને સંતોષ થાય તેવો તેણે જવાબ આપ્યો, ‘સાહેબો, હું કમાવા માટે કોઈક નોકરીની શોધ કરીશ !’
‘બહુ જ સરસ ! પછી?’
‘હું પૈસા બચાવીશ અને કોઈક સુંદર સ્ત્રીને પરણીશ.’
ડોક્ટરો મૂળ પ્રશ્નના જુદા જ જવાબો મળતા જતા હોઈ તેની સારો થઈ ગયો હોવાની નિશાનીઓ સમજીને ઉશ્કેરાટમાં આવી ગયા અને વળી આગળ પૂછ્યું, ‘પછી ?’
‘હું મારી પત્નીને મારા માટે એક કપ કોફી બનાવવાનું કહીશ!’
‘અદભુત! ત્યાર પછી ?’
‘પછી તેને સાણસી અને અમારા છોકરાનો જૂનો લેંઘો લાવી દેવાનું કહીશ.’
ડોક્ટરો થોડાક મૂંઝાયા, તેમ છતાંય આગળ પૂછવાનું ચાલુ રાખ્યું, ‘ત્યાર પછી શું, વ્હાલા દોસ્ત ?’
‘હું લેંઘાની ઈલાસ્ટીકની પટ્ટી કાપીશ, તેને સાણસીનાં બંને પાંખિયાં સાથે બાંધીને એક નાની ગિલોલ બનાવીશ !’
‘અરે ઓ ઈશ્વર, પણ શા માટે ?’
‘તેના વડે પથ્થરના ટુકડાઓ ફેંકીને તમારા દવાખાનાનાં બધાં જ બારીબારણાંના કાચના દરવાજા ફોડી નાખીશ ! બીજું તો શું વળી ?
