Dabhi Kishor

Drama

3.5  

Dabhi Kishor

Drama

ભગવાન

ભગવાન

2 mins
11.9K


એક નવયુવાન જીવન જરૂરિયાતની અને ખાઘ્યસામગ્રીની ચીજવસ્તુઓની ખરીદી કરીને બાઈક પર સવાર થઈ પોતાનાં ઘર તરફ જઈ રહ્યો હતો.

અચાનક તેની નજર રોડની સામી બાજુ અર્ધનિમાર્ણ થયેલાં બંગલાની પાસે રહેલી એક ઝૂંપડી પર પડી. ઝૂંપડીની થોડી જ દૂર વણવપરાયેલી રેતીનો મોટો ઢગલો હતો અને આ ઢગલાની પાસે અર્ધનગ્ન હાલતમાં બે બાળકો બેઠા હતાં.જે રેતીને હાથો વડે હવામાં ઉછાળી રહ્યાં હતાં.

          નવયુવાને ઓંચિતી બાઈકને બ્રેક મારી અને રોડનાં એક કિનારે પાર્ક કરી અને બાઈકનાં હેન્ડલમાં લટકાવેલી થેલીમાંથી બિસ્કીટનાં બે પેકેટ જે પોતાનાં માટે લીધાં હતાં તે કાઢ્યાં અને રોડ ઉતરીને બાળકો બેઠાં હતાં તે દિશામાં ચાલવા લાગ્યો. પોતાની તરફ કોઈને આવતું જોઈ, બાળકોએ પણ હવામાં ધૂળ ઉડાડવાની બંધ કરીને આવનાર વ્યક્તિની રાહ જોવા લાગ્યાં.

બાળકો પાસે પહોંચીને નવયુવાને બંનેના હાથ તરફ એક એક પેકેટ લંબાવ્યું. પોતાનાં હાથોની પાછળ આકડી વાળીને ઊભેલાં બંને બાળકોએ એકબીજા સામે જોવા લાગ્યાં. નવયુવાન બાળકોની મૂંઝવણ પારખી ગયો એટલે હસતાં હસતાં બોલ્યો : "કેમ નથી લેતાં ? લઈ લો,લઈ લો,બહુ મસ્ત બિસ્કીટ છે કે પછી તમારા મા-બાપએ અજાણ્યા માણસો પાસેથી વસ્તુ લેવાની ના પાડી છે ?"

આટલું સાંભળતાં એક બાળક થોડી હિંમત ભેગી કરીને બોલ્યું: "ના......પણ તમે કેમ આપવા આવ્યા છો ?

બાળકનો આવા સવાલે નવયુવાનને પણ વિચારતો કરી દીધો અને અંતે થોડું વિચારીને તે ગોઠણભેર બેસીને આકાશ તરફ આંગળી ચીંધી કહ્યું: "જુઓ, ઉપર આકાશ દેખાય છે ને ?

બંને બાળકોએ માથું હલાવીને મૂકસંમતિ દર્શાવી.

નવયુવાન આગળ બોલ્યો: "એ આકાશમાં એક ભગવાન રહે છે એમણે આ પેકેટ તમને આપવા માટે મોકલ્યાં છે,ચાલો ત્યારે લઈ લો હવે."

ફરી બંને બાળકોએ એકબીજા સામે જોયું અને નવયુવાનનાં હાથમાંથી એક એક પેકેટ લઇ,પાછું વળીને આનંદમાં હાથપગ ઉલાળતાં ઉલાળતાં ઝૂંપડી તરફ જવા લાગ્યાં અને પોતાની ધૂનમાં ગાઈ રહ્યાં હતાં કે "ભગવાને મોકલ્યા રે.....ભગવાને મોકલ્યા રે"

બાળકોનાં મોઢેથી આવા શબ્દો સાંભળીને નવયુવાન પણ હસવા લાગ્યો અને રોડ પર રહેલી પોતાની બાઈક તરફ આગળ વધવા લાગ્યો. બાઈકને કીક મારતાં જ અચાનક એના મનમાં એક વિચાર આવ્યો,

"આપણે ક્યારે કોઈ એક જ વસ્તુથી દરેક વ્યક્તિને ખુશ નહીં કરી શકીએ પણ ભગવાનનાં નામથી આજે પણ બધાને ખુશ કરી શકાય છે."


Rate this content
Log in

Similar gujarati story from Drama