ભેટ
ભેટ
ગયા વર્ષે વેલેંટાઇન ડે ઊજવવા બાબતે થોડો ઘણો વિવાદ ઊઠ્યો. આપણે વેલેંટાઈન ડે ઊજવવો કે ન ઊજવવો? એનો જવાબ હોઈ શકે 'હા' અને 'ના'.
હા એટલા માટે કે પ્રેમ કે લાગણીને શબ્દરૂપે સાંમી વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવાનો આ સરસ મોકો છે. એવી કેટલીયે વ્યક્તિ હશે જેને ક્યારેક ને ક્યારેક પોતાની લાગણી સામી વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવાનું મન થયું હોય. પરંતુ ક્યારેક સંજોગો સાથ ન આપે. ક્યારેક સામેનું પાત્ર ઈનકાર કરશે તો એવો ડર હોય તો વળી ક્યારેક સમાજનો ડર હોય.આ અને આવા અનેક કારણોસર વ્યક્તિ પોતાની લાગણીઓને તેની અત્યંત મનગમતી વ્યક્તિ સુધી પૂરા જીવન દરમ્યાન પહોંચાડી શકતી નથી.આવા ખાસ દિવસો કદાચ આવી જ વ્યક્તિ માટે હશે.
હવે અત્યારે ક્યારેક સાચી લાગણી કરતાં દેખાદેખી અને બીજાને બતાવી આપવાના હેતુથી અપાતી ભેટો અને સંદેશાઓ ખરા અર્થમાં ભેટ કે સંદેશો ન રહેતાં નિર્જીવ ચીજ બની જાય છે. તમને મારા જીવનમાં બનેલો સાચો જ પ્રસંગ કહું.
એ દિવસે સવારમાં ઓફિસ જતાં મારા પતિએ મને 'હેપી વેલેંટાઈન ડે' કહીને એક ચોપડી આપી. ચોપડીનું શિર્ષક પણ એ દિવસને અનુકૂળ હતું 'પ્રેમ એટલે કે.....' સુંદર ગુલાબી રંગના કવરવાળું સુદર અક્ષરો વડે લખાયેલું અને અત્યંત આકર્ષક એવું પૂસ્તક જોતાં મને ખૂબ જ આનંદ થયો.
પૂસ્તકના પાનાં ફેરવી બે ત્રણ પ્રેમ વિશેના સુંદર વાક્યો જે મહાન વ્યક્તિઓ દ્વારા લખવામાં આવ્યા હતા તે મે વાંચ્યાં.
ત્યાર બાદ હું રોજના ક્રમમાં પરોવાઈ. સાંજે મારા પતિ ઘરે આવ્યા. તેમણે કહ્યું ચાલ ક્યાંક બહાર જઈએ. હું ઝડપથી તૈયાર થઈને તેમની સાથે બહાર જવા નીકળી. અમે દરિયા કિનારે જઈને બેઠાં.મન ખૂબ આનંદમાં હતું. મને મનમાં થયું કે આવા દિવસો તો વર્ષમાં બે ત્રણ વખત આવવા જોઈએ.
અમે બન્ને એકબીજા સાથે વાત કરતાં હતા તેવામાં અચાનક એક નાની શી વાત પર અમારી વચ્ચે મતભેદ પડ્યો અને બોલાચાલી થઈ. તે ખૂબ જ ગુસ્સે થઈને મોટેથી મારી સાથે બોલવા લાગ્યા.આજુબાજુના લોકો અચાનક મોટો અવાજ આવવાને લીધે કૌતુકભરી દ્રષ્ટીથી અમારી તરફ જોવા લાગ્યા,
મને ખૂબ શરમ આવી. હું ઝડપથી ઊભી થઈને ચાલવા લાગી. તો વળી તેઓ મોટેથી બરાડા પાડવા માંડ્યા. હું થોડીક આગળ જઈને ઊભી રહી.
અમે ચૂપચાપ ત્યાંથી ઘરે આવી ગયા. રોજની જેમ જમીને ટીવી જોવા લાગ્યા. ટીવી પર પણ જાતજાતના 'વેલેંટાઈન ડે'ના સંદર્ભમાં ગીતો અને બીજા અવનવા પ્રોગ્રામ આવતા હતા.
સમય થતાં મે પથારી પાથરી અને લાઈટની સ્વીચ બંધ કરવા ગઈ ત્યારે મારી નજર મારા ટેબલ પર સવારે મારા ટેબલ પર સવારે તેમણે આપેલી ચોપડી પર પડી. પંખાને કારણે ચોપડીના પાના જાણે હસીને મારી મજાક ઊડાવી રહ્યા હતા.
અમે એક દિવસ પૂરતા અમારા આવેશને કાબૂમાં રાખી શક્યા હોય તો ? 'પ્રેમ એટલે કે.....' એ એક નર્જીવ પૂસ્તક બની રહી ગયું. તે પ્રેમની કિંમતી ભેટ ન બની શક્યુ.
હવે, તમે જ કહો આવી ભેટની જરૂર હતી ? આંમાં વાંક કોનો?

