ભાઈબંધી
ભાઈબંધી
પસાભાઈ અને ચીમનભાઈ બંને લંગોટીયા મિત્રો. એક જ ગામમાં રહે અને સ્કૂલે ભણવા પણ સાથે જાય. પસાભાઈના પિતાજીને ખેતીવાડી હતી અને ચીમનભાઈના પિતાજીને કરિયાણાની દુકાન હતી. બંને મિત્રો ગામડામાં મોજ મસ્તી સાથે રહેતા હતાં. ગામડામાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ, પછી આગળ અભ્યાસ માટે શહેરમાં જવું પડે. બંને મિત્રોએ હાઈસ્કુલ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. પસાભાઈ ને આગળ અભ્યાસ કરવો હતો એટલે તે કોલેજ કરવા માટે શહેરમાં ભણવા ગયા અને ચીમનભાઈ એ પોતાના પિતાની કરિયાણાની દુકાન સંભાળી લીધી. શહેરમાં પસાભાઈ કોલેજ પૂરી કરીને ગવર્મેન્ટ સર્વિસમાં લાગી ગયા અને શહેરમાં સ્થાયી થઇ નાનકડું એવું ઘર પણ લઈ લીધું.
આ બાજુ ચીમનભાઈ ગામડામાં કરિયાણાની દુકાન સંભાળતા હતા. ગામ નાનું હતું બહુ આવક થતી નહોતી, પણ ગાડું ગબડાવતા હતા.
સમય જતાં ચીમનભાઈને ત્યાં બે પુત્રોનો અને પસાભાઈને ત્યાં બે પુત્રીઓનો જન્મ થયો. છોકરીઓ ભણવામાં હોશિયાર હતી અને અભ્યાસમાં આગળ વધતી હતી. ચીમનભાઈના છોકરાં પણ હોશિયાર હતાં પણ આગળ અભ્યાસ કરવા શહેરમાં જવું પડે. એક વખત ચીમનભાઈ એ પસાભાઈ ને વાત કરી કે "પસા હવે મારે ગામડામાં દુકાન ચાલતી નથી, અને છોકરાઓના અભ્યાસ માટે શહેરમાં સ્થાયી થવું છે, તો મારા માટે એક દુકાન શોધી આપ". પસાભાઈ મહેનત કરી દુકાન શોધી અને ચીમનભાઈએ કરિયાણાની દુકાન શરૂ કરી દીધી. ચીમનભાઈ હોશિયાર, પ્રામાણિક, નિષ્ઠાવાન હતા, એટલે જોત જોતામાં કારીયાણાની દુકાન જામી ગઈ અને મોટો પ્રોવિઝન સ્ટોર બની ગઈ. ચીમનભાઈ એ પણ કુટુંબનો સમાવેશ થાય એવું મકાન ખરીદી લીધું.
બંને મિત્રોનો નિયમ હતો કે દર શનિ-રવિ સાંજે બગીચામાં ભેગા થવું અને મોજ-મસ્તી, સુખ દુઃખ ની વાત કરવી. જુના સંભારણા યાદ કરવા બંને મિત્રો દર શનિ-રવિ ભેગા થતા અને સુખ દુઃખની વાતો કરતાં.
એક શનિવારે ચીમનભાઈ કંઈ ચિંતામાં લાગે છે એમ લાગતા પસાભાઈ એ ચીમનભાઈને પૂછ્યું કે, "ચીમન તું કઈક મુશ્કેલમાં અને ચિંતા માં લાગે છે તો મને વાત કર. આપણે બંને લંગોટીયા મિત્રો છીએ સુખ દુઃખનાં સાથી છીએ."
પણ ચીમનભાઈ એ પસાભાઈ ને કાંઈ કહ્યું નહીં, એટલે પસાભાઈને થયું કે ચીમન ને વાત કરવાની ઈચ્છા નથી તો મારે દબાણ ના કરવું જોઈએ.
રવિવારે પણ ચીમનભાઈ ચિંતામાં હતા. ફરી પસાભાઈ પૂછ્યું પણ ચીમનભાઈ એ જવાબ ન આપ્યો. બીજી વાતો કરી મિત્રો છૂટાં પડ્યાં. પસાભાઈ ઘરે આવી ઘરવાળી ને વાત કરી કે "ચીમન કઈક મુશ્કેલીમાં લાગે છે, પણ કંઈ કહેતો નથી". ઘરવાળીએ કહ્યું કે "તમે બંને બાળપણના ગોઠીયા મિત્રો છો તો આ શનિવારે પ્રેમથી પણ દબાણ કરી ને પૂછજો, એમની મુશ્કેલી એ આપણી મુશ્કેલી કહેવાય".
શનિવારે પસાભાઈ ભેગા થયા એટલે કહ્યું ”ચીમન આપણે બાળપણના મિત્રો છીએ સુખ દુઃખ વહેંચતા આવ્યા છીએ. તારે મને બધી વાત કરવી જોઈએ, એટલે જે હોય તે કહે”. ચીમને કહ્યું, "વાત કૌટુંબિક છે. બંને છોકરાઓને હવે સારી નોકરી મળી ગઈ છે એટલે તેઓ ને બહાર ગામ બદલી કરાવી જુદા થવું છે. સાથે રહેવું નથી. તારી ભાભી ને એ વાતનું દુઃખ છે કે છોકરાઓ મોટા, આપણને સધિયારો આપવાના બદલે જુદા થવાની વાત કરે છે. બસ આ જ વાત છે."
પસા એ કીધું, "અરે ભલા માણસ તું શું કામ મુંજા છો, હું છું ને તારી સાથે. છોકરાઓ જો જુદા થઈ સુખી રહેતા હોય તો તેમ કરવાનું. મેં મારી બંને દીકરીઓને સારી જગ્યાએ પરણાવી દીધી છે, ખબર અંતર લેવા આવે છે, હવે કોઈ ચિંતા નથી”. ચીમન હળવો થઈ કહે, ”સારુ, તારી ભાભી સાથે વાત કરીશ".
ચીમને પસા સાથેની વાત ઘરવાળીને કરી. ચીમન ને ઘરવાળી એ કહ્યું, "પસાભાઈની વાત યોગ્ય છે, આમેય તમને બંનેને સારું બને છે અને અમે પણ બંને બહેનો જેવી છીએ".
પછી નકકી કરી છોકરાઓને વાત કરી કે "તમને ઈચ્છા પડે તેમ કરી શકો છો" છોકરાઓ રાજી થઈ એવી હૈયા ધારણ આપી કે "અમે તમારું પૂરતું ધ્યાન રાખશું" એમ કહી બીજા ગામ બદલી કરાવીને જતા રહ્યા. હવે, ચીમન અને તેની ઘરવાળી બે જ હતા. શનિવારે ચીમને પસાભાઈ ને વાત કરી કે છોકરાઓ બદલી કરીને જતાં રહ્યા છે.
બંને મિત્રો ભેગા થયાં. પસાએ કહ્યું, "ચીમન, તું ચિંતા ના કરીશ, આપણે સાથે જ છીએ, છોકરાઓ નથી તો શું, અમે તારી સાથે છીએ એટલે આપણે સુખ દુઃખ વહેચી લેશું.” પસા એ ઘરે આવી ઘરવાળી ને વાત કરી ”ચીમનના છોકરાઓ જુદા થયા છે અને બીજા શહેરમાં રહેવા ગયા છે હવે તેઓ બંને એકલા છે."
પસાની વાત સાંભળી, ઘરવાળી કહે, "આપણે પણ બંને એકલા છીએ, ચીમનભાઈ ને આપણી સાથે રહેવા બોલાવી લ્યો. તમે શનિવાર વાત કરજો. પસા એ ચીમન ને વાત કરી, ”તારી ભાભી આવી વાત કરતી હતી, અને મને પણ વાત સાચી લાગે છે, આગળ તારી મરજી."
ચીમન કહે, "તારી વાત સાચી છે, મને પણ તારી ભાભી એ કીધું છે કે તારી વાત સાચી છે. અમે તારે ત્યાં રહેવા આવી જઈશું."
ચીમને પસાને કહ્યું "જો પસા, મારી દુકાનમાંથી મારી પાસે થોડી ઘણી બચત છે, મકાનનું ભાડું, મારી બચતનું વ્યાજ અને તારી આવકમાંથી આપણું ગાડું સારું ચાલશે, અને મકાન ભાડે આપી દઈશું."
ચીમન અને તેની ઘરવાળી પસાના ઘરે રહેવા આવી ગયાં, પછી તેને વિચાર આવ્યો કે મકાન ને ભાડે આપવા કરતા વેચી દઈએ અને જે રકમ આવે તેના વ્યાજમાંથી ઘર ચાલશે. ચીમને પસાને વાત કરી. પસા એ પહેલા તો ના પાડી, પછી ચાર જણાએ ભેગા થઈ તે પ્રમાણે કરવાનું નક્કી કર્યું. ચીમનના છોકરાને આ વાતની ખબર ન પડે તેની તકેદારી રાખવાનું નક્કી કર્યું.
પસાને બે છોકરીઓ હતી, બંને છોકરીઓ સારી અને સંસ્કારી હતી. આ ચાર જણાનું ધ્યાન રાખતી હતી, અને સાથે રહેવા પણ આવતી હતી. ચીમનના છોકરાઓ ગયાં પછી એક પણ વખત મા-બાપ ને મળવા કે ખબર અંતર પૂછવા આવ્યા નહોતા !.
આમ ચાર જણાનું જીવન સારું ચાલવા માંડ્યુ, કામ કાજ વગેરે માટે કામવાળા માણસો રાખી લીધાં.
એક દિવસ ચીમન કહે, "મારે વિલ કરવું છે, અને મારી બધી સંપત્તિ બંને છોકરીઓને આપવી છે."
પસો કહે "એમ ના થાય, છોકરાઓને આપવું પડે, છોરું કછોરું થાય માવતર ક માવતર ન થાય."
છતાં ચીમનનો આગ્રહ હતો, એટલે એમ નક્કી થયું કે બંને છોકરાઓ અને બંને છોકરીઓને 25-25 ટકા સંપત્તિ ચીમન ની સંપત્તિમાંથી આપવી અને પસાએ તેની સંપત્તિ બંને છોકરીઓને આપવી.
ચીમનના છોકરાઓ ને ખબર પડી કે મકાન તો બાપાએ વેચી દીધું છે, અને મા-બાપ, પસા કાકા સાથે રહે છે તેઓ મળવા આવ્યાં અને મકાનમાં ભાગની વાત કરી. પસાએ વકીલની સલાહ લઈ રાખી હતી અને વકીલને પણ બોલાવી રાખ્યા હતા.
વકીલ કહે "તમારી વાત સાચી છે, મકાનમાં ભાગ મળે પણ પહેલા કાયદા પ્રમાણે ફરજ અને પછી હક્ક આવે જેમાં તમે નિષ્ફળ ગયા છો. તમારા પિતાની સંપત્તિમાં તમારો હક્ક છે, પણ સાથે રાખવાની ફરજ છે, જે તમે નિભાવી નથી. છતાં તમને 25 ટકા ભાગ આપ્યો છે, મા-બાપ છે ને એટલે".
ચીમન અને પસાએ ભાઈબંધીના અતૂટ બંધન ને નિભાવ્યું. એક બીજાને સાથ સહકાર આપી ભાઈબંધીનું મૂલ્ય શું છે તે સમજાવી દીધું ! !.
દુનિયાને ઈશ્વરે આપ્યું વરદાન છે મિત્ર
બધાંજ સંબંધોમાં રહેલી તે જાન છે મિત્ર,
સંબંધોના આગોશે થાય છે ઘણાં કાર્યો અહી
ઘણાંમાંથી કોઈ હોય તે કદરદાન છે મિત્ર,
અંચળોમાં છૂપાયેલ હોય છે તો આપ્તભાવો
બસ એક તો અતૂટ તેનું ઈમાન છે મિત્ર
મિત્રતાના ભાવકમાં વહે છે સમય ધીમે ધીમે
સપ્ત રંગથી રંગાયેલ ફરમાન છે મિત્ર
ઘડી બે ઘડીનાં નથી હોતા વાદા મિત્રતાના
સંબંધોમાં સાથે છે તે જાજરમાન છે મિત્ર.
