બદલાતા સંબંધો
બદલાતા સંબંધો
જીવવિજ્ઞાન 'બાયોલોજી'માં દેડકાનું રૂપાંતર - મેટામોર્ફોસીસ - ભણવામાં આવતું હતું. તેમાં દેડકો 'ટેડપોલ'માંથી શારીરિક રૂપાંતર "ફ્રોગ" કેવી રીતે થઈ જાય છે તે જાણતો હતો; પણ આ થીયરી અહિ માનવ જીવનમાં પણ લાગુ પડતી હશે કે કેમ તેથી હું અજ્ઞાત હતો. એકની એક વ્યક્તિનું શારીરિક ફેરફાર વગર 'કાકા', 'મામા', 'ફુઆ' વગેરેમા રૂપાંતર - વિલીનીકરણ - એ મારે મન એક કોયડો છે, જે હજી સુધી ઉકેલી શક્યો નથી.
બાબા કે બચુમાંથી તેનું (મેટામોર્ફોસિસ) - રૂપાંતર - કાકા, મામા, ફુઆ અને વળી ક્યારેક 'સારા 'કે 'વ્હાલા' વિશેષણો 'સારા કાકા' ' 'વ્હાલા મામા ' ક્યારે થઈ જાય તે તેમને યાદ નથી રહેતું. ચાર્લ્સ ડાર્વિનની આ 'મેટામોર્ફોસિસ થીઅરી 'સામાજીક વ્યવહારમાં (સગપણમાં) પણ લાગુ પડે છે કે કેમ તેથી હું અજ્ઞાત હતો, કારણ કે આ શબ્દો તો હું ઘરમાં અવારનવાર સાંભળતો આવ્યો છું.
માનવનું પૃથ્વી પર આગમન એ એક વિશિષ્ટ ઘટના છે. તેના આગમનને આવકારી એક ચોક્કસ નામ આપી તેની હસ્તીનો સ્વીકાર કરવામાં આવે છે. સમયે સમયે તેનું 'મેટામોર્ફોસીસ' રૂપાંતર થતું રહે છે. બાબો, બેબી બચુ વગેરે શબ્દોથી તેની શરૂઆત થાય છે. સમય અનુસાર તેમાં ફેરફાર થતા જાય છે. ઘરનો બાબો હવે બાલમંદિરમાં બકુલ કે તેવા નવા નામે દાખલ થાય છે. સ્કૂલ, કૉલેજ અને નોકરીમાં આગળ વધતાં બકુલચંદ્ર થઈને સંસારમાં પગરણ માંડે છે. સંસારનૌકાના હલેસા મારતા મારતા ઘોડિયું હિંચોળતા સમય ક્યાંય પસાર. થઈ જાય તે સમજમાં આવતું નથી.
થોડા દિવસો પર જ દીકરીના લગ્ન કરેલા. જમાઈ રાજા અમેરિકા હતા. નવા વરઘોડિયાના હાથમાં નવા જમાનાનું નવું 'વોટ્સએપ'નું રમકડું હતું તે રમ્યા કરે. અવારનવાર તેમના ફોન આવે તે વાતો કર્યા કરે. ફોન ઉપર વાત કરવાનો પ્રસંગ મારે જમાઈ સાથે થયો નહોતો.
ઘરના લીવીંગરૂમમાં બધા ટીવીની સીરીયલ જોવામાં વ્યસ્ત હતા. ફોનની રીંગનો ડીસ્ટર્બન્સ શરૂ થયો. હુંસાતુસીમાં કોઈ ઉભા ન થતા અન્ય લોકોના રસમાં ખલેલ ન પડે એટલે મેં ફોન ઉઠાવી હલો કહ્યું સામેથી પ્રત્યુત્તર આવ્યોઃ
'હલો પપ્પા...'
ચારેબાજુ મેં નજર ફેરવી દરેકના માથા ગણી જોયા. સંખ્યા તો બરોબર હતી. હું વિચારમાં પડી ગયો. પપ્પા કહેનાર તો બધા અહિ હાજરાહજૂર છે, આ વળી કોણ મારો નવો વારસ અચાનક ફુટી નીકળ્યો ? મને ફાંફા મારતો જોઈ, વાતાવરણમાં સનસનાટી છવાઈ ગયો. બધા અમંગળ વિચારમાં પડ્યા. મને સ્તબ્ધ જોઈ મારી દીકરીએ મારા હાથમાંથી ફોન લઈ બધાને હાથનો ઇશારો કરી ટી.વી. જોવા કહી ફોન લઈ તે બીજા રૂમમાં જઈ વાત કરવા લાગી. સીરીયલ પૂરી થઈ, વાત પુરી થઈ, ફોન લઈ તે લીવીંગ રૂમમાં આવી.
'શું પપ્પા તમે ય તે, ઓળખાણ ન પડી? ' એ તો 'એમનો' ફોન હતો
'મને શું ખબર કે તે મને પપ્પા કહેશે? '
'કેમ વળી તમે 'તેમના પ્રપ્પા' તો ખરા જ ને !'
'કેવી રીતે ?' મેં મારી અજ્ઞાનતા પ્રગટ કરી.
' કેમ વળી તમે 'ફાધર - ઈન - લો' ખરા કે નહિ?'
મારી 'ટયૂબ લાઇટ' સળગી અને પ્રકાશ ફેલાયો. સામાજિક રીતે હું 'ફાધર' તો હતો જ પણ હવે હું કાયદાની પરિભાષામાં 'ફાધર' થયો.
પછી તો સમયાંતરે નવા નવા સમીકરણો 'દાદા' 'નાના' 'ફાધર-ઈન - લો' 'બ્રધર - ઈન -લો ' અને અંતમાં ગાલી પ્રદાન 'સાલા-સાળા' પણ પામ્યો.
"ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હમ હોયે..."
તેમ જન્મ ધારણ કર્યાપછી નામ રૂપ જુજવા અંતે તો માનવ માનવી હોયે...
આ તો થઈ ફક્ત પુરુષના સંબંધની વાત. સીક્કાની બીજી બાજુ નજર કરીએ તો સ્ત્રીઓની. બાપની વ્હાલસોઈ દિકરી સર્વસ્વ ત્યાગી, એક નવો અવતાર ધારણ કરી પત્ની, કાકી, મામી દેરાણી જેઠાણી બની જાય છે પુરુષ તો ફક્ત સંબંધ જ બદલે છે જ્યારે સ્ત્રીનું તો આખું જીવતર જ બદલાઈ જાય છે. તેનું નામ ઠામ ઠેકાણું બાપનું નામ, તેની અટક, તેનું આખું કુટુંબ બધું જ ભૂતકાળની ગર્તામાં અલોપ થઈ જાય છે. બદલાઈ જાય છે. તેનો ભુતકાળ પિયરનું સઘળું બદલાઈ જાય છે."કાચી માટીની માયા માથે માયા કેરા રંગ લગાયા....." કોઈ કાકા કોઈ મામા કોઈ કાકી કોઈ મામી કહેવાયા, પુરુષની સાત પેઢી બધાને યાદ હોય છે જ્યારે માતાની ત્રીજી પેઢી પછીની માહિતી મોટે ભાગે અપ્રાપ્ય જ હોય છે. આ ફક્ત આપણા સમાજની જ વાત નથી, યુરોપ અને અમેરિકામાં અરે મુસ્લીમ દેશોમાં અને સમાજમાં પણ આ પરિસ્થિતી છે. આમ સ્ત્રીએ શું અપરાધ કર્યો છે, કે તેનું નામો નીશાન મીટાવી દેવામાં આવે છે ?
ભક્ત નરસિંહ મહેતાના શબ્દોમાં "અખીલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે." થોડા ફેરફાર સાથે મને અનંતતા ભાસતી નથી પણ, ભસતી લાગે છે." જુદા સ્વરૂપે હું નિરંતર ભસી રહ્યો છું મારા ભસવાથી આપની ઘાઢ નિદ્રામાં વિક્ષેપ પડે તો ક્ષમા કરશો.
