STORYMIRROR

Umakant Mehta

Others

2  

Umakant Mehta

Others

અધૂરાં અરમાન !

અધૂરાં અરમાન !

6 mins
14.4K


આ કવિએ સાચું જ કહ્યું છે,
 
“અધુરા અરમાન !
જીવન નીકળતું જાય છે
આંખ ખોલીને આળસ મરડવામાં..
પૂજા-પાઠ ને નાહવા-ધોવામાં..
દિવસભરની ચિંતા કરવામાં..
ચા ઠંઙી થઈ જાય છે..
જીવન નીકળતું જાય છે.
 
ઓફિસની ઉલ્ઝનોમાં…
પેન્ડીંગ પડેલ કામોમાં…
તારાં મારાંની હોડમાં…
રૂપિયા કમાવવાની દોડમાં…
સાચું-ખોટું કરવામાં…
ટીફીન ભરેલ રહી જાય છે…
જીવન નીકળતું જાય છે.
 
મેળવ્યું એ ભૂલી જઈ…
ન મળ્યું એની બળતરા થાય છે…
હાય-હોયની બળતરામાં
સંધ્યા થઈ જાય છે…
ઊગેલો સૂરજ પણ
અસ્ત થઈ જાય છે.
જીવન નીકળતું જાય છે.
 
તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં
ઠંડો પવન લહેરાય છે તો પણ…
દિલમાં કોઈનાં ક્યાં
ઠંડક થાય છે..?
અધૂરાં સપનાઓ સાથે
આંખ બંધ થાય છે…
જીવન નીકળતું જાય છે.
 
ચાલો, સૌ દિલથી જીવી લઈએ.
જીવન નીકળતું જાય છે…”
 
મનુષ્યનું જીવતર આશાના તંતુએ રચાયેલ છે. મનુષ્ય આશા અને અરમાનો લઈને જન્મે છે અને અધૂરાં મૂકી મૃત્યુશરણે જાય છે. આશા વગરનું જીવન એ જીવન નથી. અને એ આશાએ તો માણસ જિંદગી જીવી જાય છે. જીવનમાં કોના અરમાન પૂરાં થયાં છે તે આપણાં થાય ! આમ છતાં પણ,
 
“આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.”
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન‘
 
તો ચાલો આપણે પણ ઝુકાવી જીવી લઈએ.
 
હાલની જીવન વ્યવસ્થા પ્રમાણે હવે જીવનમાં ફ્ક્ત ત્રણ જ અધ્યાય છે. કારણ કે ૧૦૦ વર્ષ સુધી હવે કોઈ જીવતું નથી. ૧થી ૩૦ અભ્યાસ, ૩૧થી ૬૦ સંસારિક જીવન (વ્યવસાય, નોકરી ધંધો વગેરે) ૬૧થી ૯૦ વર્ષ નિવૃત્તિ.
 
આમ જીવનના બે અધ્યાય પૂરાં કર્યા. ત્રીજાની શરૂઆત કરી.
 
બોલો શ્રી નિવૃત્તિ પુરાણે દ્વિતિયો અધ્યાય સંપૂર્ણ.
 
ભારતમાં નિવૃતિ વય મર્યાદા ૬૦ વર્ષની છે. આથી નોકરિયાત વર્ગ ૫૫ વર્ષથી જ નોકરિયાત માણસ મૂંઝવણ અને ગભરાટ અનુભવવા માંડે છે. છોકરાંઓ તેમના અભ્યાસના છેલ્લા વર્ષની તૈયારીમાં પડ્યાં હોય છે. દીકરીઓ ઉંમર લાયક થઈ હોવાથી તેમને ઠેકાણે પાડવાની હોય છે. લીધેલી લૉનનાં બાકી હપ્તા પૂરા કરવાના હોય છે. વગેરે બધું પ્લાનીંગ હવે આટોપવાનું હોવાથી માણસ રઘવાયો થઈ જાય છે.
 
આપણે તો બંદા હર-ફન-મૌલા. આપણે તો આવી કોઈ ચિંતા જ રાખી નથી. શા માટે રાખવી?
 
"અજગર કરે ના ચાકરી, પંખી ન કરે કામ,
દાસ કબીરા કહ ગયે, જૈસી જીનકી ચાકરી વૈસા ઉનકો દેત.”
 
અને આખરે આપણે મંઝિલે આવી પહોંચ્યા. ઑફિસ સ્ટાફ તરફથી 'ગ્રાન્ડ ફીનાલે' યોજાઈ, સર્વિસ દરમ્યાન વારંવાર ધમકી ભર્યા શબ્દોથી નવાજેશ કરનાર ‘બોસ સાહેબ‘ની વાણીમાં સુકી સરસ્વતી બે કાઠે વહેવા લાગી. શબ્દકોષના પાનાં ઉથલાવી ઉથલાવી જેટલા શબ્દો જડ્યા. તેટલાથી મારા ગુણગાન ગાયા. મને તંદુરસ્ત અને નીરોગી આયુષ્યની બક્ષીસ શુભેચ્છારૂપે પાઠવી. સાહેબ તેમના ચાર 'બોડીગાર્ડ' (ચમચાઓ) સાથે મારો હવાલો મારા મુકામે મારા અર્ધાંગીનીને સોંપી વિદાય થયા.
 
નિવૃત્તિના પેન્શન, ગ્રેજ્યુઈટી, મેડીકલ બેનીફીટ વગેરે સર્વ લાભો મેળવી લાલો ઘેર લોટ્યો હતો. તેથી ઘેર પણ સારું સ્વાગત થયું. ગૃહલક્ષ્મી (હોમ મિનિસ્ટર)નો વટ હુકમ જાહેર થયો. ‘આખી જિંદગી તેમણે નોકરી કરી આપણી સેવા કરી છે, હવે આપણે તેમની સેવા કરવાની છે. હવે કોઈએ તેમને ડીસ્ટર્બ કરવા નહિ, તેઓને સવારે વહેલા ઉઠાડવા નહિ, તેમના ચ્હા પાણી, નાસ્તો, પેપર વગેરે તેમના રૂમમાં સમયસર પહોંચાડવું, વગેરે.
હાશ ! હવે આરામની જિંદગી જીવી લઈશ અને મોજ મજા કરીશ. હવે સાલી કોઈની કટ કટ તો નહિં. હવે બોસની ખીટપીટ નહિ, આ ફાઈલ લાવો અને પેલી ફાઈલ લાવો, આ બરોબર નથી. આ ટેન્ડર અધૂરું કેમ છે? ઑફીસમાં રોકાઈ ફાઈલ પૂરી કરજો. હમણાં ઓફીસમાં કામ વધુ છે માટે રજા કેન્સલ. હાશ ! છૂટ્યા હવે આ લફરાંમાંથી. હવે 'આઈ એમ ધી કીંગ ઓફ ઓલ આઈ સર્વે.' હવે મારું પોતાનું સામ્રાજ્ય છે. મને કોઈ કહેનાર નથી, મને કોઈ ટોકનાર નથી.
 
હાશ ! આર્થિક સંકડામણને લીધે અધૂરાં કાર્યો હવે પૂરાં થશે. ભાડાનાં મકાનને બદલે નવો ફ્લેટ નદી પાર સોસાયટીમાં લઈશું. લગ્ન પછી હનીમૂન માટે કાશ્મીર જવાનો અધૂરો પ્લાન, હવે પૂરો થશે. આમ, સ્વપ્નોનાં મહેલનું ચણતર શરૂ કરી દીધું. પ્લાન તો મનમાં તૈયાર જ હતાં. આમાં ક્યાં કોઈની પરમીશન લેવાની હતી તે રાહ જોવા બેસી રહેવું પડે?
 
નિવૃત્તિની પહેલી ઈનીંગ્સની શરૂઆત તો સારી થઈ. એક અઠવાડિયું તો સારી રીતે પસાર થયું. બેટ્સમેન સેટ થાય એટલે કેપ્ટન બોલીંગમાં ફેરફાર કરે તે સ્વાભાવિક છે. બીજે અઠવાડિયે બોલીંગમાં ફેરફાર. કામવાળી બાઈએ બાઉન્સર ફેંક્યો, "બહેન, સાહેબ મોડા ઊઠે છે, તેથી તેમના રૂમમાં કચરો પોતું કરતાં મને મોડું થાય છે અને બીજાં ઘરવાળાં મને ઠપકો આપે છે. સાહેબને વહેલા ઉઠવા કહો અગર તો તે રૂમનો કચરો પોતાં તમે કરી લો." પહેલા બોલરથી તો માંડ માંડ બચી ગયા. બીજો બોલર, ડી. રામા (ડુંગરપુરિયા રામા) તરફથી આવ્યો. તે તો વેસ્ટ ઈન્ડીઝનો કાળિયો ફાસ્ટ બોલર હતો, બોલીંગમાં સામે તે આવતા જ આપણા તો ટાંટિયા ધ્રુજવા લાગ્યા. "બહેન, પાણી વહેલું જતું રહે છે, તેથી કપડાં ધોતા ધોતા પાણી જતું રહે છે માટે કપડાં વહેલાં કરજો."
 
રાજકારણની બે પાર્ટી, કોંગ્રેસ અને ભાજપની વચ્ચે લાલભાઈઓની કોમ્યુનીસ્ટ પાર્ટી જેવી સંસારની બે લોબી પતિ અને પત્ની વચ્ચે આ ત્રીજી લોબી બહુ જોરદાર અને અસરકારક છે. તે બંન્ને લોબીનું નાક દબાવી તેનું કામ પાર પાડી શકે છે. આ બે ગોલંદાજોની કાતિલ ગોલંદાજી સામે મારે તો શું પણ ભલભલી શહેરની શેઠાણીઓને ટકી રહેવું અશક્ય છે. પત્નીઓને, ઘરવાળા રિસાય તો ચાલે, પણ કામવાળા રિસાય તે ન પોસાય. બંદાની દાંડી ડૂલ. હાર સ્વીકાર્યા સિવાય છૂટકો જ નહોતો. બંદા ધોયેલા મૂળા જેવા, પેવેલિયનમાં પાછા ફર્યા. ઘર હોય તો ઘરવખરી પણ ઘરમાં હોય. તાંબા પિત્તળનો જમાનો ગયો હવે તો સ્ટેનલેસ સ્ટીલ, નોનસ્ટીક અને ગ્લાસ ક્રોકરીનો જમાનો આવ્યો. તે પણ ખખડે તો ખરા જ અને અવાજ કરે અને અવાજ ન કરે તો તુટે ફુટે.
 
કાયદા કાનૂન અને ગૃહવ્યવસ્થા એ હોમમીનીસ્ટરનું ખાતું. હોમમીનીસ્ટર (ગૃહલક્ષ્મી) નિવૃત્ત વયે રિટાયર્ડ થયા. કોર્ટમાં કોઈ જજ નિવૃત થાય અને કેસોનો ભરાવો થયો હોય ત્યારે સરકાર તપાસ પંચ નીમે છે. આ અવાજને શાંત કરવા અને તુટ ફુટ અટકાવવાનાં પંચના અધ્યક્ષ તરીકે ઘરના સભ્યો એ મારી નીમણૂક કરી. એક વડીલ તરીકે અને નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે મેં તે સહર્ષ સ્વીકારી.
 
ગૃહ ક્લેશના નાના મોટા કેસની રજૂઆત મારી સમક્ષ થવા લાગી. મોટા અને નાનાને એક એક દીકરો, નામે રાહુલ અને કેતુલ. ઘરમાં તેમની સ્થિતિ રાહુ અને કેતુની. બન્ને વચ્ચે ૧૮૦ અંશનું અંતર. હિન્દુસ્તાન પાકીસ્તાન માફક નાની નાની બાબતમાં તેમના ઝઘડા અહર્નિશ ચાલુ જ હોય. તેમના કેસો તેમને સામ, દામ, દંડ અને કેટલાક વાર ભેદથી પટાવી આસાનીથી ઉકેલ્યા. આ કાર્યની જટિલતા ધીમે ધીમે સામે આવવા લાગી. કોઈ પણ કેસનો નિર્ણય બન્ને પક્ષોને માન્ય તો ભાગ્યે જ હોય. એકને માન્ય લાગે જ્યારે બીજાને અન્યાય કર્તા જ લાગે.
 
અર્જુને ત્રાજવાના બે પલ્લામાં પગ રાખી મત્સ્ય વેધ કર્યો હતો તેવું આપણા પુરાણો કહે છે, પણ આ વિદ્યા મને હસ્તગત ન હોવાથી 'જિસ કે તડમેં લડ્ડુ ઉસકે તડમેં હમ' એમ જેની બાજુ મજબૂત તેની તરફેણ કરી ન્યાય તોળવા માંડ્યો. તેમાં પણ સફળતા તો દૂર જ રહી. આખરે બે બિલાડી અને વાંદરાની બાળવાર્તા યાદ આવી. રોટલાનો ટુકડો જે પલ્લામાં નમે તેમાંથી બટકું ભરી વાનર ખાઈ લેતો. આમ કરતાં આખો રોટલો વાનર ખાઈ ગયો અને બે બિલાડીઓ લડતી રહી ગઈ. તેમ બન્ને પક્ષો સમજી જતા અને સમાધાનનો સૂર નીકળતો.
 
રામાયણ, મહાભારત કે પછી વિશ્વયુદ્ધના દાખલા જોઈશું તો જણાશે કે તે સામાન્ય તદ્દન નજીવા પ્રશ્નોમાંથી જ ઉદ્દભવેલા છે. સંસારમાં પણ ડાયવોર્સ તથા વિભક્ત કુટુંબના પ્રસંગો પાછળ પણ આ કારણો જ મહદ અંશે જવાબદાર જણાયા છે.
 
એક સવારે ઘરમાં બોંબ વિસ્ફોટક થયો. ડોશી મંદિરે અને હું શાકભાજી લેવા નીકળ્યાં હતાં. પાછા ફરતાં શેરીમાં ઘર પાસે વિશાળ મેદની જોઈ વિચારમાં પડ્યાં. પોલીસને જોઈ તોફાની ટોળું વેરવિખેર થઈ જાય તેમ લોકો આઘાપાછા થઈ ગયા. અમે ગૃહપ્રવેશ કર્યો. "દાદા દાદા શું લાવ્યા?" કરી રાહુ કેતુ શાકભાજીની થેલી ભંફોસવા માંડ્યાં. બીજી બાજુ બે કેસરવર્ણી – સમરસેવિકાઓ - રણચંડિકાઓ- દેરાણી જેઠાણી વાગ્યુદ્ધ કરતા કોર્ટરૂમમાં હાજર. વાદી - પ્રતિવાદીની એક જ અપીલ, ક્યાં તે નહિ કે ક્યાં હું નહિ આ ઘરમાં. સમસ્યા તો વિકટ હતી. સમાધાનની કોઈ શક્યતા ન હોવાથી મારે આખરે વિભક્ત કુટુંબનો ફેંસલો કરવો પડ્યો. પ્રોવીડન્ટના પૈસામાંથી નાનાને તેનો ભાગ આપી છૂટો કર્યો.
 
"જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી."
– મરીઝ
 
આમ નિવૃત્તિનાં અરમાન અધૂરાં રહ્યાં! બોલો શ્રી નિવૃત્તિ પુરાણે તૃતિયોધ્યાય સંપૂર્ણ.
 
અચ્યુત્તમ કેશવમ રામ નારાયણમ.


Rate this content
Log in