STORYMIRROR

Umakant Mehta

Inspirational

4  

Umakant Mehta

Inspirational

અનન્યા

અનન્યા

9 mins
28K


પૂજ્ય બાપુજીની હિન્દ છોડો હાકલને પગલે મે કૉલેજ છોડી. અભ્યાસ અધુરો રહેવાથી પિતાજીને ઘણું દુઃખ થયું. મને પણ એટલું જ દુઃખ થયું. મારા જેવા સમદુઃખીયાની ટોળીએ નક્કી કર્યું કે અભ્યાસ અધુરો છોડવો તે યોગ્ય નથી. આખરે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈને અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો.

શરૂઆતમાં અમે દસ મીત્રો દેશ સેવાની ધગશ સાથે વિદ્યાપીઠમાં જોડાયા હતા. વિદ્યાપીઠના કડક શીસ્ત પાલનથી કંટાળી ધીમે ધીમે ઘઉંમાંથી કાંકરા છૂટા પડે તેમ પાંચ મિત્રો એક બે વર્ષનો કોર્સ કરી છૂટા થઈ ગયા હતા. જીવનનો પ્રથમ તબક્કો પૂરો થયો. દીક્ષાંત પ્રવચનમાં, માનનીય શ્રી મોરારજીભાઈએ પ્રતિજ્ઞા લેવડાવી હતી કે "તમે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી છો, અને આ વિદ્યાપીઠ એ પૂ. બાપુજીની વિદ્યાપીઠ છે તેથી પૂ. બાપુજીના સિધ્ધાંતનું પાલન, ગ્રામસેવા દ્વ્રારા દેશ સેવાનું ધ્યેય રાખજો.સાદગી અને સંયમી જીવન જીવજો."

નોકરીની તપાસ શરૂ કરી. જીવનની વાસ્તવિકતા સામે આવી.“सा  विद्या या विमुक्तये "નું પવિત્ર સૂત્ર બદલાઈ ગયું હતું. તેને બદલે "सा विद्या या धनमुच्यते" "ધન અપાવે તે વિદ્યા"નું નવું સૂત્ર ચારે કોર ગૂંજતું હતું. લોકનેતાઓ શિક્ષણની હાટડીઓ માંડી બેઠા હતા. આઝાદીના મીઠાં ફળ આ લોકનેતાઓ આરોગતા હતા. જ્યારે અમારે નસીબે ફક્ત ગોટલા અને છોડિયાં જ હતાં આદર્શોના તાપણા પર રોટલા શેકાતા નથી અને. અરમાનોના ચૂલે ચડાવેલી ખુમારીની ખીચડી ચડતી નથી. મને એ વાસ્તવિકતાનું ભાન થતાં આછી પાતળી નોકરી મેળવવા મેં પ્રયત્નો કરવા માંડ્યા. શિક્ષકની નોકરીનો ભાવ રૂપિયા ૨૫,૦૦૦થી ૩૫,૦૦૦ બોલાતો હતો. સ્વમાની પિતાજીએ મફતનો કે ખોટો પૈસો કોઈનો લીધો નહોતો તેથી આટલી મોટી રકમ ક્યાંથી કાઢવી ?

આખરે ધરમપુરના આદીવાસી વિસ્તારમાં અંતરિયાળ ગામે શિક્ષકની નોકરી મળી. જ્યાં લાઈટ પાણી કે રસ્તા કે કોઈ જાતની વાહન વ્યવસ્થા ન મળે. નિશાળના સ્થળે જવા માટે બે બસો બદલવી પડે. ગામથી બે માઈલ દુર હાઈ વે પર બસ આવે. બસમાંથી ઉતરી બે માઈલ ચાલતા ગામમાં જવું પડે. આમ છતાં મજબુરીએ નોકરી સ્વીકારી. નોકરીએ જવા માટે રોજ સવારે પાંચ વાગે ઊઠી બસ પકડવા દોડવું પડે અને પાછા આવતાં સાંજના સાત સાડા સાત થઈ જાય. બસ ટાઈમ સર હોય ના હોય અને વળી લગ્ન ગાળામાં અને વરસાદની ઋતુમાં બસ કેન્સલ પણ થાય. નોકરીએ તો જવું જ પડે ! આવા વખતે જંગલમાં લાકડાં વહન કરતી કોંટ્રાક્ટરની ટ્રોલીમાં બેસી જવું પડે. ઘેર આવીને બોલવા ના પણ હોંશ ના રહે. સાંજે વાળુ કરી સૂઈ જાઉં તે સવાર પડજો વહેલી. કુટુંબના સભ્યો અને સગાં વહાલાંઓ સાથે જાણે સંપર્ક કપાઈ ગયો. જીવનનું ધ્યેય ફક્ત નોકરી જ હોય તેવું થઈ ગયું. બસ ભાડામાં જ અડધો પગાર પૂરો થઈ જતો. અતિશય પરિશ્રમથી શરીર લેવાતું ગયું, એક સમયે તો નોકરી છોડી દેવા તૈયાર થઈ ગયો; નોકરી છોડું તો ખાવું શું? આર્થિક પરિસ્થિતિની મજબુરીએ નોકરી છોડી ના શક્યો. અને શાળાના ગામમાં જ રહેવા નક્કી કર્યું.

છાપરા ગામ ધરમપુરના ગુજરાતના છેવાડાનું ગામ. ગામને અડીને ઘીચ જંગલ શરૂ થાય અને જંગલની હદ પુરી થાય એટલે મહારાષ્ટ્ર રાજ્યની હદ શરૂ થાય. આ જંગલમાં સાગના અને મહુડાનાં ઝાડ. ઈમારતી લાકડાનો બળોહો વેપાર. જંગલનો કોંટ્રાક્ટ પારસી લોકો રાખે. જંગલની નજીકમાં તેઓ મકાનો બાંધી દિવસ પુરતા રહે અને સાંજે લાકડાની ટ્રોલી ભરીને વ્યારા બીલીમોરા, વલસાડ, નવસારી પોતના ઘરે પાછા જાય. આદીવાસી  પુરુષો જંગલમાં લાકડા કાપે અને તેમની સ્ત્રીઓ અને બાળકો શેઠને ત્યાં ઘરકામ કરે, તેમની પાસે મહુડાના ફુલ એકઠા કરાવી તેનો દારૂ ગાળે. સાંજે પુરૂષો લાકડા કાપી મજૂરી લેવા આવે ત્યારે એકબાજુ મજુરીના નાણાં ચૂકવે અને બીજી બાજુ દારૂ વેચે. આમ એક હાથે પૈસો આપે અને બીજા હાથે તે પૈસો છીનવી લે.

આ ગામમાં મારી નીમણુંક શિક્ષક તરીકે થઈ. ગામમાં સરપંચનું મકાન પાકું અને મોટું. મકાનના ચાર ઓરડામાં સરપંચ પોતે જ શિક્ષક, તલાટી અને પોસ્ટમાસ્તરનું કામકાજ કરે. શિક્ષક તરીકે ગામમાં આવ્યો એટલે સરપંચે બધો કારભાર મને સોંપી હાશ અનુભવી. ગ્રામ, તાલુકા,જીલ્લા પંચાયત અને વિધાન સભા કે લોકસ્ભાની ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ ગામમાં આવે ત્યારે ગ્રામ સુધારણા ખાતે ટુકડો નાંખતા જાય. આમ ધીરે ધીરે ગામનો અને શાળાનો વિકાસ થતો ગયો.

(૧)

ગામનો વિકાસ થતો ગયો તેમ તેમ ગામના રસ્તાઓ, દવાખાનું, વીજળીના દીવા તાર, ટપાલ અને બેન્ક સેવા પણ શરૂ થઈ. શાળાની બાજુમાં જ મારે માટે મોટું મકાન બાંધી મને આપવામાં આવ્યું. ગામ્ય વિકાસ સાથે મારો પણ વિકાસ થતો રહ્યો. સામાન્ય પ્રાથમીક શિક્ષક મટી હવે હું માધ્યમીક શાળાનો મુખ્ય શિક્ષક (હેડ માસ્તર) થયો હતો. સરપંચને પણ બદલાતા સમયનો રંગ લાગ્યો હતો. શિક્ષણની સાથો સાથ મને ગ્રામ સેવક બનાવી ગામનો વહિવટ સોંપી તેઓ સક્રીય રાજકારણમાં જોડાયા હતા.

લોક કેળવણી અને જન જાગૃતિના બહાને સરપંચના આગ્રહથી આધુનીક વીજ ઉપકરણો રેડિયો, ટીવી., ટેલીફોન, કોમ્પ્યુટર, વગેરે મારી અનિચ્છાએ પણ મારે સ્વીકારી ઘરમાં સમાવવા પડતા. હું તેમને સમજાવવા પ્રયત્ન કરતો કે હું વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું અને ગામ સેવક છું. શ્રમ અને સાદગી એ મારો જીવનમંત્ર છે. તેની સામે તેમની દલીલ હતી કે "માસ્તર, આ બધું જન જાગૃતિ અને પ્રજા કલ્યાણ અર્થે છે. તમારી સાદગીથી હું પરિચીત છું. જો આપણે આમ ના કરીએ તો પ્રજા આક્ષેપો કરે કે સરકારે આપેલી ગ્રાંટની રકમનો તમે દુરૂપયોગ કર્યો છે. માટે આ બધું કરવું જરૂરી છે. તમારે રોજ સાંજે શાળાના કમ્પાઉન્ડમાં ગ્રામજનો અને ખેડુતોનો જે કાર્યક્રમ આવે છે તેને ચાલુ કરી લોકોને મનોરંજન સાથે શિક્ષણ આપવાનું." આવી પ્રવૃતિનો તેમનો આશય આવનારી ચુંટણી છે. એટલું સમજવા હું સક્ષમ હોવા છતાં અનિચ્છાએ મારે તેમને સહકાર આપવો પડતો. હું અને મારી પત્ની સ્મીતાનો આત્મા આથી કોચવાતો. કેવા ઉચ્ચ આદર્શથી જીવન જીવવાની શરૂઆત કરી હતી, અને આજે કેવા રસ્તે હું જઈ રહ્યો છું ? પૂ. બાપુજીના શ્રમ અને સાદગીના આદર્શોનું છડે ચોક ઉલ્લંઘન કરી મારા આત્માને છેતરી રહ્યો હતો !

(૨)

સરપચને ઘેર ઘરકામ માટે આદીવાસી દેવકી આવે. દેવકીનો વર જંગલમાં લાકડા કાપવાની મજુરી ઉપર કોંટ્રાક્ટરને ત્યાં જતો હતો.એક અકસ્માતમાં ઝાડ કાપતાં ઝાડ નીચે દબાઈ જવાથી તેનું મરણ થયું.

(૩) દેવકી રોજ સવારે ઘરકામ પર તેની નાની બાળકી કુંતાને લઈને આવે. દેવકી આખો દિવસ ઘરકામ કરે છતાં સરપંચના પત્ની મણીબહેન તેને નાની નાની બાબતમાં “દેવલી ક્યાં મરી ગઈ, આ કામ કેમ બાકી છે. આ ઝાડુ અહિં કેમ પડ્યું છે ?” આમ કહી તેને વારંવાર ટોકીને હડધૂત કરે સરપંચને ત્યાં કોઈ નાનું બાળક મળે નહિ તેની બાળકી એકલી એકલી રમતાં થાકે એટલે અમારાં બાળકો સુનીલ અને સુધા જોડે રમવા આવે.

(૪) અમારી આજુબાજુ પણ તેમના સમોવડિયા કોઈ બાળકો મળે નહિં તેથી તેમને પણ કુંતા જોડે સારું ફાવી ગયું હતું. નિર્દોષ નાદાન બાળકો જાતીવાદ કે ઊંચનિચના ભેદથી અજ્ઞાન હોય છે આ જ્ઞાન તેમને શીખવાડી આપણે વિશ્ર્વને સાંકડું બનાવી દીધું છે !

કુંતી શરીરે શ્યામ, પરન્તુ તેની શ્યામ ચામડી કોમળ, સ્નીગ્ધ અને ચમકતી. સુંદર કાળા ભમ્મર વાળ. નાક નક્શો, અને ચમકતી કાળી આંખો સાથે ઘાટીલા મુખારવિંદમાં સફેદ ચમકતી દંતાવલી. હરિણી શી ચંચળતા અને સદા હસમુખી. સ્વર પણ રૂપાની ઘંટડી જેવો મીઠો અને મધુર. તેની બાળસુલભ અદાઓથી તેણે અમારૂં મન મોહી લીધું હતું. તેનાં આવાં લાવણ્યમયી અનન્ય અને અજોડ રૂપમાં અમને બાળ કૃષ્ણનાં દર્શન થતાં. આથી અમે તેનું નામ અનન્યા, (અનન્ય, અજોડ, જેની જોડ ન જડે તેવું.) રાખ્યું હતું, અને તે નામની સરળતાથી અમે તેને અન્યા કહેતા.

દેવકીનું "ડેગ્યુ" તાવમાં મૃત્યુ થવાથી તે એકલી અને નોંધાર થઈ ગઈ હતી. તેને અમે દીકરી તરીકે ઘેર લાવ્યાં અને કુટુંબના સભ્ય તરીકે ઉછેર કર્યો. તેની  ચપળતા અને  સ્ફુર્તીથી ઘર - કામમાં ફેરફુદરડી માફક ફરી વળતી. ઘરકામમાં અને રસોઈમાં તે સ્મીતાને મદદ કરતી સ્મીતાને હવે ઉંમરનો થાક વર્તાતો હતો. આથી તે તેની હાથ લાકડી બની રહી નિવૃતિ વય મર્યાદા નજીક આવતી હતી. સુનીલ અને સુધા અભ્યાસ અર્થે વડોદરા ગયા હતા. અનન્યાને પણ તેના દુરના સગા અમદાવાદના કોઈ મીલ કામદાર સાથે લગ્નનું નક્કી કરી આવી લઈ ગયા.

વિદાય વેળાએ તે એટલું રડી કે અમે ચારે જણા પણ અમારી જાત પર કાબુ રાખી શક્યા નહીં અને અમારી લાગણીઓના ઘોડાપુર ઉમટી પડ્યા. એક વહાલ સોઈ દીકરીથી છુટા પડવાનું દુ;ખ અસહ્ય હતું. આખરે "कन्या परकिय धनम्‌...." ન્યાયે વિદાય આપી. તેના લગ્નનો સઘળો ખર્ચ કપડાં લત્તાં દર દાગીનો અને જમણવાર સુધીનો સઘળો ખર્ચ અમારી દીકરી તરીકે અમે ઉપાડી લીધો. જતાં જતાં તે તેના અમદાવાદ તેના ઘેર આવવાનું આમંત્રણ આપી ઘરનું સરનામું આપતી ગઈ. 

સર્વિસમાંથી નિવૃત થઈ અમે હવે વડોદરા સ્થિર થયા હતાં. સુનીલ અને તેની પત્ની કોંપ્યુટર એન્જીનીયર થઈ ઊંચા પગારે વિદેશી કંપનીમાં બેંગ્લોર સ્થિર થયા હતાં. સુધા પણ એમ.બી.બી.એસ. થઈ હતી અને તે શહેરની હોસ્પીટલમાં (એપ્રેન્ટીસશીપ) હાઉસમેન શીપ કરતી હતી અમે તેના માટે યુવકની શોધમાં હતાં. 

એક સ્નેહિ તરફથી એક યુવક, સુધાકર અંગે માહિતી મળતાં અમે તેને મળવા અમદાવાદ જવાનું નક્કી કર્યું. સ્નેહિને પત્ર લખી અમારા આગમનની જાણ કરી દીધી હતી. નિશ્ચિત સમયે અમે અમદાવાદ ગયા.બીજે દિવસે સુધાકરને મળવા તેને ઘેર ગયા. સુધાકર દેખાવડો અને પ્રભાવશાળી ડોક્ટર હતો.તેણે તાજી જ પ્રેક્ટીસ શરૂ કરી હતી.તેના પીતા ડોક્ટર અને માતા ગાયનેકોલોજીસ્ટ હતા.પોતાની ધીકતી પ્રેક્ટીસ સુધાકરને સોંપી નિવૃતીની તૈયારીમાં હતા. તેઓ દીકરા માટે કોઇ ડોક્ટર યુવતીની શોધમાં જ હતા.

વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે મારા પીતા નડીયાદમાં તેમની બદલી દરમ્યાન દિવાળી પોળમાં તેમના મકાનમાં ભાડે રહેતા હતા.આમ જુના સંબંધોના સંસ્મરણો તાજા થયા. સુધા અને સુધાકરે એક બીજાની પસંદગી જાહેર કરી.સોનામાં સુગંધ મળી અને અમે નિશ્ચિંત થયા.

બીજે દિવસે અનન્યાનું 'આનંદ નગર'નું સરનામું લઈ તેને ઘેર ગોમતીપુર ગયા. તે એક મીલની ચાલી હતી. ચાલીમાં તેની આજુબાજુ તેના જેવા મીલ કામદારોની વસ્તી હતી. વાતાવરણમાં નિસ્તેજતા જણાઈ આવતી હતી. અનન્યાનો પતિ મગન એક સામાન્ય મીલ કામદાર હતો. મીલો બંધ થવાથી તે થોડો વખત બેકાર હતો. બેકારીના લક્ષણો દારૂ અને જુગારની લત તેને પણ વળગી હતી. હાલમાં તે બેન્કની લૉન લઈ રીક્ષા ફેરવતો હતો.

તેના જેવા અમે તેના ઘેર ગયા ત્યારે તેને આંગણે જાણે પ્રભુ પધાર્યા જેવી ખુશી તેના મોંઢા ઉપર દેખાઈ રહી. અમારા સ્વાગત માટે તે આજુબાજુમાંથી ખુરશી લાવી અમને બેસાડ્યાં. તેના મોંઢા પર હાસ્ય હતું પણ તેનું હ્રદય રડતું હતું. એક સ્ત્રી જ સ્ત્રીનું હ્રદય વાંચી અને સમજી શકે છે.

ઘરના અંદરના એક ખૂણામાંથી કોઈ વૃધ્ધના ખાંસવાનો અવાજ આવતો હતો તો બીજી બાજુ કોઈ વૃધ્ધા ધીમું ધીમું કૈંક બબડતી હતી. વૃધ્ધ તેના સસરા અને વૃધ્ધા તેની સાસુ હતા તેનો વર રીક્ષા લઈ બહાર ગયો હતો, સ્મીતાએ તેને પાસે બોલાવી તેના સંસારની વાતો જાણી. મોંઘવારીમાં તે ઘરનું માંડમાંડ પુરૂ કરતી. સારી કમાણી થઈ હોય તો મગન ખુશ થતો ઘેર આવે અને જ્યારે કમાણી ઓછી હોય ત્યારે સારી પેઠે ઢીંચીને આવે અને બધો ગુસ્સો, ગાળી ગલોચ સાથે તાડનની પ્રસાદી તે અનન્યાને આપે.તે બીચારી મુંગે મોંઢે સહન કરે સ્મીતા અને અનન્યાની વાતો સાંભળી સુધાનો ગુસ્સો કાબુમાં ના રહ્યો તેણે કહ્યું, "અન્યા આટઆટલું સહન કરવા છતાં ગાળ, ગલોચ અને ઉપરથી માર સહન કરવાનો ?

"અન્યા, હવે તો મારા લગ્ન નક્કી થયાં છે તું મારે ત્યાં આવી જા. હું તને મારી હૉસ્પીટલમાં સારી રીતે રાખીશ, ત્યાં તારે આવો ત્રાસ સહન કરવો નહિં પડે."સારી રીતે રાખીશ હોસ્પીટલની નોકરી દરમ્યાન તને પગાર પણ મળશે સાથોસાથ દર્દીઓની સેવાનું પુણ્ય પણ મળશે. આમ એક સાથે બે લાભ મળશે." સ્મીતાએ ટાપસી પુરાવતાં કહ્યું.

અનન્યાએ તેનો શાન્તીથી જવાબ આપ્યો. "મમ્મી તમારી વાત તદ્દન સાચીપણ હું આવું તો મારો આ ત્રાસ જરૂર દુર થાય પણ આ મારા વૃધ્ધ સાસુસસરાનું શું થાય  તેઓને કોને સહારે છોડીને આવું ?  હું ત્યાં પારકા દર્દીની સેવા કરૂં તેના કરતાં મારા પોતાનાં ધણી અને તેના વૃધ્ધ અને લાચાર મા-બાપ ની સેવા કરૂં તો શું ખોટું ?"

સુનીલ અને સુધાની સાથે તે સ્મીતાને પણ મમ્મી નું સંબોધન કરતી. “ અને મમ્મી સેવાના તે પૈસા લેવાતા હશે ? પૈસા લઈને સેવા કરવી તે સેવા ન કહેવાય, તે તો નોકરી ગણાય.સેવાનુ પૂણ્ય જોઈતું હોયતો વગર પૈસે ચાકરી કરવી પડે અને તોજ તેનું પૂણ્ય મળે.”

"પણ તારો વર દારૂ પીને તને માર ઝૂડ કરે..”

"સુધા બહેન, અમને 'કૉકા-કૉલા' કે 'પેપ્સી' થોડા પોસાય ? અમારા આદીવાસી સમાજમાં દારૂ તો રોજનું પીણું છે. તે દારૂ પીને આવ્યો હોય ત્યારે આપણો માણસ થોડો ગુસ્સો આપણા પર ઉતારે તેમાં શું થયું ? ગુસ્સો ઉતરે એટલે તે પણ શાંત અને આપણે પણ શાંત. રાત ગઈ બાત ગઈ સવારે બધું ભુલી જવાનું. તમારા ઊંચા સમાજમાં મેણાંટોણાં સાંભળી આખા જીવનભર ઝૂરીઝૂરી મરવા કરતાં પોતાના ધણીનો માર ખાઈ મરવું શું ખોટું ?

અનન્યાનો જવાબ અમે સૌ સાંભળી આશ્ર્ચર્યથી તેને જોઈ રહ્યા. દીકરી તું ખરેખર અનન્ય અને અજોડ છે. તેં નામને સાર્થક કરી  જીવી જાણ્યું. મને તેનો આ જવાબ સાંભળી પૂર્ણ સંતોષ થયો. કે ખરેખર મેં તેને યોગ્ય જ નામાર્પણ કર્યું છે !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati story from Inspirational