બધા લઈ ગયા હું રહી ગયો
બધા લઈ ગયા હું રહી ગયો
ફોમો’ (ફીઅર ઑફ મિસિંગ આઉટ). ‘બધા લઈ ગયા ને હું રહી ગયો’ જેવી આ મનઃસ્થિતિ નવી નથી, પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ કે ઍપ્સે એને વેગ આપ્યો છે. જેમ કે, ફેસબુક, ઈન્સ્ટ્રાગામ, ટ્વીટર,ટેલિગ્રામ, જેવી અનેક એપ્લીકેશનનો ઉપયોગ યુવાનથી માંડીને સીનીયર સીટીઝન સુધીની મોટાભાગની વ્યક્તિઓ ઉપયોગ કરતી થઈ ગયેલ છે. એમ કહીએ તો પણ ચાલી શકે કે આ શોખની લત એવી લાગી છે કે પથારીમાંથી ઊઠતાં પહેલાં અને સુતા પહેલાં તમામ એપની અપડેટ જોવાનું ભૂલતો નથી. સવારે તો પથારીમાંથી આંખ ઉઘાડતાં જોઈ લે છે અને તેના મિત્રોએ કાલે રાતે આઈસક્રીમ ખાવા ગયા હતા એના ફોટા મૂક્યા છે. જુએ ત્યાં તો મિત્રો મને લીધા વગર જતા રહ્યા ! બસ એની સવાર જ હું એમાં કેમ નથી, મને કહ્યા અને લીધા વગર જ બધા ગયા… તરત એ આ પ્રકારના અનેક પ્રકારના વિચારના વમળમાં અટવાઈ જાય છેઃ ‘આ લોકોએ જાહેર રજાના બરાબર જલસા કર્યા. મને ન બોલાવ્યો. હું જાણું ને, પેલો જ ખરાબ જ છે. બધાએ કહ્યું હશે આપણે આને બોલાવીએ, પણ તે દીનેશીયાએ જ પેલા બધાને જ ના પાડી હશે.’
આવું બધું વિચારીને સવારથી જ તેનો દિવસ ડિસ્ટર્બ થઈ જતા તમારી આસપાસ પણ હશે. આ તબકકે આપને મારુ એ જ સૂચન કરવાનું મન થાય કે, આ પ્રકારની કે જેને બિલકુલ સામાન્ય બાબત ગણીએ તો ચાલે આવી બાબતમાં મૂંઝાઈ શેના જાઓ છો એ લોકોએ ન બોલાવ્યા તો સરસ. તમે શા માટે નેગેટિવ વિચારો છો. તમે એમ વિચારો કે એ લોકો એ લોકો છે હું હું છું. બહુ લાગી આવે તો તમે પરિવાર સાથે રજાની મજા કેમ ન માણીએ. આપણે એના ફોટા મૂકો અને લખો ‘મમ્મી-પપ્પા-દાદા-દાદી સાથે ખીચડી-કઢી-છાશની મજા.’ કાઉન્સેલરોએ આને માટે શબ્દપ્રયોગ બનાવ્યો છેઃ જોમો (જૉય ઑફ મિસિંગ આઉટ) એટલે કે રહી ગયાનો આનંદ અથવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સથી ડિસ્કનેક્ટ થઈ જવાની મજા, જે ફોમોથી સાવ વિરોધી છે.
બાકી સોશિયલ મિડિયા પરની પંચાતથી, પોસ્ટથી, કોઈના ફોટા, લાઈક્સ, કમેન્ટ્સની સંખ્યાથી તમારે શું કામ અપસેટ થવું જોઈએ ? તમારો મૂડ શું કામ ખરાબ કરવો જોઈએ ? બીજાના હાથમાં આ હદે રિમોટ કન્ટ્રોલ આપી દેવાય જ નહીં. આને લીધે તમે પરિવારને પણ સમય આપી શકતા નથી, કંઈ નક્કર, સર્જનાત્મક કાર્ય કરી શકતા નથી. ડિપ્રેશન અને સ્વભાવપરિવર્તન અને એ બધી વાત તો અલગ.
આ બધી બાબતોમાં ૨૦૦૦માં કે તે પછી જન્મેલા અને મિલેનિયલ તરીકે ઓળખાતી પેઢીની વાત જ નિરાળી. આ લોકો નવીનવાઈની સમસ્યાથી પીડાય છે અને એમને ઊંઘની ટીકડીઓ ગળવી પડે છે. જેમ કે ‘ટેક્સ્ટાફ્રેનિયા.’ એટલે કે સતત મોબાઈલની રિંગ વાગ્યાનો કે ન વાગ્યાનો ભાસ થયા કરવો. ‘ટેક્સ્ટ એન્ક્ઝાઈટી,’ એટલે કે ખાસ્સી પંદર મિનિટ થઈ ગઈ, પણ મોબાઈલની રિંગ ન વાગી નોટિફિકેશનના રણકાર સંભળાયા નહીં ? આમ કેમ ? મારા મેસેજનો જવાબ કેમ નથી ? એક ‘ફૅડ’ (એફએડી) છે અર્થાત્ ફેસબુક એડિક્શન મેનિયા. દિવસમાં પાંચથી વધુ વખત ફેસબુક ખોલો છો એનો અર્થ તમે ‘ફૅડ’થી પીડાઓ છો. તમારે એક્સપર્ટની મદદની જરૂર છે.
માનસશાસ્ત્રીઓ કેટલાક ઉપાય સૂચવે છે. જેમ કે, જે નથી એનું દુઃખ નહીં, પણ છે એનો આનંદ મનાવો, સારાં પુસ્તક વાંચો, સારી પ્રવૃત્તિમાં મન પરોવો. ફેસબુકના આભાસી મિત્રોને બદલે સાદ પાડો ને પડખે ઊભા રહે એવા સાચા મિત્રો બનાવો. એક અભ્યાસમાં એવી પણ ખબર પડી કે ઋણસ્વીકાર પણ ‘ફોમો’થી બચવાનો એક સારો ઉપાય છે. મતલબ કોઈ સારી ચીજનાં, કોઈનાં સારાં કામનાં વખાણ કરો. આમ કરવાથી મૂડ બની જાય છે, જુસ્સો વધી જાય છે. ટ્રાય કરી જોજો. આટલું કરશો તો ક્યારેય ફોમો-બોમોની જાળમાં નહીં ફસાઓ કે ડિપ્રેશનની ખાઈમાં ધકેલાઈ નહીં જાઓ.
