અપરિચિત
અપરિચિત
ઉઘડતી બપોરે એક હાથમાં કૉફીનો મગ પકડતાં અને બીજા હાથથી મેજ પર પડેલા ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’નાં પાનાં ઉથલાવતાં મારી નજર એક જાણીતા ચહેરાને ટાંકતા સમાચાર પર પડી. ‘બેસ્ટ સિંગર ઓફ ધી યર-મી. આકાશ માથુર’
કૉફીમગ મૂકતા મેં ઉત્સુકતાથી પેપર હાથમાં લીધું ને એકાએક બાંદ્રા સ્ટેશન, સાંજ, ને એ નજર. બધું આંખો સામે તરવરી ઉઠ્યું. તો એનું નામ આકાશ હતું! મારો અતીત સ્મૃતિઓના પડ ખંખેરતો આંખોમાં જીવંત થઈ ઉઠ્યો.
છેલ્લા છ વર્ષથી હું મારી મિત્ર હીનાની સાથે સવારે નવ વાગે અંધેરીથી બાંદ્રા એકાઉન્ટ ફર્મમાં નોકરી માટે નીકળતી અને સાંજે પરત અંધેરી જવા અમે દોડતા હાંફતા ટ્રેન પકડતાં. તે દિવસે પણ અમે નિશ્ચિત ટ્રેનના નિશ્ચિત ડબ્બામાં અનિશ્ચિત જગ્યા પર સ્થાન લીધું. રજા કે તહેવાર સિવાય આ ક્રમ સમાન જ રહેતો. લેડીઝ કોચમાં સ્ત્રીઓની વધુ ભીડ ને અવાજ રહેતા હોવાથી અમે જનરલ ડબ્બામાં જ બેસવાનો આગ્રહ રાખતાં.
‘એષા, કાલે વેલેન્ટાઈન ડે છે.. શું પ્લાન છે તારો?’ હીનાએ મને પૂછ્યું.
‘તને ખબર તો છે.. શું કામ જલાવવા માટે પૂછે છે?!’ મારો અતડો જવાબ સાંભળી હીના ચૂપ થઈ ગઈ. વિષય બદલવા મેં હીનાને પૂછ્યું, ‘તું તો રોનક સાથે જવાની ને..?’ ‘ઓફ કોર્સ.. રાત્રે 'લવ-બાયટસ'માં ડીનર, પછી લોંગ ડ્રાઈવ ને મધરાતે બેડરૂમમાં મસ્ત હનીમૂન..’ કાજલઘેરી આંખો સાથે તેનો આખો ચહેરો હસી પડ્યો.
પણ અમારું ટોળું અંદરોઅંદર મારા વિશે ધીમી વાતો કરવા લાગ્યું હતું. મેં ત્યાં ધ્યાન ન આપ્યું. આ તો દર વર્ષે થતું હતું. દર વર્ષે ફ્રેન્ડશીપ ડે આવે કે વેલેન્ટાઇન ડે આવે.. મને ઓળખતા લોકોના પ્રશ્નો એના એ જ રહેતા.. ‘એષા, શું પ્લાન છે આજનો? કોઈ મળ્યું..?’ ને હું નકારમાં માથું હલાવી પ્રશ્ન પૂછનારની નજરથી ગુસ્સાસહ હટી જતી.
મને કોઈ શું કામ પોતાની વેલેન્ટાઇન બનાવે? ને એમાંયે મુંબઈ જેવા શહેરમાં તો..! મેં નિઃશ્વાસ નાખ્યો. ન મારો રંગ ઉજળો હતો, ન આકર્ષી શકે એવો દેખાવ, કે ન એટલું બેંક બેલેન્સ. ને હવે તો કોઈની પ્રેમિકા બનવાની ઉંમર પણ હું વટાવી ચૂકી હતી.
વિચારોમાં મારી નજર અચાનક સામેની સીટમાં બેઠેલા એક યુવાન છોકરા પર પડી. સહેજ શ્યામ પણ આકર્ષક દેહ સૌષ્ઠવ ધરાવતો એ છોકરો મારી તરફ જ જોઈ રહ્યો હતો. એની આંખો દરિયામાં ઉઠતા તોફાન જેવી પણ સહેજ ઉદાસ હતી. મને લાગ્યું વધુ સમય હું એની આંખોમાં જોઈશ તો એ આંખોના દરિયામાં હું ડૂબી જઈશ. મેં નજર ફેરવી લીધી. એણે પણ સહેજ અચકાતાં નજર ફેરવી લીધી. સ્ટોપ આવતા મેં ત્રાંસી આંખે એની તરફ જોઈ લીધું.
બીજા દિવસે ગુલાબના ફૂલો અને રંગબેરંગી ફૂલોના ગુચ્છાઓ વેચતા ફેરિયાઓ ટ્રેનમાં પણ જાણે પ્રેમનો દિવસ યાદ કરાવતાં હતાં. એમની સુગંધ અને તાજગી જોઈને મને ફૂલ ખરીદવાનું મન થયું. ગુલાબ, સૂર્યમુખી, ટ્યુલીપ ફૂલનો એક સરસ ગુચ્છો મેં ખરીદ્યો ને ઓફીસ જઈને મારી ડેસ્ક પર મૂકી દીધો. મનમાં ખુશ થઈ કે આજે આ ફૂલો જોઈને સ્ટાફને લાગશે કે મને કોઈ મળી ગયું છે. ને ખરેખર એવું જ થયું..! ફૂલોની ખુશ્બુએ મારો દિવસ પણ સુગંધી બનાવી દીધો. મારો દેખાવ તો એ જ હતો, વસ્ત્રો પણ રોજ જેવા જ હતાં, વાળની સ્ટાઈલ પણ સામાન્ય હતી. છતાં રોજ કરતાં આજે બધાનું મારા તરફનું વર્તન સારું હતું.
યુવાન કર્મચારીઓએ મને હસતાં હસતાં ‘હેપી વેલેન્ટાઇન ડે’ કહેતા ને હું મનમાં ને મનમાં મારી જાત પર પોરસાતી.
ઘણા સમય બાદ પહેલી વાર વેલેન્ટાઈન ડે પર હું નિરાશ નહોતી.
તે દિવસે ટ્રેનમાં ફરી કાલે જોયેલા છોકરા પર મારી નજર પડી. આજે પણ એ મારી તરફ જ જોઈ રહ્યો હતો. અમારી નજર મળતાં એના ચહેરા પર એક અલગ હાસ્યની નાની રેખા દોરાઈ, પણ આંખો અને ચહેરો એવો જ હાસ્ય વિહોળો ઉદાસ હતો. તે એ રીતે મારી સામે જોઈ રહ્યો હતો જાણે મારે અને એને કોઈ સંબંધ હોય..! મેં તેને મંદ સ્મિત આપ્યું. ને બારી બહાર જોવા લાગી.
સુતી વખતે એ છોકરો, એની તોફાની આંખો ને અકળ સ્મિત મારા વિચારોમાં રમી રહ્યા. કોણ હશે એ? શું નામ હશે એનું? મને પસંદ કરતો હશે..! ને તરત જ એ છેલ્લો વિચાર આવતાં હું ખુદ પર હસતાં સૂઈ ગઈ.
બીજા દિવસે સાંજે પણ એ જ ટ્રેન, એ જ ડબ્બો, એ જ ચહેરો, ને એ જ અપરીચિત સ્મિતની આપ-લે.. ચાલીસ મિનીટના એ સફરમાં મેં એને નહોતો ફોનમાં મશગુલ જોયો કે ના કોઈ સાથે વાત કરતો જોયો. એક બાવીસ-ત્રેવીસ વર્ષનો યુવાન છોકરો આટલો અંતર્મુખી કઈ રીતે હોય શકે..!
છતાં એ અપરિચિત યુવાન છોકરાનું મારી તરફ આ રીતે જોવું, સ્મિત આપવું મને સહજ ગમવા લાગ્યું. સ્ટોપ આવે એટલા સમયમાં તો મારી નજર હવે પાંચ-છ વાર એને ચોરીથી જોઈ લેતી. એક વાર તો હીનાએ મને ટકોરી, ‘હેય એષા, ત્યાં વારંવાર શું જોયા કરે છે?’ ને હું ‘કંઈ નહીં અમસ્તું..’ કહીને ટાળી દેતી. ખબર નહીં પણ કેમ, એના વિશે કોઈને કહેવું મને ગમ્યું નહીં.
એવો ભાસ થતો જાણે હું એના વિશે કોઈને કહીશ તો આ અદ્રશ્ય, અપરિચિત રોમાંચક ક્ષણો પૂરી થઈ જશે. ને બધું પહેલાની જેમ સામાન્ય, રૂટીન થઈ જશે.
ઘણા દિવસ સુધી અમારો પરિચય સ્મિતની આપ-લે પર ટક્યો. હવે એની આંખોમાં ઉદાસી નહોતી વંચાતી, એના સ્મિતની રેખા સહેજ લાંબી થઈ હતી. અમારી વચ્ચે કંઈક મૌન સંવાદ થતો. મને એના વિશે વધુ જાણવાની જીજ્ઞાશા થતી પણ એ મારા વિશે કેવું વિચારશે એ ડરથી એની નજીક જવાનો વિચાર હું ટાળી દેતી.
સવારે તૈયાર થતી વખતે હવે હું અરીસાને વધુ સમય આપતી. નવી હેર સ્ટાઈલ કરતી કે નવી ફેશનના કપડાં ટ્રાય કરતી. મારામાં આવેલા આ બદલાવથી મારા સહીત આખો સ્ટાફ અચંબિત હતો. બધું જ સહજ રોજ જેવું જ હતું ને છતાં રોજ એને જોતાં જ મારામાં કંઇક નવું સંવેદન ઉગી નીકળતું. હું ખુશ હતી, કે એક યુવાન છોકરો એની દુનિયામાં જાણ્યે-અજાણ્યે મને સ્થાન આપતો હતો. ડબ્બામાં એની હાજરીથી આખા દિવસનો થાક જાણે ગાયબ થઈ જતો.
જાતને અરીસામાં વધુ સમય જોવાથી ધીમે-ધીમે મને મારા જ અંગોની ન જોયેલી વાતો જાણવા મળી. મારી આંખો કત્થઈ, નમણી હતી. કદ નાનું હતું, છતાં બાંધો પ્રમાણસર હતો. ત્રીસી વટાવી હોવા છતાં મારા ચહેરા પર ક્યાંય કરચલી નહોતી. મારી ઉંમરની બાકી સ્ત્રીઓ જેવી હું ઠરેલ નહોતી, હજુ પણ હું વીસ વર્ષની છોકરીને આવે એવા વિચાર કરી શકતી હતી અને એ રીતે જીવી પણ શકતી હતી.
હું જીભ, આંખો કે મોંથી અવનવા નખરાં કરતી તો અરીસામાં એક અલગ જ એષા ઉપસી આવતી. મોટી બહેન સુજાતા જેવી હું ઉંચી, ગોરી નહોતી. પણ એ છોકરાની દ્રષ્ટિ અને અરીસામાં ખુદના અવલોકનથી મને સમજાયું કે હું એટલી પણ કદરૂપી નહોતી, મારા દેહમાં એક લાવણ્ય હતું. મારી સામાન્ય જિંદગી હવે મને અલગ અને રોમાંચક લાગવા લાગી હતી.
પણ એક દિવસ એ નજર, એ સ્મિત અદ્રશ્ય હતું. એ રોજ જ્યાં બેસતો ત્યાં મારી આંખો સ્થિર થઈ ગઈ. અમારી વચ્ચે માત્ર સ્મિત અને આંખોનો પરિચય હતો છતાં મને એવું લાગતું હતું કે હું એના વિશે બધું જ જાણું છું, પણ સચ્ચાઈ એ હતી કે મને એનું નામ સુદ્ધાં ખબર નહોતી. એક મહિનામાં એની સાથે બંધાયેલા આ સેતુને શું નામ આપવું એ અસમંજસમાં હું એની દરિયા સમાન આંખો જોવા બેબાકળી બની રહી. પણ એ ક્યારેય ન દેખાયો. પ્લેટફોર્મ, બધા ડબ્બાઓ, સ્ટોલ બધે જ હું એને જોવા માટે ફરી વળી. પણ એ ક્યારેય જોવા ન મળ્યો. હવે હું ઉદાસ ચહેરે એની જગ્યાને તાકી રહેતી.
મારા જીવનમાં ફરી બધું પહેલા જેવું રૂટીન બની ગયું હતું. માત્ર એણે મારા મન પર છોડેલી છાપને મારી ખુદ પ્રત્યે જોવાની બદલાયેલી દ્રષ્ટિના બદલાઈ. મારા સ્વભાવ અને પરિધાનમાં આવેલા બદલાવને મેં એની એક સ્મૃતિ તરીકે આજ સુધી જાળવી રાખ્યા. વર્ષો વિતતા ગયાં, ને મારા અસ્તિત્વ સાથે એકાકી જીવન જીવીને એ સમયને, એ અપરિચિતની યાદને મેં આવનારી દરેક ક્ષણમાં ભરી દીધી.
આજે ઉઘડતા ઘડપણના દ્વાર પર હું ઊભી છું અને મારા હાથમાં એનું નામ. એનાં હોવાનું સરનામું છે. શું એ મને યાદ કરતો હશે? વીતેલા સમય પર જામેલો બરફ ઓગાળીને શું એ અપરિચિત સાથે હું પરિચિત બની શકીશ?!

