અંતરની વાતો
અંતરની વાતો
ડિયર જિંદગી
મારે એને કૈક કહેવું છે ! એ સાંભળતી તો હશે ને ?
દિન, મહિના કરતાં વર્ષ વિત્યું, જાણે બધું જ પત્યું.
મને મળવા અધીરી રહેતી, મારો અનલિમિટેડ ટાઈમ જેને જોતો'તો. આપ્યો પૂરો એક વર્ષનો વનવાસ, બ્લોક થઈને.
હું એની રાહ જોતાં તો શીખી ગયો, બસ એ પરત આવવાનું ભૂલી ગઈ.
કહે છે મને ભૂલી જા, આવું યાદ કરાવવા આવે પાછી રોજ. સવારની તાજગી બનીને આવે તો સાંજે જાણે કરતી સ્નેહ સંધ્યા. રાતભર રાતરાણી જેમ મારી ભીતર મહેકતી રહે ને પાછી ઝાકળની જેમ ભીંજવતી, અષાઢી મેહુલાની જેમ થતી ઓળઘોળ. હૈયે વાસંતી વાયરો ફૂંકે ને, બળબળતી બપોરે મારાં હયડામાં ફેલાવે ફાગણ.
એની કોમળ આંગળીઓથી મારી હથેળીમાં હસ્તાક્ષર કરેલાં, ભૂલી ગઈ હશે ? તેનાં શરીર પર મારી આંગળીનાં ટેરવાયે કરેલા ચિતરામણનું શું થયું હશે ? કહેતી મને, તે મારાં હૃદય પર રંગોળી કરી છે. મારે ફરી એ રંગોળી જોવી છે. તેણે તેનાં ભાલમાં મારો ભરોસો ભરી આલિંગનમાં લીધો હતો. કપાળમાં કરેલાં પહેલાં ચુંબનને હજુયે ચાહતી હશે ને ?
તારી જ તો ઈચ્છા હતી આત્મસાત કરું તને. નખશિખ નિહાળું. તારી બોલકી આંખો હોય, લાંબા કેશ હોય કે ગાલના ખંજન બધું જ સમર્પિત હતું. મારે પૂછવું છે એને: સુંવાળા લિસ્સા વાળમાં મારી આંગળીઓની છાપ હજુયે જોઈ શકતી હશે ? એ કંપતા હોંઠ ને ઊંડી નમણી નાભિ મારાં સ્પર્શનાં સ્પંદનથી નવપલ્લવિત થઈ ઉઠતી. આજે અંતરને ઓરડે ખાલીપો સર્જાયો, જાણે પાનખરે પાંખો ફેલાવી.
પ્રેમ કરવા માટે પૃથ્વીથી વધારે સારી જગ્યા કઈ ? બધું જ છે. બસ, જે હોવું જોઈએ તે જ નથી.
જાણું છું કે એ મારી નથી નિયતિ, નથી પ્રેયસી; છતાંયે અભિસારીકાની જેમ રાહ જોઉં છું. નિર્દોષ, નિખાલસ વ્યક્તિત્વની સ્વામિનીનો સુખનો સાથીદાર બનવાનાં સ્વપ્ન જોતો, સદાય એની વાટ નિરખતો...
ડિયર જિંદગી, આઈ મિસ યુ, આઈ ફિલ યુ.
આઈ લવ યુ કહું એ તો તને જ ગમતું નથી, મને તારાં વીનાં ગમતું નથી. કોઈ પોતાની જિંદગીથી દૂર કેવી રીતે રહી શકે ? છતાંય કોઈ ભાળ પણ મળતી નથી જિંદગીની.
તું સાચું માનીશ ?
હું તને મારું પોતાનું અંગત માનું છું એ ? અંગતની જ સંગત છૂટી ગઈ. ક્યારેક સપનાની પંગત પડતી મારે હૈયે. ખેર..કૈક સપના તે જાતે જ તોડી દીધાં ને કૈક મેં જોવાનાં છોડી દીધા.
સમયને પેલે પાર, દૂર ક્ષિતિજ સુધી માત્ર તું અને તું જ છે. મારાં મનોભાવોની અભિવ્યક્તિ, ઈશ્વર પ્રત્યેની ભક્તિ કે સ્વયં શક્તિ છે તું. ભૂલવાની વાત કોણ કરે ? જ્યાં શ્વાસમાં તું વણાયેલી હોય !
વણ વપરાયેલા મારાં દિવાસ્વપ્નોને સાચા ઠેરવવા, ઓચિંતી જ નથી આવતી મારાં સ્વપ્નમાં; રમમાણ હોય છે મારાં લોહીમાં. તનમાં, મનમાં, મારાં સમગ્ર જહનમાં એમ જ નથી કરતો તને સહન; તું છાતીફાટ સ્ફૂરે છે મારા વ્યોમમાં !
મારે એટલું જ કહેવું છે: મને ચાહવા બદલ એ ખુશ તો હશે ને ? સાંભળતી તો હશે ને ?

